June 25th 2010

પોપટ

વીસ મહિનાની દુર્ગા જન્મી અહીં અમેરિકામા પણ આઠ મહિનાની હતી અને એન્જીનિયર પપ્પાને એવો પ્રોજેક્ટ મળ્યો કે નોકરી અર્થે એક મહિનો આફ્રિકા રહેવાનુ ને એક મહિનો રજા પગાર સાથે.ના પાડવાનો સવાલ નહોતો, કારણ મંદીના સમયમા બીજી નોકરી જલ્દી મળે કે ના મળે. એવો નિર્ણય લેવાયો કે મનીષા બે દિકરીઓ સાથે અહી એકલી રહે એના કરતાં વરસ બે વરસ ભારત સાસુ- સસરા સાથે રહે અને બાળકો ને પણ દાદા,દાદી નો લાભ મળે.
પ્રફ્ફુલ એક મહિનો આફ્રિકા અને એક મહિનો ભારત એમ આવજા કરવા માંડ્યો. અહીં રહેલી મનીષા ઝાઝો સમય ભારત રહી ના શકી અને એમણે પાછા અમેરિકા આવવાનો નિર્ણય લીધો. ગયા અઠવાડિયે બધા પાછા આવ્યા અને ઘર વેચીને ગયા હતા એટલે બીજી સગવડ થાય ત્યાં સુધી, એરપોર્ટથી સીધા મારે ત્યાં જ આવ્યા.
દુર્ગા લગભગ વીસ મહિનાની થઈ ગઈ હતી. એટલી ચબરાક અને બોલકી થઈ ગઈ હતી. કશે અજાણ્યું ના લાગે અને બધા પાસે જાય. જે આપણે એને કહીએ એ પાછું બોલે. બધા એને પોપટ કહીને મસ્તી કરતા અને એને પણ ખુબ મજા આવતી. આપણે એને પુછીએ કે પોપટ કોણ છે તો કહે “દુગ્ગા’ કારણ હજી એને દુર્ગા બોલતા બરાબર ફાવતું નહોતું.
એની સાથે વાત કરતા બહુ ધ્યાન રાખવું પડતું, પણ ખુબ મજા આવતી.યશોદા જે કરે તે એને કરવા જોઈએ. મોટી બહેનનુ અનુકરણ કરતાં વાર ના લાગે.
થોડા દિવસ મારી સાથે રહી પણ પોપટ ની કાલી બોલી હજી પણ યાદ આવે છે.

તા. ૦૬/૨૫/૨૦૧૦

June 25th 2010

બોસ આ ગુજરાત છે!

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે!
બોસ આ ગુજરાત છે!

અહીં નર્મદાના નીર છે
માખણ અને પનીર છે
ને ઉજળું તકદીર છે!
યસ, આ ગુજરાત છે!

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે!
અલ્યા, આ ગુજરાત છે!

અહીં ભોજનમા ખીર છે
સંસ્કારમા ખમીર છે
ને પ્રજા શુરવીર છે!
કેવું આ ગુજરાત છે!

અહીં વિકાસની વાત છે
સાધુઓ ની જમાત છે
ને સઘળી નાત-જાત છે!
યાર, આ ગુજરાત છે!

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
શૌર્યનો સહવાસ છે
ને ગાંધી તણો વારસો છે!
દોસ્ત, આ ગુજરાત છે!

મિત્ર દ્વારા ઇ-મૈલમા મળેલ ગુજરાત ની ગાથા.

June 19th 2010

પરિભ્રમણ

પૃથ્વી કરતી પરિભ્રમણ સૂર્યની આસપાસ,
ને વળી કરતો ચંદ્ર પરિભ્રમણ પૃથ્વીની આસપાસ.

બાળ કરતું પરિભ્રમણ માની આસપાસ,
ને વળી ભમરો કરતો પરિભ્રમણ ફૂલની આસપાસ.

કરતી નાર પરિભ્રમણ વડલાની આસપાસ,
હરએક પરિભ્રમણે માંગતી દીર્ઘાઆયુ પતિને કાજ.

નીસર્યા કાર્તિકેય ને ગણેશ પરિભ્રમણે,
બન્યા આદિદેવ ગણેશ,
કરીને પરિભ્રમણ માતપિતાની આસપાસ.

