March 30th 2011

એમી-૭

ચપળ અને ચબરાક એમી, ક્યાંથી વાત પકડી લે તેનો કોઇ ભરોસો નહી.
હમણા ક્લાસમા અમે બાળકો ને ઈમરજન્સીમા શું કરવાનુ તેના પાઠ શિખવાડીએ છીએ.આગ લાગે તો શું કરવાનુ,બહુ વરસાદ પડે અને પાણી ભરાઈ જાય તો શું કરવાનુ વગેરે વગેરે.
દુનિયામા બધે આવી બધી સેવા માટે ખાસ ઈમરજન્સી ફોન નંબર હોય છે. અહીં અમેરિકામાં ૯૧૧ નંબર છે. બાળકો પાસે અમે સરસ મજાનો જાડા પેપર પર ફોન બનાવડાવ્યો, જાણે મોબાઈલ ફોન લાગે. બધા નંબર અને કોલ બટન બધું જ. સાથે એના ગીતની સીડી પણ ખરી.
આજે બપોરે અમે એ રમત રમતા હતા અને એક બાજુ સીડી વાગતી હતી. બાળકો જાણે સાચે જ ૯૧૧ ડાયલ કરતાં હોય એવો અભિનય કરતાં હતા અને અચાનક એમી બોલી ઉઠી મીસ મુન્શા મારે “I-phone” જોઈએ છે. હું ને મેરી તો જોતા જ રહી ગયા. દુનિયા કેટલી ઝડપથી આગળ વધી રહી છે કે આટલાં નાના બાળકો ને પણ “I-phone” એટલે શું તે ખબર છે.
એમી ની ચબરાકી જોઈને મે મેરી ને કહ્યું કે આપણે આ બાળકોને ૯૧૧ ડાયલ ઈમરજન્સી મા કરવાનુ શીખવાડીએ છીએ પણ આ મારા બેટા હાથમાં મા બાપનો મોબાઈલ ફોન આવતાં ની સાથે ગમે ત્યારે ૯૧૧ ડાયલ કરી ને પોલીસ બોલાવી દે એમ છે.
બાળકો સામે બોલતાં બહુ ધ્યાન રાખવું પડે અને શીખવેલી વસ્તુનો સાચો ઉપયોગ થાય તેનુ પણ ધ્યાન રાખવું પડે., નહિ તો અર્થનો અનર્થ થતાં વાર લાગે નહિ.

શૈલા મુન્શા તા. ૦૩/૩૦/૨૦૧૧

March 29th 2011

વેદના

વિંધાય જો હૈયું તો નીતરે વેદના,
તીર જો પોતીકાનુ, નીતરે વેદના.

અણજાણે ખાય ઠેસ તો, વિસારે વેદના,
જાણીને કરે કોઈ ઘાવ, નીતરે વેદના.

પશુ જગમા ના કોઇ નિરર્થક વેદના,
શિકાર ક્ષુધા અર્થે, નહિ આપવા વેદના.

શબ્દોને પાલવડે હોય પ્રીતિ ને સ્નેહ,
ન કરો છિન્ન તાણાવાણા, અર્પી ને વેદના.

શૈલા મુન્શા તા.૦૩/૨૯/૨૦૧૧

March 25th 2011

કાલ

આજની તો ખબર નથી ને, શીદ કરે ચિંતા કાલની;

ઊગી સવાર કેમ આથમશે, શીદ કરે ચિંતા કાલની!

માનવ ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ, શીદ કરે ચિંતા કાલની;

નથી જો કાંઈ હાથ આપણે, શીદ કરે ચિંતા કાલની!

કીડી ને કણ ને હાથી ને મણ, શીદ કરે ચિંતા કાલની;

ભુખ્યો ઉઠે, ન સુવે ભુખ્યો, શીદ કરે ચિંતા કાલની!

મીનમેખ ના જ્યાં ઘડી પળનો, શીદ કરે ચિંતા કાલની;

રામ ના હોયે જ્યાં રખવાળા, શીદ કરે ચિંતા કાલની…

શૈલા મુન્શા. તા. ૦૩/૨૫/૨૦૧૧

March 22nd 2011

જાઉં છું

આંસુ વ્યથાના નિરંતર પીતો જાઉં છું,
ચહેરા પર ચહેરો ઓઢતો જાઉં છું.

