February 28th 2013

નથી

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

જીવવાની/ આશ માં પણ/ મોત ઠેલા/તું નથી,
ને મરણ પા/મે કદી પા/છું એ જીવા/તું નથી.

બાળપણ જા/તાં યુવાની/ ખટખટાવે/ બારણાં,
ખેલ પાંચી/કા કે ખોખો/ કેમ છોડા/તું નથી?

ક્ષણ જનમની/ ઓરતા પૂ/રા કરે મા/બાપના
આવકારો,/ હેત હૈયાનુ કોઈથી સંતાતુ નથી આગમન નવ/જાત, આંગણ/ બાળ એ બદ/લાવે જીવન/ હેત તો જીરવાતું નથી છુપાતું નથી

ભલે સાગર મા હોય ભરતી ને ઓટ હરદમ,
સરી જતું એ યૌવન,કેમે કરી પાછું પમાતું નથી.

જગ કરે હાંસી તે જીરવવું છે અઘરૂં,
પી ને હળાહળ, સહુ થી શંકર બનાતુ નથી.

જીવવાની આશ માં મોત ઠેલાતું નથી,
ને મર્યા બાદ પાછું જીવાતું નથી.

શૈલા મુન્શા. તા. ૦૨/૨૭/૨૦૧૩.

February 23rd 2013

આવકાર –

સવારનો સમય હતો, પુનિત દુકાને જવા નીકળી ગયો હતો. રોજ બાર વાગે દુકાનેથી માણસ જમવાનુ ટીફિન લેવા આવે. આ નિત્ય ક્રમ હતો. રીમા જેવો પુનિત જાય કે સહેજ વાર ચા ની ચુસકી લેતાં છાપા પર નજર ફેરવી લે ને પછી રોજિંદા કામે વળગે. એક ની એક દિકરી નેહા કોમ્પ્યુટર એન્જિનિયર બનવા બેંગલોર ભણવા ગઈ હતી એટલે ઘરમાં બે જણ, રીમા ને પુનિત. પહેલા તો રીમા પણ નિયમિત દુકાને જતી પણ છેલ્લા થોડા સમયથી કમરના દુખાવાના કારણે રીમા એ દુકાને જવાનુ બંધ કર્યું હતું.
ઘણા વર્ષો એણે પુનિતને કામમાં સાથ આપ્યો હતો. નાનકડી નેહાને લઈ દુકાને જતી, જેથી નેહા અને કામ બન્નેનું ધ્યાન રાખી શકાય અને નેહા જ્યારથી સ્કૂલે જવા માંડી એટલે નેહાના સ્કૂલના સમય દરમ્યાન જઈ આવતી. પુનિત અને રીમાના જીવનનુ એક જ ધ્યેય હતું, નેહાને સારામાં સારું ભણતર મળે અને એની ઈચ્છા મુજબ આગળ અભ્યાસ કરી મમ્મી પપ્પાનુ નામ રોશન કરે. વર્ષોની મહેનત રંગ લાવી હતી, પુનિતનો રેફ્રિજરેટરનો શો રૂમ ધમધોકાર ચાલતો હતો. ખુદની ગાડી અને એક મોટી વેન રેફ્રિજરટર ઘરાકોને ત્યાં પહોંચાડવા અને ચાર માણસો દુકાન અને માલ પહોંચાડવા રાખ્યા હતા, એટલે રીમાની તબિયતને ધ્યાનમાં રાખી પુનિતે જ એને ઘરે આરામ કરવાનુ કહ્યું હતું
આજે રીમાનુ ચિત્ત કોઈ કામમાં ચોંટતુ નહોતું. હાથ કામ તો કરી રહ્યાં હતા રોજની આદત મુજબ, પણ નજર ફરી ફરીને મોબાઈલ ફોન પર જતી ને ઘડિયાળના કાંટા પર. પણ સમય જાણે સ્થિર થઈ ગયો હોય એવું એને લાગતું. આજે નેહાનુ પરિણામ આવવાનુ હતું. સ્વભાવિક જ મમ્મી પપ્પાની અધિરાઈને ઉત્તેજના સમજતી નેહાએ ખાસ બેંગલોરથી ફોન કરી જણાવ્યું હતું “મમ્મા મારૂં પરિણામ બપોરે બાર પછી અમને કોમ્પ્યુટર પર જોવા મળશે માટે સવારથી મને પાંચ પાંચ મિનીટે ફોન ના કરતી. જેવી મને ખબર પડશે કે તરત હું પપ્પાને અને તને ફોન કરી દઈશ.”
