May 28th 2010

ઈવાન

પાંચ વર્ષનો ઈવાન મસ્ત મજાનો છોકરો. માબાપ ઇથોપિયા થી અમેરિકા આવીને વસ્યા. બે વર્ષથી ઈવાન અમારા ક્લાસમા છે. જ્યારે આવ્યો ત્યારે ખાસ બોલતો નહોતો પણ ધીરે ધીરે વાચા ખુલવા માંડી. ઈવાન ની એક ખાસિયત કે દરેક કામ અમુક પધ્ધતિસર જ થવું જોઈએ. જો દરરોજ સવારે નાસ્તાના સમયે એના દુધનુ કેન મીસ મેરી ખોલી આપતી હોય તો બીજા કોઈથી ના ખોલાય. જો ભુલમા મે પણ હાથ લગાડ્યો તો ચીસાચીસ કરી મુકે. ક્લાસમાથી બહાર જતી વખતે જો મારી આંગળી પકડે તો તો પછી બીજા સાથે ના જાય.
આમતો એને રમતના મેદાન મા રમવું ખુબ ગમે અને બીજા ક્લાસના બાળકો સાથે પણ ભળી જાય અને રમે. થોડા દિવસ પહેલા પહેલા ધોરણના બાળકો અમારી સાથે હતા બધા સરસ રીતે રમતા હતા અને ઈવાન એકદમ રડતો અને ચીસ પાડતો અમારી પાસે આવ્યો, એને પુછીએ તે પહેલા બીજા બાળકો દોડી આવ્યા અને કહેવા માંડ્યા કે માઈકલે એને જોરથી પેટમા ગુંબો માર્યો છે. અમે માઇકલને બોલાવ્યો, સમજાવ્યો કે આવું ના કરાય અને એને ઈવાનની માફી માગવાનુ કહ્યું. ઈવાનને કહ્યુ માઇકલ તારો દોસ્ત છે અને બન્ને ના હાથ મિલાવી રમવા પાછા મોક્લ્યા. માઇકલ તો રમવા ભાગી ગયો પણ ઈવાન જે ડરી ગયો તે ત્યાર પછી રોજ અમે જ્યારે પણ રમતના મેદાન પર જઈએ ઈવાન રમવા જવા તૈયાર જ નહિ. અમારી સાથે બેસી રહે.
આજે તો હદ થઈ ગઈ. હું બાળકોને સંગીતના ક્લાસમા લઈ ગઈ. અમારા ક્લાસ સાથે પહેલા ધોરણના બાળકો પણ આવતા હોય. આજે જે ક્લાસ ના બળકો આવ્યા એ માઈકલનો ક્લાસ હતો. દુરથી એ ક્લાસને જોતાજ ઈવાન વાંદરીનુ બચ્ચું જેમ માને વળગે તેમ કુદકો મારીને મને વળગી પડ્યો અને ચીસાચીસ કરી મુકી કે ના સંગીતના ક્લાસમા નથી જવું, અને રડતો ચીસ પાડતો અમારા ક્લાસ તરફ ભાગવા માંડ્યો. મારે તો શું કરવું એની મુંઝવણ થઈ ગઈ કારણ મારી સાથે છ નાના બાળકો હતા એમને એકલા મુકી ને મારાથી ઈવાન પાછળ પણ ના જવાય, અને એ તો ભુત પાછળ પડ્યું હોય તેમ નાસવા માંડ્યો. જોવાની ખુબી તો એ હતી કે માઈકલ તે દિવસે ગેરહાજર હતો, એ તો હતો પણ નહિ પણ જે ડર એ ક્લાસનો ઈવાન ના મનમા પેસી ગયો હતો એને કઈ રીતે દુર કરવો. મારી વહારે સંગીત ક્લાસના સર આવ્યા અને મારા બાળકો ને એમણે સંભાળ્યા ને હું ઈવાન ને પાછો અમારા ક્લાસમા લઈ ગઈ ને મીસ મેરી ના હવાલે કર્યો.
આટલા નાના બાળક અને ખાસ તો અમુક પ્રકાર ની માનસિક હાલત વાળા બાળકને કેમ સમજાવવો અને કેવી રીતે એને ડર દુર કરવો એ મારા માટે પણ એક મોટી સમસ્યા છે.

