July 13th 2010

ઝંખના

ઝંખનાની ડાળીએ ઉગે ન ફૂલ કદી,
ઝાંઝવાના જળ બુઝાવે ન તરસ કદી.

હથેળીમા સમાય ન આકાશ કદી,
ગાગરમા સમાય ન સાગર કદી.

વહેતી હવા બંધાય ન મૂઠ્ઠીએ કદી,
ઊડતી ડમરી રણની ઝીલાય ન ખોબલે કદી.

ઝંખવાથી ઝાંખી પ્રભુની થાય ન કદી,
ઝંખના મા ઉમેરાય ભક્તિ,
પૂર્ણ થાયે ઝંખના પ્રભુદર્શનની.

શૈલા મુન્શા. તા.૦૭/૧૩/૨૦૧૦

July 11th 2010

દીકરી દેવો ભવ- પૂ. મોરારી બાપુ નો લેખ

મારી દષ્ટિએ મા એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિગ્રુહે જાય છે. એના વાત્સલ્યનુ સ્થાન પણ બદલાતું હોય છે, પરંતુ એનુ દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફની એની દયા, મારા અનુભવે, ખુબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે, જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે. કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનુ સ્વરૂપ છે. પુત્ર એ બાપનો હાથ છે, પરંતુ દિકરી એ બાપનું હૈયું છે, અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે, એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદાભાઈએ “કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો” આવી અનુભૂત વાત ગાઈ છે.
દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડા વરસ વધી ગઈ હોય એવું અનુભવાય અને લોકોને લાગે પણ, પરંતુ એ જ દીકરી સાસરેથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી ઉંમરવાળો દેખાય અને ગામડાંમાં તો દોડી પડે, મારો બાપ આવ્યો……મારો દીકરો આવ્યો…..
એમાંય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ વધારે નાનો(નાના) થઈ જતો હોય છે. જુવાન દીકરી વૃધ્ધ બાપની મા બની જતી હોય છે. અને મા જેમ બાળકને આગ્રહ કરીને જમાડે, સાચવે વગેરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે. એટલે દીકરીવાળો બાપ ક્યારેય નમાયો નથી હોતો.
ઘરથી દૂર હોવાનુ મારે ખુબ બને છે. કુટુંબીજનો મારા સાંનિધ્યથી દૂર હોય છે, પણ તેનાથી લાગણીનાં બંધનો વધુ મજબૂત થયાં છે. મારી દષ્ટિએ એ અપવાદ પણ હોઈ શકે,કારણકે હું શરિરથી બહાર ફરતો હોઉં છું, પણ મનથી તેમના તરફ અને એ લોકો મારા તરફ વધારે રહ્યાં છે. એથી અમારૂં મમતાનું બંધન વધુ મજબૂત થયું છે. અને મારું રામકથાનું જે આ સતત અભિયાન છે, આ પરંપરા છે, મિશન છે, તેમાં સમગ્ર પરિવારનું બહુ જ મોટું યોગદાન છે. નહીંતર મને બરાબર યાદ છે, મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી ત્યારે વડોદરાની કથામાં હું જઈ રહ્યો હતો. મારો નિયમ છે કે હું કથામાં જાઉં ત્યારેં બધાં બાળકોને મળીને જાઉં. વહેલું નીકળવાનુ હોય તો તેમને જગાડીને કહેતો જાઉં કે હું જાઉં છું.
એક વખત શોભનાએ મને પૂછેલું ત્યારે મને આંસુ આવી ગયાં પ્રશ્ન ખુબ કરૂણાથી ભરેલો હતો. એણે મને એમ જ પૂછ્યું, “આ બધી કથાઓ મોટાભાઈ તમારે જ કરવાની છે?” શોભના મને મોટાભાઈ કહે છે. ત્યારે હું સમજી શક્યો હતો કે એને મારૂં અહીંથી જવું ગમતું નથી. પણ મારા જીવનકાર્યમાં શોભનાનો ખૂબ સહયોગ રહ્યો છે.
રામચરિત માનસમાં લખ્યું છે -“પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ” યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને. એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિદ્વાર, પ્રયાગ, અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિદ્વારછે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે.
હા દેશ, કાળ અને વ્યક્તિને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરંતુ મારી અંતઃકરણની પ્રવૃતિ આવું કહે છે ;
‘દીકરી (દુહિતા) દેવો ભવ.”

