May 30th 2013

એ.જે. (એડિયાસ)

એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમા આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. માની ભુલની સજા એ ભોગવી રહ્યો છે. અમેરિકા મા સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે. ના કિસ્સામા પણ એવું જ કાંઈક બન્યુ.મા ની ઉમર માંડ સોળ વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. બાળક ઉછેર નુ કોઈ જ્ઞાન નહિ પોતે પણ ફોસ્ટર હોમમા મોટી થયેલી એટલે કુટુંબ શું કહેવાય એની કોઈ ખબર કે લાગણી નહિ. એક દિવસ નશાની હાલતમા બે વર્ષના એ.જે.ને પછાડ્યો. કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. મા ને તો જેલ થઈ પણ નસીબે એ.જે.ના પિતા ઘણા સમજુ અને એ.જે નો પુરો ખ્યાલ રાખે.
જ્યારે એ.જે. અમારા ક્લાસમા આવ્યો ત્યારે વ્હીલ ચેર મા હતો, પણ એના જેવો આનંદી બાળક મે જોયો નથી. જેવો બસમા થી ઉતારીએ એટલે લહેકાથી હાઆઆઆય કહે. વધુ બોલતા તો નહોતું આવડતું પણ હાય અને બાય કહેતા આવડે. હમેશા હસતો ચહેરો. ડાબો હાથ બરાબર ના ચાલે પણ જમણો હાથ મજબુત એટલે જમણા હાથની પરિઘમા જે વસ્તુ આવે એને પકડવા જાય. એક વસ્તુ અમેરિકામા ખાસ જોવા મળે. આવા બાળકો માટે એટલી બધી સગવડ હોય કે આપણુ મગજ કામ ના કરે. એને જમવા માટે લાકડાની ટ્રે સાથે પૈડાંવાળી ખુરશી. કસરત કરાવવા ફીજીકલ થેરાપીસ્ટ આવે. એને સીધો ઊભો રાખી શકાય એવી લાંબી પૈડાંવાળી ખુરશી. ક્લાસમા જુઓ તો ત્રણ ચાર જાતની ખુરશી ફક્ત એકલા એ.જે.માટે જ.
એના આનંદી સ્વભાવને લીધે આખી સ્કુલનો લાડકો.જતાં આવતાં સહુ એને બોલાવે અને એ હસીને સહુને હાય કહે.આવ્યો ત્યારે ત્રણ વર્ષ નો હતો પણ થોડા દિવસમા અમને સારી રીતે ઓળખી ગયો.જેવું અમે બસનુ વ્હીલ ચેર ઉતારવાનુ બારણુ ખોલીએ કે એની કિલકારી સંભળાય.
એના આનંદનો ચેપ બધાને લાગે અને સહુના ચહેરા પર સ્મિત આવી જાય. નાનકડું બાળક પણ અજાણતા અને ગમે તે પરિસ્થિતીમા સહુને આનંદિત રહેવાની કેવી શીખ આપી જાય છે!
આ બાળકો મને પણ જીવન હસતાં રમતાં જીવી જવાની પ્રેરણા આપે છે.

તા.૫/૨૮/૨૦૧૩.

May 21st 2013

સદા

હોય ભલે ને પાસે તોય દુર સદા,
મિલનની આશ તોય વિરહ સદા.

ક્ષિતીજે મળતાં આ ધરતી ને નભ,
ભ્રમણા એ નજરની, બસ દુર સદા.

પ્રેમીને મન કૃષ્ણ રાધા ની પ્રીત અમર,
ગયો કાનો છોડી ગોકુળ, અટુલી રાધા સદા.

મુસીબતોની ખાઈમા છોને ઘેરાય માનવી,
હો હામ હૈયે તો, થાય ઊભો માનવી સદા.

વિનંતી બસ પ્રભુ ને કરૂં આજ એટલી,
ઝીલી પડકાર, ઝઝુમુ જીવનભર સદા.

હોય ભલે ને પાસે તોય દુર સદા,
મિલનની આશ તોય દુર સદા.

