February 16th 2011

સેસાર-૨

પાંચ વર્ષનો નટખટ સેસાર. મેક્સિકન છોકરો. ગોળમટોળ ચહેરા નુ હાસ્ય આપણો ગુસ્સો ભુલાવી દે. બધા સાથે તરત દોસ્તી કરી દે. એની પ્રગતિ જોઈ એને અમે ૮.૦૦ થી ૧૨.૦૦ નિયમિત છોકરાઓ ના ક્લાસમા મોકલીએ. બધાની ખબર રાખે અને ક્લાસમા કાંઈ પણ નવુ દેખાય તો એની નજરે તરત ચઢી જાય.
હમણા અમારા ક્લાસમા ટ્રીસ્ટન કરીને નવો છોકરો થોડા દિવસથી આવ્યો છે. પહેલે દિવસે જ સેસાર બાજુના ક્લાસમાથી પોતાનો કલર બોક્ષ લેવા આવ્યો અને ટ્રીસ્ટન ને જોઈને કહે “આ શું છે?” આ કોણ છે કહેવાને બદલે જાણે કોઇ અચરજની વસ્તુ હોય એવો એનો ભાવ હતો.
ગયા અઠવાડિયાથી સેસાર ઘણો માંદો હતો. આજે લગભગ પાંચેક દિવસ પછી એ સ્કુલમા આવ્યો. સવારે મે એને બસમાથી ઉતરતા જોયો હતો. માંદગીને લીધે સુકાઈ ગયો હતો. ગોળમટોળ ચહેરો નાનો થઈ ગયો હતો, પણ એનુ હાસ્ય એવું જ સુંદર હતુ.
સવારે તો એ સીધો બાજુના ક્લાસમા જતો રહ્યો જ્યાં રોજ સવારે જાય પણ બપોરે જેવો ક્લાસમા આવ્યો કે તરત મને વળગીને કહે “હાય મીસ મુન્શા Happy Valentine’s day.”
આજે તો ૧૬મી તારીખ થઈ અને વેલેન્ટાઇન તો ૧૪મી તારીખે હતો પણ કેવી એની યાદશક્તિ! સાથે સાથે મને કહે હું બધા માટે સ્પાઈડર મેન ના ગીફ્ટ કાર્ડ પણ લાવ્યો છું.
કેટલી એ બાળકને આ દિવસ ઉજવવાની તાલાવેલી. આ દિવસ પ્રેમનો દિવસ ગણાય છે.
મારા માટે સેસારની એ વહાલભરી બાથ થી મોટો કોઈ વેલેન્ટાઈન નથી.

શૈલા મુન્શા. તા ૦૨/૧૬/૨૦૧૧

February 15th 2011

તુમારશાહી

તુમારશાહી ના દાખલા ભારત જેવા દેશમા આપણને ડગલે ને પગલે જોવા મળે, પણ હમણા એનો આબેહુબ દાખલો મને અમેરિકામા મારી સ્કુલમા પણ જોવા મળ્યો.
અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ની દશાબ્દી મહોત્સવ ની ઉજવણી મા અમે પણ આવું જ એક રમુજી નાટક કરવાના છીએ જેમા આવી જ તુમારશાહી જોવા મળશે.
અમારી સ્કુલ મા કુલ ચાર custodian. એમા એક મુખ્ય અને ત્રણ એના હાથ નીચે. મુખ્ય માણસની જવાબદારી બધાને કામ સોંપવાની. એમની જવાબદારી સવારે સ્કુલ ના દરવાજા ખોલવાથી માંડીને સાંજે બધાના ગયા પછી પાછી સ્કુલ બરાબર બંધ કરીને જવાનુ. સાથે સાથે બધા બાથરૂમ, દરેક ક્લાસ, કાફેટેરીઆ બધુ જ સાફ રાખવાનુ.
Head custodian એ ત્રણે જણને સમય અને ક્યા ક્લાસ વગેરે નુ લીસ્ટ આપી દીધું હતુ અને એ પ્રમાણે કામ ચાલતુ હતું.
હવે મારા ક્લાસની સાથે બીજો અમારા જેવા ખાસ જરૂરિયાત વાળા બાળકો નો ક્લાસ અને બન્ને ક્લાસની વચ્ચે બે બાથરૂમ. ત્યાં સુધી તો વાંધો નહોતો પણ બે બાથરૂમ ની વચ્ચે જરૂર પડે બાળકને નવડાવવું હોય તો નાનકડા શાવરની પણ વ્યવસ્થા છે. પડદાથી એને બંધ કરી શકાય.
ત્રણ ચાર દિવસથી ત્યાં થોડો કચરો પડેલો હતો. કાગળિયા, પાવડર અને કાંઈક ઢોળાયું હતુ. ટીચરે સફાઈ માટે સેક્રેટરી ને વાત પણ કરી હતી પણ કાંઈ પરિણામ ના આવ્યું અચાનક આજે સવારે head custodian અમારા રૂમમા આવ્યો ખાસ જોવા માટે. અમે એને પુછ્યું કે ભાઇ કેમ કોઈ સફાઈ નથી કરતું?
એનો જવાબ સાંભળવા જેવો હતો. બિચારો કહે કે તમારો રૂમ અને તમારી બાજુનુ બાથરૂમ એક જણ સાફ કરે છે, બાજુનો ક્લાસ અને એનુ બાથરૂમ બીજુ કોઇ સાફ કરે છે. એ બે વચ્ચે નો આ શાવર નો ભાગ એ બન્ને જણા કહે છે કે અમારા લીસ્ટમા નથી એટલે અમે સાફ નહી કરીએ.
અમે બધા તો એનુ મોઢું જ જોતા રહી ગયા.શાવર સુધી જવા માટે બે ડગલા પણ ચાલવું ન પડે છતાં આટલી નાની સરખી વાત માટે પણ લોકો “લખ્યું તે વંચાયુ” જેવી વાત કરે એને તુમારશાહી નહિ તો બીજું શું કહીએ.
છેવટે પ્રીન્સીપાલે વચ્ચે પડીને નિકાલ કર્યો કે એક કામ કરો આ બન્ને રૂમની સફાઈ એક જ માણસ ને સોંપો જેથી ભવિષ્ય મા આવી તકલીફ ઉભી ના થાય.

