April 30th 2021

ઈશ્વર!!

કારણ પણ માંગે છે ઈશ્વર,
મારગ દેખાડે છે ઈશ્વર!

આપે તો છ્પ્પર ફાડીને,
પળમાં સંતાડે છે ઈશ્વર!

ડરથી મરતા કોરોનામાં,
દૈવતથી તારે છે ઈશ્વર!

છે જંગ અણદીઠાં ઘાતકનો
હિંમત તો આપે છે ઈશ્વર!

પડદો રંગમંચનો સંભાળે,
નાટક ભજવાવે છે ઈશ્વર!

સોંપ્યું હૈયું પરમાત્માને,
જીવન દીપાવે છે ઈશ્વર

ને ચરણે ઝૂકાવો મસ્તક,
પથદર્શક ભાસે છે ઈશ્વર!!

શૈલા મુન્શા તા ૨૯ એપ્રીલ ૨૦૨૧

April 5th 2021

કામના છે!


આંખનાં ઊંડાણમાં, ભીના મરમની કામના છે;
રણ વચાળે ઝાંઝવા, વ્હેતા ઝરણની કામના છે!

હાથની સીધી લકીરે, અટપટું તકદીર દીસે;
ના કદી જગ પર ભરોસો, બસ પરમની કામના છે!

ક્રૂરતાની હદ વળોટી થાય દાનવ ખેરખાંઓ,
મા ભવાની સમ હણે દુશ્મન, ધરમની કામના છે!

ભેદભાવોની જૂની સીમા, ડસે નાગણ સરીખી;
માણસાઈ એ જ સર્વોત્તમ, ચરમની કામના છે!

પીઠ પાછળ ખોંપે ખંજર, ઘાવ આપે સૌ નિકટના;
આપે કોઈ સાથ, અણધાર્યાં મલમની કામના છે!

શૈલા મુન્શા તા. એપ્રિલ ૦૫/૨

March 14th 2021

સમજદારી જરૂરી છે!

ખરી પડવું સહજતાથી, સમજદારી જરૂરી છે;
ફરી ઉગવું સફળતાથી, સમજદારી જરૂરી છે!

ન ધારો, કે ધરે કોઈ સજાવી થાળ રંગોનો;
કદી દૂરી વિફળતાથી, સમજદારી જરૂરી છે!

અજાણ્યા રાખે જો સંબંધ, ભરોસો ના તરત રાખો;
પરાયાની નિકટતાથી, સમજદારી જરુરી છે!

નજરઅંદાજ લોકો તો કરે, આદત એ ના છૂટે;
જિવનરુપી સરળતાથી, સમજદારી જરુરી છે!!

નથી રાધા કે મીરા બસ દિવાની વાંસળી નાદે,
ભરમની એ ગહનતાથી, સમજદારી જરુરી છે!!

શૈલા મુન્શા તા.૧૩ માર્ચ ૨૦૨૧

February 14th 2021

જુગલબંધી!!

સુગંધી વાયરા સાથે જુગલબંધી કરી છે મેં,
મુલાયમ મોગરા સાથે જુગલબંધી કરી છે મેં!

મુસીબત આવતી ઝીલી, ભરોસો જાત નો રાખી;
કરમના દાયરા સાથે જુગલબંધી કરી છે મેં!

કરી ના હાર ની પરવા પડે ના દાવ ચોસઠના,
રમતના મોહરા સાથે જુગલબંધી કરી છે મેં!

બતાવે પીઠ કાયર, છોડતાં રણ મોં છુપાવીને,
રણાંગણ મોખરા સાથે જુગલબંધી કરી છે મેં!

કઠણ છે છોડવું આંગણ, વિતાવી જિંદગી આખી,
પિયરના ઊંબરા સાથે જુગલબંધી કરી છે મેં!

શૈલા મુન્શા તા. ફેબ્રુઆરી ૧૩/ ૨૦૨૧

February 6th 2021

ભિંજાય છે!

ધારીએ હરદમ ક્યાં એવું થાય છે,
ક્ષણમાં જ બાજી હાથથી જાય છે!

હરપળ નિરાશા શ્વાસ રુંધાવતી,
ભીતર છુપાઈ આહ, સમજાય છે!

આરસ નજારો તાજનો શોભતો,
પાયા મહીં તો પ્યાર ધરબાય છે!

, કોઈ સહારો મળશે ના ક્યાંયથી,
આશા ઠગારી તો ય, જોવાય છે!

કરતાં રહ્યાં જ્યાં જિંદગીભર દુર,
જાતાં જ સ્વજન, આંખ ભિંજાય છે!!

