February 16th 2012

શબ્દવેધી નહિ, પ્રકાશવેધી બાણ

રાજા દશરથ પ્રખર બાણાવળી હતા અને અવાજ ના આધારે અંધારા મા પણ અચૂક નિશાન સાધી શકતા એ રામાયણ કથા તો બધા જાણે છે, પણ મારે આજે મારા અનુભવની વાત કરવી છે.
હ્યુસ્ટન એ અમેરિકા નુ એક એવું શહેર છે જ્યાં એક જ દિવસમા જુદી જુદી ઋતુનો અનુભવ થઈ શકે. આમ તો હમણા શિયાળો ચાલે છે એમ કહેવાય પણ સવારે ઠંડક બપોરે ગરમી ને સાંજ પડે વરસાદ. છેલ્લા થોડા દિવસથી સૂરજ દેવ જાણે અમારા થી રિસાઈ ગયા હોય તેમ પ્રગટવાનુ નામ લેતા નથી. દર્શન તો થાય પણ મોંઘેરા મહેમાન ની જેમ અલપ ઝલપ.
બે ત્રણ દિવસ થી તો રોજ હવામાન ના સમાચાર મા બોલાય કે સવારે ગાઢ ધુમ્મસ હશે પણ મારા સારા નસીબે મને એનો અનુભવ નહોતો થયો. કાલે રાતે સુવા જતા પહેલા સહજ જ બારી બહાર ડોકિયું કર્યું અને રાતે દશ વાગે પણ મારી ગલીમા ધુમ્મસ ઘેરાતું જોયું. મનોમન નક્કી કર્યું કે સવારે રોજ કરતાં થોડી વહેલી કામે જવા નીકળીશ.
સવારે ઝટપટ તૈયાર થઈ ગઈ કારણ ધુમ્મસ વધુ ગાઢ લાગી રહ્યું હતુ. જેવી મારી ગલીમાથી બહાર આવી ફ્રીવે તરફ પ્રયાણ કર્યું કે જાણે આંખ સામે સફેદીનો ઘેરો રંગ અને આગળ જતી ગાડી ની ઝબુકતી લાલ લાઈટ. બસ એ લાલ લાઈટ ના પ્રકાશ ના આધારે આગળ વધતા રહેવાનુ. ફ્રીવે પણ અહીંયાના સીધા સપાટ નહિ. એમા પણ ઉતાર ચઢાવ આવે. જ્યારે ઉપર જતા હોઈએ તો લાગે કે બસ આ સફેદી ના સાગરમા સમાઈ જશુ ત્યાં જ તો ગીર ના સાવજ જેવી બે ઝબુકતી લાલ લાઈટ દેખાય.
રોજની એ પંદર મીનિટ ની સફર પાર કરતાં પચીસ મીનિટ થઈ પણ ત્યારે જ મનમા વિચાર આવ્યો કે ભલે દશરથ મહાન શબ્દવેધી બાણાવળી ગણાતા હતા પણ આજે જાણે હું પ્રકાશવેધી બાણાવળી બની હતી. ઝબુકતી લાલ લાઈટ ના પ્રકાશ ના આધારે મારી ગાડી રૂપી બાણ છુટ્યું હતું અને નિર્ધારીત સ્થાને પહોંચ્યું હતું.
ધુમ્મસ ના અગાધ સાગરમા ગાડી ચલાવવાનો રોમાંચ અનોખો જ હતો.

શૈલા મુન્શા. તા ૦૨/૧૬/૨૦૧૧

February 15th 2012

મંડાય

પાંપણ ઝુકે ન ઝુકે ત્યાં તીર સંધાયને,
હોઠ ખુલે ન ખુલે ત્યાં ગોઠડી મંડાય.

નયણે નીંદરે ઘેરાય ના ઘેરાયને
શમણાંની મધુરી મહેફીલ મંડાય.

કળી એક ખીલે ન ખીલે ઉપવનેને,
ભીની એ સુગંધનો મહેરામણ મંડાય.

બંસરી નો સુર ક્યાંક બજે ન બજેને,
ગોપી સંગ કાના નો રાસડો મંડાય.

કૃષ્ણ પ્રિતમની પ્રીતનું શમણું સર્જાયને,
મથુરા ને મારગ ઘેલી રાધાની નજરૂં મંડાય.