શૈલા મુન્શા. તા.૦૨/૧૫/૨૦૧૧

February 14th 2011

એમપેંડા (આફ્રિકન છોકરો)

એમપેંડા લગભગ નવ વર્ષનો. થોડા મહિના પહેલા જ આખુ કુટુંબ આફ્રિકાથી અહીં અમેરિકા આવીને વસ્યું. સ્વાહિલી સિવાય કોઈ ભાષા આવડે નહિ. બાપ થોડું થોડું અંગ્રેજી સમજે. સાત આઠ ભાઈ બહેનો, એમાથી લગભગ ચાર અમારી સ્કુલમા. દરરોજ સવારે હું જ્યારે ગાડીમા સ્કુલ તરફ આવું ત્યારે એની માને રસ્તાની બીજી બાજુ ચાલતી અને આગળ પાછળ બાળકોની લંગાર જોઊં. એકાદ નાનુ બાળક કાખમા તેડેલું હોય.
હ્યુસ્ટનની ગરમી ઠડી અને વરસાદ વિશે તો આપણે જાણીએ જ છીએ. આવી પરિસ્થિતી મા પણ એ બાળકો હમેશા હસતાં જ હોય. કાળો વાન અને વાંકડિયા વાળ. ગોળમટોળ ચહેરા પર સફેદ દુધ જેવા દાંત ચમકતા હોય.
બધા બાળકોમા એમપેંડા મા બુધ્ધિની થોડી કસર એટલે એને ખાસ મંદ બુધ્ધિવાળા વાળા બાળકોના ક્લાસમા મુક્યો.મારો ક્લાસ અને એનો ક્લાસ બાજુ બાજુમા જ. હું પણ આ પ્રકારના બાળકો સાથે જ કામ કરૂં છું પણ મારા બાળકો ત્રણ થી પાંચ વર્ષની ઊંમરના હોય અને પછી જો એમના મા ઝાઝી પ્રગતિ ન થાય તો એમને “લાઈફ સ્કીલ” નામના ખાસ ક્લાસમા મુકવામા આવે. એમપેંડા પણ એ જ ક્લાસમા. અમારો સવારના નાસ્તાનો અને બપોરના જમવાનો સમય સાથે જ. એમપેંડા થોડું અંગ્રેજી બોલતા શીખ્યો છે અને ઘણુખરૂં તો આપણે જે બોલીએ એ જ શબ્દો પાછા બોલે.
આજે જમવા ના સમયે એ મારી પાસે આવ્યો. એને દુધનુ કાર્ટન ખોલવું હતું અને એની ટીચર કોઈ બીજાને મદદ કરી રહી હતી. મને કહે મુન્શા “પ્લીઝ”. એટલે મે દુધનુ કાર્ટન ખોલી આપ્યું. જવાબમા મને કહે ” Thank you baby” હું ને મારી સાથે બીજા બેત્રણ ટીચર હતા એ બધા ખડખડાટ હસી પડ્યા. એમપેંડા તો બધાના મોં જોવા માંડ્યો. એને બિચારાને સમજ ન પડી કે શું થયું પણ અમે સમજી ગયા કે આપણે જે બાળકો ને કહીએ તે જ એને સાંભળી ને પાછું કહ્યું. એને તો એમ લાગ્યું કે બધા ખુશ થઈ ગયા અને એ તો હુલા હુલા ડાન્સ કરવા માંડ્યો. આફ્રિકન પ્રજા ના લોહી મા નૃત્ય વસેલું છે. એના એ ભોલપણ અને નૃત્ય પર બધા ફિદા થઈ ગયા.