નેહા ભણવામાં ઘણી હોશિયાર હતી એટલે જ તો એન્જિનીયરીંગની ફાઈનલ પરિક્ષાનુ પરિણામ આવ્યાં પહેલા જ એને બેંગલોરમાં કોમ્પ્યુટર કંપનીમાં નોકરી મળી ગઈ હતી. અત્યારે ત્રણ મહિના એને તાલીમ સાથે પગાર મળવાનો હતો પણ જેવું પરિણામ આવી જાય પછી કોમ્પ્યુટર એન્જીનિયર તરીકે એના પગારનુ ધોરણ વધી જવાનુ હતું.
અચાનક ફોન ની ઘંટડી રણકી ને રીમાએ ફોન કાને ધર્યો. પુનિતનો ઉમંગથી છલકતો અવાજ એના કાને પડ્યો.”રીમા, રીમા આપણી નેહા એન્જીનિયર બની ગઈ, યુનિવર્સીટીના પહેલા પચાસ વિધ્યાર્થીમાં એનુ નામ છે તું વાત કર, નેહા એ કોન્ફરન્સ કોલ જોડ્યો છે, હું આજે બહુ જ ખુશ છું. મારી દિકરી એ મારું નામ ઉજાળ્યું.” રીમાની આંખમાં હરખના આંસુ આવી ગયા. “નેહા બેટા બસ આમ જ હમેશ જીવનના દરેક ક્ષેત્રે આગળ વધતી રહે, અને ભગવાન તારી બધી મનોકામના પુરી કરે. વચ્ચે જ પુનિતનો ટહુકો સંભળાયો, નેહા બેટા હું ને તારી મમ્મી શનિવાર સવારની ફ્લાઈટમાં બેંગલોર આવીએ છીએ. તને મળી તારી સિધ્ધિ સાથે ઉજવશું. તારા મિત્રોને પણ એમા શામેલ કરશું. શનિવારની સાંજે એક મોટી પાર્ટી અને રવિવારની સવાર આપણી. બસ સાંજે અમે પાછાં મુંબઈ આવી જઈશું”
ફોન મુકતાં જ રીમા ભુતકાળની યાદોમાં ખોવાઈ ગઈ, પચીસ વર્ષ પહેલાની રીમા બની ગઈ. એ દિવસ એની જિંદગીનો સુવર્ણ દિવસ હતો, જ્યારે છ અઠવાડિયાની નેહાને એમણે અનાથાશ્રમમાં થી દત્તક લીધી હતી.
લગ્ન જીવનના ૧૦ વર્ષ પછી પણ રીમાની મા બનવાની ઉમ્મીદ પુરી ન થઈ ત્યારે જીવનમાં બાળકની કમી મહેસુસ થવા માંડી. ડોક્ટર, વૈદ, દેશી નુસ્ખાં, જેણે જે કહ્યું તે બધું અજમાવી જોયું. કાંઈ પરિણામ ના આવ્યું ત્યારે રીમાના મનમાં બાળક દત્તક લેવાનો વિચાર આવ્યો, પુનિતને વાત કરી તો એણે સાફ ઈન્કાર કરી દીધો. કોઈ અજાણ્યા બાળકને કેવી રીતે પોતાનુ માની શકાય? તારે બાળક દત્તક જ લેવું હોય તો આપણા ભાઈ બહેન કે કોઈ સગાનુ બાળક લઈએ, પણ રીમા એ માટે તૈયાર નહોતી. જો મમતા વરસાવવી હોય તો કોઈ અનાથ બાળક કેમ નહિ? જે માતા પિતાના સુખથી હમેશ વંચિત રહી જાય છે એ બાળકના માતા પિતા કેમ ના બની શકીએ? આમ ને આમ રકઝકમાં એક વરસ પસાર થઈ ગયું.