શૈલા મુન્શા તા. ફેબ્રુઆરી/૦૬/૨૦૨૧

January 19th 2021

નાખુદા!

ધુંધળી રાહે દિશા કળતી નથી,
રાત કાળી, રોશની જડતી નથી!

હર તરફ મોસમ ખુશી છલકાવતી,
બાગમાં કોઈ કળી હસતી નથી!

ક્યાંક કોયલ ગુંજતી મીઠા સુરો,
તો યે ગુંજન કાનમાં પડતી નથી!

માનવું ના માનવું તકદીર છે,
માંગવાથી એ લકીર ફરતી નથી!

શોધવી જાતે જ મંઝિલ નાખુદા,
હામ હો તો આપદા નડતી નથી!!

શૈલા મુન્શા તા.૦૧/૧૮/૨૦૨૧

November 26th 2020

અઢળક!!

ક્યાં માંગુ છું હું પ્રેમ અઢળક?
થોડો તો થોડો, જેમ અઢળક!

પાંપણની ભીનાશ તો કોરી,
બોલતી આંખો જ કેમ અઢળક?

દીઠાં છે શમણાઓ હરદમ,
પડ્યાં સાચા, વ્હેમ અઢળક!

માંગવી છે માફી ભૂલોની,
દૂઆની વરસે રે’મ અઢળક!

દર્દ રાખ્યું ભીતર છાનું,
ઝળહળતું બાહર હેમ અઢળક!

શૈલા મુન્શા તા.૨૪ નવેમ્બર ૨૦૨૦

October 25th 2020

જાણવું!!

હોય સગપણ, તો નિભાવી જાણવું,
ભેદ જો હો, તો છુપાવી જાણવું!

થાય પોતાના પરાયાં જો કદી,
રાખવી મોટપ, ભુલાવી જાણવું!

મંદિરોમાં દીપ ના ઝળહળ થતાં,
જ્યોત ભીતરની ઝગાવી જાણવું!

ને છે ઈશ્વર, ધારવી શ્રધ્ધા દિલે,
ત્યાગની ધૂણી ધખાવી જાણવું!!

કોણ જાણે આ ઘડી ટળશે કદી?
મન ખુશીથી તો રિઝાવી જાણવું!

જાગશે જ્વાળામુખી જો અંતરે,
ઠારવાં ને, પ્રેમ વહાવી જાણવું!

રામ રાવણ, માનવીની આરસી,
માણસાઈ બસ, જગાવી જાણવું!

શૈલા મુન્શા તા.૨૫/૧૦/૨૦૨૦

August 11th 2020

સાકી નથી!!

છે તરસ ને જામ ખાલી, સાથમાં સાકી નથી;
માણવા સંગત સુરાની, ઝૂમતો સાથી નથી!

હોંશ દેખાડી અદાકારી ભજવતો એ રહ્યો,
તો ઉદાસી વેશ પાછળ શીદ પરખાતી નથી?

પ્રીત ને પ્યાદું બનાવી ગોઠવી ચોસઠ નવી,
ક્યાં ખબર બાજી રમતની, આજ મંડાતી નથી;

ફૂલ આંસુના ચઢાવે એ કબર પર જૂઠના,
જીવતાં એ માશુકાને યાદ તો રાખી નથી!

રાખવી આશા ઠગારી, જ્યોત જાગે પ્યારની;
ઘાવ ઊંડા, પીડ પ્રીતમની એ જોવાતી નથી!!!

શૈલા મુન્શા તા.૦૮/૧૦/૨૦૨૦

July 7th 2020

બચપણ!

યાદ બચપણની જે ભીતર, ઝંખવાશે ના કદી;
ઘુમરાતી મન મહીં, એ વિખરાશે ના કદી!

એક ભીની યાદ, સળવળતી અગોચર ગોખલે;
ગૂંજતી ચારે દિશાએ, વિસરાશે ના કદી;

દોડતું મન તીર વેગે, ઝાલવા છૂટે એ ક્ષણ;
ખૂલતાં ધાગા સમયના, રેંહસાસે ના કદી!

મૂળ સોતા ઊખડે ઊંડાણથી, એ મૂળિયા;
તૂટશે બંધન ધરાનુ, જીરવાશે ના કદી!

થાય વેરી જો જમાનો, ના સહારો કોઇનો;
જ્યોત શ્રધ્ધાની દિલે તો, ઓલવાશે ના કદી!!

શૈલા મુન્શા તા.૦૭/૦૭/૨૦૨૦

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.