શૈલા મુન્શા. તા ૦૫/૨૮/૨૦૧૦

May 25th 2010

એડમ-૩

એડમભાઈનુ આજનુ પરાક્રમ. એડમ ને કોમ્પુટરનો ખુબ શોખ એ તો તમે જાણો જ છો. ગમે ત્યારે ઊઘી જતા એડમને કોમ્પુટર સામે બેસાડો તો આખો દિવસ જાગી શકે અને સામાન્ય રીતે ચુપ રહેતા એડમનો અવાજ પણ કોમ્પુટરની રમતો સાથે સંભળાય. એડમને એક ખોટી ટેવ, કોમ્પુટર પર કીબોર્ડના બટન દબાવતા બીજા પણ બટન દબાવે અને ઘણીવાર બાજુમા બેઠેલા છોકરાનુ કોમ્પુટર બંધ કરી દે.
આજે એવીજ રીતે બટન દબાવતા કોમ્પુટર ડીસ્ક(CD)નુ ખાનુ ખુલી ગયું અને એડમ ની આંગળી એમા ફસાઈ ગઈ. એડમે તો જોરથી ભેંકડો તાણ્યો અને મારા તો હોશકોશ ઉડી ગયા કારણ ત્યારે ક્લાસમા મારી સાથે એડમ અને એશલી હતા અને મીસ મેરી બીજા બાળકોને જમાડવા લઈ ગઈ હતી. આંગળી એવી ફસાઈ હતી કે સહેલાઈ થી નીકળે એમ નહોતી. મારો તો જીવ અધ્ધર થઈ ગયો કે શું કરું, કારણ એશલી ને મુકી ને મારાથી ક્લાસની બહાર જવાય નહિ ને કોને મદદ માટે બોલાવું? નસીબે બાજુના ક્લાસની ટીચર લોરા એડમનો રડવાનો અવાજ સાંભળીને દોડી આવી અને તરત જ એને એશલી ને પોતાની પાસે લઈ લીધી અને મે ધીરે ધીરે એડમની આંગળી બહાર કાઢી. તરત જ એના પર બરફનુ માલિશ કર્યું અને સ્કુલની નર્સ પાસે લઈ ગઈ.
અર્ધા કલાકમા મેરી બાળકોને જમાડી ને પાછી આવી ત્યાં સુધી મા તો એડમ પોતાની રમત મા મશગુલ હતો પણ મને તો બાપા ના બાપા યાદ આવી ગયા જો કાઈક વધારે થયું હોત તો મારો જ વાંક પહેલા આવત. હજી આગલે દિવસે જ વર્ષને અંતે થતા મુલ્યાંકનમા મને અતિ ઉત્તમ કામગીરી નો શિરપાવ મળ્યો હતો, કારણ આ પ્રકાર ના બાળકો સાથે કામ કરવું સહેલું નથી. ખુબ જ તકેદારી રાખવી પડે. (અને આજે બેદરકારીનો!!!!!!!)
સતત સતર્ક રહેવા છતાં ક્યારેક આવી ઘટના પણ બને જે અમને વધુ સાવચેત રહેવાની ચેતવણી આપી જાય.

શૈલા મુન્શા. તા.૦૫/૨૫/૨૦૧૦

May 19th 2010

સ્વભાવ!