ચીંધ્યો માર્ગ સહજ પ્રભુએ, ચૂંટીને પ્રતિનીધિ માબાપને
ભલે ન દિશે ઈશ્વર ચોપાસ, ઠારીને હૈયા માબાપના,
થશે ઉન્નત જીવન, જાણે પરિભ્રમણ ઈશ્વરની આસપાસ.

શૈલા મુન્શા તા. ૬/૧૯/૨૦૧૦

June 19th 2010

હસવું કે રડવું

ભારત અને અમેરિકાની શિક્ષણ પધ્ધતિમા ફરક છે. અહિં બાળકોને પુરતી તક આપવામા આવે છે જેમ કે વરસ દરમિયાન કોઈ કારણસર બાળક પરિક્ષામા પાસ ન થઈ શક્યો તો એને એક મહિનો ફરી ભણવાની તક મળે અને મહિના ના અંતે ફરી એની પરિક્ષા લેવામા આવે અને એ પરિણામ પર નક્કી થાય કે એ આગલા ધોરણમા જશે કે નહિ.
આ વર્ષે અમે અને અમારા બાળકો બીજી સ્કુલમા આ વધારા ના અભ્યાસ માટે આવ્યા છીએ કારણ અમારી જુની સ્કુલ તોડીને નવી બંધાઈ રહી છે. અમારા વિસ્તારની બીજી પ્રાથમિક શાળાએ અમને ઘણો સહકાર આપ્યો અને અમારા બધાનો સમાવેશ એમની શાળામા કર્યો.
આ જે શાળા છે એમા પ્રાથમિક અને માધ્યમિક વિભાગ સાથે છે. સ્વભાવિક છે કે મોટા બાળકો હોય એટલે અમેરિકા મા દરેક સ્કુલને ફરજીયાત પોલીસનુ રક્ષણ મળે. આ દેશમા કુમાર અવસ્થાના બાળકોને નાની નાની વાતમા હથિયાર ચલાવતા વાર નથી લાગતી અને સહેલાઈથી શસ્ત્રો ઉપલબ્ધ પણ છે.
આટલી પૂર્વભુમિકા પછી મુળ વાત પર આવું.બપોરના બારેક વાગે અમે ત્રણ ચાર શિક્ષક- શિક્ષીકાઓ અમારા જમવાના રૂમમા જમવા માટે ભેગા થયા હતા. જમતા જમતા અવનવી વાતો ચાલતી હતી, એટલામા એ સ્કુલના બે પોલિસ ઓફિસર પણ જમવા ના રૂમમા આવ્યા જમવા માટે. સ્વાભાવિક છે કે પોલિસ હોય એટલે એમની કમ્મરે બંદૂક લટકતી હોય. અચાનક અમારા સહશિક્ષક મીસ થોમસ પોલિસ ઓફિસરને સવાલ પૂછી બેઠા “આ તમારી કમ્મરે લટકે છે એ બંદુક સાચી છે, અને એમા સાચી બુલેટ છે?” અમે બધા તો સન્ન થઈ ગયા અને પોલિસ ઓફીસર પણ બે ઘડી શું કહેવું એની વિમાસણ મા પડી ગયો. હસતાં હસતાં એ બોલી ઉઠ્યો કે તમને શું લાગે છે કે આ બંદુક ખોટી છે? અહિં સ્કુલમા કાંઈ ધમાલ થાય ત્યારે હું સાચી બંદુક શોધવા જાઉં? તોય મીસ થોમસનુ સમાધાન ન થયું.કહેવા માંડ્યા કે તમે સ્કુલમા ફરતા હો અને બાળકો સાચી બંદુક જોઈને ડરી ના જાય?
પહેલા તો અમે બધા એક સાથે હસી પડ્યા.પોલિસ ઓફિસર બોલી ઉઠ્યો કે બાળકો જાણે છે કે આ સાચી બંદુક છે અને બુલેટ પણ સાચી છે તો જ તો સ્કુલમા આટલી શાંતિ રહે છે. મીસ થોમસ કાંઇ આ દેશમા નવા નથી અને સાત આઠ વર્ષથી શાળામા કામ કરે છે પણ એમની આ અજ્ઞાનતા પર હસવું કે રડવું એજ સમજ ના પડી.

