December 25th 2010

સવાલ ના જવાબ વજુ કોટક દ્વારા-

(2) સવાલ-જવાબ

ચંદન (ચક્રમ) સામયિકમાં સવાલ-જવાબનો એક વિભાગ આવે છે. વર્ષો પહેલાં સ્વ. વજુ કોટક સાહેબે પણ આવી જ રીતે અજબસવાલોના ગજબ જવાબ આપ્યા હતા. ચાલો માણીએ… તેમનોલેખઃ
વજુકોટકના ગજબ જવાબો

■ સ: મારો મિત્ર કહે છે ટાઢનું વજન સવા મણ, દસશેર અને બે મુઠ્ઠી તો તે કેવી રીતે?
જ: જ્યારે ઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢે છેમાટે ઠંડીનું વજન સવા મણ ગણાય. સાધારણ માણસ દસશેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનુંવજન દસ શેર થયું, અનેગરીબ માણસ ટુંટિયું વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટેત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.

■ સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછીઆવતી નથી.

■ સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.

■ સ: પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું?
જ: પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.

■ સ: ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણો ક્યાં?
જ: માથાભારે બૈરી, વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.

■ સ: બાળક એટલે?
જ: લગ્નજીવનનું વ્યાજ.

■ સ: શુ ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.

■ સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.

■ સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા

■ સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.

■ સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.

■ સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક

■ સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ

■ સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.

■ સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાનીખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.

■ સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા

■ સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારોવાદ કયો?
જ: આશિર્વાદ

■ સ: તાજમહાલ શું છે ?
જ: આંસુની ઈમારત.

■ સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ

■ સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.

■ સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!

■ સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એશું મોટામાં મોટી ભૂલ નથી?

■ સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથીલાગતી. નક્કી કરો કાંઈક અને નીકળો કાંઈક

(મિત્ર દ્વારા ઈ-મૈલ મા મળેલ લેખ)

December 15th 2010

ગુજરાતની ગરિમા

દોસ્ત, હું ગુજરાત છું.
જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું.

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લંગ, હું ગુજરાત છું!

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું. પંગુ મંગુની અમરતકાકી માટે ઉઠતી ચીસ મેં સાંભળી છે. સંતુ રંગીલીની તળપદી ગાળો ય મારા કાને ઉઠી છે. કાળુ અને રાજુની આંગળી ઝાલીને મેં છપ્પનિયો ભોગવ્યો છે. સરસ્વતીચંદ્રની કુમુદસુંદરીનો ઘરસંસાર ડોકિયાં તાણીને જોયો છે. જાણી જાણીને ઝેર પીધાં પછી યે મેં અમૃતાનું આચમન કર્યું છે. પ્રોફેસર કોનારક શાહ ક્યાંક લીલા અંધકારમાં જટાયુ બની મારા અક્ષરદેહ ફરતે ચકરાવો લે છે. ઉપનિષદના અસ્તિત્વનો ઉત્સવ ક્યાંક રાતદિવસના રસ્તે પ્રેમ કરતા વ્હાલમની જેમ મને જડી જાય છે. મારા ખભે શિયાળાની સવારનો તડકો કૂદાકૂદ કરે છે. હું ધરતીની આરતી ઉતારૂં છું. હું સત્યના પ્રયોગોનો ચરખો છું, અને માણસાઇના દીવાનો તણખો છું. ક્ષિતિજ અને કુમારના પીળા પડી ગયેલા પાનાઓને કોરી ખાતી ઉધઈ પણ હું જ છું.

મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે, અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે.
હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી? કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી? હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે? ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે? ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિના ગર્વ જ સાંભળી મારે માથું દુખાડવું પડશે? ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ? ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું. વેપાર મારી આવડત છે, નબળાઈ નથી. જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે…
…ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે. અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું!

જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે,હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું. હું બોસ છું.

બાપુ, હું ગુજરાત છું.

ગુજરાતનુ ગૌરવ વર્ણવતો આ લેખ મિત્રના ઈ-મૈલ દ્વારા મળેલ છે.

December 3rd 2010

સમી સાંજે

વડલાની ડાળે બેઠા પોપટ ને પોપટી સમી સાંજે
દિનભરની ઉડાણનો ઉતારતા એ થાક સમી સાંજે

વાગોળતા એ વીત્યો દિન કેવો આજ
ને વળી વિતશે દિન કેવો કાલ,
કાલની તો કોને ખબર ભાઈ?
વીતી ઘડી આજની રળિયામણી ભાઈ.

મહેર મોટી કુદરતની એ પંખીડા પર ભાઈ,
કેવી વહેતી સરલ ને સહજ જીંદગાની
ન ઝાઝી તૃષા ન ભુખ, કલ્લોલતા ભરીને,
ઊંચી ઉડાણ ગગન ભણી વહેતા સમીર સંગ.

ઝુલતા હિંચકાની કોર બેઠા એ દંપતિ સમી સાંજે
જીંદગાની ની સફરનો ઉતારતા થાક સમી સાંજે.

વાયા વર્ષોના વહાણા, વાગોળતા એ યાદ ખટમધુરી
હતા એ દિવસો યૌવનના તરવરાટથી ભરેલા
હતી હામ હૈયે, ઝીલી લેવા પડકાર સહુ આફતોનો
મિલાવી હાથમાં હાથ,બસ વધ્યા આગળ સફરમાં.

જીવન વહીખાતાનો માંડ્યો હિસાબ આજ અચાનક
સુખ દુઃખમાં પણ ન ચૂક્યા ફરજ કદી માત-પિતાની
ને દીધા સંસ્કાર, કેળવણી બાળકોને જીવવા સંસાર સાગરે
થયો આત્મ સંતોષ, ખરા ઉતર્યાં એ બાળુડાં દિપાવી નામ.

બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ,
રહે સાથ અમારો સદા આમ પુરક બની જીવનની સમી સાંજે.

શૈલા મુન્શા. તા. ૧૨/૦૩/૧૦

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.