May 21st 2022

સંભારણું -૯

હમણા થોડા વખત પહેલા મારા મિત્રે એક વોટ્સેપ મોક્લ્યો હતો જેમાં જર્મનીના રેસ્ટોરન્ટમાં પતરાવળીમાં ભોજન પીરસવાનુ શરુ કર્યું એનો ચિત્ર સાથે ઉલ્લેખ હતો. પર્યાવરણ બચાવવા આ નવી ઝુંબેશ આદરી હતી.
જોગાનુજોગ એ જ સાંજે અમારા જુના સ્નેહી મળવા આવ્યા અને એમને પણ એવો જ વોટ્સેપ મળ્યો હતો.
જે ચીજ ભારતની પરંપરા હતી, એ માદરે વતનથી લુપ્ત થતી ગઈ અને વિદેશોમાં એની વાહ વાહ થવા માંડી. મનના પટારાના દરવાજા ખુલી ગયા અને મન પચાસ સાંઠ વર્ષ પાછળ દોડી ગયું.
સ્કૂલમાં પડતી ઉનાળાની લાંબી રજાનો સમય અને ગામમાં લગનની મોસમનો સમય!!
વતન તો અમારું ઠાસરા, ડાકોર પાસે આવેલું ગામ, પણ ધીરેધીરે કામધંધા, ભણતર નિમિત્તે લોકો ગામ બહાર નીકળવા માંડ્યા અને અમદાવાદ, વડોદરા, મુંબઈ, અને છેક કલકત્તા, મદ્રાસ, હાલનુ ચેન્નાઈ સુધી વસવાટ કરવા માંડ્યા. એક પરંપરા ચાલુ રાખી કે મોટાભાગે દીકરા કે દીકરીના લગ્ન ગામમાં એટલે કે ઠાસરા જઈ કરવા. એ જમાનામાં બહુ પ્રેમલગ્નનનુ ચલણ નહોતું. પોતાની ન્યાતમાંથી જ છોકરા છોકરી માતા પિતા શોધી લેતા અને દરેક જણનુ ગામમાં પોતીકું ઘર હોવાથી જગ્યાની છૂટ રહેતી.
ઠાસરા અને એની ખડકી આજે પણ આબેહુબ નજર સામે તરવરે છે. દેસાઈની ખડકી, મહેતાની ખડકી, મુન્શાની ખડકી, ગાંધીવાડો, આમ દરેકની અટક પ્રમાણે બધાના ઘર એ આખી ગલીમાં રહેતા.
દેસાઈ ખડકીમાં મારા નાના કનૈયાલાલ દેસાઈનુ જબરદસ્ત બે માળનુ મકાન. નાના તો વર્ષોથી ધંધા રોજગારને લીધે કલકત્તા જઈ વસ્યા હતા, પણ એમના નવ સંતાનોમાં મોટાભાગના દીકરા, દીકરી ઠાસરામાં જ પરણ્યા.
આહા!! કેવા મજાના એ દિવસો હતાં. ઘરના કે ન્યાતના બીજા કોઈના લગ્ન પ્રસંગે ઊનાળો આવ્યો નથી કે અમારી સવારી ઠાસરા જવા તૈયાર થઈ જતી.
મુંબઈથી ટ્રેનમાં આણંદ જવાનુ, અડધી રાતે આણંદ પહોંચી ઠાસરા જવા નાની ગાડીની રાહ જોવાની અને વહેલી સવારે આણંદના સ્ટેશને આણંદના પ્રખ્યાત ગોટા લીલા મરચાં સાથે ખાવાના!!! અત્યારે પણ મોઢામાં પાણી આવી ગયું.
ગામમાં થતાં લગનની મજા જ કાંઈ જુદી હતી.
ઉનાળામાં ગામમાં અમે બધા મામા માસીના ભાઈ બહેનો ભેગા થતાં. અમારા એ ઘરની પાછળ વાડામાં સ્નાન કરવાની ઓરડી અને એની પાસે કુવો અને અને પાસે જ પાણી ગરમ કરવાનો બંબો મુકેલો હોય. આમ તો કાશીબા જ બધા માટે કુવામાંથી પાણી સીંચી આપે, પણ અમને પણ શોખ થતો અને ડોલ કુવામાં નાખી ગરગડી પરથી રસ્સી ખેંચવાનો પ્રયત્ન કરતાં. ઘણીવાર ડોલ થોડી ઉપર આવે અને હાથમાંથી દોરડું સરકી જાય. ધબ્બ કરીને ડોલ પાછી કુવાને તળિયે. કાશીબા અમારા ઘરનુ બધું કામ કરે પણ જ્યારે અમે બાળકો કુવાની આસપાસ પાણી કાઢવાની રમત કરતાં હોઈએ ત્યારે તો એ ખડેપગે ત્યાંજ ઉભા હોય, અમારું ધ્યાન રાખવા. કાશીબા કામવાળા નહિ પણ ઘરના જ સદસ્ય, બધાની ખબર લઈ નાખે અને પાછાં નાની કે ઘરના બીજાં વડીલ પણ એમને એટલુંજ માન આપે.
બપોર પડે અમને છોકરાંવને હુકમ કરે “જાવ છજામાં ડોલ ભરીને કેરી પલાળી રાખી છે, ખાવ તમતમારે મજેથી” અને અમે બધા બાળકો હુંસાતુસી કરતાં કેરી ખાવા પહોંચી જઈએ.
નાનાએ ઉપરનો એક ઓરડો ખાસ કેરી માટે રાખ્યો હોય. કાચી પાકી કેરીની સોડમથી આખો ઓરડો મઘમઘી રહ્યો હોય.

