December 31st 2021

મુક્તક

મુક્તક

જીવનની પોથીના પાન જાય ઘટતાં,
મિત્રોની યાદિમાં નામ જાય ખૂટતાં;
નવલું વર્ષ લાવે નવી આશને ઉમંગ,
પ્રાર્થના જગ કલ્યાણની રહીએ રટતાં

શૈલા મુન્શા તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧

December 29th 2021

સંભારણું – ૫

સંભારણું -૫
હમણાં જ નવરાત્રિના તહેવારની સમાપ્તિ થઈ. હવે તો નવરાત્રિ એક સર્વમાન્ય તહેવાર થઈ ગયો છે. દેશ વિદેશના યુવક યુવતીઓ એ ગરબાના તાલે નૃત્ય કરે છે, હા એને નૃત્ય જ કહેવાય કારણ પારંપારિક ગરબાંની રમઝટ ભુલાઈ રહી છે. નવ દિવસના નવલાં વસ્ત્રો, ચણિયા ચોળી, પુરુષો માટે ચોરણુ, કેડિયું એમાં જ નવરાત્રી નો તહેવાર રહી ગયો છે. ભારત કરતાં પણ જાણે વિદેશોમાં આ તહેવાર વધુ ધામધૂમથી ઉજવાતો હોય એવું લાગે છે. મહિનાઓ પહેલાં મોટા મોટા જાણીતા ગાયકોને લાખો ડોલર આપી આવવા માટે આમંત્રણ અપાઈ જાય. મોટા સ્ટેડિયમમાં ઉજવણીની તૈયારી થવા માંડે અને માતાના ગરબાં પણ ફિલ્મી ગીતોના ઢાળમાં ગવાય. હજારો નવજુવાનો ભાતીગળ પોશાકો પહેરી ગરબે ઘૂમે, એમાં દરેક પોતાની ટોળી બનાવી પોતાના નવા નવા સ્ટેપ્સ રચી પોતાની મસ્તીમાં ઘૂમતાં હોય અને સ્ટેજ પરથી આમંત્રિત ગાયક પોતાના સૂર રેલાવતાં હોય.
ગયા વર્ષે તો કોરોનાને કારણે આખું જગત જાણે પોતાના ઘરમાં કેદ થઈ ગયું હતું, પણ આ માહામારીને ડામવા વેક્સીનની શોધના પરિણામે લોકો થોડા ભયમુક્ત થયાં અને કેદમાંથી મુક્ત થયેલા લોકો બમણા ઉત્સાહે ઉત્સવની જાહેર ઉજવણીમાં જાણે દુકાળમાંથી મુક્ત થયાં હોય તેમ રસ્તાં પર ઉતરી પડ્યાં, પછી ગણપતિનો તહેવાર હોય કે નવરાત્રિ કે દુર્ગા પૂજા.
ભારત જેમ ભાતીગળ પ્રજાનો દેશ છે તેમ દરેક કોમના પોતાના તહેવાર પણ હોય છે.
ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ. આ વખતે નવરાત્રિમાં મારી ખાસ બહેનપણીએ અમદાવાદથી એક વિડિઓ મોકલ્યો અને મારું મન મારા બાળપણને ઓવારે પહોંચી ગયું. મારી બહેનપણીના બિલ્ડીંગના આંગણમાં ગરબે ઘૂમતા નરનારીનો એ વીડિઓ હતો, અને વચ્ચે માતાજીની છબી સાથે કાણાવાળી માટલીમાં અખંડ દીવો ઝળહળતો હતો. ફકત હું જ નહિ અમારું આખું સખીવૃંદ તરત પોતાના સ્મરણો તાજા કરી રહ્યાં.
