February 24th 2014

તસનીમ

ચાર વર્ષની તસનીમ એક અરેબીક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને માંજરી આંખો. રૂપાળી ઢીંગલી જેવી લાગે. નાતાલની રજા પહેલા સ્કુલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, વગેરે. એક મોટો અને એક નાનો ભાઈ, પણ દેખાઈ આવે કે તસનીમ ઘરમા બોસ છે.
શરૂઆતમા જે મન થાય તે ડ્રેસ પહેરી આવે,સ્કુલે આવવાનો કોઈ સમય નહિ, આઠ, નવ કોઈ પણ સમયે આવે.મીસ સમન્થાએ પહેલા ઘરે લેટર મોકલાવ્યો, પછી ફોન પર રૂબરૂ વાત કરી. પિતાનુ કહેવુ એમ કે આટલી ઠંડી મા તસનીમને વહેલી કેવી રીતે ઉઠાડુ?
પછી ખબર પડી કે મા બાપ છૂટાછેડા લઈ જુદા થયા છે અને બાળકો પિતા પાસે છે. આટલા નાના બાળકોની કસ્ટડી પિતા પાસે એટલે જરૂર મા કોઈ મોટા ગુનામા હશે. બાપ ને જુઓ તો હમેશ રઘવાયો લાગે. પોતે પણ સ્કુલમા જાય એટલે બાળકો ને લેવા કોઈવાર બીજા લોકો આવે. અલબત્ત બધાના નામ અમારા લીસ્ટમા હોય.
તસનીમ એની ખુબ વહાલી એ દેખાઈ આવે કારણ તસનીમ હમેશ એના પિતાની જ વાત કરતી હોય. ધીરેધીરે તસનીમ ક્લાસના નિયમ નુ પાલન કરવા માંડી. સ્કુલ બસમા આવવા માંડી. મારી કોઈ દિવસ પિતા સાથે રૂબરૂ મુલાકાત થઈ નહોતી. મે એમને દુરથી જોયા હતા, કોઈવાર બાળકોને મુકવા આવે ત્યારે, પણ વાતચીત નહોતી થઈ. હમણા જ વેલેનટાઈન ડે ગયો અને અમે બાળકો પાસે કાર્ડ બનાવડાવ્યા અને દરેક બાળકે પોતાના કાર્ડમા “I love you Mom and Dad” એવું લખાવ્યું. કોઈએ વળી “I love you Mom” લખાવ્યું, પણ જ્યારે તસનીમને પુછ્યું તો એ તરત બોલી “I love my Daddy”.
જો કે ક્લાસમા તસનીમને મારી અને મીસ સમન્થા સાથે ખુબ ફાવે. બધી વાત લહેકાથી કરે. એકવાર એની ગાડી ખરાબ થઈ ગઈ હશે અને સ્કુલે આવતાં મોડુ થયું તો જાણે ફરિયાદ કરવા માંડી. ડેડી ગાડી નવી લાવતા નથી, મને મોડુ થાય છે વગેરે. બે દિવસ પહેલા ઓફિસમા થી ક્લાસમા બઝર વાગ્યું અને તસનીમને ઘરે લઈ જવા ડેડી આવ્યા હતા એટલે એને લઈને હું ઓફિસમા ગઈ.
ડેડીને તસનીમ સોંપી કેમ છો કહ્યું. ડેડીએ મજામા નો વળતો જવાબ આપી મને પુછ્યું “મીસ મુન્શા કોણ છે”? હું કાંઈ બોલું તે પહેલા તસનીમ મને વળગતા કહે “આ મારી મીસ મુન્શા છે” હું તસનીમના ચહેરાની ખુશી અને આંખની ચમક જોઈ જ રહી. તસનીમના પિતા મને કહે ઘરે આવી તસનીમ ના મોઢે આખો દિવસ મીસ મુન્શા એ ગીત ગવડાવ્યા, મીસ સમન્થાએ એ.બી.સી.ડી કરાવી, મીસ મુન્શા બગીચામા લઈ ગઈ, એ જ વાતો સાંભળવા મળે છે. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દિકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો.
આ બાળકો ને જરા સરખો પ્રેમ આપતા કેટલા વ્યાજ સહિત એમનો પ્રેમ અમે પામીએ છીએ એ તો હું જ જાણુ છું. કોઈવાર એમના ભલા માટે કડક થઈને વાત કરીએ પણ બીજી મીનિટે આવીને વળગે ત્યારે બધો ગુસ્સો પળમા ગાયબ થઈ જાય.
આજે પણ તસનીમના પિતાના મોઢા પર છલકતી શાંતિ અને તસનીમના ચહેરા પર ની ચમક મારા માટે સૌથી મોટી વેલેન્ટાઈનની ભેટ બની ગઈ.

