May 22nd 2026

આગ ઓકતો સૂરજ, ધીખતી ધરતી,
વૃક્ષો થયા નષ્ટ, ચીખતી વસતી.
જંગલો સિમેન્ટના ફૂટ્યાં કાળ જેવા,
નોંધારા બન્યા પશુ પક્ષી આશરો લેવા.
ઊકળતો લાવા તો જાય ઠરી, લીલીછમ્મ ધરતી કરી;
અગનગોળો વરસાવે આગ દિનરાત એક કરી.
ગુમાન માનવીનું સર્જે અણુબોમ્બ વિનાશકારી,
લાવશે પ્રલય બની બીજું હિરોશીમા નાગાશાકી.
જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ સર્જાયું મહાભારત;
વિનાશકાળે વિપરીત બુધ્ધિ, સર્જાશે બીજું મહાયુધ્ધ.
અવતાર લેશે ક્રુષ્ણ ફરી, કોણ જાણે?
થાશે માનવતાનો જય ફરી, કોણ જાણે?
થાશે માનવતાનો જય ફરી, કોણ જાણે?
શૈલા મુન્શા. તા. ૨૨/૦૫/૨૦૨૬
May 16th 2026

મૌનમાં છે સંમતિ માની ના લેશો,
કરી ઉતાવળ કાંઈ માપી ના લેશો.
છે ગતિ વધુ વિચારોની વાયરાથી,
વાડ બાંધી છે સદીના દાયરાથી.
પ્રારબ્ધ આપશે બધું ધારી ના લેશો,
મૌનમાં છે સંમતિ માની ના લેશો.
રમત છે જિંદગી, તો જીરવો હાર;
પડતાંને પાટુ, બસ સહી લો માર.
આવશે સુખ તું હિંમત એવી ધાર,
કર્મ કર, ફળની આશા ના રાખ.
કાલ અજાણી, વાત જાણી ના લેશો;
મૌનમાં છે સંમતિ માની ના લેશો.
મૌનમાં છે સંમતિ માની ના લેશો!
શૈલા મુન્શા તા. ૧૪/૦૫/૨૦૨૬
www.smunshaw.wordpress.com
May 11th 2026

વહી જાય વર્ષો મા કદી ભુલાતી નથી,
આરઝુ એક હાલરડાંની બુઝાતી નથી.
ઝબોળતી કદી પ્રેમના સાગર મહી,
ભૂલી અમારી સંતાડતી પાલવ મહી,
નીંદરે ઘેરાતી આંખલડી સજાવતી,
સપનાની ડાળે મુજને ઝુલાવતી;
હસી પાછળ દરદ એ છુપાવતી,
શીખ એ જ સદા અમને આપતી.
રહી ગઈ યાદ, તસવીરમાં ગઈ સમાઈ,
મા સ્મરણોની માળા સંવારતી ગઈ.
વહી જાય વર્ષો મા કદી ભુલાતી નથી,
આરઝુ એક હાલરડાંની બુઝાતી નથી.
શૈલા મુન્શા. તા. ૧૧/૦૫/૨૦૨૬
www.smunshaw.wordpress.com
May 11th 2026

ઉંમરનો તકાજો છે શાણપણનો,
પણ મનનો તકાજો છે ગાંડપણનો.
ડહાપણની સીધી રેખા ચાલવામાં,
મન ગૂંચવાય છે દુનિયા ભાળવામાં.
નજરો આંબતી રહી ચાંદ પામવામાં,
વેંત ઓછા પડ્યાં સપના માપવામાં.
ઢીંગલી સજાવી રમતાં થઈ મોટી,
જિંદગીની રમતમાં થઈ સાવ ખોટી.
વાઘાં બધાં ફગાવી લઉં જીવી આજે,
મરી મરીને જીવવું શીદ કાજે?
બસ ઊડું આજે ગગન આંબવા,
ઊડું આજે ગગન આંબવા!!
શૈલા મુન્શા. તા.૧૧/૦૫ ૨૦૨૬
www.smunshaw.wordpress.com