કહેવાય છે ને કે વહેમનુ કોઈ ઓસડ નહિ ને સ્વભાવની કોઈ દવા નહિ. કોઈનો પણ સ્વભાવ બદલવો મુશ્કેલ જ નહિ પણ અસંભવ જ લાગે. માણસ અભણ હોય કે ભણેલો, સ્ત્રી હોય કે પુરૂષ, જવાન હોય કે વૃધ્ધ બધાને આ નિયમ સરખો લાગુ પડે.
એંસી વર્ષના કનક બહેન ખુબ ભલા ને માયાળુ. જાત સારી હતી ત્યાં સુધી તો તો બહોળા કુટુંબની બધી જવાબદારી હસતા હસતા ઉપાડી લીધેલી. ઘરનો બધો વહીવટ એમના હસ્તક. ગામમા મોભાદાર ઘર અને વળી મોટો વેપાર રોજગાર એટલે અતિથીની વણઝાર કાયમ ચાલુ પણ કોઈ પરોણો એમના ઘેરથી ભુખ્યો ન જાય. મહેમાનોની અવરજવર વચ્ચે ઘરની દરેક વ્યક્તિની જરૂરિયાતો નો પણ એટલોજ ખ્યાલ રાખે. પોતે માંડ બે ચોપડી ભણેલા પણ બાળકોને ભણાવી ગણાવી જીવનમાં ઠરીઠામ કર્યાં.
ખાનદાન ઘરની દિકરીઓ વહુ તરીકે આવી ને કનક બેનને તો લીલાલહેર થઈ ગયા. ધીરેધીરે ઘડપણની અસર દેખાવા માંડી. જુવાનીમાં થતાં એટલા કામ હવે ન થતા અને જમાનો પણ બદલાયો, જાતમહેનત ને બદલે મશીનોનો જમાનો આવી ગયો. કનક બહેને ઘર અને રસોડા સિવાય બહારની દુનિયા જોઈ ન હતી પણ હવે મોંઘવારી સામે બાથ ભીડવા ઘરની વહુને પણ નોકરી કરવી પડતી. અમેરિકા જેવા દેશમાં કોઈ નોકર ચાકર ન મળે બધું કામ જાતેજ કરવું પડે છતાં વહુ સાસુ સસરાનો પુરતો ખ્યાલ રાખતી. આ જમાનામાં પણ હમેશ ગરમ રસોઈ જમાડતી.
કનક બહેન પોતે જુવાન હતા ત્યારે બધાની સગવડ સાચવવામાં એમના ભાગે ક્યારેય ગરમ રસોઈ જમવાનો વારો નહોતો આવ્યો પણ વહુ હમેશ કહેતી કે “બા તમે આખ્ખી જિંદગી ઘણું કામ કર્યું, હવે શાંતિથી પગ વાળીને બેસો અને ભગવાનનુ નામ લો; અને અમને સેવા કરવાનો મોકો આપો.”
માનવીના સ્વભાવની વાત હવે આવે છે. આમ તો દિવસો સરસ પસાર થતા હતાં પણ એવામાં સસરા બિમાર પડ્યા અને માંદગીએ ગંભીર સ્વરૂપ લીધું. ડોક્ટરે બધાને બોલાવી લેવાનુ કહ્યું, બધા ભાઈઓ અને એમની પત્ની હાજર થઈ ગયા. ઘરમાં સવાર સાંજ પંદર વીસ જણની રસોઈ થાય. પ્રભુની દયા તે સસરાની તબિયત સુધરવા માંડી અને બધાના જીવ હેઠા બેઠા. સાંજના બધા જમવા બેઠા હતાં. ગરમ ઢેબરા ઉતરતા હતા અને બધા જમતા હતા. કનક બહેન પણ જમવાના ટેબલ પર આવ્યા. આટલી ધમાલમાં વહુએ ભુલમાં તવા પરથી ઉતરતું ઢેબરૂં આપવાને બદલે ડબ્બામાં મુકેલુ ઢેબરૂં કનક બહેનની થાળીમાં મુક્યું અને કનક બહેન બોલી ઉઠ્યા “બળ્યું આવું ઠંડુ ઢેબરૂં ખાવાનુ છે, માથે મોભ છે ત્યાં લગી ઠીક છે પછી મારૂં શું થશે?”
થોડા વર્ષોથી ગરમ જમવાની ટેવ પડ્યા પછી પાંચ મિનીટ પહેલાનુ ઢેબરૂં પણ ઠંડુ લાગે અને બધા આટલું ધ્યાન રાખતા હોય તો પણ અસુરક્ષિતા ની ભાવના એંસી વર્ષે પણ સ્ત્રીમાં જાગે તે સહજ વાત છે.