શૈલા મુન્શા તા. ૦૨/૧૪/૨૦૧૧.

February 10th 2011

આંસુ

આંખથી જાય વહી તે આંસુ,
રહી જાય બાકી દિલમા તે આહ!

ના રંગ દિશે કોઈ એ આંસુનો,
છતાં ભાત અનેરી એ આંસુની.

છલકે બની ખુશી એ આંસુ,
રેલાય બની વેદના એ આંસુ.

કોઈ વહાવે મગરના આંસુ,
ક્યાંક વહે બની પશ્ચાતાપ આંસુ.

અબળા ની લાચારી ને ગરીબની હાય,
જગાવે જગ પ્રલય ધૂંઆધાર એ આંસુ.

બાળ ની ઠોકર, સાગર બને માત ના આંસુ,
હોય પાસે કે દૂર, બની આશીર્વાદ વહે માત ના આંસુ.

શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૧૧

February 7th 2011

ફેબ્રુઆરી મા ક્રીસમસ

આવું આવું થાય વસંત
ને આવી જાય બરફ
ફેબ્રુઆરી મા ક્રીસમસ.

કુદરત ચાલે ચાલ નિરાળી
ના ઉષ્મા ના તાપ,
બસ શીતળતા ચારેકોર.

બદલાતું એ પર્યાવરણ
જ્યાં ગરમી ત્યાં બરફ
ફેબ્રુઆરી મા ક્રીસમસ

શું ખરે અંત દુનિયાનો?
ભવિષ્યવાણી સાલ ૨૦૧૨
દીશે નમુના ચારેકોર.

ગણીને પ્રભુની પ્રસાદી
જીવવું રાખી સમતા ભીતર
ફેબ્રુઆરી મા ક્રીસમસ.

“ફેબ્રુઆરી મા ક્રીસમસ ” શિર્ષક ની પ્રેરણા પ્રશાન્તે આપી અને એના ઉપરથી આ કાવ્ય સર્જાયુ.

શૈલા મુન્શા. તા. ૦૨/૦૭/૨૦૧૧.

February 3rd 2011

આયનો

આમ તો જાણે સાવ પથ્થરદિલ આયનો.
જોઈ પ્રતિકૃતિ આપની હરખાય આયનો.

લાગે ન નજર ખુદને કોઈની ક્દી.
લગાડતો નજર આપને એ આયનો.

ગાલોની ગુલાબી ને હોઠોની સુરખી,
નીરખી નીરખી શરમાય એ આયનો.

નયનો ના તીર ના છોડો કમાનથી,
તીખી બસ નજરે વિંધાય એ આયનો.

ગોરી કરો ના ગુમાન રૂપ નુ ય આટલું
ભુલો ના કે દેખાડશે હર રૂપ એ આયનો.

શૈલા મુન્શા. તા.૦૨/૦૨/૨૦૧૧.

February 1st 2011

જીવન-મૃત્યુ

રોજના જેવી ઍ સવાર હતી. મારે ઓફિસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપુ ઉઠાવી મે પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. આ શું? છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈને હું ચોંકી ઉઠ્યો. ઍ મારા અવસાનના સમાચાર હતા! મને ઍક્દમઆઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાત્રે સુતો હતો ત્યારે છાતીમાં થોડું દુખતુ હતું ખરૂં. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને? ‘

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફિસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બૉસ મારા પર ખીજાશે. અરે! બધા ક્યાં જતા રહ્યાં? અરે! મારા આ રૂમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘અરે! આટલા બધા લોકો! ચોક્કસ કાંઇક ગરબડ લાગે છે. અરે ! કોઈક રડી રહયાં છે તો બીજા ચુપચાપ ઉભા છે.’ ‘અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, ઍ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળેજ છે? અલ્યાઓ! હું મુઓ નથી જો આ રહ્યો.’

મે કરાઝીંને રાડ પાડી. પણ કોઈઍ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ ના હોય તેવું લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યાં હતા. હું ફરીથી મારા સુવાના ઓરડામાં ગયો.

મે મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું? અરે! મારી પત્ની, મારા બાળકો, મારા મા-બાપ, મારા મિત્રો – બધા ક્યાં છે?’