શૈલા મુન્શા. તા ૦૫/૨૦/૨૦૧૩

May 21st 2013

મીશેલ

મીશેલ માટે આજે ખુબજ આનંદનો દિવસ હતો. એની દિકરી કિઆના નુ આજે “Bridal shower” હતું. કિઆના ને એલન બે વર્ષથી મિત્રો હતાં. કિઆના રજીસ્ટર્ડ નર્સ હતી અને એલન ડોક્ટર. બન્ને એકજ હોસ્પિટલમા કામ કરતાં હતા. સાથે કામ કરતાં કરતાં પરિચય વધતો ગયો અને ધીરે ધીરે પરિચય પ્રેમમા પલટાતો ગયો.
કિઆના સ્વભાવે ખુબ આત્મ નિર્ભર હતી. આજના જમાનાની યુવતી હતી. અમેરિકાની પ્રથા પ્રમાણે બારમા ધોરણ પછી કોલેજમા એડમિશન પોતાની સ્કોલરશીપ પર લીધું અને ભણવા સાથે સાંજે મેક્ડોનાલ્ડમા કામ કરી પોતાની જરૂરિયાત માટે આવક ઊભી કરી. બને ત્યાં સુધી એ મા બાપની પૈસે ટકે મદદ લેવા નહોતી માંગતી.
મધ્યમવર્ગી કુટુંબ, કિઆનાની મા સ્કુલમા શિક્ષીકા અને પિતા બેંકમા નોકરી કરે. બે બાળકો, મોટી કિઆના અને નાનો ભાઈ એંજલ. બાળકો બન્ને ભણવામા હોશિયાર, એંજલ તો રમત મા પણ એટલો જ આગળ. સ્કુલમા સોકર ટીમનો કેપ્ટન. ઈન્ટર-સ્કુલ હરિફાઈમા હમેશ જીતીને કેટલાય મેડલ મેળવી ચુક્યો હતો. નાનો એટલે વિશેષ લાડકો પણ ખરો. એની ઈચ્છા એર ફોર્સ પાઈલોટ બનવાની, બસ આકાશને આંબવાની ને મીશેલ એની ઈચ્છા પુરી કરવા હમેશ તૈયાર.
મીશેલ માઈકલ ને પણ સમજાવતી, “માઈક આપણે દિકરાની ઈચ્છા પુરી કરવામા મદદ કરવી જોઈએ, મને ખબર છે કે તને ઊંચાઈ નો ડર લાગે છે. તું ચોથા માળેથી પણ નીચે જોવા રાજી નથી હોતો અને એટલે જ તું ક્યારેય વિમાની મુસાફરી પસંદ નથી કરતો. આપણે આજ સુધી એટલે જ અમેરિકાની બહાર ક્યાંય ફરવા નથી ગયા, પણ તારા આ ડરને કારણે આપણે આપણા બાળકનો વિકાસ રોકી ના શકીએ”
કિઆનાએ વધુ અભ્યાસ માટે નર્સીંગ કોલેજમા એડમિશન લીધું અને એંજલે પાઈલોટ બનવાની તૈયારી કરવા માંડી. મીશેલે હાશકારો અનુભવ્યો.દિવસો રોજીંદી ઘટમાળે વહી રહ્યા હતાં. કિઆના પાસેના શહેરમા જ ભણતી હોવાથી દર પંદર દિવસે ઘરે આવતી, એંજલે બારમા ધોરણ પછી બેવર્ષ પોતાના શહેરમા જ એડમિશન લીધું હતું કારણ પછી આગળ અભ્યાસ માટે એને એરફોર્સ એકેડેમી ની કોલેજમા જવાનુ હતું જે દુરના શહેરમા હતી.
