October 28th 2010

ઓમોટાયો

ઓમોટાયો હજી સપ્ટેમ્બર ની ૨૪મી તારીખે તો ત્રણ વર્ષનો થયો અને એ જ દિવસથી સ્કુલમા આવવાનુ ચાલુ કર્યું. પ્રમાણમા અમેરિકાના બીજા ત્રણ વર્ષના બાળકો કરતાં ચપળ અને હોશિયાર, ફક્ત બોલતા બરાબર શીખ્યો નથી. જ્યારથી ક્લાસમા આવ્યો છે અમને બધાને દોડતા કરી દીધા છે.
આમ તો સ્કુલમા જે એને મળે એ બધાને ઓમોટાયો ખુબ આનંદી બાળક લાગે પણ જ્યારે અમને પુછે ત્યારે ખબર પડે કે આનંદી ની સાથે સાથે એ ભાઈ ખુબ ઉતપાતિયા છે. ખાવાનુ એને બધું ભાવે પણ હજી તો એનો નાસ્તો એને આપીએ ત્યાં સુધી મા તો આજુબાજુ વાળાના ખાવા ના નુ આવી બને. કાંઇક કોમ્પ્યુટરને જઈ ને અડપલાં કરી આવે, પેલો બ્રેન્ડન લાકડા ના બ્લોકમા થી ઘર બનાવતો હોય તો જઈને તોડી આવે.
ઓમોટાયો હજી ત્રણ વર્ષનો છે એટલે અડધા દિવસ માટે જ સ્કુલે આવે છે એને કશુ પણ કહેવાનો પ્રયત્ન કરીએ તો એટલો હસે કે શુ કરવું એ જ સમજાય નહી. ઓમોટાયો ના પિતા ઈથોપિયા થી છે અને મા આફ્રિકન અમેરિકન છે એટલે ઓમોટાયો મા સ્વાભાવિક એક લય અને નૃત્ય નો સંગમ છે. સવારે જ્યારે બાળગીતો ગવડાવીએ તો ઓમોટાયો એટલો સરસ તાલ પુરાવે કે તમે જોતા રહી જાવ.
મારી આ દુનિયા મા જાતજાત ના અને ભાતભાતના બાળકો સાથે કામ કરવાનુ મળે છે પણ એક વાત બધાને સરખી લાગુ પડે છે બધા ના મોં પર સવારના પહોરમા મને જોતાં જે આનંદ છલકે છે અને બસમાથી ઉતરતાં દોડીને જે રીત મને વળગે છે એ મારો બધો થાક ઉતારી દે છે અને જીવવાનુ નવુ બળ આપે છે.

