May 31st 2011

બ્રેન્ડન-૨

બ્રેન્ડન જ્યારે અમારા ક્લાસમા આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો. મા બાપ બન્ને બહેરા મુંગા પણ બ્રેન્ડન સાંભળી શકતો. વાચા પુરી ખુલી નહોતી. ઉમરના પ્રમાણ મા નાનો લાગે પણ ગોરો ચિટ્ટો અને હસતો ચહેરો. બધા સાથે હળી મળી જાય, પરાણે વહાલો લાગે એવો. જોત જોતામાં તો સ્કુલ મા બધાનો લાડકો થઈ ગયો.
રોજની અમારી મહેનત ના કારણે ધીરે ધીરે પોતાની જાતે કોમ્પ્યુટર પર બાળકોના પ્રોગ્રામ જેવા કે www.starfall.com, pbskids વગેરે ક્લીક કરતો થઈ ગયો. બાળકોની નકલ કરવાની આદત બધે સરખી જ હોય છે. એમા બ્રેન્ડન પણ બાકાત નહોતો.
સારી વસ્તુની સાથે ધમાલિયા સેસાર અને જમાદાર એમીની સાથે રહી એ ભાઈસાબ પણ તોફાન કરતા શિખ્યા. પહેલા તો રમતના મેદાનમા જ્યારે બાળકોને લઈ જઈએ અને બ્રેન્ડન લસરપટ્ટી પર હોય તો એક જ બુમે તરત અમારી પાસે આવી જાય પણ હવે જેવો ક્લાસમા જવાનો વખત થાય અને અમે બધાને બોલાવવાના શરૂ કરીએ એટલે એ ભાઈસાબ સંતાઈ જાય અને ઘણીવાર તો અમને એની પાછળ દોડાવે. ક્લાસમા રમાડતા હોઈએ અને પછી ભણવાના ટેબલ પાસે બોલાવીએ તો જાણે સાંભળ્યું જ નથી એમ ચાળા કરે
આવો નટખટ અમારો બ્રેન્ડન આજે અમને છોડીને જાય છે. નોકરી અર્થે માબાપે બીજા શહેરમાં જવાનુ નક્કી કર્યું અને બ્રેન્ડન ને અમારાથી વિખુટા પડવાનુ થયું. જેટલાને ખબર પડી એટલા બધા એને મળવા ખાસ ક્લાસમા આવ્યાં ને બ્રેન્ડન પણ બધાને વહાલથી ભેટ્યો. અમારા P.E. (Physical Education) ના સર પોતે ઊંચા તાડ જેવા, એની પાસે તો બ્રેન્ડન નાનકડા ગલુડિયાં જેવો લાગે. જ્યારે પણ એ બ્રેન્ડન ને જુવે કે ઊંચકી લે. બધાને દુઃખ થયું.
આ દેશની ખાસિયત છે લોકો ગમે ત્યારે ગમે ત્યાં મુવ થતા રહે અને બાળકો પણ એમની સાથે ફરતાં રહે એટલે જ કદાચ બધા દિલ ને બદલે દિમાગથી વધુ કામ લેતા હોય છે.
“Be prectical” એ અહીંયા નો જીવનમંત્ર છે.

શૈલા મુન્શા. તા. ૦૫/૩૧/૨૦૧૧.

May 27th 2011

કોઈ ભીંતેથી આયના ઉતારો!!

કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે નજરૂં ના નુર ઝાંખા પડે!

કોઈ ટોડલે થી તોરણ ઉતારો,
કે શરણાઈ ના સુર ધીમા પડે!

કોઈ મેડીએ થી માણ ઉતારો,
કે તાલ મંજીરા ના ઓછા પડે!

કોઈ ઓઢાડો ચુંદડીએ લાડકડીને,
કે ભુલી મહિયરને, કુમકુમ પગલી પડે!

કોઇ હૈયા ના ગુમાન ઉતારો,
કે ખોરડું ને મન સાવ ખાલી પડે!

કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે ઓરતા જીવતરના ઓછા પડે!!!

શૈલા મુન્શા. તા ૦૫/૨૭/૨૦૧૧

May 25th 2011

પથ્થર!

પથ્થર જો રહે પથ્થર,

ઉગામી, બનાવે હથિયાર

સહી ઘા ટાંકણા નો

પુજાય સર્વત્ર બની મૂરત.

ઉગે ફુલ વનરાવન,

ખીલે ખીલે ને કરમાય,

વિણતી એ ફુલ પ્રેમભીની રાધિકા,

બને ફુલમાળ, કાનાનો શણગાર

ઘા શબ્દનો તાતો તલવારથી,

વિંધાય મનડું, કદી ના સંધાય

બોલ બે વહાલપના ને મીઠી નજર

તરી જાય, હોય ભલેને મહેરામણ.

