October 18th 2022

અશ્રુ છુપાય ના!!

હૈયાનાં પૂર તો રોક્યા રોકાય ના,
આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના!

ઊડે યાદના પારેવા આભલાંની કોર,
ઝુલે મોતીનાં તોરણ રુદિયાની ઓરઃ
ઝાંઝર રણઝણતી, દીસે શમણાંનો દોર;
ભાતીગળ ચંદરવો શોભે હાથીને મોર!

ઢુંઢતી અગોચર, તોયે દેખાય ના,
આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના!

મહેંદીભર્યાં થાપા દરવાજે ઓપતા,
કંકુભર્યાં પગલાં આંગણ શોભાવતાં,
આટાપાટાની રમત જીવન બે જોડતા;
સૂરો શરણાઈના સ્મરણો ગોપાવતાં!!

જાતી એ વેલડીને કેમે જોવાય ના,
આંખ બંધ તો યે અશ્રુ છુપાય ના!!!

શૈલા મુન્શા તા. ૧૩/૧૦/૨૦૨૨
www.smunshaw.wordpress.com

April 17th 2021

ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે..

ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે…..

પાલવનો ટુકડો મીઠું વ્હાલ સજાવે,
આમ તો ના કોઈ કમી જીવનમાં જરાયે,
તો સપનામાં રોજ મા હાલરડાં કાં વાવે?
મોતી ચમકતું આંખ ખૂણે, એ છુપાવે……..ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે!

ગયા સહુ છોડી એ શું બની જાય તારા?
કૌતુકભરી નજરો શોધે, હશે કોઈ મારા?
વરસાવે સહુ અઢળક પ્રેમની અમૃત ધારા!
યાદોના ખુલે પટારા, અશ્રુ ના તોરણ બંધાવે……..ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે!

ના અણગમો ના અફસોસ ચહેરા પર દિસે,
મનની વાત ગોપાવે, ન જાણે કોઈ એ વિશે,
પાંપણ પર આવી અટકે વાત, હમણા કાંઈ કહેશે,
ખરબચડા હાથની ઉષ્મા, ક્યાંથી દિલ ભૂલાવે……ઠેસ જ્યાં લાગે જરા, ને મા યાદ આવે!!

શૈલા મુન્શા તા. ૧૬ એપ્રિલ ૨૦૨૧
(સમર્પિત મારી બે માતાને)

December 30th 2020

જાજમ!!

બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની;
તટસ્થ ભાવે ધરી મૌન ખડું વૃક્ષ, સાક્ષાત મુની!

ખરે પાન ને વેદના વૃક્ષને સહેવી,
વર્ષોની તપસ્યા જઈ કોને કહેવી?
ભીતર ઝંઝાવાતને અડગતા રહેવી,
ઝીલી ઘા પ્રકૃતિના, જાત સમેટવી!

બદલાતી મોસમ તો યે વ્યથા થાય ના જૂની,
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની!

પાંગરતું બીજ એક ભીતર, ગર્ભ ધારી,
સૃજન નવસૃષ્ટિનુ, ઓવારણા લે વારી;
અકળ વિધાતા ચાલ ચાલે થઈ જુગારી,
સર્જનમાં વિસર્જન, ઈચ્છાઓ સહુ હારી;

હર પળ જગવે ઉમ્મીદ, નવજીવનની કહાની,
બિછાવી છે જાજમ પર્ણોએ, કરીને ડાળ સૂની!

શૈલા મુન્શા તા.૧૨/૩૦/૨૦૨૦

September 5th 2020

શિક્ષકદિન

મન હિંચોળે આનંદે, હૈયું પણ હરખાય;
લાગણીના પુર ઉમટે, પ્રેમ જ્યાં પરખાય!

કરે કો યાદ, દુર દેશાવરથી ભાવભર્યા હૈયે;
વહે પ્રેમના પુર, મોતીબિંદુ સા અશ્રુ ઝર્યે!

અપનાવી માતાની પ્રકૃતિ, નિભાવી એ જ પ્રવૃતિ;
થઈ પુરી આશ, બની શિક્ષિકા ન લીધી નિવૃતિ!

વાવ્યું એક બીજ પ્રેમથી,સીંચી ભણતરનુ;
બન્યુ એ વટવૃક્ષ આજે, અગણિત વળતરનુ!

એ શિષ્યોથી ગૌરવ અમારું શિક્ષક હોવાનુ;
ઝળહળશે પ્રેમજ્યોત એક યાદ બની રહેવાનુ!

સહુ વિધ્યાર્થીઓને સમર્પિત જેમના હ્રદયમાં આજે પણ પોતાના શિક્ષક માટે પ્રેમ, સન્માન અને આદર છે.