શૈલા મુન્શા તા.૧૦/૨૯/૧૦

October 21st 2010

ખાળે ડુચા ને દરવાજા ઉઘાડા

જેણે કોઈ એ પણ આ કહેવત પાડી હશે એણે ખુબ સમજી વિચારીને પાડી હશે. ખાસ કરીને અમેરિકા ને તો એ બહુ સારી રીતે લાગુ પડે છે. અહીં જે રીતે અન્ન, પાણી ખોરાક, અને કાગળો નો વેડફાટ થાય છે એવો બીજે ભાગ્યે જ થતો હશે.
હું અહીંયાની એક બહુ મોટી સ્કુલ ડીસ્ટ્રીક મા કામ કરૂં છું. શહેરની બધી શાળા નો વહીવટ એમને હસ્તક. જેમકે સ્કુલની બધી જરૂરિયાતો ત્યાંથી આવે. દરેક સ્કુલનો બાળકો માટેનો નાસ્તો જમવાનુ પુસ્તકો સ્કુલના ટેબલ ખુરશી વગેરે. આ દેશની પધ્ધતિ પ્રમાણે સ્કુલમા કોઈ બાળક ભુખ્યું ન રહે માટે બધાને સવારનો નાસ્તો મફત આપવાનો.
સવારના નાસ્તામા દુધ હોય, એકાદ ફળ હોય અને ઈંડાની આમલેટ કે સીરીયલ ને નાનુ બીસ્કીટનુ પેકેટ. આજે સવારે બાળકોને નાસ્તો આપ્યો ત્યારે બીસ્કીટ નુ પેકેટ નહોતું. અમે પણ ખાસ ધ્યાન આપ્યું નહિ પણ બાજુના ક્લાસની ટીચર જઈને બન્ને ક્લાસ માટે બીસ્કીટ ના પેકેટ લઈ આવી.
થોડીવારમા તો કાફેટેરીઆ ની નાસ્તો આપવાવાળી સ્ત્રી આવી. એને પુરૂં અંગ્રેજી આવડે નહિ, થોડું અંગ્રેજી થોડું સ્પેનીશ મા બોલવા માંડી (no fruta, no fruta, cookie) મતલબ કે ફળ અને બીસ્કીટ બન્ને આપવાના નથી. આજ સુધી તો બન્ને આપતા હતા અને ક્યારથી આ બદલાવ આવ્યો એની કાંઇ અમને ખબર નહોતી. નાના છોકરાંઓ કાંઇ આખું સફરજન ખાવાના ના હોય .એમને બીસ્કીટ વધારે ભાવે. અમે એને જ પુછ્યું કે “બોલ હવે શું કરીએ?” તો કહે સફરજન પાછા આપી દો. અમારે ડીસ્ટ્રીક મા હિસાબ મોકલવાનો હોય છે.
હું તો અચરજ પામી ગઈ. રોજ આ નાસ્તા ના નામે કેટલોય બગાડ થાય છે. ક્લાસ મા બધા છોકરાં કાંઈ નાસ્તો નથી કરતાં. પ્રાચીન કાળમા એમ કહેવાતું કે દુધની નદીઓ વહે એ દેશની સમૃધ્ધિની નિશાની છે પણ અહીંયા અમારી સ્કુલ મા તો રોજ દુધની નદીઓ વહે છે અને એ કાંઈ સમૃધ્ધિની નિશાની નથી કારણ છોકરાઓ કાંઈ બધુ દુધ પુરૂં પીએ નહિ અને બધું દુધ એમ જ પ્લાસ્ટીકની મોટી થલીમા ઠલવાય અને ક્લાસની બહાર એ થેલી મુકી રાખવા મા આવે જ્યારે કચરો ઉપાડવા માણસ આવે ત્યાં સુધીમા તો થેલી જે ક્યાંકથી ફાટી હોય એટલે દુધની ધારા વહેવા માંડે.એનો કાંઇ વાંધો નહિ પણ છોકરાંઓ ને એક વસ્તુ વધારે અપાઈ ગઈ અને પાછી ઉઘરાણી થઈ એનુ જ નામ ખાળે ડુચા ને દરવાજા ઉઘાડા.

શૈલા મુન્શા. તા.૧૦/૨૧/૨૦૧૦

October 19th 2010

નૈયા

ડોલતી મઝધારે નૈયા, પ્રભુ પાર ઉતારો
ઝુઝતી એ ઝંઝાવાતે, પ્રભુ પાર ઉતારો.

વિશાળ એ દરિયાની છાતી પરે
નજરે ના આવતી, બિંદુ સમાન
મોજાની લહેરો પર ઝુલતી દિશાશુન્ય,
ડોલતી મઝધારે નૈયા, પ્રભુ પાર ઉતારો.

ના કોઈ માઝી ના કોઈ મુસાફિર
ના ખલાસી, ના કોઈ શઢ સુકાન,
ના કોઈ રાહબર, ચીંધે કોઈ રાહ,
ડોલતી મઝધારે નૈયા, પ્રભુ પાર ઉતારો.

જીવન એક નાવ, ઝઝુમે સંસાર સાગરે
ઝુઠી એ માયા ને ઝુઠા એ બંધન,
એકલો આવે જીવ ને જાય એકલો,
ઝાલે જો હાથ પ્રભુ, પાર ઉતરે નૈયા.