શૈલા મુન્શા. તા૦૨/૨૪/૨૦૧૪

February 3rd 2014

ખુમારી

આઈરીન એટલે હાસ્ય નો ખજાનો. હમેશ હસતો મુસ્કુરાતો ચહેરો. જ્યારે એ આઠ વર્ષની હતી ત્યારે માબાપ બ્રઝિલ થી અમેરિકા આવીને વસ્યા.આઈરીન ને નાનપણથી શિક્ષીકા બનવાનો શોખ અને તે એણે પુરો પણ કર્યો. છેલ્લા પચીસ વર્ષથી પ્રાથમિક શાળામા ચોથા ધોરણ ના વિધ્યાર્થીઓ ને ભણાવતી. ક્યારેય એને ઘરે રહેવુ ના ગમે.
મોટાભાગની સ્પેનિશ સ્ત્રી ની જેમ આઈરીનની સામાન્ય ઊંચાઈ પણ બાંધો એકવડો એટલે ચાલ પણ ઝડપી. જ્યાં જાય ત્યાં આજુબાજુ ખુશી ને સ્ફૂર્તિ નો માહોલ આપોઆપ રચાઈ જાય.
મારો ને એનો પરિચય લગભગ દશ વર્ષથી. અમે બન્ને એક જ શાળામા સાથે કામ કરીએ.૨૦૧૨ ની શરૂઆતમા એને ખબર પડી કે લીવર નુ કેન્સર છે. પ્રાથમિક અવસ્થામા જ ખબર પડવાથી તરત જ સારવાર શરૂ થઈ ગઈ. રેડિએશન કેમો થેરપી વગેરે. એની આડ અસર પણ દેખાવા માંડી. વાળ ખરવા માંડ્યા, આંખની પાંપણ પણ ખરી ગઈ, પણ એના ચહેરાનુ હાસ્ય ના ખર્યું. રેડિએશન લઈને પણ સ્કુલે આવવાનુ અને માથે સ્કાર્ફ બાંધીને પણ આવવાનુ. વેદના ની કોઈ નિશાની ચ્હેરા પર ફરકવા ના દે.
થોડા વખત પછી જ્યારે રેડિએશન બંધ થયું ત્યાર પછી સરસ મજાની વીગ પહેરીને આવવા માંડી. પોતાની જાત પર પણ હસી શકે. જમવાના સમયે કોઈ શિક્ષીકા ને સરસ મેકપ મા જુવે એટલે હસે “યાર હમણા સવારના મારો સમય ઘણો બચી જાય છે. મેકપ કરવા માટે વહેલા નથી ઉઠવું નથી પડતું.
ગયા વર્ષે નિવૃતિ લેવાનો વિચાર કરતી હતી, પણ માંડી વાળ્યો. ઘરે રહી ને શું કરવું?
હમણા બે દિવસ પહેલા અમે જમવાના સમયે સાથે થઈ ગયા. એ જ ખુશખુશાલી ચહેરા પર. મને કહે “Ms Munshaw 55 and up” મને તો કાંઈ સમજ જ ના પડી. મને કહે “હવે આ વર્ષે તો હું ખરેખર નિવૃતિ લેવાની છું, અને અમે અહીં થી બીજે રહેવા જવાના છીએ. ઘણા વર્ષ નોકરી કરી હવે જીવનની બીજી બાજુ પણ માણી લઉં.”
અહીં ટેક્ષ્સાસ મા જ એક નાનુ શહેર છે જ્યોર્જ ટાઉન અને ત્યાં એક કોમ્યુનીટી ખાસ બનાવવામા આવી છે જ્યાં ૫૫ વર્ષથી વધુ વયના માણસો માટે ઘર ઘણા ઓછા ભાવે મળે. ઉપરાંત અંદર જ ઘણી જાતની પ્રવૃતિ માટે નાની નાની ક્લબ. તમને જે શોખ હોય તે તમે પુરા કરી શકો. માટી ના વાસણ બનાવવા હોય, બાગકામ કરવું હોય, પત્તા રમવા હોય, તરતા શિખવું હોય, ટુંકમા તમને તમારી ઉમરના લોકો નો સાથ મળી રહે.
હું ને મારા પતિ અમે બન્ને જણ ત્યાં રહીશું.મને મન થશે તો ત્યાં પાસેની સ્કુલમા અઠવાડિયામા બેત્રણ દિવસ જઈને લાઈબ્રેરી મા પુસ્તકો ગોઠવવામા મદદ કરીશ. પાછી મને હસતાં હસતાં કહે “મે તો મારા પતિને કહી દીધું છે કોઈ ગમી જાય તો મને બતાડી રાખજે, એને જરા તારા સ્વભાવથી પરિચીત કરી દઉં જેથી હું ઉપર જઉં ત્યારે એને તકલીફ ના પડે”
આઈરીન ગઈ પછી મને બીજા શિક્ષકે કહ્યું કે આઈરીન નુ કેન્સર વકર્યું છે અને ખબર નહિ હવે વરસ કે છ મહિના કેટલો સમય એની પાસે છે?
આઈરીનની ની આ ખુમારીને હું મનોમન વંદી રહી.
(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા. તા ૦૨/૦૨/૨૦૧૪

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.