નવરાત્રિ એટલે માતાજીની ભક્તિ આરાધના. ગરબો શબ્દ એ ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો છે. માતાજીની પૂજા વિધિમાં ઘટ એટલે કે કાણાવાળી માટલીને સરસ રંગી એમાં દીપની સ્થાપના કરવામાં આવે. અખંડ જ્યોત ઝળહળતી રહે એનુ ધ્યાન રાખવામાં આવે, સવાર સાંજ માતાજીની આરતી થાય. ગામડામાં રહેતાં લોકો ગામના ચોરે માતાજીની ગરબીની સ્થાપના કરે અને સાંજ પડે સહુ નિત્યક્રમ પરવારી ગામના ચોરે ગરબાં રમવા ભેગા થાય. વારાફરતી સહુના ઘરેથી પ્રસાદ આવે અને પાંચ ગરબાં માતાજીના ગવાય પછી રાસની રમઝટ જામે. નાનકડી કન્યાઓ સરસ ચણિયા ચોળી પહેરી માથે માતાજીની ગરબી મુકી ઘેર ઘેર ફરે અને સહુ રાજીખુશી પાવલી, આઠ આના દક્ષિણા આપે. લોકો નવ દિવસના ઉપવાસ કરે, કોઈ ફક્ત ફળાહાર પર હોય, કોઈ એકવાર ફરાળ કરે, કોઈ નકોરડાં ઉપવાસ કરે. નવમે દિવસે નૈવેધ ધરાવે અને દશેરાએ ફાફડાં જલેબીનુ સેવન કરે.
શહેરોમાં પણ દરેક સોસાયટીના આંગણમાં આવી જ નવરાત્રિ ઉજવાય.
મને યાદ છે અમે સહુ બહેનપણીઓ એકબીજાની સોસાયટીમાં ગરબા રમવા જઈએ અને વળતાં ખોબોભરી પ્રસાદ લેતાં આવીએ. નાના બાળકો તો મધમાખીની જેમ પ્રસાદની થાળીની આસપાસ જ મંડરાતાં હોય. દરરોજ કોઈને ત્યાંથી માતાજીની બાધા લીધી હોય તેની માનતા પુરી કરવાં લ્હાણી થતી હોય અને સ્ટીલની વાડાકી, નાની થાળી, પ્લાસ્ટિકના ડબ્બાં એવી તો કેટલીય વસ્તુ ઘરમાં આવે.
એક વીડિઓએ કેટલીય સ્મૃતિ જાગૃત કરી દીધી…
આજે પણ તહેવારો તો ઉજવાય છે અને તહેવારોના નામે ડોનેશન પણ ઉઘરાવે છે. માતાજીની મુર્તિ કે ગણપતિના તહેવારમાં કોઈ ચોકલેટની મુર્તિ બનાવે, કે કેળાની મુર્તી બનાવે, કે સોનાની ત્યારે વિચાર આવે કે પૈસાની આમ બરબાદી કરતાં કોઈ જરુરતમંદને મદદ કરવામાં એ પૈસો વપરાય તો સહુ દેવી દેવતાં વધુ પ્રસન્ન થાય.
મન પણ ખરેખર અજીબ યાદોનો ભંડાર છે, જગત અત્યારે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, કેટલીય શોધ થઈ રહી છે, માણસ ચંદ્ર પર તો પહોંચી ગયો અને હવે લાખો ડોલર ખર્ચી પ્રવાસીઓને ઓર્બીટની સહેલ કરાવવાનુ પણ બુકીંગ થઈ રહ્યું છે ત્યારે પણ જ્યારે મનના ખજાનામાંથી આવા યાદના સંભારણા જાગે છે અને એક નાનકડી ઘટના ક્યાંય તળિયે છુપાયેલી યાદ પળમાં જાગૃત કરી દે છે એને માપવાનુ કોઈ યંત્ર શોધાયું નથી.
આવા સંભારણાથી જ તો ડાયરીના પાના સમૃધ્ધ છે….