ડોલતી મઝધારે નૈયા, પ્રભુ પાર ઉતારો
ઝુઝતી એ ઝંઝાવાતે, પ્રભુ પાર ઉતારો.

શૈલા મુન્શા. તા.૧૦/૧૯/૧૦

October 18th 2010

બ્રેનડન

ચાર વર્ષનો બ્રેનડન અમારા ક્લાસમા આ વર્ષે નવો દાખલ થયો. મા અમેરિકન અને બાપ વિયેતનામી. મા-બાપ બન્ને બહેરા અને મુંગા. બ્રેનડનથી મોટી ત્રણ બહેનો, બધી હોશિયાર અને સારી રીતે બોલી શકે ને સાંભળી શકે. બ્રેનડન પણ સાંભળી બરાબર શકે પણ વાચા પુરી ઉઘડી નહોતી.મુંગો નહોતો પણ બોલતો પણ નહોતો. સ્કુલમા આવીને ધીરે ધીરે થોડા અક્ષરો બોલવા માંડ્યો. આ દેશમા આવા બાળકોને ઘણી સગવડ મળતી હોય છે, સ્પીચ થેરાપીસ્ટ વગેરે આ બાળકોને વિશેષ કેળવણી આપતા હોય છે.

બ્રેનડન આજે સ્કુલમા આવ્યો ત્યારે એને ઘણી શરદી હતી અને હમણા તો “Flu” શરદી તાવના વાયરા વાય છે, ઋતુ બદલાય ત્યારે એ વધુ જોવા મળે અને નાના બાળકો એના જલ્દી શિકાર બને. મને અચાનક જ વિચાર આવ્યો કે જો કદાચ બ્રેનડનને તાવ ચઢે અને ઘરે ફોન કરીને મા-બાપને જણાવવું પડે તો બહેરા મુંગા માબાપ વાત કેવીરીતે કરી શકે?
મારી આ દુવિધા મે મીસ મેરીને જણાવી તો એને તરત જ મને કહ્યું ” અરે! મીસ મુન્શા તુ ચિંતા ના કર. એમના ફોનમા એવી સગવડ હોય કે એમને આપણી વાત સમજાય.”
મને કાંઈ સમજ ન પડી એટલે એણે મને વિગતવાર સમજાવ્યું. આવી બહેરી મુંગી વ્યક્તિઓ માટે ખાસ જાતના ફોન હોય. ફોન સાથે નાનો ટીવી સ્ક્રીન કેમેરાવાળો જોડાયેલો હોય. આપણે જે આપણા ફોન મા બોલીએ તે એ લોકોના સ્ક્રીન પર હાથની સંજ્ઞાના રૂપમા આવે અને એ લોકો સમજી શકે, અને એ લોકો હાથની સંજ્ઞા રૂપે જે બોલે તે રૂપાંતર થઈને અવાજ રૂપે આપણને સંભળાય. હું તો આભી જ બની ગઈ. મારા મનને ખુબ શાંતિ થઈ અને ચિંતા પણ દુર થઈ ગઈ કે બ્રેનડનના માબાપને ગમે ત્યારે ફોન કરીને સંકટ સમયે બોલાવી શકાય.

ખરેખર આ બધી સગવડો આ દેશમા જ મળી શકે દરેક જણને જીવનમા આગળ વધવાની તક મળી શકે. બાળકના જન્મથી જ એના બધા પરિક્ષણો શરૂ થઈ જાય અને એની કોઈ પણ શારિરીક કે માનસિક ખામી ને કેવી રીતે દુર કરાય એના ઉપચાર શરૂ થઈ જાય.

શૈલા મુન્શા તા.૧૦/૧૮/૧૦

October 17th 2010

સંકલન

મુખવાસ

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !

[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

October 15th 2010

બીજ

ધરબાયું ધરતીના પડ મહી,
ઘેરાયું ઘોર અંધકારે.
ના ખબર દિન રાતની,
ના ખબર ચાંદ સૂરજની.

