July 28th 2011

કોણ આ એકલું

ભરી મહેફિલ મા કોણ આ એકલું!
મસ્તી ના મહોલ મા કોણ આ એકલું?

આમ તો કહેવાય, જળ બિન પ્યાસી મીન.
લહેરાતા સાગર ની મોજ મહીં કોણ આ એકલું?

ઉદાસી મહીં ટપકે આંસુ એ તો સાવ સાચું!
પચાવી હળાહળ, રેલાવે સ્મિત કોણ આ એકલું?

પાનખરે ખરતાં પર્ણ એ તો ક્રમ કુદરતનો
ફૂટશે ફરી કુંપળ, સમજે બસ કોણ આ એકલું!

જ્વાળામુખી ની ટોચે બેઠો માનવી, આગ ચારેકોર
ઠારવા એ અગન છેડતું મલ્હાર કોણ આ એકલું!

શૈલા મુન્શા. તા. ૦૭/૨૮/૨૦૧૧

July 9th 2011

અમે બે બહેનો

નાનકડી આ બહેની મારી, લાગે સહુને વહાલી.
બાળપણની યાદો અમારી, એક શાંત ને બીજી તોફાની.

સવાર પડે કાંઈ આવતા વિચાર નવા, નિત કરતી તોફાન નવા
કદી કુદતી ઝાડ પરથી, ને કદી જખમ મસ્તકે,
ક્યાંક ટાંકા, ને ક્યાંક નિશાની, જીવન ભરની યાદ સુહાની.

લાડકી એ પપ્પાની, ને ખવડાવતી વઢ મમ્મીને,
રવિવારની બપોર, ને હાજરી પપ્પાની સાધતી એ તક મજાની
કાળા ભમ્મર વાળમાં તેલ સીંચતી મમ્મી ને કરતી એ ઉંહકારો
એક ઉંહકારે એના, બસ ઉઠતા પપ્પા સફાળા
કહેતા મમ્મીને, જરા ધીમે જરા ધીમે, બહુ દુઃખાય એને.
મમ્મી જાણતી, બહેની જાણતી, આ તો બધા નખરાં એના,
પપ્પાની દુલારી, પામવા લાડ કરતી એ ચાળા બધા.

નાનકડી એ બહેની મારી ક્યારે બની ગઈ મોટી
ગઈ મુજથી દુર પણ પામી સાથી મજાનો
સાથી પણ એવો, હસતાં મોઢે ઝીલ્યો ભાર સહુનો
હર મુસીબત, હર સંકટમા આપ્યો સાથ સહુનો.

આ છે કહાણી અમ બે બહેનો ની
જીંદગી વિતાવી રહી દુર એકબીજાથી સદા,
કર્મ સંજોગે મળ્યા પાછાં, તો વિતાવીશું હર દિન ખુશીમા સદા.

પ્રાર્થના બસ એટલી જ નીકળે અંતરથી
હસતી ને રમતી રહે જોડલી પારૂલ જશુની
સદા રહે સલામત ને ખુશહાલ ને રહે,
જીવનની સફર મા સદા એકબીજા નો સાથ.

(સ્વાગત તમારૂં ફરી હ્યુસ્ટનમા.)