શૈલા મુન્શા તા.ઓક્ટોબર ૨૪/૨૦૨૧
www.smunshaw.wordpress.com

December 29th 2021

સંભારણું – ૬

પાયાકેળવણી અને કેળવણીનો પાયો. કેળવણીની વાત કરીએ તો સાથે કર્તા પણ આવે અર્થાત કેળવણી આપનાર, અધ્યાપક, શિક્ષક; સાદી ભાષામાં કહીએ તો ગુરૂ.
જન્મભૂમિ પ્રવાસી મુંબઈના સમાચાર પત્રમાં તા.૧૪/૧૧/૨૦૨૧ એ શ્રી ઈન્દુબહેન પટેલ મારા શાળા જીવનના પ્રિન્સિપાલ માટે છપાયેલ લેખ આ સંભારણું લખવામાં નિમિત્ત છે, જોગાનુજોગ આજનો દિવસ ભારતમાં બાળદિન તરીકે ઉજવાય છે અને અમ બાળકોના જીવનમાં જન્મદાત્રી, તેનો પરિવાર અને ત્યારબાદનું ઘડતર નિશાળમાં થાય, એ શાળાના આજીવન શિક્ષિકા, પ્રિન્સિપાલ ઈન્દુબહેન વિશે વિસ્તારપૂર્વક લેખ છાપાંમાં આવે એનાથી વધુ બાળદિનની ઉજવણી બીજી કઈ હોઈ શકે!!!!
કલ્યાણી અને અલકા અમારી શાળાની સહપાઠી, છેલ્લાં ત્રણ મહિનાથી એક લેખ લખવાનો મનસૂબો કરી રહ્યાં હતાં, અને એ લેખ હતો અમારી શાળાના પ્રિન્સિપાલ, અમારાં સહુના માર્ગદર્શક ઈન્દુબહેન પટેલ. ભારત સ્વતંત્ર થયું એ અરસામાં વિલે પાર્લે પૂર્વમાં નાનકડી ગલીમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળા. નામ એનુ શ્રી નવસમાજ મંડળ સેકેંડરી હાઈસ્કૂલ. શરૂઆતમાં આ શાળા ચૈતન્ય બાળમંદિરના નામે ઓળખાતી. અમારા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે આ શાળાનું ઉદઘાટન ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે થયું હતું. ઈન્દુબહેન શરૂઆતનાં વર્ષોથી જ શાળામાં જોડાયેલાં અને આજીવન શાળા સાથે સંકળાયેલા રહ્યાં. કેટકેટલાં ઉમદા શિક્ષકોએ અમારા ઘડતરમાં અગત્યનુ યોગદાન આપ્યું છે, એ સહુ મોતીઓને એક સૂત્રે સાંકળનાર એવું વિલક્ષણ મોતી એ અમારી શાળાનાં પ્રિન્સિપાલ ઈન્દુબહેન પટેલ.
અત્યારે ઈન્દુબહેન ૯૭માં વર્ષમાં પ્રવેશી ચૂક્યાં છે, આજની તારીખે પણ એમની સાથેની પ્રત્યેક મુલાકાતમાં તાજગીનો અનુભવ થાય. કોઈ પ્રકારની ફરિયાદ નહિ, કોઈ અપેક્ષા નહિ, પોતે સંપૂર્ણ સ્વસ્થ. જ્યારે મળીએ ત્યારે ઉમળકાભેર આવકારે, અને ભાવભીનાં આદર સત્કારથી નવાજે. એમના નિખાલસ ચહેરા પર મંદ સ્મિત હમેશા હોય જ. જીવન જીવવાનો અભિગમ એમની પાસેથી શીખવા જેવો. આવી વિલક્ષણ વ્યક્તિએ કરેલા અથાક પરિશ્રમ અને નિઃસ્વાર્થ ત્યાગની સાધના દ્વારા અમારી કેળવણીનો પાયો મંડાયો હતો.
ઈન્દુબહેન દરેક વિધ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખે. કોના કુટુંબમાં કેટલાં સભ્યો છે, ઘરની શું પરિસ્થિતિ છે, એ બધાથી વાકેફ રહેતાં.
મારા માટે ૨૦૧૮ની મારી ભારત યાત્રા એક વિશેષ સંભારણા જેવી બની ગઈ છે. સહુથી વધુ મારો મહાઆનંદ વડીલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સિપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. તેમના પિતાશ્રી સ્વ. જયસુખલાલ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખાદીધારી વ્યક્તિ. એમણે પોતાની લાડકી દીકરીને સંપૂર્ણ પીઠબળ આપેલુંં. આજીવન અવિવાહિત રહીને ઈન્દુબહેને કેળવણીના ક્ષેત્રમાં યોગદાન આપવાનુ અને જીવનભર ખાદીના વસ્ત્રો અંગીકાર કરવાનુ નક્કી કર્યું ત્યારે પિતાનો સંપૂર્ણ સહકાર મળેલો.
મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમાં એમનો નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા બધું જાતે જ કરે છે.
