January 15th 2020

અમથું અમથું મલકે!

અમથું અમથું મલકે,
ને અમથું અમથું છણકે.
વાતમાં કાંઈ હોય નહિ,
ને અમથું અમથું છલકે!

લહેરે લહેરે લહેરાય,
ને સમીર સંગ ઘુમરાય.
વાતમાં કાંઈ હોય નહિ,
ને અમથું અમથું મરડાય!

થોડું થોડું છટકે,
ને થોડું થોડું મટકે.
વાતમાં કાંઈ હોય નહિ,
ને થોડું થોડું લટકે!

તાળીએ તાળીએ ઝીલાય,
ને વલોણે નીત વલોવાય,
હોય દીલડામાં ઘણુય,
ને નાર સદા મુસ્કુરાય!

શૈલા મુન્શા તા. ૦૧/૧૫/૨૦૨૦

January 9th 2020

ક્ષણમાં!!

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

સંબંધ વર્ષોના બધા ક્ષણમાં વિલાઈ જાય કેવા,
ને પળ મહીં ઋણાનુ બંધોથી કદી બંધાય કેવા!

જ્યાંત્યાં મળે અણજાણ લોકો આ જગતમાં અહીં બધે,
પણ તાર દિલોના વળી સંધાય તો સંધાય કેવા!

જીતી જવાની લ્હાયમાં ખોટી ખુમારી દિલે રહે,
પછડાય જ્યાં મોંભર બધા, હાર્યા જુગારી જાય કેવા!

અવહેલના જ્યારે કરે ગુમાનમાં આ માનવી,
ઈશ્વર કરે કઠપૂતળી ચાવી વગર, તો થાય કેવા!

આપે જખમ કોઈ, વેર લેવા સાબદા થાયે સહુ,
બાજી લગાવે જાનની વીરો ભલા, વીસરાય કેવા!

મજબુરી છે કે વાત હૈયાની જબાને આવે ના,
કોણે લખી આ જીંદગી, ભીતર દરદ છૂપાય કેવા!

ના આપશો આશા બધું થાશે બરાબર એ ખુદા,
તૂટે મિનારા આશના, જીવતર એના નંદવાય કેવા!

શૈલા મુન્શા તા.૦૧/૦૮/૨૦૨૦

January 3rd 2020

હાઈકુ

૧ – ડમરી ઊડી,
નભ ધરતી એક,
છંટાઈ ધુપ!

૨ – તાડના વૃક્ષો
ઊભા કતાર મહીં,
દમામભેર!

૩ -દર્દ છે જુનુ,
વાઘા નવ વર્ષના,
કેમ છુપાય!!!

૪ -આંખો બોલતી,
સિવાઈ ગયા હોઠ,
મૌન ભીતર!

૫ – એકત્રીસ ને,
વરસ બદલાયું,
સમય નહિ!

શૈલા મુન્શા તા. ૦૧/૦૨/૨૦૨૦

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help