ગામના લગન પણ અનોખા. રાતે જ લગન થાય. ચમકતાં પિત્તળના બટનવાળા લાલ કોટ પહેરીને બેન્ડવાળા આગળ ચાલતાં હોય, સાથે મોટા ફાનસ પકડી લાઈટવાળા હોય. આખા ગામમાં વરઘોડો ફરે અને પછી કન્યાને માડવે પહોંચે. ગાદી તકિયા બિછવેલા હોય, અને વડીલો માટે થોડા સોફા મુકેલા હોય. રાતભર લગનની વિધિ ચાલે. અમે બાળકો તો ક્યારના પોઢી ગયા હોઇએ. મોટેરાઓ પણ ઝોકાં ખાતા હોય. વહેલી સવારે કન્યા વિદાયનો સમય આવે ત્યારે ઉંઘરેટી આંખે બધા વરકન્યાને લઈ નીકળે.

ગામના લગનની બીજી ખાસ મજા તે વાડીએ જમવા જવાનુ. પાણી માટે બધા પોતાના ઘરેથી પિત્તળનો પેચવાળો કળશ્યો ભરતાં આવે. વાડીમાં ભોંય પર બેસવાનુ અને સામે પતરાળાં મુકેલા હોય, પીરસણિયા હાથમાં કમંડળ લઈ પીરસવા નીકળે.કાબેલ માણસોને જ કમંડળ મળે. નવાસવાં પીરસણિયા પુરી કે ફુલવડીના થાળ લઈ નીકળે. મોટાભાગે છાલવાળાં બટાકા અને રીંગણનુ શાક, મોહનથાળ, મેંદાની કડક પુરી અને એકાદ બીજું શાક હોય. પડિયામાંથી દાળના રેલાં જતા હોય અને શાક સાથે થોડી માટીની રજ પણ ભળતી હોય, તો પણ એ દાળનો સ્વાદ હજી દાઢે વળગેલો છે. જમણની તૈયારી આગલી રાતથી થતી હોય. ઘરના અને સહુ સગાં વહાલા રાતે વાડીએ પહોંચી જાય, શાક સમારવાનુ, લોટ બાંધવાનો અને મસ મોટા ચુલા પર દાળ ઉકળતી હોય. મોટી કડછી લઈ રમણિકમામા દાળને ધમરોળતા હોય. એમના જેવી દાળ બનાવવાની હાથોટી કોઈની નહિ. ચુલાની સામે નાનુ ટેબલ લઈ બઠા હોય. હાડપાડ શરીર મોટી મુછો અને કરડાકીભર્યો ચહેરો, અમને છોકરાંવને પણ રાતે વાડીમાં જવાની મજા પડે પણ મામાનો થોડો ડર પણ લાગે. મામા એક હાક મારે “છોકરાવં બટાકા પાણીની ડોલમાં નાખવા માંડો” અને અમે ગુણીમાંથી થાળી ભરી ભરી પાણીમાં નાખતાં જઈએ. એકબાજુ ચા ઉકળતી હોય અને મઠીયાં ચેવડાની જ્યાફત ચાલતી હોય એ દિવસો અને એ મજા જેણે માણી હોય તે જ જાણે!!
વાડીમાં જમણવાર પતે પછી ગામની વિધવા સ્ત્રીઓ, ઘરડાં માણસો જે જમવા ના આવી શક્યા હોય એમને ત્યાં પીરસણ ઢાંકવા જવાનુ. અમે માથે નાની નાની બોઘરણીને ઉપર વાડકામાં પીરસણ લઈને નીકળીએ અને મોડી રાતે ઘરે લગનના ગીત ગાતાં ગાતાં પાછા વળીએ. કેવા મજાના દિવસો, ના કોઈ ડર મોડી રાતે આવવાનો, સવારે મન થાય ત્યારે ઉઠવાનુ, ફળિયામાં રમવાનુ અને રોજ કોઈને કોઈને ત્યાં લગનમાં જવાનુ
એક પતરાવળી એ સંસ્મરણોનો પટારો ખોલી દીધો અને એક પછી એક સંભારણાના મોતી યાદની રેશમ દોરીમાં પરોવાતાં ગયા.
આજે શહેરોમાં ઉજવાતા લગ્ન પ્રસંગો અને જમણવારમાં દુનિયાભરના વિવિધ પકવાનો થાળ પણ એ આનંદ આપી શકતાં નથી જે બાળપણમાં પતરા
ળામાં છાલવાળું બટાકાનુ શાક કે મોહનથાળ ખાઈને મળતો.
આજે ફેશનમાં લોકો પતરાવળી તો રાખે છે પણ પ્લાસ્ટિકમાંથી બનેલી
ખરેખર ” बंदर क्या जाने अदरख का स्वाद” કહેવત યાદ આવી જાય!!!!!!

અસ્તુ,

શૈલા મુન્શા તા.૦૫/૨૧/૨૦૨૨
www.smunshaw.wordpress.com

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.