જમાનાએ દેખાડી તાસીર જુદીજુદી,
એક નવી મંઝિલ શોધતો જાઉં છું.

ક્યાંક ગમને ક્યાંક ખુશી,રહે ન બન્ને સાથ,
તરાજુ માં હિસાબ બેઉનો તોળતો જાઉં છું.

બળિયાના બે ભાગ એવી આ દુનિયામા,
ન્યાય અન્યાય ના ભેદ પરખતો જાઉં છું.

આમ તો સર્જી તેં દુનિયા ઓ સર્જનહાર!
સર્જનમા વિસર્જન નિરખતો જાઉં છું.

આંસુ વ્યથાના નિરંતર પીતો જાઉં છું,
ચહેરા પર ચહેરો ઓઢતો જાઉં છું.

શૈલા મુન્શા. તા. ૦૩/૨૨/૨૦૧૧

March 21st 2011

આવી વસંત

ફૂટી એક કુંપળ, ને આવી વસંત,
ટહુકી એક કોયલ ને લાવી વસંત!

રણકી ઝાંઝર નવોઢાની લજાતી વસંત,
છંટાયો ગુલાલ ભાઈ ને રંગાતી વસંત!

આંબે આવ્યાં મહોર, ચહેકી વસંત,
સોડમ ધરતતીની ને મહેકી વસંત!

લહેરાતાં ઊભા મોલ, ઝુમતી વસંત,
મેળે મહાલતાં માનવીને રમતી વસંત!

ભુલાઈ એ પાનખર, ખીલતી વસંત;
સમીર સંગ ખુશ્બુ ફેલાવતી વસંત!

શૈલા મુન્શા તા. ૦૧/૨૯/૨૦૨૧

March 18th 2011

મૌન

કુદરત નો હાહાકાર, વાચા બને મૌન,
સ્થળ બને જળ, વાચા બને મૌન.

આંખના ઝરોખે ખાલીપો, વાચા બને મૌન,
ફેલાતી હથેળી નિઃસહાય, વાચા બને મૌન.

ધરતીને પેટાળ ભૂકંપ, વાચા બને મૌન,
મધદરિયે કાલિનાગનુ મંથન, વાચા બને મૌન

ક્ષણમા વિનાશ ને નષ્ટ નગર, વાચા બને મૌન
ખંડેર મહિં ઊભું એક બાળ, વાચા બને મૌન

માનવનુ વિજ્ઞાન ફેલાવતું ઝેર હવા મહીં,
કરી બુધ્ધિનો ઉપયોગ ભીડે બાથ એ નાદાન,
કોણ જાણે કોની ભુલ ને કોણ પામે સજા
બને જ્ઞાન સંહારનુ કારણ, વાચા બને મૌન.

શૈલા મુન્શા. તા. ૦૩/૧૮/૨૦૧૧. તાજેતરમા જાપાનમા થયેલ ભૂકંપ ની વ્યથા અને એમની સહનશીલતા ને બહાદુરી ને સલામ.