શૈલા- પ્રશાન્ત. તા.૦૭/૦૯/૨૦૧૧

July 7th 2011

એક બપોર હરનીશ જાની ની સાથ

ન્યુ જર્સી ના જાણીતા લેખક શ્રી હરનીશભાઈ જાની તેમના પત્નિ શ્રીમતિ હંસાબેન સાથે હ્યુસ્ટન મા યોજાયેલ જૈન કન્વેન્શન મા માનનિય વક્તા તરીકે આમંત્રિત હતા અને ગુજરાતી સાહિત્ય સરિતાના જાણીતા કવિ ને ગઝલકાર સુરેશભાઈ બક્ષી ની મિત્રતાને માન આપી સાહિત્યસરિતા ના મિત્રો સાથે થોડા કલાકો ગાળવાની અનુમતિ આપી જેથી સહુને એમની હાસ્ય ધારા મા વહેવાનો નો લાભ મળે.
૪થી જુલાઈ ૨૦૧૧ નો દિવસ ગુજરાતી સાહિત્ય સરિતા માટે ખાસ દિવસ બની ગયો. શ્રી સુરેશ ભાઈ બક્ષી ના આગ્રહને માન આપી શ્રી હરનીશ ભાઈ સાહિત્ય રસિકો સાથે થોડા કલાકો ગાળવા તૈયાર થયા.
સહુ મિત્રો એમની વાણી નો લાભ લેવા આતુર હતા પણ હરનીશ ભાઈ ની ઈચ્છા હ્યુસ્ટન ના કવિ મિત્રો ને પણ સાંભળવાની હતી તેથી પ્રથમ હ્યુસ્ટનના લોકલ કવિ મિત્રો એ પોતાની રચના રજુ કરી. સંચાલક સુરેશભાઈ એ એક પછી એક કવિઓ ને કૃતિ રજુ કરવા કહ્યું.
સહુ પ્રથમ નામ શૈલા બેન નુ બોલાયું. પ્રસંગ ને અનુરૂપ એમણે શાળાના બાળકોના રોજ ના નાના મોટા તોફાનો ને રમુજી પ્રસંગો ને “રોજીંદા પ્રસંગો” તરીકે આલેખ્યા હતા તેમાથી એક “નટખટ એમી” નો પ્રસંગ વાંચી સંભળાવ્યો. દેવિકા બેન ધ્રુવે પોતાની કૃતિ વાંચવાને બદલે શ્રી અશોક જાની ની એક ગઝલ ” આગળ મુકજે, પાછળ મુકજે, કાવ્ય લખેલા કાગળ મુકજે” વાંચી સંભળાવી. રસેશભાઈ દલાલે પોતાની રમુજી શૈલી મા વર્તમાન જીવનની થોડી ચિંતાઓ રજુ કરી. દા. ત.(૧) એક્ઝોન મોબીલ મા ૧૨૫ કોંગ્રેસમેન ને ફારેગ કર્યા છે. (૨) વ્હાઈટ હાઉસમા કોઈપણ રંગના માણસ રહી શકે છે. વગેરે વગેરે……. ચીમનભાઈ પટેલ જે “ચમન” ના ઉપનામથી લખે છે એમણે હાસ્ય કાવ્ય રજુ કર્યું. (રઈશભાઈ ને વિવેક ટેલર માટે) “બે હુરતીઓ આવ્યા ગામમા કોણ માનશે? અને બેઉ પાછા નીકળ્યા ડોક્ટર કોણ માનશે? ફતેહ અલીભાઈએ અશોક ચક્રધરની વ્યંગ રચના “યું તો સંસારમે સુખોકી સંખ્યા અપાર હૈ”પોતાની હળવી શૈલીમા રજુ કરી હરનીશ્ભાઈ સહિત સહુને રસ તરબોળ કરી દીધા. પ્રવિણાબેન કડકિઆ એ “ગે મેરેજ” પર એક હાસ્ય લેખ રજુ કર્યો. “છોકરો છોકરાને પરણે તો કોની વિદાય ને કોના કંકુના પગલાં ઘરમા”
આવા હાસ્યલેખ સાંભળી હરનીશભાઈ પણ વચ્ચે વચ્ચે હાસ્યના ચમકારા સંભળાવતાં હતા. અમારા પીઢ કવિ ધીરૂભાઈ શાહે સરળ શૈલી મા બે નાનકડાં કાવ્ય રજુ કર્યાં. “હાસ્ય કેવું છે- હાસ્ય પ્રાતઃકાળના સૂર્ય જેવું છે” હિંમતભાઈ શાહે શ્વેત સાડીમા સ્ત્રી કેવી લાગે વિશે કાવ્ય રજુ કર્યું.
હવે શ્રોતાજન હરનીશભાઈ ને સાંભળવા તત્પર હતા અને સભાનો દોર હરનીશભાઈ એ હાથમા લીધો. એમની વાત કરવાની શૈલી અનોખી હતી. દરરોજના નાના મોટા દૈનિક વ્યવહારમા પણ હાસ્ય કેવી રીતે ઉપજી શકે તે એમની વાતો માથી જણાઇ આવતું. સહજ રીતે તેઓ પોતાના પર કે પોતાની પત્નિ પર હસી શકતા. એમની વાતોમા કદી કોઈ ત્રાહિતને ઉતારી પાડવા ની કે કોઈને માઠું લાગે એવી રીતે વ્યંગ કરવાની ભાષા જોવા ના મળી. “મહા કવિ ગુંદરમ” ની વાતો બધાને હાસ્યથી તરબોળ કરી ગઈ. “સમય બદલ્યો કે નહિ” પરનો કટાક્ષ અને જો ભારત મા અમેરિકાની જેમ દર છ મહિને સમય બદલાય તો શું થાય ના વર્ણને બધાને હસી હસી ને બેવડ કરી દીધા.
હરનીશભાઈ ના પત્નિ શ્રીમતિ હંસાબેન પણ લેખિકા છે. એમણે પણ પોતાની લખાણ શૈલી નો પરચો દેખાડ્યો. તાજેતરમા ઉજવાયેલ હરનીશભાઈની ૭૦મી વર્ષગાંઠ વખતે “શતં શરદં જીવં” નો લેખ અને ઘરના હરનીશની ઓળખાણ બહુ રમુજી શૈલી મા કરાવી.હરનીશભાઈ ની કસરત કરવાની રીત જણાવી. “વાતો કરે એટલે જીભની કસરત, ઈન્ટરનેટ પર બેસે એટલે આંખ અને આંગળી ની કસરત, ડાયેટીંગ એટલે આખો દિવસ ડાયેટીંગ પણ જમતી વખતે નો ડાયેટીંગ……. વગેરે. આવું ભાગ્યે જ જોવા મળે કે પતિ પત્નિ આમ એકબીજા પર હસી શકે અને હાસ્ય ઉપજાવી શકે.
રસેશભાઈના થોડા સવાલોના જવાબમા હરનીશભાઈએ થોડી સાહિત્યને લગતી નક્કર વાતો પણ કરી. હ્યુસ્ટન ના કવિ લેખકો એક વર્કશોપ જેવું રાખે અને દરેક વ્યક્તિ એક વાર્તા લખે જેનુ બધા વાંચીને મુલ્યાંકન કરે અને સુધારા સુચવે જેને કારણ દરેકનુ લેખન સ્તર ઊંચુ આવે.
સુરેશભાઈ અને નીરૂબેન ના સૌજન્યથી હરનીશભાઈ અને હંસાબેન સાથેની એ બપોર સલોણી બની ગઈ.
અંતમા નીરૂબેનની મહેમાનગતિ બટાટાપૌંઆ ને ચા નો રસાસ્વાદ લઈ સહુ છૂટા પડ્યા.

શૈલા મુન્શા. તા.૦૭/૦૭/૨૦૧૧

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.