April 26th 2011

અલગ વાત છે

હોઠ હસે પણ ભીતર હૈયું ચુપ તે અલગ વાત છે
શબ્દ તો નીકળે, વાચા મૌન તે તો અલગ વાત છે.

ગગન ગોરંભાય, વાદળ ગરજી ને વિખરાય
વ્યાકુળ ચાતક તરસે બુંદ, તે તો અલગ વાત છે.

પનિહારી પનઘટ ને ઘાટ, નિહાળતી પિયુની વાટ
ના દુર દુર ઊડતી કોઈ ડમરી, તે તો અલગ વાત છે.

આવતી જોઇ વિપદા,સહુ શાહમૃગ ખોસે શિર રેત મહીં
ડણક એક સાવજની ધ્રુજાવે જંગલ તે તો અલગ વાત છે.

જનમ મરણ સહુ પ્રભુને હાથ સ્વીકારે સહુ નત મસ્તકે
એક સાવિત્રી લાવે સત્યવાન પાછો, તે તો અલગ વાત છે.

એક લસરકે બદલાય ફલક તે અલગ વાત છે
કોઈ ચિત્રકાર પીંછી ન પકડે, તે તો અલગ વાત છે.

શૈલા મુન્શા. તા. ૦૪/૨૬/૨૦૧૧

April 26th 2011

દમાની-૧

દમાની આ વર્ષે આવ્યો છે. પાંચ વર્ષનો દમાની આફ્રિકન અમેરિકન છોકરો છે. વાંકડિયા વાળ અને ચહેરે મોહરે સામાન્ય બાળક જેવો જ લાગે પણ મંદ બુધ્ધિ બાળક મા એની ગણતરી થાય. ઘરમા એકનો એક એટલે જલ્દી રમકડાં કે કોઇ વસ્તુ બીજા સાથે હળીમળી ને રમી ના શકે. ઘરમાં તો એ ચાલે પણ સ્કુલમાં એમ ના થાય. ધીરે ધીરે અમે એને બધા સાથે મળીને રમવાની ટેવ પાડી.
આ પ્રકારના બાળકોની એક ખાસિયત હોય. એકનો એક સવાલ એ દરરોજ કરે. ક્લાસમાં આવતાની સાથે પુછે ઘરે ક્યારે જવાનુ? અમે કહીએ ત્રણ વાગે, એટલે બીજો સવાલ પુછે બપોરે ઊંઘીને પછી જવાન? બારી બહાર જો તડકો દેખાય તો ખુશ પણ જો વાદળિયું વાતાવરણ હોય તો એને ના ગમે.
અમે દરરોજ બધા બાળકોને એમના નામના અક્ષરો ઓળખતા શીખવાડીએ. દરરોજ એક ના એક અક્ષર પણ તોય આ બાળકો ને યાદ ના રહે. દમાની માંડમાંડ એના નામના અક્ષર ઓળખતા શીખ્યો હતો.એના નામમાં “Damani” આ આલ્ફાબેટ આવે. આજે બપોરે અમે બાળકોને A B C D મોટા સ્માર્ટ બોર્ડ પર કરાવતા હતા. અચાનક જ્યારે “u” અક્ષર આવ્યો તો દમાની બોલી ઉઠ્યો આતો ઊંધો “n” છે.
એની આ નિરક્ષણ શક્તિ પર હું અને મેરી ખડખડાટ હસી પડ્યા. કોણ કહે આ બાળકો મંદબુધ્ધિના છે?

શૈલા મુન્શા. તા. ૦૪/૧૨/૨૦૧૧.

April 20th 2011

કળી

ખીલતી કળી વાત કહેતી જાય રે!
વાયરા સંગ મહેક ફેલાવતી જાય રે!

જીંદગી ભલે ને હોય નાની મધુરી
ખીલી ને કરમાય, તોય ખીલતી જાય રે!

બીજ માથી કળી ને વળી ખીલે ફુલ અનેરૂં
સહીને દુઃખ, બસ સુગંધ રેલાવતી જાય રે!

આવરદા હોય લાંબી કે ટુંકી, વાત ના કોઈ મોટી
વિરમી પ્રભુ ચરણે, જીવન સાર્થક કરતી જાય રે!

શૈલા મુન્શા. તા. ૦૪/૨૦/૨૦૧૧

April 19th 2011

જો જો ગંભીર ના થતાં

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.
1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો
2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો
3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો
4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)
5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)
6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો
7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો
8. એની મમ્મીની રસોઇના વખાણ કરો
9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”
10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે
11. “તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો
12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.
13. તમારી વાત ટુંકમાં કરો.
14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.
15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો
16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.
17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.
18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!
19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”
20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!
21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”
22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”
23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)
24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.
25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.
નોંધ:
૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.
૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.
૩) ઉપરના ઉપાયો પર Analysis કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા. ૫)છોકરીઓએ આ આર્ટીકલ ફક્ત જાણ ખાતર વાંચવો.
માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.

હળવા દિલે વાંચો અને ઊપાય પોતાના જોખમે અજમાવો.
(મિત્ર દ્વારા ઈ મૈલમા મળેલ.)