March 14th 2011

ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક -૧૧૪

ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૧૪મી બેઠકનુ આયોજન તા.૧૩/૦૩/૨૦૧૧ ના રોજ શ્રી મધુસુદન ભાઈ તથા ભારતી બેન ના નિવાસે યોજવામા આવ્યું હતુ.
આ બેઠકનુ ખાસ આયોજન આગલી સાંજે યોજાયેલ સાહિત્ય સરિતાનો “દશાબ્દી મહોત્સવ’ અને એ પ્રસંગે ખાસ પધારેલ મુખ્ય મહેમાન ડો. અશરફ ડબાવાલા અને ડો. મધુમતી મહેતા જેઓ વ્યવસાયે ડોક્ટર હોવાં છતાં સાહિત્ય જગતમા પણ એટલી જ નામના મેળવનાર ને સાંભળવા માટે યોજવામા આવી હતી.
સભાનુ સંચાલન ડો. ઈંદુબેન શાહને સોંપવામા આવ્યું અને એમણે શ્રીમતી ભારતીબેન ને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો.
ભારતીબેને “આપણે રામભજન મા રહીએ” ભ્જન ખુબ જ ભાવવાહી સ્વરે ગાયું
ત્યારબાદ ઈંદુબેને શ્રી અશરફ ભાઈને આગલી સાંજ ના કાર્યક્રમ વિશે એમનો શું પ્રતિભાવ છે તે દર્શાવવા વિનંતિ કરી.
તેઓ ને ખુબ જ મજા આવી અને એમના જ શબ્દોમા “બન્ને નાટકો ખુબ જ માણ્યા, ગરબો કરનાર બહેનો ની ઉમરના પ્રમાણમા સરસ રજુઆત થઈ અને ખાસ તો કવિ અને કવિતા ના જે દ્રશ્ય શ્રાવ્ય ની રજુઆત થઈ એમા મધુર કંઠ ભાવવાહી શૈલી મા કવિનુ વર્ણન અને સાથે આબેહુબ એ કવિ ના રૂપમા મંચ પર એક કલાકારની હાજરી ખુબ ગમી. શિકાગો મા પણ આ નવતર પ્રયોગ અમે જરૂર કરશું એવી અમારી ઈચ્છા છે.”શ્રીમતી મધુમતી બહેને પણ અશરફ ભાઈની વાતોને સમર્થન આપ્યું.
ત્યાર બાદ ઈંદુબેને અશરફ ભાઈને એમની ગઝલો ને ગીતો સંભળાવવા વિનંતિ કરી.

ડો.અશ્રફ ડબાવાલા ની કૃતિ-

૧-” ભીંતો ને બારી જેવા છરાં કેટલા હતા?
ઘરમાં વિવિધ રૂપે દગાં કેટલા હતાં

૨-ગમતી હોય જે વ્યથા તે સદા આવતી નથી
આવે જો એ કદી તો જવા આવતી નથી.

૩-ડાક્ટર ડાક્ટર તમારી વાત હાવ હાચી
કે મને સ્ક્રીઝોફેનિયા થયો છે.

૪-ટીવી ઈન્ટરવ્યુ ના પ્રશ્નો
ખરેલું પાન- તમને ડાળ પરથી ખરતી વખતે શું પ્રસ્ન થાય છે?

સરકસનો સિંહ- જંગલમાં અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું?

જન્મથી અંધ બાળક- તમે ક્યારેય આકાશને સપનાં મા જોયું છે?

ગઝલ- સરવૈયાની ઐસીતૈસી
સરવાળાની ઐસીતૈસી

નાદાન એવો છું કે છળને ગુગલ કરૂં છું
લુંટાઈને પછી ઠગને ગુગલ કરૂં છું.

સંતની શાણી શીખામણ ના ભરોસે બેઠા
રણમા જાણે બીજા રણના ભરોસે બેઠા.

ડો. મધુમતી બહેને સહુ પ્રથમ અશરફ ભાઈની એક ગઝલ પોતાના મધુર સ્વરે ગાઈ સંભળાવી.

“આપના ઘર સુધી કદમ લાવ્યાં
હાથમાં તોડીને કુસુમ લાવ્યાં”

ત્યાર બાદ એમણે પોતાના મુક્તકો રજુ કર્યાં

“વિતેલી કાલ લઈ આવે
હું એવી શામ શોધું છું.”

“તલવાર બની જવાય, ઢાલ જોઈએ
ખાલી ખપી જવાય, પણ મજાલ જોઈએ.”

ઊંડી ખીણો ઊંચા ડંગર ચઢવાનુ છે રામભરોસે
જીવ્યાં જેવું જીવતર છે ને મરવાનૂ રામભરોસે”

“સાથ કાયમનો છતા સહવાસ જેવું કાંઈ નથી
સૂર્યનો આભાસ છે પણ અજવાસ જેવું કાંઈ નથી”

અને છેલ્લે સહુની માગણી ને માન આપી એમનુ બહુ જાણિતું “ભજ ગોપાલમ” ગાઈ સંભળાવ્યું.

હવે વારો આવ્યો હ્યુસ્ટન ની સાહિત્ય સરિતાના કવિ મિત્રોનો.