મેં શ.શ.ચ. ૧૯૬૭માં પાસ કર્યું. મારી શાળા ચૈતન્ય બાળમંદિરમાંથી વિકાસ પામી માધમિક શાળા બની ગઈ. અમારી શાળામાં દર વર્ષે ત્યારે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો શ.શ.ચ નો બીજો ક્લાસ હતો. ૧૯૬૭ પછી ઈન્દુબહેનને મળવાના અવસર ઓછાં થતાં ગયાં, પણ એમણે જે સાહિત્યનો રંગ અમને લગાડ્યો એ મારા માટે આશીર્વાદ બની ગયો. મને બરાબર યાદ છે સાતમા ધોરણની શરૂઆતમાં અમને શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા વાંચવાનુ કહ્યું હતું અને બધા વાંચે એટલા માટે વાર્ષિક પરિક્ષામાં એ નવલકથામાંથી વીસ માર્કનો સવાલ પૂછશે એવી જાણ કરી હતી.
એ ઉમદા સાહિત્યના વાંચને મારામાં વધુ સારા પુસ્તકો વાંચવાની તલપ જાગી. આમ પણ નાનપણથી નિંબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામ મળ્યાં હતાં અને અમેરિકા આવ્યા પછી થોડી સમયની મોકળાશે લેખનકાર્ય પણ શરૂ થયું. ભારતમાં શિક્ષિકા હતી અને અહીં આવ્યા પછી પણ શિક્ષિકા જ રહી, ફરક એટલો કે અહીં દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું. આ બાળકોના નિર્દોષ તોફાનો, એમની તકલીફો પર નાના રોજિંદા પ્રસંગો લખવાનુ શરું કર્યું અને પછી એ “બાળ ગગન પુસ્તક રુપે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ખાસ ઈન્દુબહેનનો ઉલ્લેખ કર્યો છે કે એમની પ્રેરણાએ જ મને ઉમદા સાહિત્ય વાંચની ટેવ પડી અને આગળ જતાં મારા લખાણમાં પ્રગતિ થતી રહી.
મેં “બાળ ગગન વિહાર” પુસ્તક ઈન્દુબહેનને મોકલાવ્યું હતું, જ્યારે હું ૨૦૧૮માં એમને મળી ત્યારે આટલા વર્ષો પછી પણ ઈન્દુબહેનને હું, મારા ઘરના સહુ, અમારી વિશેષતા યાદ હતી. નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી, મમ્મીની રસોઈના વખાણ અને મારી નાની બહેન પારુલ બધાના સમાચાર વિગતવાર પૂછ્યાં. મારા અમેરિકાના દિવ્યાંગ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક એમણે વાંચ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખુબ જ ખૂશ હતા. ઘણી વાતો કરી અને એ મારા જીવનનું એ અમૂલ્ય સંભારણું છે.
૨૦૧૮માં અમે બધા ૧૯૬૭ના S.S.C batch ના મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.
પ્રભુ કૃપાથી ૨૦૧૮ની સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી,ક્યાં અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પુરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહીં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ય ગઈ નથી!!!!!
આજે જન્મભૂમિના લેખે કેટલાં સ્મરણ તાજા કરાવી દીધાં. ઈન્દુબહેનના હાથ નીચે કેટલાય વિધ્ધાર્થીઓ તૈયાર થયા હશે પણ એમણે કોઈ પર હાથ ઉપાડ્યો નથી અને જ્યારે મેં એમને મારા ભારતના મારા હાથ નીચે ભણી ગયેલા ૧૯૮૫, ૧૯૮૭ના વર્ષના વિધ્ધ્યાર્થીઓએ મારા સન્માનમાં મોટા પાયે આયોજન કરેલાં મેળાવડાની વાત કરી અને જે આદરપૂર્વક એ સહુ આજે પણ યાદ કરે છે એ જાણી તો એ એટલાં ખૂશ થઈ ગયાં કે મારો ખભો થાબડી કહે “વાહ તેં એક શિક્ષિકા તરીકે આજે મારું પણ ગૌરવ વધારી દીધું”
મારી ૨૦૧૮ની ભારતયાત્રા મારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જે ઊર્જાથી ઈન્દુબહેને અમને સિંચ્યા હતાં તેનું આજ મૂળસ્ત્રોત, અમારી કેળવણીનો પાયો વર્ષો પહેલાં નંખાયેલો, પરંતુ પાયાની એ કેળવણીનો રંગ અમે વર્ષો પછી પારખ્યો.
ખૂબ આભાર કલ્યાણી અને અલકાનો. એમના લેખમાંથી ઘણી માહિતી મેં મારા લેખમાં લીધી છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૧૪ નવેમ્બર ૨૦૨૧