હાલમાં શ્રી મોરારી બાપુની કથાનો લાભ ન્યુ જર્સી ના લોકો ને મળી રહ્યો છે ત્યારે એમનો આ લેખ રજુ કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવી રહી છું.

July 10th 2010

પ્રતિબિંબ

બિંબ ને પ્રતિ-બિંબ ને નીરવ એ એકાંત
ઈશ્વરી માયા નો સર્જાયો અનોખો ચમત્કાર.

રંગોની મેળવણી ને અનોખી દ્રષ્ટિનો પાસ
જળ લાગે સ્થળ સમુ, પથરાયો બિલોરી કાચ

ડુબતાં એ સૂરજનુ અનેરૂં પ્રતિ-બિંબ
છલકતું સમાધિસ્થ જળ પરે
ને ઉગતા એ ચંદ્રનુ પ્રતિ-બિંબ
કાઢતું એ કોર સમાધિસ્થ જળ પરે

મૌન પર્વત માણે કુદરતની કમાલ
કોની એ દ્રષ્ટિ ને કોની એ સૃષ્ટિ,
બસ પ્રતિકૃતિ ખુદની જળપર લહેરાય.

અનુપમ એ દ્રશ્ય, વાચા બને મૌન
મન સભર સભર, જાણે ઈશ્વર સાક્ષાત્કાર
નીરખી એ અદભૂત બિંબ-પ્રતિબિંબ

શૈલા મુન્શા તા. ૦૭/૦૬/૨૦૧૦

 

July 9th 2010

સ્વર્ણ જયંતિ લગ્નની

પચાસ વર્ષનુ સાયુજ્ય, ને પચાસ વર્ષનો સહવાસ
જીવન ઝુમી ઉઠે બાળ ગોપાળોની સાથ.

પાંગરતી ગઈ જીવન વેલ ને પાંગરતો ગયો સંસાર
જીવન બાગની ડાળીએ ખીલતા ગયા
અનીતા, શૈલેશ, રીટા, રીમ્પલ ને અક્ષય
નાજુક ફૂલ સમાન.

વહેતી રહી જીવન નૈયા મધુબેનની અમ્રુતભાઈ સંગ
ખીલ્યા ફૂલ ને ભરાતો ગયો સંસાર,
દેવર્ષિ, જયેશ, પંકજ, દર્શના, ને શ્વેતાની સાથ.

સોનામા સુગંધ ભળે તેમ મહેકી રહી ફુલવાડી
દાયકાઓ વહેતા રહ્યા ને વિકસતી ગઈ સંસારવાડી
સાગર, રવિ, જીમ, સૂરજ, આકાશ,
ને વળી સરિતા, પરિતા, ઈશાની સાથ.

જીવનના હર સુખદુઃખના સાથી અમ્રુતભઈ ને મધુબેન
વહે તમ જીવન દીર્ઘ આયુને સ્વસ્થપણે
શુભકામના ને અમ અંતરની અભિલાષ
ઉજવો હિરક જયંતિ લગ્નની પ્રપૌત્ર-પ્રપૌત્રી સાથ.

(શ્રી અમ્રુતભાઈ ને મધુબેનને પચાસમી લગ્ન જયંતિ નિમિત્તે ખુબ ખુબ વધાઈ)
અમારી દિકરી શ્વેતા ના સાસુ સસરા નહિ પણ માત-પિતા સમાન)
રૂબરૂ હાજર ન રહી શક્યા પણ આ નાનકડી કવિતા દ્વારા શુભેચ્છા અને શુભકામના વ્યક્ત કરી રહ્યા છીએ.

શૈલા-પ્રશાન્ત.

July 9th 2010

આ અમારૂં ઘર છે!