ફાની આ દુનિયા થાશે નષ્ટ,

આકાર નિરાકાર સહુ એકાકાર

મળી જીંદગાની મહેરબાની

ફેલાવો હરદમ ખુશીને ઉલ્લાસ.

શૈલા મુન્શા તા. ૦૫/૨૫/૨૦૧૧

May 18th 2011

ઈબાદત

ના પ્રાર્થના, ના ગુજારિશ
ભીતર ઈશ ને ઈબાદત

ના શિકાયત ના સજા
હરદમ માફી ને ઈબાદત

નયન ઢુંઢે, ખુદા ન પાસ
શ્વાસે શ્વાસે શિવ ને ઈબાદત.

જીવ ને શિવ થાય એકાકાર
બને મોક્ષનો મારગ ઈબાદત

શૈલા મુન્શા. તા.૦૫/૧૮/૨૦૧૧

May 17th 2011

હકીકત

હકીકત અને વાતોમા કેટલો ફરક હોય છે એનો અનુભવ મને કાલે થયો. કોઈ વસ્તુ ટીવી કે સીનેમા ના પરદા પર જોઈએ કે કોઈ દશ્ય વિશે પુસ્તકમા વાંચીએ અને રૂબરૂ જોઈએ એમા કેટલો તફાવત હોય છે.
ઘણી વાર આપણે ટીવી કે સીનેમા મા પોલીસ કોઈની પાછળ પડે કોઈ દાણચોરની ગાડી અટકાવે, સામે બંદુક તાણીને ઊભા રહે એવું જોતા હોઈએ છીએ. જોઈને બે ઘડી થોડો રોમાંચ કે ઘડીભર ભયની ધ્રુજારી, પણ તરત ભુલી જઈ આપણા રોજીંદા વ્યવહારમા પરોવાઈ જઈએ.
ગઈકાલની સાંજ મારા માટે એક જીવતી જાગતી હકીકત હતી. સાંજના સાત નો સમય હતો ને હું ફીએસ્ટા ગ્રોસરી સ્ટોરમાથી મારી ગ્રોસરી લઈને બહાર નીકળી ને બધો સામાન ગાડી મા મુકી રહી હતી અચાનક મારી બાજુમાથી પોલીસની સાયરન સંભળાઈ અને હું નજર ફેરવીને જોવું તો પોલીસની ગાડી એક સફેદ ગાડીની પાછળ ધસી આવી. આગળ ની ગાડી જરા આગળ જઈને ઊભી રહી કારણ આગળ જવાનો રસ્તો જ નહોતો. હજી હું મનમા વિચારૂં કે ભાઈ સ્ટોપ સાઈન પર ઊભા નહિ રહ્યા હોય, પણ ત્યાંતો ધડાધડ બીજી બે પોલીસ કાર બે બાજુથી ધસી આવી ને બન્ને ગાડીના ઓફીસર કારને બે બાજુથી ઘેરી વળ્યા હાથમા ગન સાથે. હકીકતમા આવું થતાં મે પહેલી વાર જોયું. ડરના માર્યા મારા તો પગ પાણી પાણી થઈ ગયા. ફટાફટ બધો સામાન ગાડીમા નાખી, ગાડીમા બેસી પહેલું કામ ગાડી લોક કરવાનુ કર્યું અને તરત ઘરભેગી થઈ ગઈ.
સાચ્ચે જ આજે મને અનુભવ થયો કે હકીકત અને વાતોમા કેટલો ફરક હોય છે.

શૈલા મુન્શા. તા ૦૫/૧૭/૨૦૧૧.

May 13th 2011

જીવન

જીવનથી અલગ એક જીવન હોય,
ના કોઈ ડર, મરણ સાવ સહજ હોય.

અણુબોમ્બ ને મિશાઈલ, ખંડેર નગર
ભીતર પાંગરતું એક જીવન હોય.

રવિકિરણે થાય અર્દશ્ય ઓસ બિંદુ,
ખીલે કમળ કાદવમા, એમ જ હોય.

દુનિયાની રીત નિરાળી, પડતાને પાટુ!
નિર્બળ બને સબળ, લોક સહુ નિર્ભય હોય.

વિરહને પ્રેમ, જોડાતા રેશમ તાંતણે,
ન કોઈ વિરહ, બસ પ્રેમ જ પ્રેમ હોય.