શૈલા મુન્શા તા.૦૯/૦૫/૨૦૨૦

June 17th 2020

કોરોના લગ્ન

કંઈ કેટલાય કોડ મા મનમાં સંવારતી,
અંતરના આશિષ મુજ પર ઓવારતી;
જન્મી જ્યાં હું, માંડવાનો કરતી વિચાર,
ડગલે ડગલે એ ગુંથતી લાગણીના તાર!

સરખી સહેલીઓની જ્યાં જામતી રમત,
કોણ વરને કોણ કન્યાની મંડાતી મમત;
હસતાં ખેલતાં વિતી રે! ગયું એ બાળપણ,
આવી વસંત ઝુમે મન, ભુલાવી ભોળપણ!

સપનાં સંજોરતી મુગ્ધા, જોતી પ્રિતમની વાટ,
નિત નવા મનોરથ, ઘડતી એ અવનવા ઘાટ;
આવશે પિયુ વાજતેને ગાજતે લઈ રસાલો ખાસ,
ઢોલ નગારે, શરણાઈ સુરે, જાનડીઓ લેશે રાસ!

લીલુડાં તોરણ બંધાયને, આંગણે રંગોળી પૂરાય,
હોંશ માવતરની,લાડકડીના અભરખા પૂરા થાય;
સેવ્યું હતું જે સપન, મંગળ ઘડી આવી ઊભી માન,
નોતરાં દેશું, ને દેશું કરિયાવર,પૂરાં કરશું સહુ અરમાન!

ન જાણે ક્યાંથી ત્રાટક્યો કોરોનાનો ચક્રાવાત,
નરી આંખે ના દિશે, આપતો જીવલેણ આઘાત;
ના ઢોલ ના ત્રાંસા, ના જ્યાફત, ના જમણ,
બાંધી બુકાની મોઢે, માંડવે હાજર ચાર જણ!

રહ્યાં અભરખાં મન મહીં, ફર્યાં ફેરા ચાર,
હે પ્રભુ! ઉગાર પૃથ્વીલોકને કરી ચમત્કાર!!

શૈલા મુન્શા તા/૦૬/૧૭/૨૦૨૦

May 22nd 2020

ના ધારવું,

તમારું ગમતું બધું થાય ના ધારવું,
મળ્યું તેટલું માણવું, મન શીદ મારવુંઃ
આંધળા પાટાંની રમત જ છેતારામણી’
રોક્યું ના રોકાય મન, લાલચ લોભામણી!

કરી દેશે ઈશ્વર બધું, ના માનવું,
તમારું ગમતું બધું થાય ના ધારવું!

વાત નાની ને વતેસર થાય મોટું,
કરી જ્યાં ટીખળ, લાગશે ખોટુંઃ
રહી કાઢવી હૈયાવરાળ ભીત સાથે,
તાંડવ કરે કોરોના જમ જેવો માથે!

વહેતી ગંગામાં હાથ ધોવાનુ રાખવું,
તમારું ગમતું બધું થાય ના ધારવું!!

શૈલા મુન્શા તા. ૦૫/૨૦/૨૦૨૦

May 15th 2020

ઊઘાડી આંખે!

ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં?
ઉતરડાયેલ જીવતરના ટાંકા લેવાય કેટલાં!!

સંબંધોના તુટ્યા તાર લાગણીમાં.
વેંત ઓછી પડી ઈચ્છા માપણીમાં;
ઉજ્જડ ધરા પર ચાસ કેવા,
ધીખતાં હૈયાની આગ જેવા!

એક સાંધો તુટે તેર, તો સંધાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!

ઘાણીએ ફરતાં બળદ દિનરાત ઘુમે
આજ જિંદગી બસ એ ભ્રમમાં રમે;
થાય પીડા કે નહિ, છુપાવે દરદ.
માનવી કે પશુ, આખરે તો મરદ!

હસતાં ચહેરાને વ્યથા, મપાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!

શૈલા મુન્શા તા.૫/૧૫/૨૦૨૦

April 25th 2020

સુખ!!

સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી,
સૂરજ કિરણે સોહતું પ્રભાત, દુઃખોને લે વાળી!

માણસ માણસ વચ્ચે વધ્યું અંતર,
મરણનો મલાજો દુરથી કરે નિરંતર,
કોઈ રે બોલાવો ભુવાને,જપે જંતર,
તીર કે તુક્કો,પડે સાચો કોઈ મંતર.

ડુસકે ચઢી તિમિરભરી રાત કાળી કાળી,
સુખ આપશે તો આપશે કયાં લગી હાથતાળી!