એંજલને નાનપણથી જાતજાતની કાર વિશે જાણવું ખુબ ગમે.રમકડાં પણ બધા જાતજાતની કારના જ હોય. એ મીશેલ ને હમેશ કહેતો “મા હું મોટો થઈ લેક્ષસ ચલાવીશ, અને મીશેલ ઉત્તર આપતી, બેટા તું જો સ્કોલરશીપ મેળવી બારમા ધોરણમા પાસ થઈશ તો જરૂર તને લેક્ષસ અપાવીશ” માઈકલ ઘણીવાર કહેતો, “મીશેલ અત્યારથી ખોટા સપના ના દેખાડ. આપણી કાંઈ એટલી હેશિયત નથી કે દિકરાને લેક્ષસ અપાવીએ. આપણે ટોયોટા ને ફોર્ડ મા ફરીએ છીએ ને એંજલને લેક્ષસ અપાવવાની વાત કરે છે?” અને મીશેલનો એક જ જવાબ હતો “માઈક અત્યારથી શું કામ ચિંતા કરે છે? બધું થઈ રહેશે, ને ચર્ચાનો અંત આવતો.
એંજલ બારમા ધોરણમા ૯૫% મેળવી પાસ થયો અને આગળ ભણવા માટે સ્કોલરશીપ પણ મળી. એંજલ ને અઢાર વર્ષ પુરા થયા અને મીશેલે માઈકને સમજાવી એંજલને એની મનપસંદ ગાડી “લેક્ષસ” એની વર્ષગાંઠે અપાવી.એંજલની ખુશી નો પાર ન રહ્યો.
“મોમ તે મને મારી મનપસંદ ગાડી અપાવી, અને હું પાઈલોટ બની તને દુનિયાની સેર કરાવીશ. પપ્પાને ભલે ઊંચાઈનો ડર લાગે, એમને ન આવવું હોય તો કાંઈ નહી આપણે મા દિકરો દેશ વિદેશ ફરશું” દિકરાના ચહેરા પર છલકતી ખુશીથી માઈકલ પણ બોલી ઉઠ્યો, “બેટા તું જો પાઈલોટ બનીશ તો હું પણ તારી મમ્મીનો ફરવામા સાથ આપીશ, ને તારી સાથે આસમાને ઊડીશ.” પપ્પાની આ હિંમતે સહુ હસી પડ્યા. મીશેલે હાશકારો અનુભવ્યો ને પ્રભુનો પાડ માન્યો.હસી ખુશીમા દિવસો પસાર થવા માંડ્યા.
મીશેલની સરળ વહેતી જીંદગીમા પહેલો દુઃખનો પહાડ તુટી પડ્યો. મીશેલ સ્કુલમા હતી ને બેંકમા થી ફોન આવ્યો, “મીશેલ તમે જલ્દી મેમોરિઅલ હર્મન હોસ્પિટલ પહોંચો, મી. માઈકલ અચાનક બેંકમા બેભાન થઈ ગયા અને અમે એમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. મીશેલ બબાકળી બની ગઈ, એક ક્ષણ તો શું કરવું એની સુઝ ના રહી. સવારે તો માઈક એકદમ સરસ હતો, માથુ દુખવાની પણ ફરિયાદ નહોતૉ કરતો, સરસ મજાનો બ્રેકફાસ્ટ પણ બન્ને જણે સાથે જ કર્યો હતો અને સાથે જ કામે જવા નીકળ્યા હતા. સાંજે બન્ને જણ સાથે એંજલની સોકરની રમત જોવા જવાના હતા અને અચાનક આ શું?
મીશેલ તરત જ સ્કુલ સેક્રેટરીને વાત કરી હોસ્પિટલ જવા નીકળી. રસ્તામા થી જ કિઆનાને અને એંજલને ફોન કર્યા, કિઆના નો ફોન એ ક્લાસમા હોવાથી વાઈબ્રેટ પર હોતો, જેમ તેમ મેસેજ મુક્યો અને તરત હ્યુસ્ટન આવી જવા કહ્યું.
એંજલે ફોન ઉપાડ્યો એને પણ પપ્પાની તબિયત બગડી હોવાના સમાચાર આપી તરત મેમોરિઅલ હર્મન હોસ્પિટલ પહોંચવા જણાવી મીશેલે માંડમાંડ મનને કાબુમા રાખી ગાડી હોસ્પિટલના રસ્તે વાળી.
