May 22nd 2020
તમારું ગમતું બધું થાય ના ધારવું,
મળ્યું તેટલું માણવું, મન શીદ મારવુંઃ
આંધળા પાટાંની રમત જ છેતારામણી’
રોક્યું ના રોકાય મન, લાલચ લોભામણી!
કરી દેશે ઈશ્વર બધું, ના માનવું,
તમારું ગમતું બધું થાય ના ધારવું!
વાત નાની ને વતેસર થાય મોટું,
કરી જ્યાં ટીખળ, લાગશે ખોટુંઃ
રહી કાઢવી હૈયાવરાળ ભીત સાથે,
તાંડવ કરે જમાનો જમ જેવો માથે!
વહેતી ગંગામાં હાથ ધોવાનુ રાખવું,
તમારું ગમતું બધું થાય ના ધારવું!!
શૈલા મુન્શા તા. ૦૫/૨૦/૨૦૨૦
May 22nd 2020
(૯૬ વર્ષના દાદા હરિકૃષ્ણ મજમુંદાર જે કેલિફોર્નિઆ થી હ્યુસ્ટન ખાસ અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ના માનવંતા મહેમાન બની પધાર્યા હતા, એમનો વાર્તાલાપ અને એમની સાથે ગાળેલી સાંજ મારા ઘરે એ અવિસ્મરણિય યાદ, પછી લખાયેલી અછંદાસ કવિતા જે દાદા ને અર્પણ છે.)
આજ તો છે આજ, વિતેલાનો વિચાર શું!
કાલ ગઈ વીતી, ને કાલની ચિંતા શું!
કહેવાની વાત કોઈ રહી જાય ના,
જીવવાની રીત કોઈ વહી જાય ના!
પળ આજ, જીવનની રળિયામણી,
નહિ ચિંતા, છે મહેનતની કમાણી.
જો બળ જીવવાનું, તો ઉંમરની શી વિસાત,
કોઈ જુવાન છણ્ણુ વર્ષે, કોઈ કરે છાસઠે હિસાબ
નજર નજરનો ભેદને સમજણ સહુની ન્યારી,
બસ ખુદની પરખ કેળવવી છે ભારી.
પગ ચાલે તેનું નસીબ ચાલે, જીવનમંત્ર એ આપનાવો,
બદલાય નસીબ વિશ્વાસ એ દિલમાં જગાવો.
ભરી દીધું જોમ દાદા તમે અમ જીવનમાં,
મળીને તમને, મળ્યો મારગ જિંદગી માણવાનો.
મળ્યો મારગ જિંદગી માણવાનો!
શૈલા મુન્શા. તા ૦૭/૧૫/૨૦૧૫
www.smunshaw.wordpress.com
May 15th 2020
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં?
ઉતરડાયેલ જીવતરના ટાંકા લેવાય કેટલાં!!
સંબંધોના તુટ્યા તાર લાગણીમાં.
વેંત ઓછી પડી ઈચ્છા માપણીમાં;
ઉજ્જડ ધરા પર ચાસ કેવા,
ધીખતાં હૈયાની આગ જેવા!
એક સાંધો તુટે તેર, તો સંધાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!
ઘાણીએ ફરતાં બળદ દિનરાત ઘુમે
આજ જિંદગી, બસ એ ભ્રમમાં રમે;
થાય પીડા કે નહિ, છુપાવે દરદ.
માનવી કે પશુ, આખરે તો મરદ!
હસતાં ચહેરાને વ્યથા, મપાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!
શૈલા મુન્શા તા.૫/૧૫/૨૦૨૦
May 3rd 2020
૧- ભગવાન પણ ભુલો પડ્યો,
શોધી શોધીને એવો અડ્યો,
ભજવવા નાટક સ્વર્ગમાં,
શું અદાકારોને જ નડ્યો?
૨- આંચકા પર આંચકો આપે છે,
ધીરજ બસ લોકોની માપે છે,
વાસ્તવિકતા તો છે કપરી,
એ ગણિત શ્રધ્ધાનુ નાપે છે!!
3- દુઃખના દહાડા પણ જશે
ને સુખ જ સુખ રહેશે,
એ તરણાએ તરી જાશું,
વાત સાચી, સમય કહેશે.
4- ખુદ પર ભરોસો તો રાખ,
દર્દને ભીતર છુપાવી નાખ,
નજર હો ઉન્નતિના શિખરે,
તો આપીશ તકદીરને થાપ!
શૈલા મુન્શા ૦૫/૦૩/૨૦૨૦