શરૂઆત સરયૂ બેને કરી.એમનુ કૃશ્ન ભક્તિ ઉપરનુ કાવ્ય” મનડાં ના મદુવનમાં” રજુ કર્યું

શૈલાબેન મુન્શાએ પોતાનુ કાવ્ય “આયનો” રજુ કર્યું
“આમ તો જાણે સાવ પથ્થરદિલ આયનો
જોઈ પ્રતિકૃતિ આપની હરખાય આયનો”

દેવિકાબેન ધ્રુવ- “શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ” કાવ્ય રજુ કર્યું.

મનોજ મહેતા ની કૃતિ-
“ના મળે જો કાંઈ તો તેપણ કદી કરવું પડે છે
રાહમાં પારોઠનુ પગલું કદી ભરવું પડે છે.”

વિજયભાઈ શાહ-“એકાંત તને પીડે છે
તું દુઃશાસન ની જેમ એને જાંઘ પર બેસાડી દે”

હેમંત ગજરાવાલાએ સ્ક્રીઝોફેનિયા પર થોડી વાતો કરી.

પ્રવિણાબેન કડકિયાએ તાજેતરમા જાપાન પર આવેલ સુનામી પરનુ કાવ્ય વાંચ્યું.
“જોયેલું શિવજીનુ તાંડવ
નિહાળ્યું કુદરતનુ તાંડવ”

કમલેશ લુલ્લા એ વિજ્ઞાન અને કુદરત ના સંયોગની વાત કરી.
એશિયાની ધૂળ ઊડીને અમેરિકા સુધી આવે છે એના પર રમુજી કાવ્ય રજુ કર્યું.
“ખાઈ લઈશ હવે વતનની ધૂળ અમેરિકામાં
વતન જવાની ટીકિટ પણ હવે ક્યાં પોસાય છે.”

મધુસુદન ભાઈએ ગુરૂદત્તની ફિલ્મનુ ગીત “યે તખ્તો યે તાજો કી કી દુનિયા” ગાઈ સંભળાવ્યું.

સુરેશ બક્ષીએ એક મુક્તક સંભળાવ્યું.
“તારા હાથમાં વહીવટ છે તો કર
સુખદુઃખની લહાણી કર
તું જે આપે તે મંજુર છે
ડોલ મારી તું કાણી ન કર.”

ફતેહઅલી ચતુરે અશોક ચક્રધરની વ્યંગ રચના “દરવાજા પીટા કીસીને સવેરે સવેરે” સંભળાવી

વિલાસબેન પીપળીઆ જે માસી ના હુલામણા નામથી પ્રખ્યાત છે, એમણે એક લોકગીત “ગામમાં સાસરૂં ને ગામમાં પિયર” બહુ મધુર અવાજે ગાઈ સંભળાવ્યું.

રસેશભાઈ દલાલે મહેમાનો નો આભાર માનતા બહુ સુંદર વાત કહી કે “સુગંધ નો ફોટો જો પાડી શકો તો આશરફભાઈ ને મધુમતી બહેન નો આભાર માની શકાય”
ખરેખર ડો. દંપતિ સાથે ની આ સવાર ખુબ જ સંગીતમય અને સુરીલી બની ગઈ

અંતમા ઈંદુબેને સાહિત્ય સરિતા વતી યજમાન દંપતિ નો ખરા દિલથી આભાર માન્યો કે એમના નિવાસ સ્થાને સાહિત્ય સરિતાની બેઠકનુ આયોજન કરવા સહમતિ દર્શાવી.

છેવટે ભારતી બેનનુ આતિથ્ય અને સરસ ભોજન આરોગી સહુ છુટા પડ્યા.

અહેવાલ લેખન કાર્ય શૈલા મુન્શા. તા.૦૩/૧૪/૨૦૧૧.

March 3rd 2011

સરહદ

ઊડતાં એ પંખી ના થંભે કોઈ સીમાડે ના કોઇ સરહદે
વહેતો એ વાયુ ના બંધાય કોઈ સીમાડે ના કોઈ સરહદે.

મુરખ બસ એક માનવી, નીત શોધે ઉપાય નવા નવા,
કરી યુધ્ધ ને હિંસા, બસ! કેમ બાંધવા સીમાડા ને સરહદ.