હોસ્પિટલના દરવાજે જ બેંકના મેનેજર એની રાહ જોઈને ઊભા હતાં.જેવી મીશેલ આવી, એની પાસે જઈ સાંત્વન આપતાં કહ્યું “મીશેલ તમે ચિંતા ના કરો, માઈકલને સમયસર હોસ્પિટલ લઈ આવ્યા અને તરત સારવાર શરૂ થઈ ગઈ છે. ડોક્ટરોનુ કહેવું છે કે માસીવ એટેક છે માટે ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે.”
મીશેલને કાને જાણે કાંઈ સંભળાતું નહોતું, માઈક અને હાર્ટ એટેક? માઈકને તો ક્યારેય તાવ સરખો આવ્યો નથી અને અચાનક આશું થઈ ગયું? થોડીવારમા એંજલ પણ આવી પહોંચ્યો અને કિઆના પણ બે કલાકમા ઓસ્ટીનથી આવી ગઈ. બધા હાજર હતાં પણ માઈકલ I.C.U. મા હતો. કોઈને અંદર જવાની રજા નહોતી, ફક્ત મીશેલ માઈકની બાજુમા એના માથે હાથ ફેરવતી બેઠી હતી. સતત પ્રાર્થના ચાલુ હતી. માઈકને કાનમા કહી રહી હતી કે “માઈક જલ્દી બેઠો થઈ જા, હજી તો આપણે દેશ વિદેશની મુલાકાતે જવાનુ છે.”
થોડીવારમા તો મીશેલ ના સહ કાર્યકરો અને માઈકલની બેંકના સહ કાર્યકરો પણ હોસ્પિટલ આવી પહોંચ્યા. સહુ નીચે બેઠા હતા કારણ બધાને અંદર જવાની રજા નહોતી. કિઆના ને એંજલ પણ એકબીજાનો હાથ પકડી કાચની બારીમાથી પપ્પાને જોઈ રહ્યા હતાં ને પપ્પાને ભાનમા લાવવા પ્રભુ પ્રાર્થના કરી રહ્યાં હતા.
અચાનક ડોકટરોની દોડાદોડી ને મીશેલને બહાર જવા વિનંતી. અંતિમ પ્રયાસો, હાર્ટ પંપીંગ પણ ક્ષણમા માઈકલના શ્વાસ થંભી ગયા. મીશેલ ફાટી આંખે જોતી રહી માઈકલના ચહેરા પર સફેદ ચાદર.
દિવસો પસાર થતાં ગયા, મીશેલ માની જ નોહોતી શકતી કે આમ અચાનક માઈક એને છોડીને જતો રહ્યો. કાંઈ કહેવા બોલવાનો સમય ના રહ્યો, કેટલાય સપના અધુરાં રહ્યાં. વર્ષોથી મીશેલ ને માઈક સવારે સાથે બ્રેકફાસ્ટ કરી ને કામે જવા નીકળે. કિઆના ને તો પાછું જવું પડ્યું કારણ કેટલા દિવસ ભણવાનુ છોડી રહી શકે પણ એંજલ સાથે હતો અને અત્યારે મીશેલનો એજ સહારો હતો. માને સમજાવી હિંમત આપી સ્કુલે જવાનુ કહ્યું. કામમા મન પરોવાય તો મા આઘાતમા થી બહાર આવે એજ એંજલની ઈચ્છા હતી.
સવારે વહેલા ઊઠી એંજલે મા માટે કોફીને નાસ્તો તૈયાર કર્યોને મીશેલને બોલાવી. બ્રેકફાસ્ટ ટેબલ પર બેસતાં મીશેલની આંખમા આંસુ ધસી આવ્યા, સામેની ખાલી ખુરશી ને જોતી રહી, એંજલે માને બાથમા લીધી, માથે હાથ ફેરવતો બોલી રહ્યો, “મા હું તારી સાથે છું ને, તું જરા પણ ચિંતા ના કર, તું જ તો હમેશ અમને બધાને હિંમત આપતી હોય છે, જે થાય તે પ્રભુની મરજી પ્રમાણે જ થાય છે. તો આજે તું હિંમત હારી ગઈ? મને મારી હમેશ સરસ મજાની તૈયાર થતી હસતી મા જોઈએ છે.”
