July 14th 2020

ગુરૂપુર્ણિમા.

ગુરૂપુર્ણિમા, ભારતમા ઉજવાતો ગુરૂ વંદનાનો દિવસ. આપણી પ્રાચીન પરંપરા. રામાયણ, મહાભારતમાં કઈં કેટલાય ઉદાહરણ જોવા મળે જેવા કે, ગુરૂ જો ગુરૂ દક્ષિણામાં અંગૂઠો માંગે તો એકલવ્ય વિના વિલંબે અંગુઠો કાપી ગુરૂના ચરણે ધરે.

આજના જમાનામાં કોઈ ગુરૂ એવી દક્ષિણા માંગવાનુ નથી, પણ આજે કોઈ શિષ્ય ગુરૂને યાદ કરી એને ભાવ અંજલિ અર્પણ કરે એ જ મોટી વાત છે.

મારા માટે એ બહુ જ ગૌરવની વાત છે કે મારી ૪૦ વર્ષની એક શિક્ષક તરીકેની કારકિર્દી, એમાં બાવીસ વર્ષ મેં ભારતની શાળામાં હાઈસ્કૂલના શિક્ષિકા તરીકે વિધ્યાર્થીઓને શિક્ષણ આપ્યું. અત્યારે અમેરિકાની શાળામાં નાના દિવ્યાંગ બાળકો સાથે છેલ્લા અઢાર વર્ષોથી શૈક્ષણિક પ્રવૃતિમાં જોડાયેલી છું.
મારા છેલ્લા શ્વાસ સુધી હું એક શિક્ષક તરીકે જ બાળકો સાથે સમય વિતાવીશ એવી મારી મનોકામનામાં બળ પુરે છે મારા ભારતના વિધ્યાર્થીઓ.

અમેરિકામાં તો હું નાના દિવ્યાંગ બાળકો સાથે કામ કરૂ છું, જે મને ફક્ત અને ફક્ત નિર્વ્યાજ પ્રેમ જ આપે છે; પણ ભારતના બાળકો જે પોતે આજે પચાસે પહોંચવા આવ્યા છે, એ આજે બત્રીસ વર્ષ પછી મને અને મારા સમકાલીન શિક્ષકોને યાદ કરી ગુરૂપુર્ણિમા ઉજવે, જાહેર સમ્માન કરે, મારા જેવા દુર વસતા શિક્ષકોને વિડિયો અને ઓડિયો દ્વારા સાંકળી અહોભાવ વ્યક્ત કરે, એનાથી વિઃશેષ સન્માન શું હોઈ શકે!

૧૯૮૩ જ્યારે હું ૩૨ વર્ષની હતી અને દસમા ધોરણના વિધ્યાર્થીઓ ને ગુજરાતી શીખવાડતી એ દિવસો યાદ આવી ગયા. આજે ૩૨ વર્ષ પછી એ બાળકો જે આજે પોતે પોતાની દુનિયામાં સફળ માતા પિતા અને પોત પોતાના ક્ષેત્રમાં વ્યવસાયિક રીતે એટલા સફળ હોય એ ગુરૂપુર્ણિમા ઉજવે, મને ફોન કરે, મને પણ યાદ ન હોય એવી મારી શિખવેલી વાતો એમને જીવનમા ઉપયોગી થઈ એવો અહોભાવ વ્યક્ત કરે એજ સાચી ગુરૂપુર્ણિમા.

મને મોકલેલ આમંત્રણ પત્રિકાના શબ્દો, એમનો ભાવ અહીં રજુ કર્યા વગર આ લેખ અધુરો છે.

“ડંકો વાગ્યો”

“શાળાને વિદાય કરી ત્યારથી જીવનના અવિરત પ્રવાહમા તણાઈને કેટકેટલા વર્ષો વહી ગયા ત્યારે આજે સાવ અચાનક જ મારી શાળાના અવિસ્મરણિય દિવસો યાદ આવી ગયા. વિધ્યાર્થી સ્વરૂપે જ્યાં અમે અમારૂ બાળપણ ભરચક ધમાલ સાથે માણ્યુ તો સાથે સાથે ભણતર પ્રાપ્ત કરીને પાત્રતા મેળવી. અમને આકાર અને ઘડતર આપીને વિશ્વ ફલક પર લાયકાત આપનારી મારી શાળા અને મારા શિક્ષકો મને કેમ યાદ ના આવે?