December 29th 2021

સંભારણું -૭

અમેરિકા, યુરોપ અને જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ પળાય છે ત્યાં નાતાલનો વાર્ષિક તહેવાર ધૂમધામથી ઉજવાય છે. સાન્તાક્લોઝ રેન્ડિયરની બગીમાં બેસી આવે. જાજરમાન લાલ પોશાક, સફેદ દાઢી અને ખભે ભેટસોગાદોનો મોટો થેલો. નાના બાળકો માટે સાન્તા કોઈ જાદુઈ પરીથી કમ નથી જે એમની બધી ઇચ્છા અને માંગ પુરી કરે.
નાના બાળકોની ઇચ્છા પરથી મને મળેલો એક બાળકીનો વિડીયો યાદ આવી ગયો. બાળકો જુદીજુદી રીતે સાન્તાને પોતાની માંગણી જણાવતા હોય છે. કોઈ ચિઠ્ઠી લખીને ક્રિસમસ ટ્રી નીચે મુકે, કોઈ મમ્મી પપ્પાને પોતાની ઇચ્છા જણાવે. એમની માંગણીઓ પણ મજેદાર હોય. આ બાળકો નાની અમથી ઈચ્છા પૂર્ણ થાય તો પણ રાજી રાજી થઈ જતાં હોય છે.
મને જે વિડીયો મળ્યો એમાં એક બાળકી ગાઈને સાન્તાને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. એના આગળના બે દાંત પડી ગયા છે અને લોકો એની સામે કુતૂહલથી જુએ છે એટલે એ સાન્તાને કહે છે પ્લીઝ મને મારા બે દાંત આપી દો. એની મોટી બહેન વ્હિસલ મારી મારીને બધાને મેરી ક્રિસમસ વીશ કરે છે, એને પણ વ્હિસલ મારવી છે પણ આગળના બે દાંત નથી એટલે વ્હિસલ મારી શકતી નથી. વિડીયોમાં એ નાનકડી બાળકીની ગાવાની રીત, વ્હિસલ મારવાનો પ્રયાસ બધું જ બહુ રમૂજી રીતે દેખાય છે. એને સાન્તા પર પુરો વિશ્વાસ છે કે સાન્તા એની આ માંગ જરૂર પૂર્ણ કરશે.
બાળકોની માંગણી પરથી ગયા વર્ષે કેપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથા “પરિક્રમા” વાંચી હતી તે યાદ આવી ગઈ. એમાં પણ કિશોર એક બાળક પોતાના માતા પિતા ગુમાવે છે અને બહેન રુપવતી એને પોતાના ઘરે લઈ આવે છે. આકસ્મિક આવી પડેલા આ દારુણ દુઃખથી કિશોરનું હૈયું સાવ મૂરઝાઈ જાય છે, એવામાં નાતાલમાં એનો મિત્ર કહે છે કે તું સાન્તાને પત્ર લખ, એ સહુની ઇચ્છા પૂર્ણ કરે છે. બીજા વર્ષે અમેરિકાથી અનાયાસે શોન અને એની પત્ની સુઝન પોતાના પૂર્વજોની શોધખોળમાં ભારત આવે છે અને શોધતાં શોધતાં રુપવતીના ઘર સુધી પહોંચે છે. કિશોર જ્યારે શોનને જુએ છે તો એના માનવામાં આવતું નથી કે એના પિતા એની સામે છે. શોન આબેહૂબ એના પિતા જેવો દેખાય છે, સાચે જ એના પિતા નથી એવી સમજ એ ભોળા કિશોરને નથી. સાન્તા એની ઇચ્છા આટલી જલ્દી પૂર્ણ કરશે એ એના માનવામાં આવ્યું નહિ.
સ્કૂલમાં પણ જેવું થેંક્સગીવીંગ પતે એટલે જાણે તહેવારનો માહોલ થઈ જાય. ક્લાસમાં ક્રિસમસનાં ગીતો અને મુવી દેખાડાય. ક્લાસને શણગારવામાં બાળકો પણ ભાગ લે. લોકોનાં ઘરની બહાર ઝગમગ લાઈટના તોરણ ને કેન્ડી કેન રેન્ડિયરના પૂતળાં ઊભા થઈ જાય. ગલી રસ્તા વૃક્ષો સહુ ઝગમગી ઉઠે.