હું બાજુના ઓરડામાં ગયો. બધા ત્યાં રડી રહયાં હતા. ઍકમેકને આશ્વાસન આપી રહ્યાં હતા. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેવું જણાતું હતું. મારા બંને નાનકડા બાળકોને આ શું થઈ રહ્યું છે, તેની કોઈ સમજણ પડતી હોય તેમ ના લાગ્યું. પણ તેમની મા રડી રહી હતી ઍટલે તેઓ પણ રડી રહ્યાં હોય તેમ લાગ્યું.

અરે! મારા ઍ વ્હાલસૉયા બાળકોને હું બહુજ પ્રેમ કરું છું, ઍમ કહ્યાં વીના હું શી રીતે વિદાય લાઇ શકું? અરે! મારી પત્નીઍ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યાં વગર હું શી રીતે મરી શકું? ઍક વાર તો ઍને હું કહીં દઉં કે, હું તેને અત્યંત ચાહું છું. અરે! માબાપ ને તો ઍક વાર કહી દઉં, કે હું જે કાંઇ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વીના મે જીવનમાં ઘણી ભૂલો કરી હોત; ઍમ ઍમને કહ્યાં વીના હું કઈ રીતે વિદાય લઉં? ઍ લોકોને મારી ખરેખર જરૂર હતી ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; ઍની દિલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહયો છે. અરે! ઍ તો ઍક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજના કારણે અમે બે છુટા પડ્યાં; અને અમારા અહંને કારણે કદી ભેળા જ ના થયા.

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી ઍનો જીગરી દોસ્ત બની જવું હતું. મારા દોસ્ત મને માફ કરી દે.’ : ઍમ કહેવું હતું.

‘અરેરે! ઍને મારો હાથ દેખાતો નથી? ઍ કેવો નિષ્ઠુર છે? હું આટલી સરળતાથી મારું હૈયુ ઠાલવી રહ્યો છું; તો પણ હજું કેટલો અભિમાની છે? ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઇઍ. પણ ઍક સેકન્ડ. કદાચ ઍને મારો હાથ નહીં દેખાતો હોય? ભૂલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન હું તો ખરેખર મરી જ ગયો છું.’

હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું. ‘અરે! મારા ભલા ભગવાન મને થોડાક દિવસો માટે જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારા માબાપ, બાળકો, મિત્રો ઍ બધાને ઍક વખત સમજાવી દઉં કે, ઍ બધા મને કેટલા વ્હાલા છે?’ ઍટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. ઍ કેટલી સુંદર દેખાય છે? હું બરાડી ઉઠું છું: ‘ અલી ઍ! તું ખરેખર સુંદર છે.’ પણ ઍને ક્યાં મારા શબ્દો સંભળાય છે? ‘મે કદી ઍને આવા શબ્દો પ્રેમથી કહ્યાં હતા ખરા?’ હું મોટી ચીસ પાડી દઉં છું,’ અરે ભગવાન મને થોડીક ક્ષણો માટે જીવતો કરી દે.’ હું રડી પડુ છું.

‘મને ઍક છેલ્લી તક આપી દે મારા વ્હાલા. હું મારા વ્હાલસૉયા બાળકોને ભેટી લઉં. મારી મા ને છેવટનું ઍક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય ઍવા બે શબ્દ ઍમને કહીં દઉં. મારા બધા મિત્રોને મે જે કાંઇ નથી આપ્યું, ઍ માટે ઍમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે ઍમનો આભાર માની લઉં.’ મે ઉંચે જોયું અને ચોધાર આંસુઍ રડી પડ્યો. મે ફરી ઍક પોક મુકી. ‘અરે! પ્રભુ, મને છેલ્લી ઍક તક આપી દે મારા વ્હાલા!’….

અને….. મારી પત્નીઍ મને હળવેથી જગડ્યો અને વ્હાલથી કહ્યું, ” તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યાં છો? તમને કાંઇ થાય છે? તમને કોઈ ખરાબ સપનુ આવ્યું લાગે છે.” ઍક્દમ જ મને ભાન થયું, ‘અરે! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.’

મારા જીવનની ઍ સૌથી સુખદ પળ હતી.

કાલે જ મરણ આવવાનું હોય ઍમ વિચારીને આજે જીવીઍ તો ?

મારી નાનકડી બહેન મોના દ્વારા ઈ-મૈલ મા મળેલ જીવનની સચ્ચાઈ જે આપણે બધાએ જાણવી જોઈએ. મરણ ખરેખર ક્યારે આવશે એની કોઈને ખબર નથી તો શીદને જીવન બને એટલી મધુરતાથી ન ભરીએ. કોઈના પ્રત્યે દ્વેષભાવ રાખવાને બદલે પ્રેમ કાં ન રાખીએ.

બીજાની તો ખબર નહિ પણ હું જરૂર પ્રયત્ન કરીશ.

શૈલા મુન્શા. તા૦૨/૦૧/૨૦૧૧

.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.