ચાલો આજે બત્રીસ વર્ષ પછી ફરી એકવાર આપણે જીવનનુ પ્રગતિપત્રક જોવા માટે ભેગા થઈએ.”

આ આમંત્રણ જ્યારે મને મળ્યું તો હું અચંબિત થઈ ગઈ. આજના સમયમાં સંતાનોને ખુદના માતા પિતા માટે સમય નથી ત્યાં મારા ૩૨ વર્ષ પહેલાના વિધ્યાર્થીઓ સહુ શિક્ષકોને યાદ કરી ગુરુપુર્ણિમાનો પ્રસંગ દમામભેર જાહેરમાં ઉજવે, મારા જેવા વિદેશમાં વસતા શિક્ષકોનો સંપર્ક કરી આશીર્વાદ આપવા વિનંતિ કરે એ મારે મન મોટી ગુરુ દક્ષિણા હતી.
૧ ઓગસ્ટ ૨૦૧૫માં કાંદિવલી ની લોહાણા મહાજન વાડી મા ૧૯૮૩ ની સાલ ના મારા વિધ્યાર્થીઓ એ બહુ મોટા પાયા પર ગુરૂપુર્ણિમા ઉજવી.

આ આમંત્રણ આ ભાવ મારા માટે કોઈ સન્માનથી ઓછુ નથી. આવુ માન અને લાગણી, હજારો બાળકોનો પ્રેમ એક શિક્ષક માટે કેટલા ગૌરવની વાત છે એ તો એક શિક્ષક જ અનુભવી શકે.
ત્યારે તો હું પ્રત્યક્ષ રુપે હાજર નહોતી, પણ ૨૦૧૮માં જ્યારે હું ભારતની મુલાકાતે ગઈ ત્યારે મારા આ વિધ્યાર્થીઓએ મારા સન્માન માટે જે કર્યું એનુ વર્ણન કરવા શબ્દો ઓછા પડે એમ છે.