શૈલા મુન્શા. તા ૦૫/૧૯/૨૦૧૦

May 18th 2010

એડમ-૨

આજે તો કમાલ થઈ. બે વર્ષથી એડમ અમારા ક્લાસમા છે પણ બોલવાનુ નામ નહી. એવું નથી કે એ મુંગો છે કે એને બોલતા નથી આવડતું પણ એમા પણ જાણે આળસ! એ એના કલ્પના જગતમા જ મશગુલ હોય. જે ના કરવાનુ હોય તે પહેલા કરે અને જે કરવાનુ હોય તે કહી કહીને થાકી જઈએ પણ ધરાર ના જ કરે. આજે સવારે અમે બાળકો ને બાલગીત ગવડાવતા હતા બધા સુર પુરાવતા હતા પણ એડમ ને બારી બહારનો નજારો જોવામા વધારે રસ હતો. ગીત પત્યાં ને પછી રંગકામનો વારો હતો, બીજા બાળકો ચિત્રમા જાતજાતના રંગ ભરવામા મશગુલ હતા ને એકદમ એડમભાઇ એ, બી, સી, ડી લલકારી ઉઠ્યા. હું ને મેરી તો જોતા જ રહી ગયા.
મીસ મેરી બોલી ઊઠી મે/ ૧૮/ ૨૦૧૦ આખરે એડમનો અવાજ સાંભળવા મળ્યો જ્યારે અઠવાડિયા પછી ઉનાળાની રજા પડવાની છે અને પછી ઉઘડતી સ્કુલે એડમ પહેલા ધોરણમા જશે એટલું જ નહિ બીજી સ્કુલમા પણ જવાનો છે.
આ પ્રકારના બાળકો મા હોશિયારી તો ઘણી હોય છે પણ જલ્દી પ્રગટ થતી નથી. ઘરમા માબાપ પણ બાળકને આખ્ખો દિવસ કોમ્પુટર પર કે ટી.વી ની સામે બેસાડી રાખવાને બદલે થોડુંક વાંચન લેખન કરાવે તો એમની પ્રતિભા ઓર નિખરે.

શૈલા મુન્શા. તા.૦૫/૧૮/૨૦૧૦

May 7th 2010

રાફાએલ-૧

રાફાએલ આજે છ વર્ષનો થયો. આજે એની વર્ષગાંઠ હતી.આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે એનો પહેલો દિવસ હતો સ્કુલમા. કાંઈ બોલે નહિ નાક ગળતું અને છી છી પી પી નુ ભાન નહિ. ત્રણ વર્ષમા એની પ્રગતિ જોઈને બધા નવાઈ પામી જાય છે. લોરા કરીને એક ટીચર સાથે ત્યારે હું કામ કરતી હતી. બે વર્ષ પહેલા લોરા બીજી સ્કુલમા ગઈ. આજે જો એ રાફાએલને જુએ તો માની જ ના શકે કે ક્લાસમાથી ભાગી જતો અને કાંઈ ન બોલતો રાફાએલ આટલો હોશિયાર થઈ ગયો છે. રાફાએલને સંગીત બહુ ગમે. બધા ગીત એને આવડે. બપોરના છોકરાઓને નાસ્તો આપીએ અને મીસ મેરી એને કહે કે જા જઈને રેફ્રિજરેટર માથી જ્યુસ લઈ આવ તો બરાબર ગણીને લઈ આવે. જાતે કોમ્પ્યુટર પર રમત અને અ બ ક ના સંગીતમય પાના ફેરવી શકે.આખી સ્કુલ એને ઓળખે. આજે સવારથી જે સામે મળે એ બધા એને વર્ષગાંઠની શુભેચ્છા આપવા માંડ્યા અને એની ખુશીનો તો પાર નહિ. એની વર્ષગાંઠના માનમા અમે બપોરના નાસ્તાના સમયે પોપકોર્ન અને આઈસક્રીમ ખાધા..
અહિંયા અમેરિકા મા બાળકોને સ્કુલ તરફથી નાસ્તો અને જમવાનુ મળતું હોય, નાસ્તો તો બધાને મફત હોય પણ જમવાના પૈસા આવક પ્રમાણે આપવાના હોય.મોટાભાગના બાળકો સફરજન કે સંતરા વગેરે ફળ ખાય નહિ એટલે અમે એમની બેગમા ઘરે મોકલી આપીએ.રાફાએલે આજે આઈસક્રીમ ખાધો નહિ અને બેગ મા મુકીદીધો, મીસ મેરી એનુ કાર્ડ મુકવા ગઈને હાથમા કાંઈ ચીકણુ લાગ્યું જોયું તો આઈસક્રીમ પીગળવા માંડ્યો હતો.
જતા જતા રાફાએલભાઈનો દિવસ બગડી ગયો, મીસ મેરીએ ચીસ પાડી રાફાએલલલલલ……..