June 13th 2010

હળવી પળો

અમેરિકા અને ભારત રિવાજો મા ઘણો ફરક. લગ્નપ્રથાની ઉજવણીમા પણ ફરક.અહીં વસતા ભારતીય લોકો હજી તો પરંપરાગત રીતે એમના દિકરા કે દિકરીના લગ્ન કરે છે જો બન્ને પાત્ર ભારતીય હોય તો, પણ સાથે સાથે અહીં જન્મીને મોટા થયેલા બાળકો અહીંની પ્રથા પણ અનુસરતા હોય.
એવીજ એક પ્રથા “Bridal shawer” જેમા જેના લગ્ન થવાના હોય એ છોકરીની બધી બહેનપણી અને મમ્મીની બધી બહેનપણીઓ ભેગી થાય અને રમત રમે અને છેલ્લે બધા ભેટસોગાદ અને આશીર્વાદ આપીને છુટા પડે. ગઈકાલે આવીજ રીતે અમે બહેનો અમારા મિત્રની દિકરી ના ” Bridal shawer” માટે બપોરે એક મિત્રના ઘરે ભેગા થયા અને ત્રણ ચાર કલાક ધમાલ મસ્તી ચાલી. સાંજે બધાના પતિદેવો પણ રાત્રિભોજન માટે ત્યાં આવ્યા.
સરસ રીતે બધો કાર્યક્રમ પાર પડ્યો. મોટાભાગના મિત્રો રવાના થઈ ચુક્યા હતા અને અમે ચાર-પાંચ દંપતિ બેઠા ગપ્પાં મારતા હતા.લગનના પ્રસંગનો માહોલ હતો અને એક બહેનને પોતાના દિવસો યાદ આવી ગયા. એમના પતિનો ઉછેર ભારત બહાર થયો હતો અને એમને ગુજરાતી બોલતા આવડે પણ વાંચતા ના આવડે. એ બહેને તો સગાઈ થઈ એટલે હોંશમા આવી ને પ્રથમ પ્રેમપત્ર લખ્યો.ભાઈને ગુજરતી વાંચતા આવડે નહિ એટલે એણે એની બહેનને કહ્યું, બહેન ને પણ ગુજરાતી વાંચતા આવડે નહિ, એમને એમની બાને કહ્યું તો બા કહે મારાથી તારો કાગળ ના વંચાય.
લગ્નની પહેલી રાતે એમણે પત્નિને કાગળ આપીને કહ્યું આ વાંચી સંભળાવ. હું ક્યારનો એ જાણવા આતુર છું કે તે મને શું લખ્યું હતું? અમે બધા એ સાંભળીને ખડખડાટ હસી પડ્યા. કાગળ ઉપરથી વાત સાહિત્ય તરફ ફંટાઈ. બીજા એક ભાઈ બોલી ઊઠ્યા કે જુવાની ના કાળમા હું બહુ અલંકારિક ભાષામા લખતો હતો. બાજુમા જ એમના પત્નિ બેઠા હતા એ બોલી ઊઠ્યા કે આપણા લગ્નને ચાલીસ વર્ષ થશે મેં તો ક્યારેય કોઈ અલંકારિક ભાષા સાંભળી નથી,અને બીજા મિત્રે ટહુકો કર્યો કે હવે તમને અલંકારિક ભાષામા નહિ પણ સોનાના અલંકારોમા રસ છે.
આમ હળવી પળો માણીને બધા છુટા પડ્યા.

June 4th 2010

માળાના મણકા

માળા એટલે શું? તેમા ૧૦૮ મણકા કેમ રખાય છે?
સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એકવાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો.આવી પરિસ્થિતીથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ૠષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમા એકવાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતાં પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામા આવે છે.
બહુજ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનુ સાધન એટલે માળા. આ માળા ૧૦૮ મણકાની બનાવવામા આવી તે પાછળનુ રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે ૧ મિનીટમા ૧૫ વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય ૨૪ કલાકમાં ૨૧,૬૦૦ વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે.રાત્રિના ૧૨ કલાક જો બાદ કરી લઈએ તો દિવસના ૧૨ કલાકમાં મનુષ્ય ૧૦,૮૦૦ વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે, પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનુ ૧૦૦ ગણું ફળ મળે છે . ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો ૧૦૮ વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનુ ૧૦૦ ગણું ફળ મળે. તે ગણતરીએ (૧૦૮x ૧૦૦=૧૦૮૦૦) માળામા ૧૦૮ મણકા પરોવવામાં આવ્યા હતાં. ૧૦૮ મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનુ પહેલું પગથિયું ગણાય છે.
૧૦૮ મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ ૨૭ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમા રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી ૨૭ નક્ષત્રોના મળીને કુલ ૧૦૮ ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા ૧૦૮ રખાઈ છે તેમ આપણા પૂર્વજોનુ માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે ૧૦૮ મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.
માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામા આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામા પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્ય પોતાના મનની શાંતિ માટે અને પરમાત્માના ઉપકારોનુ ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