મારે આજે વાત કરવી છે એ નિઃસ્વાર્થ અને નિર્ભેળ પ્રેમની. ભારતમાં બાવીસ વર્ષ નુતન વિધ્યામંદિરમાં ગુજરાતી અને ઈતિહાસ ભુગોળના શિક્ષિકા તરીકે હાઈસ્કૂલના વિધ્યાર્થીઓને ભણાવ્યા.આ શાળા સાથે અમારો ત્રણ પેઢીનો સંબંધ. મારા મમ્મી એ સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા. એમના આકસ્મિક અવસાન બાદ એમની જગ્યાએ મેં શિક્ષિકા તરીકે કાર્ય શરૂ કર્યું, અને જ્યારે નુતન વિધ્યામંદિરમાં ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમ શરૂ થયું ત્યારે મારી દિકરી અંગ્રેજી માધ્યમમાં Pre-K ની શિક્ષિકા તરીકે જોડાઈ.
બાવીસ વર્ષમાં કેટલાય વિધ્યાર્થીઓ મારી પાસે ભણી આગળ વધી ગયા. એમાના કેટલાક વિધ્યાર્થીઓને મારી ભારત મુલાકાતની આગોતરી જાણ હતી અને જે પ્રેમભાવે એ બધા મને મળ્યા, એમનો અહોભાવ અમ શિક્ષકો માટેનો આદરભાવ ને લાગણી જોઈ મારી આંખમાં હરખના આંસુ આવી ગયા. એ બધા પણ અત્યારે પચાસે પહોંચવા આવ્યા. એમની પ્રગતિ, એમના બાળકોની પ્રગતિની વાતો સાંભળી મન ભાવવિભોર બની ગયું…. કેટલાક તો વટથી પોતાને છેલ્લી પાટલીના બેસનારા તોફાની બારકસમાં પોતાની જાતને ગણાવતા, પણ આજે જીવનમાં જે ઉચ્ચ મુકામે પહોંચ્યા એનો બધો યશ અમ શિક્ષકોને આપતાં જે ચમક એમના ચહેરા પર દેખાઈ એ મારે મન મોંઘેરી મુડીથી કમ નથી. કોઈ અમદાવાદ તો કોઈ વલસાડ તો કોઈ મુંબઈના ખુણે ખુણેથી મને મળવા આવ્યા હતા. વાતોનો ખજાનો તો ખુટતો જ નહોતો. જે હોટેલમાં ભેગા થયા હતા ત્યાં હાસ્યની રમઝટ જામી હતી. જે શિક્ષકો આવી શક્યા એ બધા પણ આવ્યા હતા, અને જોવાની ખુબી એ હતી કે મારી મમ્મી સાથે કામ કરેલ જયશ્રીબેન નાણાવટી પણ ત્યાં હતા અને મેંં પણ બાવીસ વર્ષ એમની સાથે કામ કર્યું. કેટલીય યાદો એમની સાથે સંકળાયેલી. રૂક્ષ્મણીબેન જે મમ્મી સાથે હતા, એમની ભાળ મળતા હું એમને મળવા ગઈ તો એટલા રાજી રાજી થઈ ગયા. સ્ત્યાસી વર્ષે એમના પતિના અવસાન બાદ એકલા રહે છે અને પોતાનુ બધું કામ રસોઈ જાતે જ કરે છે. મને કહે “મારે તો તને મારી પાસે રાખવી હતી, ક્યાં અમેરિકા ભાગી ગઈ?”
વડોદરા કલાબેન બુચ પણ મમ્મી સાથેના સમયથી અને પછી અમે સાથે કામ કર્યું. જાતિએ નાગર એટલે રમુજ એમના જીવન સાથે જોડાઈ ગઈ હોય. નલીન ભાઈ એમના પતિ. નાનપણથી મમ્મી સાથે હું ને મારી બેન પારૂલ એમને ત્યાં જઈએ એટલે અમે તો એમના માટે છોકરી જેવા. મળવા માટે ફોન કર્યો અને મેં કહ્યું મારે કલાબેનને મળવું છે તો નલીનભાઈ બોલી ઉઠ્યા “કેમ મને નથી મળવાનુ? તું આવીશને તો મને પણ ગળ્યું ખાવાનુ મળશે, બાકી કલા તો મને કંદમુળ ખવડાવે છે આ ડાયાબિટીશની લાહ્યમાં” બન્નેની વય નેવું ની આસપાસની. ઘરમાં પણ વોકર લઈને ફરે. આ ઉમ્મરે પણ કલાબેનનો ઠસ્સો એવો ને એવો જ. કપાળે મોટો ચાંદલો અને એ જ હાસ્યની રેખા મોઢા પર. રસોડામાં ભેળની બધી સામગ્રી તૈયાર રાખી હતી. મને કહે બનાવવાની તારે છે, તારા ટેસ્ટ પ્રમાણે. પાછળ જ નલીનભાઈનો ટહુકો સંભળાયો મજેદાર તીખી મીઠી બનાવજે. તને દિકરી માની છે તો આટલો લાહવો તો લઈએને કામ કરાવવાનો.
કેવું મારૂં સૌભાગ્ય કે હું આ બધાને મળી શકી અને કેટલીય યાદો ફરી પાછી લીલીછમં વેલની જેમ મનને વીંટળાઈ વળી.

મારા સહુ વિધ્યાર્થીઓ ને આ પ્રસંગે આશિર્વાદ આપતુ નાનકડુ કાવ્ય રચ્યુ છે.

દીધું જે જ્ઞાન, દિપાવ્યું આજે,

નામ ગુરૂનુ ઉજાળ્યું આજે.

વાવ્યું જે બીજ જ્ઞાન નુ અમ સહુએ,

જુઓ કેવું વટવૃક્ષ બની ખીલ્યું આજે.

જાળવ્યો વારસો ગુરૂ-શિષ્ય પરંપરાનો,

ઉજવીને ગુરૂપૂર્ણિમા અમ જીવન મહેકાવ્યું આજે.