શૈલા મુન્શા તા.૫/૦૭/૨૦૧૦

May 4th 2010

એશલી-૩

એશલી આમતો સાવ મંદ બુધ્ધિની બાળકી, આપણને એમજ લાગે કે એને કાંઈ સમજ પડતી નથી પણ હવે લગભગ ચારેક મહિનાથી સ્કુલમા આવવા માંડી છે તો અમને એની પ્રગતિ દેખાઈ રહી છે. પહેલા કરતા ધમાલ ઓછી થઈ ગઈ છે. હા હજી ખાવાનુ દેખાય તો ઝડપી લેતા વાર નથી લાગતી પણ સવારે બધા બાળકો સાથે ટેબલ ફરતે બેસીને અ, બ, ક, ની બારાખડી કે બીજા નાના ગીતો ની દૈનિક પ્રવૃતિ વખતે શાંત બેસી શકે છે. બપોરે બાળકો ને સુવડાવીએ ત્યારે એની જગ્યાએ જ રહીને રમકડા સાથે રમતી રહે છે. એને મન થાય તો સુઈ શકે માટે એક ચટાઈ પણ ત્યાં મુકી રાખીએ.
હમણા છેલ્લા ત્રણ ચાર દિવસથી થોડીવાર એ પણ આડી પડે. કાલે તો કમાલ થઈ. જોતજોતામા તો એશલી ઘસઘસાટ ઊંઘી ગઈ. મારા તો માનવામા જ ન આવ્યું. મે તરત જ મીસ મેરી ને ઈશારો કરી ને પાસે બોલાવી. એ પણ આભી બની ગઈ. એકદમ એનાથી બોલાઇ ગયું કે “શૈલા એનો શ્વાસ તો ચાલે છે ને?”
નાનકડી એશલી નો નિર્દોષ ચહેરો ઊંઘમા એટલો સુંદર લાગતો હતો . એને જોઈને કોઈ માની ન શકે કે ખરે જ એશલી દુનિયાદારી થી અજાણ પોતાના મનોજગતમા જીવે છે.