રીમાની ઉદાસી દિન પ્રતિ દિન વધતી ગઈ. રીમા જાણે ઉદાસીના પહાડ નીચે દબાતી રહી, બોલવાનુ ઓછું થઈ ગયું, ફક્ત રસોઈ કરી પુનિતને જમાડવાનુ કામ યંત્રવત કરી એ સુનમુન બારી બહાર જોતી રહેતી. પુનિતથી રીમાની આ દશા નહોતી જોવાતી. રીમા એક દિવસ અભાનપણે બોલી ગઈ, “પુનિત કાં તો હું જીવ આપી દઈશ, કાં તો ઘર છોડી ચાલી જઈશ. આવી સુનકાર જિંદગી મને મંજૂર નથી.”
છેવટે રીમાના સંતોષ ખાતર પુનિત અનાથાશ્રમની મુલાકાત લેવા તૈયાર થયો. રીમાની ઈચ્છા દિકરી દત્તક લેવાની હતી પણ પુનિતને કહેતા ડરતી હતી, રખે ને પુનિત વિચાર સાવ માંડી વાળે તો!
અનાથાશ્રમમાં સહુથી નાનુ બાળક એક છોકરી હતી, ફક્ત છ અઠવાડિયાની. એ નાનકડી બાળકી ને જોતાં પુનિતના મનમા શું ભાવ જાગ્યો એ ભગવાન જાણે, પણ તરત જ રીમા તરફ ફરી એ બોલ્યો “રીમા આપણે આ દિકરી દત્તક લઈએ તો?” રીમાને તો ભગવાન સદેહે મળ્યા જેટલો આનંદ થયો. પુનિતનુ મન બદલાય તે પહેલાં જ રીમા એ ખુશખુશાલ ચહેરે હા પાડી અને નેહા એમના જીવનમાં આવી.
રીમાએ ફક્ત નેહાને જનમ ન આપ્યો પણ છ અઠવાડિયાનુ બાળક એટલે બાળકના બળોતિયાં બદલવા થી રાતના ઉજાગરા એ બધાં જ અનુભવોમાં થી એ પસાર થઈ. વધુ આનંદ ની વાત એ હતી કે રીમાની ધારણા બહાર પુનિત નેહાને નિજ જીવનમાં આવકારતો ગયો. નેહા નામ પણ પુનિતની પસંદગી હતી. રાતે કેટલીય વાર ઊઠી પુનિત જોતો કે નેહા એ બળોતિયું ભીનુ નથી કર્યું ને, એનુ ઓઢવાનુ ખસી તો નથી ગયું ને.
જેમ જેમ નેહા મોટી થતી ગઈ મમ્મીની લાડકી તો હતી જ, પણ પપ્પાની લાડકી વધુ બનતી ગઈ. એનો વિકાસ એની ભણવાની ધગશ જોઈ જ્યારે વધુ અભ્યાસ માટે બેંગલોરની યુનિર્વસીટિમાં એડમિશન મળ્યું તો રીમાની ઈચ્છા નેહાને દુર કરવાની ઓછી હતી પણ પુનિતે જ એને સમજાવી “રીમા આજે તો છોકરીઓ ભણવા વિદેશ જાય છે તો નેહા તો ભારતમાં જ છે, જ્યારે તને મન થાય તો બે કલાકમાં તું એની પાસે, માટે ચિંતા કર્યાં વગર એને જવા દે. નેહા જીવનમાં આગળ વધે એનાથી વિશેષ આપણને શું જોઈએ?”
આજે નેહાનુ પરિણામ આવ્યું, પોતાની સિધ્ધિથી મમ્મી પપ્પાનુ નામ, મસ્તક ગર્વથી ઉન્નત કર્યું, હરખ ઘેલી રીમાને એ દિવસ યાદ આવી ગયો જ્યારે પુનિત પોતાના હાથમાં છ અઠવાડિયાની બાળકી લઈ ઘરના દરવાજે ઊભો હતો ને, હાથમાં આરતીની થાળી લઈ રીમા એમની દિકરી ને આવકારતી હતી.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા. તા૦૨/૨૩/૨૦૧૩

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.