મીશેલને હમેશ બધું મેચીંગમા જોઈએ. ડ્રેસના કલર પ્રમાણે પર્સ, પગના સેન્ડલ, મેચીંગ જ્વેલરી, વાળની સ્ટાઈલ. માઈક પણ હમેશ એના વખાણ કરે, સ્કુલમા પણ બધા મીશેલનો દાખલો આપે કારણ જ્યાં મીશેલ હોય ત્યાં હમેશ ખુશનુમા આનંદ નુ વાતાવરણ હોય. એની આભા એવી કે લોકો પોતાનુ દુઃખ ભુલી જાય.
આજે માઈકના ગયા બાદ પહેલો દિવસ હતો જ્યારે મીશેલ પાછી કામે જવા તૈયાર થઈ હતી અને એનો વેશ જોઈ એંજલ બોલી પડ્યો કે મારે મારી પહેલાની સરસ મજાની તૈયાર થતી હસતી મા જોઈએ છે.
દિવસો પસાર થતા ગયા. કિઆના નુ ભણતર પુરૂં થયું અને એને ઓસ્ટીનમા જ હોસ્પિટલમા નર્સની નોકરી મળી ગઈ. માઈકને ગયે પણ વરસ થઈ ગયું. એંજલ ને મીશેલ સમર વેકેશન મા થોડા દિવસ ઓસ્ટીન કિઆના સાથે રહ્યા ને પછી એંજલની લેક્ષસમા રોડ ટ્રીપ માટે નીકળી પડ્યા.લાસ વેગસ, યલોસ્ટોન, કેલિફોર્નીઆ વગેરે સ્થળોની સફર કરી મહિનાની મોજ કરી ઘરે પાછા આવ્યા. સફર દરમિયાન મીશેલ ઘણીવાર એંજલને ટોકતી ગાડી ધીમે ચલાવવા માટે.”એંજલ તું ગાડી ચલાવે છે, વિમાન નહિ.તમારી ઉંમરના છોકરાંઓ ની આજ તકલીફ છે જીંદગી બસ તેજ રફતારે જીવવી છે, ને એંજલ હર વખત હસીને વાત ટાળી દેતો.
મીશેલ ના જીવનનુ એકજ ધ્યેય હતું, બન્ને બાળકો એમના જીવનમા ખુબ આગળ વધે અને સારો જીવનસાથી મેળવી પોતાની જીંદગીમા સ્થાયી થાય.ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો હતો ને થોડા દિવસોમા સ્કુલ નુ નવું વર્ષ શરૂ થશે એની તૈયારી મીશેલ કરી રહી હતી અને સાથે એંજલ પણ આ વર્ષે બીજી કોલેજમા જવાનો હોવાથી એની પણ બધી તૈયારી કરવાની હતી.એંજલના ગયા બાદ મીશેલ ઘરમા એકલી પડવાની હતી. માઈકના ગયા બાદ એંજલનો ઘણો સહારો હતો પણ જીંદગી ક્યાં કોઈ માટે રોકાય છે, એટલે મીશેલ પણ અત્યારથી મન મક્કમ કરી રહી હતી.
ઓગસ્ટની ૧૪મી એ શિક્ષકો માટે સ્કુલનો પ્રથમ દિવસ હતો. વિધ્યાર્થીઓ માટે એક અઠવાડિયા પછી સ્કુલ શરૂ થવાની હતી અને કોલેજ તો સપ્ટેમ્બરમા લેબર ડે વીક એન્ડ પછી ખુલવાની હતી.