શૈલા મુન્શા તા.૫/૪/૨૦૧૦

May 4th 2010

એડમ-૧

એડમ જુન મહિનામા છ વર્ષનો થશે અને ઓગસ્ટથી ઉઘડતી સ્કુલે પહેલા ધોરણમા જશે. માબાપ થોડા વર્ષો પહેલા મોરોક્કો થી આવીને અમેરિકામા સ્થાયી થયા. મોટી દિકરી ખુબ હોશિયાર પણ એડમ મોટી ઉમ્મરે થયો અને મનસિક વિકાસ પુરો થયો નહિ. બોલવાની શક્તિ, પણ બોલવાની આળસ. બધા બાળકો ક્લાસની બધી પ્રવૃતિમા ભાગ લે. ગીત ગાવાનુ હોય કે રંગકામ કરવાનુ હોય એક એડમ બસ બેસી રહે. કેટલાય પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. જો આખ્ખો દિવસ એને કોમ્પ્યુટર પર રમત રમવા દઈએ તો ભાઈ ખુશ.
મારા ક્લાસમા ત્રણ થી પાંચ વર્ષના બાળકો એટલે બપોરે એક વાગે અમે કલાક માટે એમને સુવડાવી દઈએ, પણ એડમનો નિયમ કે બપોરના સાડાબાર થાય કે ઘસઘસાટ ઊંઘી જાય. આજે તો અમે સંગીત ના ક્લાસમા હતા અને બધા બાળકો સંગીતના તાલે કસરત કરતા હતા અને ખાસ્સી ધમાલ હતી પણ એડમ તો દુનિયાથી બેપરવા આરામ ફરમાવતો હતો. ઘડીમા માથું આગળ ઢળે ને ઘડીમા પાછળ. મે એને ઊભો કર્યો તો પણ એજ હાલત. એને જોઈને મને મુંબઈની લોકલ ટ્રેનમા બોરીવલી થી ચર્ચગેટ મુસાફરી કરતા અને ઊભાઊભા કોઈના ખભાના ટેકે ઊંઘ ખેંચી કાઢતા લોકોની યાદ આવી ગઈ.
માનવી નુ મન એક પ્રસંગને બીજા સાથે જોડતું ક્ષણમા ક્યાંનુ ક્યાં પહોંચી જાય છે.

શૈલા મુન્શા તા.૫/૪/૨૦૧૦

May 1st 2010

એશલી-૨

ડીસેમ્બર ૨૦૦૯ મા એશલી અમારી સ્કુલમા આવી. આગળ જણાવ્યા પ્રમાણે દેખાવે ખુબ સુંદર પણ મગજની પાટી કોરી. અતિશય ચંચળ. એક ક્ષણ પણ એક જગ્યાએ ન રહે. સમજ ભલે કશી ના પડે પણ ખાવાનુ ક્યાંકથી એ દેખાઈ જાય.એશલી જેવા બાળકો ને લીધે અમારા ક્લાસમા હમેશ બે શિક્ષકો જોઈએ જ. હું જમવા જાઉં ત્યારે મી.રોન મીસ મેરી ને મદદ કરવા આવે. એમની એવી ટેવ કે પોતાનુ જમવાનુ અને કોક નો મોટો કપ પોતાની સાથે લેતા આવે અને ક્લાસમા મુકે. અમે કેટલીય વાર એમને કહ્યુ કે તમે કાં તો જમીને આવો અથવા તમારૂ ખાવાનુ જમવાના રૂમ મા મુકતા આવો પણ સાંભળે એ બીજા.
આજે જ્યારે જમીને હું ક્લાસમા આવી તો જમીન પર ચારેતરફ બરફ ને એશલી ના કપડા કોકથી તરબતર. રોન એક ક્ષણ માટે ઉઠી ને બીજા બાળકને મદદ કરવા ગયો અને કેબિનેટ ઉપર મુકેલો એનો કોકનો કપ એશલીએ ઝડપી લીધો અને આખો પોતના મોઢા પર ઉંધો વાળ્યો. એને તો કોક થી સ્નાન કર્યું પણ કામ અમારૂ વધ્યું. એશલીને સાફ કરીને બીજા કપડા પહેરાવ્યા, કારપેટ સાફ કરી અને ચારેતરફ વેરાયેલા બરફના ટુકડા ઉપાડ્યા. રોને કાનની બુટ પકડી કે હવે ક્યારેય ખાવાનુ લઈને ક્લાસમા નહિ આવું.
આ બાળકો સાથે કામ કરતાં ઘણી બાબતોનો ખ્યાલ રાખવો પડે. નાનકડી બેદરકારી એમને કોઈ નુકશાન ના પહોંચાડે. સતત ચપળ અને ચકોર રહેવું પડે.મારા એ ધ્યેયમા હમેશ સતર્ક રહી સફળ બનુ એ જ મનોકામના.

શૈલા મુન્શા તા. ૪/૨૯/૨૦૧૦

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.