છે આશિષ અમ સહુ ગુરૂજન ના,

થાય ઉન્નતિ તમ સહુની, કુળ દિપાવ્યું આજે.

ખુબ ખુબ આશીર્વાદ સાથે,

શૈલા મુન્શાના સસ્નેહ વંદન.

July 7th 2020

બચપણ!

યાદ બચપણની જે ભીતર, ઝંખવાશે ના કદી;
ઘુમરાતી મન મહીં, એ વિખરાશે ના કદી!

એક ભીની યાદ, સળવળતી અગોચર ગોખલે;
ગૂંજતી ચારે દિશાએ, વિસરાશે ના કદી;

દોડતું મન તીર વેગે, ઝાલવા છૂટે એ ક્ષણ;
ખૂલતાં ધાગા સમયના, રેંહસાસે ના કદી!

મૂળ સોતા ઊખડે ઊંડાણથી, એ મૂળિયા;
તૂટશે બંધન ધરાનુ, જીરવાશે ના કદી!

થાય વેરી જો જમાનો, ના સહારો કોઇનો;
જ્યોત શ્રધ્ધાની દિલે તો, ઓલવાશે ના કદી!!

શૈલા મુન્શા તા.૦૭/૦૭/૨૦૨૦

July 6th 2020

સુરેખા

સુરેખા આજે બહુ ખુશ હતી. સવારથી ઘરમાં ચહલપહલ થઈ રહી હતી. લાડકી પૌત્રી સુલક્ષણાનો ઉત્સાહ ચરમ સીમાએ પહોંચ્યો હતો. બધી તૈયારી એની દેખરેખ હેઠળ અને એની મરજી પ્રમાણે જ થઈ રહી હતી. આખરે એ જ તો ઘરની બોસ હતી.
સવારના પહોરમાં સુલુ (લાડકી સુલક્ષણાનુ લાડકું નામ) દાદીના રૂમમાં ધસી આવી, હાથમાં સુંદર મઝાની સાડી હતી.
“દાદી,તારે આ સાડી પહેરવાની છે. તારું કબાટ ખોલ, મને તારો બધો દાગીનો બતાવ. હું કહું એ જ દાગીનો તારે પહેરવાનો છે. દાદાજીનો સૂટ તૈયાર છે, એમણે પણ એ જ પહેરવાનો છે.”
પૌત્રીના એ અઢળક વરસતા પ્રેમને દાદી મીઠી મુસ્કાન સાથે માણી રહી હતી.
“સુલુ તારા હુકમની વિરુધ્ધ જવાની આ ઘરમાં કોઈની હિંમત છે?” કહી દાદી ખડખડાટ હસી પડી, સાથે સાથે આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
આ હસતી ઉછળતી હરિણીસી સુલુ થોડા મહિનામાં પરણીને એના ઘરે જશે અને આ ઘર સૂનુ થઈ જશે, પણ આજના દિવસે સુલુ કોઈને ઉદાસ રહેવા દે એવું ક્યાં બનવાનુ હતું, એની વહાલી દાદીની આજે ૭૫મી વર્ષગાંઠની ભવ્ય પાર્ટીનુ આયોજન સુલુએ કર્યું હતું. એની ઈચ્છા તો દાદીને સુરપ્રાઈસ આપવાની હતી, પણ પપ્પા અને મમ્મી બન્ને એ સુલુને સમજાવી, “બેટા આ ઉંમરે દાદીને સરપ્રાઈસ આપવું સારૂં નહિ. તું પાર્ટી આપ પણ દાદીને કહીને. થોડા દિવસ પહેલા દાદીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી એ તું ભુલી ગઈ?” અને સુલુ સમજી ગઈ.
સાંજની પાર્ટીમાં સહુ સુરેખાને અભિનંદન આપતા હતાં. જુના મુવીના સુરેખાની પસંદગીના ગીતો ડીજે વગાડતો હતો. સ્થૂળ સ્વરૂપે સુરેખા ત્યાં હાજર હતી, પણ મન એનુ બાળપણને ઓવારે પહોંચી ગયું હતું.
ધનાઢ્ય કુટુંબમાં જન્મેલી સુરેખાને નોકર ચાકરની કમી નહોતી. એક મોટોભાઈ અને માતા પિતા નાનકડો સુખી સંસાર. નાનપણથી સુરેખા ભણવા સાથે ઈતર પ્રવૃતિમાં ભાગ લેતી. આસ પડોશમાં સહુની લાડકી, એમાં પણ જમનાકાકીને કરસનદાસના ઘરમાં એની પાકી બહેનપણી. બીજું ઘર જ જાણે સુરેખા માટે. જમનાકાકીને આઠ બાળકો, ચાર દિકરાને ચાર દિકરી, મોટો વસ્તાર.એમાં સુરેખા પણ સહેલાઈથી ભળી જાય.