શૈલા મુન્શા. તા. ૦૨/૧૫/૨૦૧૨

February 8th 2012

મિકાઈ

હમણા ચાર દિવસ પહેલા અમારા ક્લાસમાં નવો છોકરો આવ્યો, નામ એનુ મિકાઈ. મા આફ્રિકન અમેરિકન અને બાપ મેક્સિકન. મિકાઈ આ જાન્યુઆરી માં પાંચ વર્ષનો થયો પણ પહેલા કોઈ સ્કુલમા ગયો નહોતો. વાચા પણ પુરી ખુલી નથી.અમેરિકા ના રિવાજ મુજબ આ જાતના બાળકોની બધી જાતની તપાસ થાય. જાતજાતના લેબલ લગાડાય. બાળક મંદ બુધ્ધિનો છે તો કેટલા પ્રમાણમા અને તોફાન કરે તો કેવા પ્રકારનુ વગેરે વગેરે.
અમેરિકા દેશની એક બીજી ખાસિયત. ઘણા મા બાપ હોય પણ પરણેલા ના હોય. બાળકની જોઈન્ટ કસ્ટડી હોય એટલે બન્ને જણ બાળકનુ ધ્યાન રાખે પણ સાથે ના રહેતા હોય. એમા બાળકની શી દશા થાય એની તો કલ્પના જ કરવી રહી.
મિકાઈ પણ મા સાથે રહે અને બાપનુ ઘર થોડું દુર. પહેલા બે ત્રણ દિવસ મિકાઈ ની મા એની સાથે અમારા ક્લાસમા રહી. પેપર વર્ક પુરૂં થાય નહિ ત્યાં સુધી મિકાઈ હાફ ડે આવતો હતો. અમે જોઈ શક્યા કે મા મિકાઈ નુ કેવું ધ્યાન રાખતી હતી. જેટલો સમય અમારી સાથે હતી ત્યારે મોટાભાગનો સમય ફોન પર ટેક્ષ મેસેજ મોકલતી હોય. કપડાં પણ ચોખ્ખા ન હોય. બાપ તો આખો દિવસ સાથે હોય નહિ. ચાર પાંચ દિવસ પછી મિકાઈ સ્કુલ બસ મા આવતો થયો.
આજે જ્યારે એ આવ્યો ત્યારે એને સખત શરદી થયેલી હતી નાક માથી સતત વાસ મારે એવું પસ જેવું લીંટ નીકળી રહ્યું હતું અને શરીર ગરમ હતું.તરત અમે એને સ્કુલ ની નર્સ પાસે લઈ ગયા. મિકાઈ ને ૧૦૧ ડીગ્રી તાવ હતો.
મા ને ફોન કર્યો મિકાઈ ને ઘરે લઈ જવા માટે તો અમને કહે કે થોડી વાર લાગશે કારણ મારી પાસે ગાડી નથી ને હું એના ફાધર ને ફોન કરૂં છું.
મિકાઈ ને લેવા એના ફાધર લગભગ ૯.૦૦ વાગે આવ્યા. ત્યાં સુધી અમારી દૈનિક કાર્યવાહી અટકાવી અમે મિકાઈ ની દેખરેખ મા રહ્યા.
સવાલ એ નથી કે અમારે એક બાળકની દેખભાળ કરવી પડી પણ સવાલ એ છે કે આમ મા બાપ જ્યારે જુદા રહેતા હોય અને સંબંધો મા લાગણી ને બદલે ભૌતિક સુખ ને પ્રાધન્ય હોય ત્યારે બાળકની શી દશા થાય અને એમા પણ બાળક જ્યારે મંદબુધ્ધિ હોય, પોતાની તકલીફ વ્યક્ત કરી શકતું ના હોય ત્યારે જરૂર એ વિચાર આવે કે શિક્ષક તરીકે અમે જેટલી લાગણી આ બાળકો ને આપીએ છીએ એટલી પણ કાળજી માબાપ કેમ નહિ લેતા હોય
કવિ બોટાદકર ની કાવ્ય પંક્તિ આવા સમય મને અચૂક યાદા આવે કે “જનની ની જોડ સખી નહિ જડે રે લોલ”
આવી પણ મા હોઈ શકે એ મારી કલ્પનાની બહાર છે, ને એક મા તરીકે મારા આ બાળકો ને જેટલી હુંફ ને જેટલો પ્રેમ આપી શકું તેટલો આપવાનો પ્રયત્ન હું કરૂં છું અને મારા ક્લાસમા થી બીજા ક્લાસમા ગયા બાદ પણ જ્યારે આ બાળકો મને સ્કુલ મા આવતાં જતા સામે મળે ત્યારે વહાલથી વળગી પડે ત્યારે મને થતા આનંદ નો કોઈ હિસાબ નથી.
સદા આમ જ મારા કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન રહું એવી શક્તિ પ્રભુ આપે એજ મનોકામના.
અસ્તુ.

શૈલા મુન્શા તા.૦૨/૦૮/૨૦૧૨

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.