પાંસઠ વર્ષની સવિતા. જીવનભર બીજાની માન્યતા અને બીજાના વિચારોના આધારે જીવતી રહી. આપણા સમાજની એ ખાસિયત, અરે! આપણા સમાજની નહિ બધાની જ એ ખાસિયત, સલાહ આપવી બધાને જ બહુ ગમે પણ લેવી બહુ અઘરી પડે. નાનપણમાં માબાપની સલાહને અનુસરી, પરણ્યા પછી પતિની સલાહને અનુસરી અને બાળકો મોટા થયા તો એમની મરજી મુજબ જીવવાનો પ્રયત્ન કર્યો. દુનિયાની નજરે સવિતા બહુ સુખી દેખાતી પણ ખુદને ક્યાંક કશું ખૂટતું લાગતું.
સવિતા જોઇ શકતી કે દુનિયા બહુ ઝડપે બદલાઈ રહી છે. આજના બાળકો કોમ્પુટરની એક ક્લીકે જગતના કોઇ પણ સમાચાર વાંચી શકે છે, ઘરોઘર ટીવીએ દુનિયા એમની મુઠ્ઠીમાં લાવી દીધી છે. દેશ-વિદેશની મુસાફરી સામાન્ય વાત થઈ ગઈ છે. બાળકોમાં હરિફાઇ અને માનસિક તણાવ વધી ગયો છે, અને આજની છોકરીઓ પણ પોતાની પસંદગી મુજબ પરણવાનુ અને જીવવાનુ પસંદ કરે છે.
સવિતા એ કોઇ દિવસ મહેશને પૂછ્યું નહિ કે તું કેટલું કમાય છે અને મહેશે પણ ક્યારેય જણાવાની તસ્દી ના લીધી પણ રોનકની પત્નિ બરાબર જાણે કે રોનક શું કમાય છે, પોતાની આવક શું છે અને પોતે કેટલા પૈસા ઘરખર્ચમાં આપશે અને કેટલા બચાવશે. સવિતા એ વાતે રાજી હતી કે પોતે જે ન કરી શકી એ રીમા(રોનકની પત્ની) કરી શકે છે.
રોનક અને રીમા ઘણા સમજુ અને લાગણીશીલ છે, રોનકને માબાપના સંસ્કારો નો વારસો મળ્યો છે અને રીમા પણ ખુબ સંસ્કારી માબાપની દિકરી છે, બન્ને ખુબ ભણેલા અને પોતપોતાના ક્ષેત્રમાંખુબ સારી પદવી પર છે. એમને જો કશાનો અભાવ હોય તો એ સમયનો છે. મહેશની કાયમ એ ફરિયાદ કે છોકરાઓને માબાપની પડી નથી પણ સવિતા સમજે કે એવું કાંઇ નથી. આવા નાના મોટા રોજના બનાવો ઘરમાં ઘણી વાર કજીયાનુ કારણ બને.
ધીરે ધીરે સવિતાને લાગવા માંડ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. હું પાંસઠે પહોંચી અને મહેશ પણ સડસઠ પાર કરશે. આ ઘર જેટલું મહેશનુ છે એટલું મારૂં પણ છે અને મહેશ મને ખુબ પ્રેમ કરે છે એની મને ખબર છે. આજે નહિ ને કાલે અમારા બે માં થી એક પહેલા આ દુનિયા છોડી જશે અને બીજા એ એકલા બાકીની સફર પૂરી કરવાની છે. રોનક રીના ધ્યાન નહિ રાખે એવું નથી પણ શા માટે આપણે નજીવા કારણોસર દુરી ઊભી કરીએ. બાળકો પગભર થાય, એમની દુનિયા, એમના વિચારોમાં પરિવર્તન આવે એ સ્વભાવિક છે.
મહેશ બહારથી ભલે ગમે તેટલો સખત દેખાતો હોય અથવા એનુ ધાર્યું ન થાય તો બહુ જલ્દી ગુસ્સે થઈ જતો હોય પણ આટલા વર્ષોના સહવાસે સવિતા સારી રીતે જાણતી હતી કે મહેશ અતિશય લાગણીશીલ છે જ્યારે સવિતા લાગણીશીલ હોવાં છતાં વાસ્તવિક રીતે વિચારી શકતી.
મારે કોઈ ઘર નથી એમ વિચારવાને બદલે આ મારૂં ઘર છે અને મારે અને મહેશે બાકીના દિવસો વધુ પ્રેમ અને સરસ રીતે જીવવાના છે સમજીને સવિતા મહેશને વાતો વાતોમાં જીવન પ્રત્યેનો અભિગમ બદલવાનો, બાળકો પ્રત્યેનો અભિગમ બદલવાનો સુઝાવ કરતી.
એવામાં કોઇ કવિની કવિતા “છેલ્લે તો આપણે બે જ હોઇશું” સવિતાના વાંચવામા આવી અને એને જાણે પહેલી વાર એવું લાગ્યું કે કોઇ એના દિલની વાત કરી ગયું.થોડી પંક્તિ અહિં રજૂ કરવાનો લોભ સવિતા રોકી ના શકી.
“ભલે ઝ્ગડીએ ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઇશું.
હું રીસાઇશ તો તું મનાવજે, તું રીસાઇશ તો હું મનાવીશ
એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઇશું.
સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે
ત્યારે એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઇશું.
સવિતા અને મહેશ મનોમન એ કવિનો આભાર માની રહ્યાં જેણે પોતાની કવિતા દ્વારા એક સમજણ આપી કે પતિ-પત્ની બન્ને સમાન છે ને અંતે તો એજ એકબીજાના પૂરક છે.
સ્વમાનભેર જીવવાની, બાળકો પર ભારરુપ થયા વગર જીવવાની માનસિક તૈયારી સાથે સવિતા અને મહેશ ” આ ઘર અમારૂં છે.” એ મંત્ર જપી રહ્યાં

