May 19th 2010

સ્વભાવ!

કહેવાય છે ને કે વહેમનુ કોઈ ઓસડ નહિ ને સ્વભાવની કોઈ દવા નહિ. કોઈનો પણ સ્વભાવ બદલવો મુશ્કેલ જ નહિ પણ અસંભવ જ લાગે. માણસ અભણ હોય કે ભણેલો, સ્ત્રી હોય કે પુરૂષ, જવાન હોય કે વૃધ્ધ બધાને આ નિયમ સરખો લાગુ પડે.
એંસી વર્ષના કનક બહેન ખુબ ભલા ને માયાળુ. જાત સારી હતી ત્યાં સુધી તો તો બહોળા કુટુંબની બધી જવાબદારી હસતા હસતા ઉપાડી લીધેલી. ઘરનો બધો વહીવટ એમના હસ્તક. ગામમા મોભાદાર ઘર અને વળી મોટો વેપાર રોજગાર એટલે અતિથીની વણઝાર કાયમ ચાલુ પણ કોઈ પરોણો એમના ઘેરથી ભુખ્યો ન જાય. મહેમાનોની અવરજવર વચ્ચે ઘરની દરેક વ્યક્તિની જરૂરિયાતો નો પણ એટલોજ ખ્યાલ રાખે. પોતે માંડ બે ચોપડી ભણેલા પણ બાળકોને ભણાવી ગણાવી જીવનમાં ઠરીઠામ કર્યાં.
ખાનદાન ઘરની દિકરીઓ વહુ તરીકે આવી ને કનક બેનને તો લીલાલહેર થઈ ગયા. ધીરેધીરે ઘડપણની અસર દેખાવા માંડી. જુવાનીમાં થતાં એટલા કામ હવે ન થતા અને જમાનો પણ બદલાયો, જાતમહેનત ને બદલે મશીનોનો જમાનો આવી ગયો. કનક બહેને ઘર અને રસોડા સિવાય બહારની દુનિયા જોઈ ન હતી પણ હવે મોંઘવારી સામે બાથ ભીડવા ઘરની વહુને પણ નોકરી કરવી પડતી. અમેરિકા જેવા દેશમાં કોઈ નોકર ચાકર ન મળે બધું કામ જાતેજ કરવું પડે છતાં વહુ સાસુ સસરાનો પુરતો ખ્યાલ રાખતી. આ જમાનામાં પણ હમેશ ગરમ રસોઈ જમાડતી.
કનક બહેન પોતે જુવાન હતા ત્યારે બધાની સગવડ સાચવવામાં એમના ભાગે ક્યારેય ગરમ રસોઈ જમવાનો વારો નહોતો આવ્યો પણ વહુ હમેશ કહેતી કે “બા તમે આખ્ખી જિંદગી ઘણું કામ કર્યું, હવે શાંતિથી પગ વાળીને બેસો અને ભગવાનનુ નામ લો; અને અમને સેવા કરવાનો મોકો આપો.”
માનવીના સ્વભાવની વાત હવે આવે છે. આમ તો દિવસો સરસ પસાર થતા હતાં પણ એવામાં સસરા બિમાર પડ્યા અને માંદગીએ ગંભીર સ્વરૂપ લીધું. ડોક્ટરે બધાને બોલાવી લેવાનુ કહ્યું, બધા ભાઈઓ અને એમની પત્ની હાજર થઈ ગયા. ઘરમાં સવાર સાંજ પંદર વીસ જણની રસોઈ થાય. પ્રભુની દયા તે સસરાની તબિયત સુધરવા માંડી અને બધાના જીવ હેઠા બેઠા. સાંજના બધા જમવા બેઠા હતાં. ગરમ ઢેબરા ઉતરતા હતા અને બધા જમતા હતા. કનક બહેન પણ જમવાના ટેબલ પર આવ્યા. આટલી ધમાલમાં વહુએ ભુલમાં તવા પરથી ઉતરતું ઢેબરૂં આપવાને બદલે ડબ્બામાં મુકેલુ ઢેબરૂં કનક બહેનની થાળીમાં મુક્યું અને કનક બહેન બોલી ઉઠ્યા “બળ્યું આવું ઠંડુ ઢેબરૂં ખાવાનુ છે, માથે મોભ છે ત્યાં લગી ઠીક છે પછી મારૂં શું થશે?”
થોડા વર્ષોથી ગરમ જમવાની ટેવ પડ્યા પછી પાંચ મિનીટ પહેલાનુ ઢેબરૂં પણ ઠંડુ લાગે અને બધા આટલું ધ્યાન રાખતા હોય તો પણ અસુરક્ષિતા ની ભાવના એંસી વર્ષે પણ સ્ત્રીમાં જાગે તે સહજ વાત છે.

શૈલા મુન્શા. તા ૦૫/૧૯/૨૦૧૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.