મીશેલ આજે ખુબજ સરસ તૈયાર થઈ હતી કારણ આજે સ્કુલમા ચર્ચ તરફથી શિક્ષકો માટે જમવાની વ્યવસ્થા હતી.ચર્ચના બધા સભ્યો સરસ તૈયાર થઈ સંદર રીતે ટેબલો તૈયાર કરી અને બધા શિક્ષકો માટે સરસ ભેટ વગેરે લાવી સ્કુલના પ્રથમ દિવસે સહુનુ પ્રેમથી સ્વાગત કરતાં. બધા શિક્ષકો પણ સરસ તૈયાર થઈ આવતાં. બે મહિના ના વેકેશન પછી સહુ મળતાં એટલે કંઈ કેટલીય વાતો અને કેટલાય અનુભવો એકબીજા ને કહેવાના હોય. સરસ ભોજન અને પાછી ભેટ પણ મળવાની હોય એટલે સહુ ખુશી આનંદમા હોય. ઘણા શિક્ષકો તો વર્ષોથી સાથે કામ કરતા હોય એટલે સ્કુલ એમનુ જાણે બીજું કુટુંબ હોય એમ સહુ એકબીજાના સુખ દુઃખના સાથી હોય.
બપોરે ત્રણ સાડા ત્રણે વાગે સહુ સરસ મજાનુ ભોજન અને હસી ગમ્મત કરતાં છુટા પડ્યા. મીશેલે સ્કુલમાથી નીકળતા એંજલને ફોન કરવાનો પ્રયત્ન કર્યો. બજારમાથી કાંઈ લેવા કરવાનુ હોય તો મીશેલ લેતી જાય જેથી ઘરે પહોંચી પાછું નીકળવું ના પડે પણ એંજલના ફોનની ઘંટી વાગતી રહી.એંજલ સુઈ ગયો લાગે છે એમ વિચારી મીશેલ ઘર તરફ વળી.
મીશેલની આદત કે હમેશ સ્કુલથી ઘરે પહોંચી એક તરફ પોતાની કોફી બનાવે અને સાથે કિચનના ટીવી પર ચાર વાગ્યાના સમાચારની ચેનલ ચાલુ કરે.સમાચાર ચાલુ કરી મિશેલ હાથમા કોફીનો કપ લઈ બ્રેક્ફાસ્ટ ટેબલ તરફ વળી. કોફીનો કપ ટેબલ પર મુકતાં કાને શબ્દ અથડાયા.
સંવાદદાતા કહી રહ્યો હતો, “આપ જોઈ રહ્યા છો એ લેક્ષસ ગાડી હમણા જ થોડીવાર પહેલા ઝડપને કારણે વળાંક પર આ ઝાડ સાથે અથડાઈ અને વાહન ચાલકનુ ઘટના સ્થ્ળે જ અવસાન થયું.” મીશેલની નજર ટીવી તરફ વળી અને એના હાથમાં થી કોફીનો કપ સરકી ટુકડે ટુકડા થઈ ગયો. મીશેલ ફાટી અંખે લેક્ષસની નંબર પ્લેટ જોઈ રહી.
એંજલ હમેશ માટે સુઈ ગયો હતો.
બે વર્ષ વિતી ગયા એ વાતને. મીશેલ સ્કુલની સાથે ચર્ચની પ્રવૃતિ મા વધુ પરોવાતી ગઈ. સેવાભાવી કાર્યોમા સમય આપવા માંડી. પ્રભુની મરજી ને પોતાનો જીવન મંત્ર બનાવી દીધો, પણ એંજલની એક વાત હમેશ યાદ રાખી. આજ પણ મીશેલ જ્યારે સ્કુલે જવા તૈયાર થાય તો એજ હસતી અને બધું મેચીંગ પ્રમાણે પહેરતી મીશેલ જોવા મળે. દુઃખને પચાવી જઈ દુનિયા સમક્ષ એંજલ અને માઈકને ગમતું સ્વરૂપ ધારી રહી.
આજે મીશેલની ખુશી નો પાર નહોતો. કિઆનાનુ “Bridal Shower” હતું.

શૈલા મુન્શા. તા એપ્રીલ ૧૩/૨૦૧૩.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.