કોઈને વાડા જાતપાતના ને કોઈ બાંધે ભાષાની સરહદ
ક્યાંક ધનદોલતની સીમા, દોરે લોક મહી અણદીઠી સરહદ

કરવા સુરક્ષિત નીજ ખુરશી, ના કોઈ શેહ ના કોઈ શરમ,
રચે નવી રાજનીતિ નેતા, ખુદની સીમા ને ખુદની સરહદ

વિશ્વ-શાંતિ ને વિશ્વ-કલ્યાણ ને વાતો મોટી મોટી યુનોની,
ખરે જ શું કોઈ દિલ થી કરે કામના, તોડવા સીમા ને સરહદ?

જન્મ્યા ત્યારે નહોતી કોઈ માલિકી, મરશું ત્યારે રહેશે બધું અહીં
સાવ સાદી ને સરળ વાત, તો શીદ બાંધવી સીમા ને કોઈ સરહદ.

શૈલા મુન્શા. તા-૦૩/૦૩/૧૧

March 1st 2011

એમી-૬

અમારી નાનકડી નટખટ અને જમાદાર એમી ને તો તમે બધા ઓળખો જ છો. હોશિયારી ને ચપળતા મા બધાથી આગળ. રૂવાબમા પણ એટલી જ આગળ. એની હોશિયારી ને કારણ હવે સવારે સ્કુલ મા આવે એવી સીધી એ regular Pre K ના ક્લાસમા જાય અને ૧૨.૦૦ વાગે બપોરે અમારા ક્લાસમા (PPCD-pre primary children with disability) આવે. સવારે જ્યારે એ બીજા ક્લાસ સાથે હોય ત્યારે અમે જો એને ક્યાંક જતા આવતાં મળી જઈએ તો જાણે અમને ઓળખતી પણ ના હોય એમ બીજી તરફ મોઢું ફેરવી લે.
અહીં બળકો ને જ્ઞાન આપવા મટે જે સગવડ આપી શકાય એ બધી જ આપવાનો સરકાર પ્રયત્ન કરે અને એ માટે કરોડો ડોલર પણ ખર્ચે. ગયા વરસે અમારી નવી સ્કુલ બંધાઈ અને ઘણી નવી સગવડો પણ સાથે મળી. એમા દરેક ક્લાસમા મોટા પ્રોજેક્ટર જેવું સ્માર્ટ બોર્ડ હોય જે કોમ્પ્યુટર થી જોડાયેલું હોય. જ્યાં અમે બાળકો ને બધા બાળગીતો એમની બારાખડી વગેરે ઘણુ મોટા પડદા પર બતાડી શકીએ. એમા “હું કોણ છું” કરીને બાળકો માટે એક પ્રોગ્રામ છે, જ્યાં તમે તમારો ચહેરો, વાળ, કપડાં વગેરે પસંદ કરીને એક ચિત્ર તૈયાર કરો અને પછી બીજા ગીત વગેરે જે બતાડો એમા એ બાળક તમને દેખાય.
અમારા ક્લાસમાં બ્રેન્ડન કરીને ચાર વર્ષનો સરસ છોકરો છે. મા હમેશા માથે વાળ સાવ જ ઓછા રાખે. લગભગ ટકો-મુંડો જ લાગે. ગોરો મજાનો અને દેખાવમા ચાઈનીસ જેવો લાગે. એમીએ બ્રેન્ડન નુ ચિત્ર તૈયાર કર્યું હશે તે મને ખબર નહિ. બીજા દિવસે જ્યારે અમે સ્માર્ટ બોર્ડ ચાલુ કર્યું તો જાણે એમ જ લાગે કે બ્રેન્ડન પડદા પર છે. એવો સરસ એ છોકરો દેખાતો હતો. અમે એમી ને પૂછ્યું કે કેમ તારા બદલે બ્રેન્ડન નુ ચિત્ર બનાવ્યું તો કહે મને બ્રેન્ડન બહુ ગમે છે.
અમે એની નિર્દોષતા પર હસી પડ્યા.

શૈલા મુન્શા. તા ૦૩/૦૧/૨૦૧૧.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.