July 29th 2019
૧- આપ્યા વરસો,
ભરી ઝોળી સહુની
નિજ ની ખાલી.
૨- આપી તે પાંખ
ઊડવાને ગગન,
મૂળ તો ઊંડા.
૩- મા ની પાંપણે
નીતરે વરસાદ,
આશિષ રૂપે.
૪-ગુરૂ વંદના
જગાડે આશ દિલે,
વિદ્યા તો ફળી.
૫- ઝુરતી ગોપી
ગોકુળ ને મારગ,
ક્યાં છે કહાન?
૬- મિચાઈ આંખો,
જીંદગી આખી પ્રશ્ન!
મોત પછી શું?
શૈલા મુન્શા
July 24th 2019
ધારીએ એવું હરદમ, ક્યાં કોઈનુ થાય છે?
હાથ આવેલ બાજી પળમાં હારી જવાય છે!
વસંત પછી પાનખરનુ આવવું હો નિશ્ચિત,
શ્વાસ અહિં માનવીના અણધાર્યા રોકાય છે!
આરસનો નજારો બન્યો જે તાજમહાલ,
કબર મહીં તો એક માશૂકા ધરબાય છે!
લક્ષ્મણરેખા ચાતરી જ્યાં એક સીતાએ,
આપી અગ્નિપરીક્ષા ધરતીમાં સમાય છે!
હો સાચી ભક્તિને પ્રેમ દિલમાં સદા,
એંઠા બોર શબરીના ત્યાં જ ખવાય છે!
જિંદગીભર કરતાં રહ્યાં અવગણના જેની,
જાતાંજ એમની, પાંપણો કેમ ભિંજાય છે?
ધારીએ એવું હરદમ, ક્યાં કોઈનુ થાય છે?
હાથ આવેલ બાજી પળમાં હારી જવાય છે!
શૈલા મુન્શા તા. ૦૭/૨૪/૨૦૧૯