શૈલા મુન્શા. તા ૦૫/૧૩/૨૦૧૧

May 12th 2011

પુત્ર દિન

હમણા ૮ મી મે ના દિવસે અમેરિકા અને દુનિયા મા બધે માતૃદિન ઉજવવા મા આવ્યો અને વળી જુન મહિના મા પિતૃદિન પણ ઉજવાશે. ભારત જેવા દેશમા તો બાળકોને રોજ માતૃદેવોઃ ભવઃ ને પિતૃદેવોઃ ભવઃ હોય છે પણ ક્યારેય કોઈને એવો વિચાર ના આવ્યો કે પુત્રદિન પણ ઉજવાય જ્યારે માબાપ પુત્રને પણ એટલા જ પ્રેમથી નવાજે. કોઈ મારી વાત નો ખોટો અર્થ ના કરે. માબાપ ને મન પોતાના સંતાનથી વિશેષ કાંઈ નથી જ નથી. દિકરી તો પરણીને સાસરે જતી રહે પણ દિકરો તો સાથે જ હોય, જો કે આજે પરિસ્થિતી જુદી છે. નોકરી કે વ્યવસાય ના કારણે બધા દેશ પરદેશ રહેતા થઈ ગયા છે.
બાળક અને મા એકબીજા ના અવિભાજ્ય અંગ. મા પોતાના બાળકને સમજી શકે એટલું કોઈ ના સમજી શકે અને દિકરો કે દિકરી પણ માના દિલને સમજે એટલું કોઈ ના સમજે. દિકરો મોટો થાય અને એનો પ્રેમ વહેંચાય એનો અર્થ એ નથી કે એ માબાપથી દુર થાય છે પણ ઘણીવાર માબાપ ની જ અપેક્ષા વધી જાય છે. તેઓ માનવા તૈયાર નથી કે દિકરો મોટો થયો, પોતાની જવાબદારી સમજતો થયો, એને હજી પણ પોતાની રીતે જ જીવાડવા માંગે છે અને જો ધાર્યું ના થાય તો વાંક દિકરાનો નીકળે છે. નવી વહુ ઘરમા આવે એના પણ કાંઈ ઓરતા હોય, વિચાર ફેર હોય આ બધા વચ્ચે એક દિકરા ને જ સંતુલન રાખવું પડે છે. દર વખતે દિકરા નો જ વાંક હોતો નથી. ક્યારેક એવું પણે બને છે કે એની જરૂરિયાત એની માંદગી વખતે એ ઇચ્છે કે માનો હાથ મારા માથે હોય પણ મા પહોંચી ના શકે એ વેદના મા ને દિકરા સિવાય કોઈ સમજી ના શકે.
દિકરાને પાસે રહી કે દુર રહી એજ પ્રેમ સતત આપતા રહેવાની એક રીત આપણે પુત્ર દિન પણ ઉજવીએ અને એના પ્રેમ ને નવાજીએ. દિકરો પણ આખર એ જ તો ઈચ્છે છે. નાનકડાં બે શબ્દો બધા બંધનો ની કડી મજબુત કરે છે.

શૈલા મુન્શા. તા૦૫/૧૨/૨૦૧૧.

May 6th 2011

જો હોય – ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ,
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે,
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં,
જો થોડું બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢું છું:
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો,
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે,
બાના સમું સ્વજન હોય.

કવિ ઉશનસ્ ની આ ગઝલ મારી ગમતી ગઝલ માથી એક છે, અને ખાસ દુનિયાની સર્વ “મા” ને સમર્પિત.
“બોલાવે ઘેર સાંજે,
બાના સમું સ્વજન હોય.”

May 5th 2011

નથી મળતી

રસ્તો નજર સામે ને મંઝિલ નથી મળતી,
દિવાનગી દિલમા ને આશિકી નથી મળતી.

છાઈ છે ખુશી હર તરફ ને મતવાલી મોસમ
ઢુંઢતી નજર સાથી ને, નિશાની નથી મળતી.

ક્યાંક ટહુકતી કોયલ ને ખીલતી વસંત,
હમેશ હવામા મહેક મંજરીની નથી મળતી.

કોઇ માને ન માને છે ખુદા આસપાસ
માંગવાથી હરદમ ખુદાઈ નથી મળતી.

રસ્તો નજર સામે ને મંઝિલ નથી મળતી,
દિવાનગી દિલમા ને આશિકી નથી મળતી.