માહિતી પ્રાપ્ત ઈ -મૈલ દ્વારા. મોકલનાર(પારૂલ ગાંધી)

June 3rd 2010

તરસ

દરિયા વચ્ચે તરસ પ્યાસની,
હોય પાણી ચોપાસ તોય
ના બુઝાય તરસ પ્યાસની.

રણ વચાળે દોટ મુકતો માનવી,
નીર એ તો ઝાંઝવાના
ના બુઝાય તરસ પ્યાસની.

ભર્યા અખૂટ ભંડાર,
તોય આ પામુ ને તે પામુ
ના બુઝાય તરસ લાલસાની.

મરણની ક્ષણ ન થાય એક પળ આઘીપાછી,
પહેરી અમરત્વ નો પટ્ટો
ના બુઝાય તરસ જીજીવિષાની.

રે માનવી ક્યારે ખુલશે આંખ!
પ્રભુએ દીધી જીંદગાની
બુઝાવી લે પ્યાસ કરીને જગભલાઈ.

શૈલા મુન્શા. તા. ૦૬/૦૨/૨૦૧૦

June 3rd 2010

કુદરતની કમાલ

બે દિવસ પહેલા સાંજે અમે અમારા એક મિત્ર દંપતિને ત્યાં ગયા. એમના ઘરમા આઠ પોપટ પાળેલા. બન્ને પતિ પત્નિ એમનુ જીવથી વધારે જતન કરે. એમા એક પોપટી અને બાકીના સાત પોપટ. સવાર સાંજ પતિ કે પત્નિ બે માથી એક જણ બધા પોપટોને બહાર રમવા કાઢે અને એમનુ પાંજરૂં સાફ કરે અંદર પાણીનો કપ મુકે, સફરજન સમારીને અને તાજો ભાત કરીને નાની વાડકીમા મુકે. ઘરના બાળકોની જેમજ એમની સંભાળ લે.
વાત એ નથી પણ અમે જે અજાયબી જોઈ એની છે. વિકાસભાઈએ અમને બોલાવ્યા કે જુઓ તમને કાંઈક બતાવું.બધા પોપટ પાંજરાની બહાર રમતા હતા અને કલશોર કરતા હતા. વિકાસભાઈએ જમીન ઉપર થોડા કાગળના હાથરૂમાલ મુક્યા એમને રમવા માટે કારણ પોપટો ને એ રૂમાલ કાતરવાની મઝા આવે. પોપટની ચાંચ આમ પણ તીણી હોય અને મેં જોયું કે નીચે પાથરેલી પ્લાસ્ટીકની ચટાઈ પણ ચારેખુણે કોઈએ કાતરી હોય એવી લાગતી હતી.
બીજા પોપટ તો રમવામા મશગુલ હતા પણ પોપટી એ કાગળના રૂમાલને કિનારી પરથી એટલી ઝડપ અને સફાઈથી કાતરી રહી હતી જેમ કોઈ દરજીની કાતર કપડા પર ચાલે અને પળમા તો એને એક બાજુની કાગળની લીરી કાપીને ચાંચમા લઈ ડોક ફેરવીને પાછળ પોતાની પાંખમાં ખોસી દીધી. હું તો જોતીજ રહી ગઈ એમ ત્રણ ચાર વાર કરી ને બધી કાગળની લીરી પોતાની પાંખમા ભેગી કરી ને પાંજરામા જઈને જાણે માળો બનાવતી હોય તેમ ગોઠવવા માંડી.
ખરે જ આને કુદરતની કમાલ નહિતો બીજું શું કહેવાય? મા એ તો મા જ છે પછી ભલેને માનવી હોય કે પશુ-પખીં દરેકને પોતનો માળો બનાવવાની અને પોતાના બાળકોની રક્ષા કરવાની કુદરતી સુઝ હોય છે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.