મન અંતર એક અભિલાષ,
સમાયુ એક જીવન મુજમા
પ્રગટાવું એક અંકુર
ચીરીને ગોદ ધરાની

વિકસતો જાય નાનકડો છોડ,
છોડમાથી બને વૃક્ષ નાનેરૂં
થાએ મજબુત સહીને આંધી તુફાન,
નીપજે એ વૃક્ષ મનોહર મીઠા ફળ કેરૂં.

ફરીને એજ ક્રમ, ફળમા થી ખરતું બીજ
જઈ ધરબાતું ધરતીને પડ
માયા અજબ પ્રભુની
માનવજીવન પણ વિકસતું એમ.

શૈલા મુન્શા તા.૧૦/૧૫/૧૦

October 8th 2010

શમણુ

શમણુ એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયુ.

પળ પળ કરી એકઠી ને સીંચ્યો એ બાગ, ઝુમતા એ ફુલ ફેલાવી સુવાસ,
પંખીણી એ મારી પરી સમ લહેરાતી, લહેરાતા એ ફુવારા સંગ
નાચતી ને કુદતી એ હરિયાળા તૃણ પર બની નાનકડી બાળ

દિકરો થયો પતિ, તોય લડાવતો મુજને લાડ,
દિકરી રૂપે આવી ગૃહલક્ષ્મી ભરીને હૈયામા ભાવ
હરખાતું હૈયું ને ઠરતી એ આંખ નીરખી એ જોડલીનુ વહાલ.

થઈ બાળક બસ કરતાં ધમાલ, આ ખાવું ને તે ખાવું નીત નવી માંગ.
સપનાનો દોર પહોંચે બાળપણને તીર, નાનકડો બટુક આવે પાંપણને કોર
ભાસ કે આભાસ, કે સ્વપ્ન એ જ સત્ય, હતા શું બટુક ને રીકુ અમારી પાસ?

થોડી એ પળો ને થોડો એ સાથ, બની સભર સભર બાકીની રાત
શમણું એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયું.

શૈલા મુન્શા તા.૧૦/૦૭/૧૦ (દિકરા-વહુની મીઠડી પણ ટુંકી મુલાકાત બાદ)

October 1st 2010

એમી -૩

એમી હવે ચાર વર્ષની થઈ અને લગભગ બારાખડી અને એકથી વીસ નંબર બોલતા શીખી ગઈ એટલે મીસ મેરીએ નક્કી કર્યું કે એમીને સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ બીજા ક્લાસમા મોકલવી જ્યાં pre-k(બાળ મંદિર) ના normal students સાથે રહીને એ વધુ હોશિયાર બને.
આ દેશમા તો બધુ નિયમાનુસાર થાય એટલે માબાપ, સાયકોલોજીસ્ટ, સ્કુલના પ્રિન્સિપાલ બધાની મીટિંગ થઈ અને સર્વાનુમતે એમીને મોકલવાનુ નક્કી થયું. અમારા ક્લાસમા તો માંડ નવ થીદસ બાળકો હોય, જ્યારે બીજા બધા ક્લાસમા તો વીસ થી પચીસ બાળકો હોય. પહેલે દિવસે એમીને કહ્યું ચાલ આપણે નવા ક્લાસમ જવાનુ છે તો બહેને તો પટ્ટ કરીને ના પાડી. મીસ મેરી કહે ઠીક છે કાલે મોકલશું. બીજા દિવસે પણ એ જ હાલ. ત્રીજા દિવસે એ ક્લાસના શિક્ષક ખુદ એમીને લેવા આવ્યા તો એશલી તરફ આંગળી ચીંધીને કહે આને લઈ જાવ. હું ને મેરી તો જોતા જ રહી ગયા એની ચબરાકી.
છેવટે એમી ની મમ્મી ને આવવું પડ્યું એમી સાથે બીજા ક્લાસમા બેસવા માટે. આમ એમી બેન જવા તૈયાર થયા.

શૈલા મુન્શા. તા.૧૦/૧/૧૦

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.