શૈલા મુન્શા. તા. ૦૪/૧૯/૨૦૧૧

April 14th 2011

વિવિયન સ્ટોન

૭૫ વર્ષની વિવિયન સ્ટોન મારી સાથે સ્કુલમા કામ કરે છે. વર્ષો પહેલાં પતિથી છૂટાછેડા લીધા અને એક દિકરો ને બે દિકરીને એકલે હાથે ભણાવી મોટા કર્યા. ત્રણે સંતાનો પોતાનો જીવનસાથી શોધી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા.
વિવિયન સ્વભાવે હસમુખી સેવાભાવી પણ ખરી. કોઈને પણ મદદ કરવા તત્પર. સ્કુલમાં બધાની વર્ષગાંઠ યાદ રાખીને કાર્ડ આપે અને નાની ભેટ પણ આપે. બાળકો ને ખુબ પ્રેમ કરે. સવારે દરવાજે ઊભી રહી Good morning કહી બધાને આવકારે, વહાલથી બાથમાં લે અને સામે એટલા જ પ્રેમની અપેક્ષા પણ રાખે.
શરૂઆતમાં જ્યારે હું નવી હતી ત્યારે મને હમેશ નવાઈ લાગે કે આટલી હેતાળ અને લાગણીશીલ વિવિયન બધાની અળખામણી કેમ? પણ ધીરે ધીરે મને સમજાયું કે વિવિયનને બધાની વાતોમાં માથું મારવાની ખરાબ ટેવ. અંગત સવાલો પુછતાં પણ એને વાર ન લાગે. કોઈનો પહેરવેશ બરાબર ના હોય તો મોઢાપર કહી દે,કોઈ નવું સ્કુલમા આવ્યું હોય તો પહેલે દિવસે જ બધા સવાલ પુછી લે. ઘરમાં કેટલા જણ છે, કોણ શું કરે છે પરણી નથી તો કેમ પરણી નથી વગેરે વગેરે. એને કોમ્પ્યુટરનો જરાય મહાવરો નહિ એટલે ઘણીવાર સ્કુલની અગત્યની ઈમૈલ ની જાણ તરત ના થાય તો ઉપરથી બીજાનો ઉધડો લે કે મને કેમ જણાવ્યું નહિ, એટલે લોકો બને એટલા એનાથી દુર રહેવાનો પ્રયત્ન કરે.
મને ઘણીવાર થાય કે વિવિયન આમ શા માટે કરે છે? મારી સાથે એને સારું ફાવે. મારૂં ઘર એના રસ્તામાં આવે એટલે સ્કુલથી ઘરે જતી વખતે મને એની ગાડીમાં સાથે લઈ જાય અને મારા ઘરના દરવાજે ઉતારે. કોઈવાર મારી પાસે દિલ ખોલીને વાત કરે.
એકલતા માણસને કેવી કોરી ખાય છે એ મને એની પાસે જાણવા મળ્યું. વિવિયન મને કહે “તને મનમાં થાય છે ને કે હું આટલું બધું કેમ બોલું છું, પણ ઘરે જઈશ પછી બસ ચાર દિવાલો અને હું. બાળકો એ ફોન કરવાના વારા બાંધ્યા છે. ત્રણે જણ અઠવાડિયામાં એકવાર ફોન કરે, બાકી હું ભલી ને મારી ચોપડી ભલી”. એકલી છું એટલે રાંધવાની લપ પણ નથી કરતી. ઘરે જતાં કાંઈક લેતી જઉં અથવા ત્યાં જ ખાઈ લઊં. ઘરે જઈને શાવર લઈને મારી સ્ટોરી બુક લઈને બહાર સોફામાં વાંચતાં વાંચતાં જ ઘણીવાર તો ઊંઘી જાઉં. બસ એટલે જ કદાચ સ્કુલમાં બધા સાથે વાતો કરવાનુ મન થઈ જાય છે. જાણુ છું કે હું વધારે પડતી પંચાત કરૂં છું પણ શું કરૂં. એકલતા નો અજંપો કેવો છે એનો મને ત્યારે ખ્યાલ આવ્યો.
એટલા માટે જ બાળપણ અને ઘડપણ ને એક જેવું કહ્યું છે. ફરક એટલો જ છે કે બાળપણ મા તમે જે કરો છો એની અસર તમારા રોજીંદા જીવન પર નથી પડતી, પણ ઘડપણ મા તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો છતાં એમાં થી બહાર નથી નીકળી શકતા ઉલ્ટાના ભુતકાળને વાગોળી વધારે દુઃખી થાવ છો. આ દેશમાં કદાચ એકલતા નો ભાર સહેવો વધુ અઘરો બનતો હશે પણ હવે તો કદાચ બધે જ સરખું છે. બે પેઢી વચ્ચે નુ અંતર પહેલાં નહોતું એટલું અત્યારે વધી ગયું છે, પણ એમાથી રસ્તો કાઢવો પણ આપણા જ હાથમાં છે.
બે પેઢી વચ્ચે સંતુલન રાખવું અઘરૂં જ છે પણ જો એ રાખતા આવડી જાય અને હમેશ અપેક્ષા પણ ઓછી રાખતાં આવડી જાય તો જીવન એટલું અસહ્ય ન બની જાય.
ઘડપણ આવતાં પહેલાં જો એને આવકારવાની તૈયારી કરીએ તો જીવન સરળ અને સુમધુર બની જાય.

શૈલા મુન્શા. તા. ૦૪/૧૪/૨૦૧૧.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.