October 28th 2013

એમી

એમી હવે તો સાત વર્ષની થઈ. મને યાદ છે જ્યારે એ ત્રણ વર્ષની હતી અને મારા ક્લાસમા આવી ત્યારે એનો રૂવાબ જોવા જેવો હતો. એ જાણે અમારા બધાની બોસ હતી. નાનકડી અમથી પણ જમાદાર. રમતિયાળ હસમુખી પણ ધાર્યું ન થાય તો ગુસ્સો જોવા જેવો.
ખરેખર તો એના જાતજાતના તોફાનો અને બાળ સહજ કરતુતો એ મને રોજીંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને આજે તો એ રોજીંદા પ્રસંગો “બાળ ગગન વિહાર” પુસ્તક રૂપે પ્રસિધ્ધ થયા છે.
હું માનસિક રીતે પછાત બાળકો સાથે કામ કરૂં છું પણ બધા બાળકો એ શ્રેણીમા ના આવે. ઘણાની વાચા પુરી રીતે ખુલી ન હોય અથવા ઘણા “Autistic” બાળકો હોય જે દરેક વસ્તુ અમુક પધ્ધતિસર કરવા ટેવાયેલા હોય અને એમા બદલાવ આવે તો એમનો ગુસ્સો સંભાળવો મુશ્કેલ થઈ પડે. આ બાળકો ત્રણ વર્ષે સ્કુલ શરૂ કરી શકે અને ઘણા અમારી એમી જેવા હોય જે માબાપના વધુ પડતા લાડ પ્યારને કારણે થોડા જીદ્દી થઈ ગયા હોય.
એમી જ્યારે આવી ત્યારે એવી જ હતી. બધા પર એની દાદાગીરી ચાલે. હસમુખી એવી કે વઢવાનુ મન ન થાય પણ ધીરે ધીરે એ બધા સાથે ભળવા માંડી અને એક વર્ષમા તો એવી હોશિયાર થઈ ગઈ કે ચાર વર્ષની થઈ કે અમે એને નિયમિત Pre-K ના ક્લાસમા મોકલી આપી. નાની હતી ત્યારે પણ કાંઈ થાય તો દોડતી મારી પાસે આવતી અને મારી સોડમા લપાતી. દાંત દુખતો હોય, કોઈ બાળકો સાથે રમતના મેદાનમા કાંઇ થાય, મીસ મુન્શા એને માટે અંતિમ આશરો.
આજે એમી સાત વર્ષની થઈ. બીજા ધોરણમા આવી. રોજ સવારે બસમાથી ઊતરી મને આવીને ભેટે. હજી પણ મારી સોડમા લપાય. કાલે તો બસમા થી ઉતરતા વેંત મને આવી વળગી પડી. ચહેરો રડું રડું. કારણ પુછ્યું તો કહે “મીસ મુન્શા પેટમા દુખે છે”. બધા કામ પડતા મુકી મારે એને નર્સ પાસે લઈ જવી પડી.
એમી જાણે મારૂં પહેલું માનસ સંતાન. એની લાગણી ને પ્રેમ મારા માટે હજી પણ એટલો જ. આજે પણ એની વાત, ફરિયાદ એના ક્લાસ ટીચરને કરવાને બદલે મને કરે.
આ બાળકો ની લાગણી એમનો પ્રેમ જ મને જાણે જીવંત રાખે છે ને ખુદની તકલીફ ભુલી ને કામ કરવાનો ઉત્સાહ પ્રેરે છે.

શૈલા મુન્શા.. તા૧૦/૨૮/૨૦૧૩

October 15th 2013

ઈશ્વર

કોઈ રાખે ન રાખે,ઈશ્વર ખબર રાખે છે!
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

નિયતમા ન હો ખોટ, ને માણસાઈ જ ધરમ,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે

વાવો તેવું લણો ને કરો તેવું પામો,
એજ તો આસ્થનો ખજાનો ભરપુર રાખે છે.

સફર હો લાંબી કે ટુંકી, વિશ્વાસ સાથી નો,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

કાજળ કાળી રાતને અંતે ઉગતું સોનેરી પ્રભાત
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

કોઈ રાખે ન રાખે ઈશ્વર ખબર રાખે છે.
એજ તો અમારી આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

શૈલા મુન્શા તા. ૧૦/૧૫/૨૦૧૩

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.