December 28th 2023

સંભારણું ૧૩ – ૨૦૨૩ની વિદાય

૨૦૨૩ બસ ચંદ દિવસનું મહેમાન છે. વરસ શરૂ થાય અને જોતજોતામાં પુરું, પણ એની ઝોળીમાં અગણિત યાદોનાં મોતી છુપાયેલા હોય છે. હમણાં જ બે દિવસ પહેલાં અમારાં હ્યુસ્ટનના મિત્ર સતીશભાઈની જન્મદિવસની પાર્ટીમાં જવાનું થયું. દર વર્ષે એમની વડોદરાની મુલાકાત નક્કી. બે ત્રણ મહિના વતનની મોજ માણે અને એમ દિલમાં વતનને સતત ધબકતું રાખે.
એમને મળતાંની સાથે જ હ્યુસ્ટનની યાદથી દિલ મઘમઘી ઊઠ્યું!
૨૦૨૩ની શરુઆતમાં અમે હજી હ્યુસ્ટનમાં જ હતાં પણ નિવૃત જીવન ભારતમાં, પોતાના દેશમાં વિતાવવાનું નક્કી કર્યું પણ એ એટલું સહેલું નહોતું. જીવનના અપ્રિતમ વર્ષો જ્યાં વિતાવ્યાં, કેટલા સંબંધો વિકસાવ્યા એ બધું છોડી ભારત પાછા આવી નવેસરથી ઘર વસાવવાનું હતું.
મન પણ કેવું અજાયબ છે, વડોદરા આવ્યે છ મહિના થઈ ગયાં. બધું ગમવા માંડ્યું હતું સરસ રીતે ગોઠવાઈ ગયા હતાં પણ ભીતર હજી એક ખૂણો ખાલી લાગી રહ્યો હતો. એક મુલાકાત અને એ ખૂણો કેટકેટલી યાદોથી ઝગમગી ઊઠ્યો!!
આજે આ કલમ ચાલી રહી છે, થોડીઘણી એક લેખિકા કવયિત્રી તરીકે ઓળખ મળી રહી છે, એ કેટલાય જણને, અને એક સાહિત્યસભર અસ્ખલિત વહેતી સરિતાને આભારી છે. કેટલા મિત્રો એ નવા દેશમાં મળ્યાં અને સુખ દુઃખના સાથી બની રહ્યાં.

બીજી એવી મીઠી યાદ મારી બહેનના વર્ષો જૂના મિત્રોની જેમણે એ અજાણી ભૂમિ પર જ્યારે બહેન દૂર સાઉદી અરેબિયા હતી ત્યારે અમને સાચવી લીધાં, એમનામાંના એક ગણી બધા પ્રસંગો તહેવારોમાં સામેલ કર્યાં.
ત્રીજા જે મારા કાળજાનો ટુકડો બની રહ્યાં એ મારાં દિવ્યાંગ બાળકો. Houston School District માં મે બાવીસ વર્ષ આ નિર્દોષ દિવ્યાંગ બાળકોને ભણાવ્યાં અને બદલામાં અખૂટ સ્નેહ, લાડ અને મમત્વ હું પામી. જીવન જીવવાની એક અનોખી રીત હું એમની પાસે શીખી સાથે જ જુદાજુદા દેશથી આવેલા મારા સહકર્મી સાથે પસાર થયેલાં એ દિવસો એ મસ્તી ક્યારેય ભુલાય એમ નથી.

સ્મરણોની કેડી પર આગળ વધતાં મારી લખેલી કેટલીક પંક્તિઓ યાદ આવી ગઈ.

સુખની ઘડી બહુ આવતી નથી
ને આવે તો ઝટ ઓળખાતી નથી.
વીતી ક્ષણોની યાદ ભુલી ભુલાતી નથી,
ને આવનારી પળ કોઈથી રોકાતી નથી.

કોઈ દુઃખમાં શોધે સુખ,
કોઈ સુખમાં શોધે દુઃખ,
માનવીની એ ઈચ્છા
હરદમ સંતોષાતી નથી.

આવ્યું જો આ નવલું વર્ષ સામે,
સ્વાગત કરું હું એનું હર્ષ ઉલ્લાસે;
દિલથી કરું કામના વિશ્વશાંતિની,
આશ એ હરકોઈથી રખાતી નથી!!

શૈલા મુન્શા તા.૨૮/૧૨/૨૦૨૩

કહેવાય છે કે “ડુંગરા દુરથી જ રળિયામણા લાગતાં હોય છે અને The grass is always green on the other side of the fence.”
ભારત હતાં ત્યારે અમેરિકા જવાની તાલાવેલી હતી અને ત્યાં રહ્યાં પછી સગવડ સાથે થતી અગવડ પણ અકળાવતી. મસમોટા મકાનમાં બારી બહાર કોઈ માણસની શકલ જોવા મન તરસતું. આવી ઘણી બાબતો મનનો એક ખૂણો ખોતરતી રહેતી. મનનો એ અજંપો ચરમ સીમાએ ત્યારે પહોંચ્યો જ્યારે ઉમર, અવસ્થા, તબિયતની નાજુકાઈએ વતન ફરી યાદ આવી ગયું અને બધું સમેટી ફરી માતૃભૂમિના શરણે બાકીની સફર પૂરી કરવાનો મનસુબો કરી લીધો.
બાળપણના સાથી તો ક્યારના તકાદો કરી રહ્યા હતા અને મારી જ લખેલી કવિતા મને સંભળાવી રહ્યાં હતા

“મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!

સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ક્યારેય ભુલાતી નથી!

રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની ઈમારત કાળથી એ મિટાતી નથી!

મળ્યા ન મળ્યા રોજ, રહ્યાં આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!

પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો દિલોની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!!”

આજે આ ૨૦૨૩ને વિદાય આપતાં એટલી જ પ્રભુ પ્રાર્થના છે કે નવું વર્ષ વિશ્વમાં માનવતાનો વાવટો લહેરાવે અને માનવીના દિલમાંથી નફરતના વિકરાળ રાક્ષસને નેસ્તનાબુદ કરે. અયોધ્યામાં રામમંદિરનું નવનિર્માણ થયું એવું રામરાજ્ય વિશ્વભરમાં ફેલાય એવી મનોકામના સહિત,
અસ્તુ
શૈલા મુન્શા
તા. ૨૮/૧૨/૨૦૨૩

December 2nd 2023

પ્રતિલિપિ

pratilipi

પ્રતિલિપિનો ઘણો આભાર આ Golden badge certificate આપવા બદલ.
ધન્યવાદ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.