યૌવનને પહેલે પગથિયે પહોંચતા તો સુરેખાને હૈયે જમનાકાકીનો નાનો દિકરો સુનીલ વસી ગયો. સુનીલની આંખોમાં પણ સુરેખા માટે પ્રેમ દેખાતો. સુનીલની બહેન ભાવના એમના પ્રેમની ગુપ્ત સાથીદાર બની, ચિઠ્ઠિની આપ લે કરનાર ટપાલી બની. ધીરેધીરે વાત બન્ને ઘરના વડિલોના કાન સુધી પહોંચી. જમનાકાકીને તો સુરેખા આમ પણ ગમતી હતી, નાનપણથી નજર સામે મોટી થતી જોઈ હતી એમને તો આ સંબંધ લગ્નમાં પરિણમે એમાં જરાય વાંધો નહોતો, પણ સુરેખાના પપ્પા મમ્મીને એક જ ચિંતા હતી. નાના કુટુંબમાં ઉછરેલી સુરેખા એ બહોળા કુટુંબની જવાબદારી ઉપાડી શકશે?
આમ તો કરસનદાસની વિચારસરણી પણ જમાનાથી ખૂબ આગળ હતી. કુટુંબનો પ્રેમ અને લાગણી હમેશ રહે એટલા માટે દુરંદેશી વાપરી તેઓ દિકરાઓને લગ્ન પછી થોડો વખત સાથે રાખી જુદું ઘર માંડી આપતા આમ દરેક દિકરો સ્વતંત્ર અને આમ કુટુંબથી જોડાયેલો પણ રહેતો.
સુરેખાને પોતાના પર વિશ્વાસ હતો અને બન્ને કુટુંબની સમ્મતિથી સુરેખા, સુનીલના લગ્ન થઈ ગયા.
બે વર્ષમાં સુરેખાએ દિકરાને જન્મ અપ્યોને હસતાં ખુશીના દિવસો પસાર થવા માંડયા.
કુદરતને આ ખુશી મંજૂર નહોતી. કાળની પહેલી થાપટ વાગી અને વીસ દિવસના આંતરે કરસનદાસના બે જમાઈનુ અવસાન થયું, બે દિકરી વિધવા થઈ. મોટી દિકરીનુ ઘર તો ખમતીધર હતું, પણ નાની દિકરીની સ્થિતિ સામાન્ય અને ત્રણ બાળકોની જવાબદારી. કરસનદાસે દિકરાઓની સમ્મતિથી એક ફંડ દિકરી માટે જુદું રાખ્યું, પણ દિકરીએ નોકરી કરી સ્વમાનભેર જીવવાનુ નક્કી કર્યું.
વિધીની વક્રતા કે બે જુવાન દિકરી અને નાનકડા દિકરાને મુકી ચાર વર્ષમાંએ દિકરી પણ અકસ્માતમાં અવસાન પામી. મન પર પથ્થર મુકી કરસનદાસે મોટી દિકરી નિમિષાને પરણાવી નેહા અને નલીન બન્ને દિકરી, દિકરાને પોતાની સાથે રહેવા બોલાવી દીધાં.
સુરેખાને માથે પોતાના દિકરા સાથે આ બન્નેને સાચવવાની જવાબદારી આવી ગઈ. નલીન તો નાનો હતો, પણ નેહા યૌવને પગથાર હતી. સુરેખાએ નેહાને પાંખમાં લીધી, એની લાગણીને ઠેસ ના પહોંચે એની પુરતી કાળજી લીધી. પોતાના એક નહિ પણ ત્રણ સંતાન છે એવી રીતે સહુને સંભાળી લીધા, ત્યાં સુધી કે નેહાના આવ્યા પછી સુરેખા સુનીલ ક્યાંય ફરવા પણ નેહા, નલીન ને મુકીને ન જતાં
કોઈકવાર ઈશ્વર પણ સાચા માણસની જ કસોટી કરતાં થાકતો નથી. હજી તો કરસનદાસ જમનાકાકી, સુરેખા સુનીલ આઘાતમાંથી બહાર આવે ત્યાં બીજો વજ્રાઘાત થયો. સુનીલથી મોટો ભાઈ અચાનક ગંભીર બિમારીમાં સપડાયો અને જોતજોતામાં તો પત્ની બાળકોને રડતાં મુકી અવસાન પામ્યો. આ ઘા થી કરસનદાસ ભાંગી પડ્યાં, પણ સુરેખાએ મન મક્કમ કરી લીધું.