થઈ વસતી અઢળક ઉપરવાસ,
સૂકાતો જન પ્રવાહ નીચે ચોપાસ,
નેજવે ટેકી હાથ,દ્રષ્ટિમાં આકાશ,
પારિજાતસા દેવદૂતોની થઈ નિકાસ!

ફેલાઈ રહી છે આસપાસ ભ્રમોની જાળી,
સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી!

જ્યાં ના પહોંચે રવિ, ત્યાં કવિ એવી,
કોરોનાએ વાત ખોટી પાડી કેવી?
દોરા ધાગાની છોડવી બાધા લેવી,
ડોક્ટર એ જ દેવદુત સચ્ચાઈ કહેવી!!

કરે છે એ જ સિંચન બની બગિયાના માળી
સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી!

જગતના સર્વ ડોક્ટરો, નર્સ અને ઓફિસ સ્ટાફને સમર્પિત.
શૈલા મુન્શા તા. ૨૫ એપ્રિલ ૨૦૨૦

March 30th 2020

ઓળખ!!

સુની પગદંડી એ ચણતા ને ચહેકતાં આ પંખી,
ઝુમતી આ ડાળીઓ ઝુકી જાણે મળવાને ઝંખી.
સમીર સંગ ડોલતાં એ પર્ણ છેડે શું તાન મધુરી,
મળી જે પળ, માણી લે આ શાંતિની અનેરી.

નહો’તી ખબર ને મળી અણધારી આ નિંરાત,
વાચા મૌન ને ભીતર બોલે, મોંઘી એ મિરાત.
ન જોયું ના માણ્યું એ સંગીત છે આસપાસ,
સાંભળો જો દિલથી તો મીઠો કલરવ ચોપાસ.

વાદળોની કોરે ફુટે સૂર્યકિરણની સોનેરી આભા,
ફેલાવતી જગે શમણાભરી ઉમ્મીદોની નવ પ્રભા.
મારતું એ જ પોષતું, રાખ નિયતી પર વિશ્વાસ,
ઘડી આજની, વિતી જાશે કાલ એ જ છે આશ.

બની અલ્લડ માણી રહી નજારો એકાંતનો,
સમય આ ખુદને ખુદની ઓળખ જાણવાનો!!

શૈલા મુન્શા તા.૦૩/૩૦/૨૦૨૦

May 31st 2015

રક્ષા બંધન!!

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધોની આ માયાજાળ અને ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.

આપ્તજનોના સંબંધમાં ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે, પણ મારે
વાત આજે એ સંબંધની કરવી છે, જે ક્યારે સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનું બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતું. મમ્મી સરસ તૈયાર થઈને હાથમાં પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?"

એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.

મમ્મીની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

સીમાને રાકેશ ઉનાળાની રજામાં સ્કુલના કેમ્પમાં દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામાં પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ સ્કુલમાં ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે સીમા અને રાકેશ કેમ્પમાં ભાગ લઈ શક્યા હતાં.

કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ, એ રમતમાં દરેકને એમના સપના વિશે પૂછવામાં આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતું તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતું કે મારે એક ભાઈ હોય." મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતાં બોલતાં એની આંખો છલકાઈ ઊઠી.

રાકેશના દિલમાં સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો. એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે.

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમાં મમ્મીને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી.
પપ્પાના અવસાનની કળ હજી તો માંડ વળી ત્યાં ચાર જ વર્ષમાં મમ્મીનુ એકસિડન્ટમાં નિધન થયું ત્યારે બન્ને બહેનો અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યું કે શું થયું એની કોઈ હજી સમજ નહોતી, સાવ નોંધારાં બની ગયા. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ ત્રણે ભાઈ બહેનમાં મોટી સીમા જે માનસિક યાતનામાં થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને બીજું વીસ વર્ષના રાકેશે.

નાનાએ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત સવાલ ન કરે. રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલ્લી હવામાં બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલ્લી હવામાં બહાર લઈ આવે, સોસાયટીના બગીચામાં થોડો સમય મૌન બની સાથે બેસે અને નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે. સહુને આ દુઃખના દરિયામાં થી બહાર કાઢવા બનતો પ્રયાસ કરે. કાંઈ ન કહેવા છતાં એ મૌન કેટલો સધિયારો આપી જાય કેટલુંય કહી જાય કેટલી હિંમત આપી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ સધિયારો એ હિંમત આપનાર જેણે રક્ષા બંધન સાચા અર્થમાં સાર્થક કરી, આજે પણ સીમાનો વહાલસોયો ભાઈ બની જીવનભર સીમાની પડખે રહ્યો છે!!

સત્ય ઘટના પર આધારિત.

શૈલા મુન્શા તા.૦૫/૦૭/૨૦૧૫

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.