મારી મસિયાઈ બહેન પરણીને સ્વીડન ગઈ બરાબર ક્રિસમસના તહેવાર પહેલાં. ત્યાંથી મોકલેલા ફોટા જોઈ મન ખૂશ થઈ ગયું. ચારેબાજુ બરફની સફેદ ચાદર અને ઉપર ઝગમગતી રંગીન રોશની, આહાહા!! અદભૂત મનોરમ્ય નજારો. ગયા વર્ષના કોરોનારુપી કોપમાંથી, ડરમાંથી બહાર નીકળી લોકો બમણા ઉત્સાહે તહેવાર મનાવવા, સાન્તાને આવકારવા સજ્જ થઈ ગયા છે.
રોશની ને લાઈટનાં તોરણોના ઝગમગાટની યાદે મારું મન પણ બાળપણના ઓવારે પહોંચી ગયું. મુંબઈ હમેશા પચરંગી વસ્તી ધરાવતું શહેર છે અને ત્યાંના લોકો બધા તહેવાર ધામધૂમથી ઉજવે છે.
મારા મામાના મોટા ગોડાઉન હતા અને એમાં ભરેલા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા બે ખટારા પણ રાખ્યાં હતાં. મને યાદ છે કે ક્રિસમસની રાતે અમે ઘરના સહુ નાના મોટા એ ખટારામાં બેસી મુંબઈમાં થતી નાતાલની રોશની જોવા નીકળી પડતાં. વડીલો માટે ચાદર, તકિયા ગોઠવી દેતા. રાતભર સહુને ચાલે એવો નાસ્તો કુકી સ્પોંજકેક કાગળની ડીશ, પવાલાં બધું યાદ રાખી ખટારામાં મૂકાઈ જતું. સાંતાક્રુઝથી શરુ થયેલી સફર ચોપાટી, પાલવા બંદર થઈ કોલાબા સુધી પહોંચતી. વાતાવરણમાં ગુલાબી ઠંડી અને ચારેતરફ રોશનીનો ઝગમગાટ. રસ્તા પર લોકો મસ્તીના માહોલમાં ઝૂમતા એકબીજાને મેરી ક્રિસમસ કરતાં આગળ ચાલ્યાં જતાં કોઈ ગીત ગાતાં ઝૂમતા. રાત છે કે દિવસ એ જ જાણે સમજાતું નહિ.
પરોઢ થતાં થતાંમાં ફરી આવતા વર્ષની ક્રિસમસની વાટ જોતી અમારી સવારી ઘર તરફ પાછી વળતી. એ આનંદ એ મસ્તી એ માહોલ આજે પણ આંખ સામે તરવરે છે. એ મીઠા સંભારણાની મીઠી યાદ દિલના ખૂણે લીલીછમ છે!!
કાશ એ બાળપણ પાછું મળે!!!
અસ્તુ,
શૈલા મુન્શા ડિસેમ્બર ૨૩/૨૦૨૧

December 22nd 2021

ભરમાતી રહી!!

શ્વાસોની આવનજાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની એ નાહક ખર્ચાતી રહી?

નૈયા હાલક ડોલક મઝધારે અટવાતી,
સાગર તરવા જૂઠી આશા જોવાતી રહી!

તોફાની તાંડવ ઊછળતાં મોજા વેગે,
ધસમસતા ઓવારે સીમા લોપાતી રહી!

ઈચ્છાઓ ટળવળતી નાગણસી વળ ખાતી,
લાલચની રેશમ દોરી તો ગૂંથાતી રહી!

સૂરત હો ભોળી, આશય ભલમનસાઈનો;
દાનત ખોરી ઝૂંટવવાની પરખાતી રહી!

સચ્ચાઈ પારખવી એ તો કોઈ ના જાણે,
મંશા માણસની અંદર અમળાતી રહી!

આવરદા ઓછી સરકે જીવન રેતી સમ
સૌરભ તો યે માનવતાની ફેલાતી રહી!!

શૈલા મુન્શા તા.11/22/2021

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.