January 20th 2012

પતંગ

લાલ પીળીને વાદળી
ઈંન્દ્રધનુના રંગે સોહાતી
જાય લહેરાતી વાદળો સંગ
પતંગ મારી ઊંચે ને ઊંચે.

કદી મરડાતી ડાબેને જમણે
કદી હોય ઉપર ને કદી નીચે
રંગોની આભા ભરી ગગને
પતંગ મારી ઊંચેને ઊંચે.

ઉન્નત મસ્તકે હોડ હવા સંગ
તોય ડોર મજબુત ધરા પર
ઝુમતી પટરાણી અંબર પર
પતંગ મારી ઊંચેને ઊંચે.

જીવન મારૂં વહે પતંગ સમ
સુખ દુઃખ રહે નીચે કે ઉપર
આત્મબળ ને સ્વમાન સદૈવ
ઉજાળે જીવન-જ્યોત ઊંચે.

શૈલા મુન્શા. તા ૦૧/૨૦/૨૦૧૨

January 4th 2012

અંતર

અંતર ન રહે સ્વજનો થી
કદી ય અંતર થી.
ભલે વસે સૌ જોજનો દુર,
તોય કદી ના અંતર, અંતર થી.

કદી કો સાવ નજદીક ને
પુરાય ના અંતર કદી,
ભલે નજરો થી ઓઝલ
છલકાય જાય અંતર કદી.

રહી જાય રાત અધુરી,
ને રહી જાય વાત અધુરી.
રોક્યું રોકાય ના જો હૈયું,
તો વહી જાય વાત અંતર થી.

વહેતી નદી ના કિનારા બે,
રહે સામ સામે તોય અંતર,
જો હો ચાહત, ને બસ વિશ્વાસ
એક પુલ મિટાવે એ અંતર.

અંતર ન રહે સ્વજનો થી
કદી ય અંતર થી,
એક જ્યોત ઝગમગે
શ્ર્ધ્ધા ને પ્રેમ ની અંતર થી.

શૈલા મુન્શા. તા ૦૧/૦૪/૨૦૧૨

January 3rd 2012

ડેનિયલ-૪

જાન્યુઆરી ૨૦૧૨. નવું વર્ષ શરૂં થયું. નાતાલની સ્કુલમા બે અઠવાડિયાની રજા પડે. બાળકો સહિત અમે પણ ખુબ ખુશ થઈ જઈએ. સ્કુલની નોકરી મા આ એક અગત્યનો લાભ. દર બે ત્રણ મહિને નાનુ મોટું વેકેશન આવ્યા કરે, અને એમા પણ જ્યારે તમે મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરતાં હો ત્યારે આવા વેકેશન અતિ આવશ્યક હોય છે. ક્લાસમા બાળકો ની સંખ્યા ભલે ઓછી હોય પણ દિવસ પુરો થતાં તમે તન અને મન બન્ને રીતે થાકી ગયા હો.
વેકેશન પછી આજે સ્કુલનો પ્રથમ દિવસ હતો. મારા ક્લાસમા ત્રણ થી પાંચ વર્ષના બાળકો છે. તમે કલ્પના કરી શકો છો કે આટલા નાના બાળકો પંદર દિવસ ઘરે રહીને પાછા સ્કુલમાં આવે ત્યારે અમારી શી હાલત થતી હશે.
એક તો ઠંડી નો સમય અને સવારે વહેલા ઊઠી ને આવવાનુ. બધાના ચહેરા ઉંઘરેટા લાગતાં હતા. ડેનિયલ આવ્યો અને વેકેશન ની અસર એના શરીર પર દેખાઈ. આમ પણ મેક્સિકન છોકરાં થોડા ગોળમટોળ તો હોય જ પણ રજા ની મજા બરાબર દેખાતી હતી. વાચા વધુ ઉઘડી હતી. વધુ બોલતો થઈ ગયો હતો પણ બધું સ્પેનિશમા. આટલા મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. રજા પડતાં પહેલા ઘણુ અંગ્રેજી બોલતા શીખ્યો હતો પણ ઘરે રહી બધું ભુલી ગયો.
એટલું બધું બોલતો હતો અને એની કાલી કાલી ભાષા સાંભળવી એટલી મીઠી લાગતી હતી કે પરાણે વહાલ કરવાનુ મન થઈ જાય. પંદર દિવસમાં જાણે મોટો થઈ ગયો હોય એવો લાગતો હતો સાન્તા ક્લોઝે આપેલું નવુ જેકેટ બતાડી કાંઈને કાંઈ બોલી નાખ્યું.
સાંભળી ને અમારી સવાર સુધરી ગઈ. હસી હસીને નવા વર્ષના શુભ દિવસની શરૂઆત થઈ.

શૈલા મુન્શા. તા. ૦૧/૦૩/૨૦૧૨.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.