શૈલ મુન્શા. તા ૦૫/૦૫/૨૦૧૧

May 4th 2011

દીમાન્તે

દીમાન્તે દશ વર્ષનો છે. એટલાન્ટા દાદી સાથે રહેતો હતો કારણ, માબાપ અલગ થયા અને માએ બીજા લગન કર્યા. થોડા વખત પહેલા દાદી ગુજરી ગઈ અને દીમાન્તે હ્યુસ્ટન આવ્યો એના બાપ પાસે. દીમાન્તે મંદબુધ્ધિનો બાળક તો છે જ પણ સાથે એનુ વર્તન પણ આક્રમક છે. થોડા દિવસ પહેલા એ અમારા “Life skill” ના ક્લાસમા આવ્યો. મંદબુધ્ધિના બાળકો જ્યારે અમારા ક્લાસમાથી(PPCD) Life skill ના ક્લાસમા જાય ત્યારે ત્યાં પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધી એક જ ક્લાસમા હોય. એ ક્લાસમા છ વર્ષથી માંડી ને દશ અગિયાર વર્ષના બાળકો હોય. દર વર્ષે એમની વય પ્રમાણે એમની ફાઈલ બદલાતી જાય અને લેબલ બદલાતું જાય કે ભાઈ હોસે હવે પહેલા માથી બીજા ધોરણ મા આવ્યો પણ ક્લાસ ના બદલાય.
દીમાન્તે જ્યારે એ ક્લાસમા આવ્યો ત્યારે દશ બાળકો પહેલેથી જ ક્લાસમા હતા ને જુદી જુદી વયના હતા. બેચાર દિવસ તો દીમાન્તે નુ વર્તન બહુ ચિંતાજનક નહોતુ. એ નવો અને એને માટે વાતાવરણ પણ નવું, પણ છેલ્લા ત્રણ દિવસથી એના તોફાને માઝા મુકી છે. ક્લાસમા કબાટ પર ચડી જાય, ખુરશી ઉપાડીને છૂટ્ટો ઘા કરે, ચીસાચીસ કરી મુકે. પહેલે દિવસે જેવો એ ટેબલ પર ઊભો થઈ કબાટ પર ચડ્યો કે બીજા બધા બાળકો ડરના માર્યા અમારા રૂમમા ધસી આવ્યા. અમારા બે ક્લાસ વચ્ચે કોમન દરવાજો છે. અમારા નાના બાળકો પણ આ કોલાહલથી ગભરાઈને રડવા માંડ્યા. અમારો દમાની આમ પણ ઘરમા એકનો એક, બહુ ઘોંઘાટ સહન ના કરી શકે એ તો આવીને મારી સોડમા ભરાઈ ગયો.
છેલા ત્રણ દિવસ થી જાણે ભૂકંપ કે સુનામી આવેને લોકો નાસભાગ કરે એવી હાલત થઈ છે. સાયકોલોજીસ્ટ ને social worker, Special Ed Dept. head બધાનો શંભુમેળો ભેગો થાય પણ તકલીફ એ થાય કે જ્યારે બધા આવ્યા હોય તો દીમાન્તે સામાન્ય બાળકની જેમ શાંતિથી પોતાનુ કામ કરતો હોય.
આ દેશની એક ખુબી છે બધું કામ પધ્ધતિસર થવું જોઈએ. દીમાન્તે માટે આટલા બધા બાળકો સાથે હોય એવો ક્લાસ યોગ્ય નથી. અણજાણતા એ કોઈ ને અથવા પોતાને હાનિ પહોંચાડી બેસે પણ આ બધું સાબિત થવું જોઈએ. એ કાગળીયાં કરવામા જ એટલો બધો સમય જાય દરમ્યાન જો કાંઈ થાય તો વાંક બધો શિક્ષકનો આવે.
દીમાન્તે નો પણ કાંઈ વાંક નથી. એ અબુધ બાળકને ખ્યાલ પણ નથી કે એ શું કરી રહ્યો છે, ઉપરાંત એટલાન્ટા મા એ ખાસ ક્લાસમા હતો જ્યાં બે થી ત્રણ બાળકો ક્લાસમા હોય અને બે શિક્ષક ધ્યાન રાખનારા હોય. અચાનક એ પણ બેત્રણ ને બદલે દશ બાર છોકરાઓના ક્લાસમા આવી ગયો જ્યાં એની ઊમરના પણ ત્રણ ચાર બાળકો છે અને થોડા ધમાલિયા પણ છે.
આપણે કહીએ છીએ ને કે સરકારી ઓફીસોમા માણસો જેમ જુના થાય તેમ ખાઈ બદે. સરકારના જમાઈ બની જાય ને દાદાગીરી કરતાં થઈ જાય તેમ આ બાળકો પાંચ વર્ષ એક જ ક્લાસમા હોય એટલે જાણે એમને પણ થોડો માલિકી ભાવ આવી જાય અને પોતાનુ ધાર્યું કરવાનો પ્રયત્ન કરે. સમજ તો બહુ હોય નહિ અને અનુકરણ જલ્દી શીખી જાય આ બધું દીમાન્તે ને ઉશ્કેરવા માટે પુરતું હતું.
ભગવાન કરે ને દીમાન્તે ને યોગ્ય વાતાવરણ મળી જાય અને એનો એના પ્રમાણમા વિકાસ થઈ શકે.

શૈલા મુન્શા. તા. ૦૫/૦૪/૨૦૧૧

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.