સુનીલતો ભાઈ હતો, એણે ભાઈના દિકરાને ધંધામાં પલોટવાનુ, તૈયાર કરવાનુ માથે લીધું, પણ સુરેખા જે ઘરની વહુ અને પારકી જણી કહેવાય એને એક મા બની સહુની જવાબદારી હસતાં મુખે ઉપાડી લીધી. નેહા નલીનની તો મા બની ચુકી જ હતી પણ હવે જેઠાણીની પણ બહેન બની ગઈ. કશે પણ ફરવા જવાનુ વિદેશની મુસાફરી ક્યાંય સુરેખા સુનીલ ભાભીને સાથે લીધાં વગર ના જતા.
સુરેખાએ પોતાનુ એક અલગ વ્યક્તિત્વ પણ વિકસાવ્યું. પાડોશની શાળામાં લાઈબ્રેરીમાં મદદ કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે મેનેજ્મેંટ માં અગત્યનો હોદ્દો સ્વીકાર્યો, શાળાને ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડી.
વખત આવ્યે નેહાને ધામધૂમથી પરણાવી. નેહાને નિમિષાની મા બની ક્યારેય માતાની ખોટ સાલવા ના દીધી. નિમિષા, નેહા માટે સુરેખા મામી માં થી ક્યારે ફક્ત મા બની ગઈ એ સમજવાની જરૂર પણ ના રહી.
સુલુ દાદીનો ખભો ઢંઢોળી બોલી રહી હતી, દાદી દાદી ક્યાં ખોવાઈ ગયા, જુઓ સામે પડદા પર લંડનથી તમારા માટે નિમિષા ફોઈ અને નેહાફોઈ તમને ૭૫મી વર્ષગાંઠની શુભેચ્છા આપી રહ્યાં છે અને મારા લગનમાં જરૂરથી આવવાનુ પ્રોમિસ પણ આપી રહ્યાં છે.
સુરેખા આજે ખૂબ ખુશ હતી, ૭૫ વર્ષનુ સરવૈયું જમા ખાતામાં હતું, સ્નેહાળ પરિવાર સાથે બે દિકરીઓનો મા બનવાનુ અનોખું નજરાણુ મળ્યું હતું.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા તા. ૦૭/૦૫/૨૦૨૦

July 4th 2020

હાઈકુ

૧ – વાગ્યો કાંટો ને,
ઉઝરડાતો જીવ;
ઘા ન રૂઝાય!

2- આક્રોશ ભારી!
ભીતર ધૂંધવાય,
જ્વાળા ના દિસે!

૩ – લીંપણ કરે,
છુપાય ના જખમ,
મૂળ તો ઊંડા!

૪ – ચરમ સીમા,
લાંઘી હેવાનિયત,
પ્રભુને પૂજે!!

શૈલા મુન્શા તા.૦૭/૦૩/૨૦૨૦

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.