શૈલા મુન્શા 09/18/2021
www.smunshaw.wordpress.com

July 7th 2010

મારે કોઈ ઘર નથી

સવિતા પાંસઠ વર્ષની વયે પહોંચવા આવી. મધ્યમવર્ગી માબાપને ત્યાં જન્મ અને બાળપણની બસ એટલી યાદ કે પપ્પાની ખુબ લાડકી અને સામાન્ય જરૂરિયાત પુરી કરવામા માબાપે કોઈ કચાશ રાખી નહોતી. દિકરી હોવા છતાં ભણવા માટે પુરતું પ્રોત્સાહન આપી જીવનમા પગભર થતાં શિખવ્યું.
સંસ્કારી માબાપનુ સંતાન અને ખાસ તો દિકરી હોવાના નાતે નાનપણથી માએ દિકરી તો પરકા ઘરની થાપણ સમજી ખુબ જતન અને ચીવટ થી ઘરના સંસ્કારો નુ જ્ઞાન આપ્યું હતું. સવિતા બાળપણ વિતાવી મુગ્ધાવસ્થા ને પગથિયે પહોંચી અને પપ્પાના નિયમો થોડા કડક થવા માંડ્યા. રાતે મોડે સુધી બહાર નહિ ફરવાનુ, યુવાન છોકરાઓ સાથે એકલા કશે નહિ જવાનુ વગેરે વગેરે.
સવિતાથી બે વર્ષ નાનો ભાઈ હતો પણ એને કોઈ રોકટોક નહોતી. સવિતા મનમા મુંઝાતી મનોમન ગુસ્સે પણ થાતી પણ ઘરના સંસ્કારોએ હમેશ એને સામે દલીલ કરતા રોકી, છતાં હૈયા ના ઊંડાણમા અણજાણપણે એક બીજ રોપાયું જેની સવિતાને જાણ પણ ન હતી.( મારે મારી મરજી મુજબ કાંઈ નહિ કરવાનુ)
યુવાન અને સુંદર સવિતા માટે મુરતિયાઓની લાઈન લાગી અને માબાપે સારું ઘર અને ભણેલો છોકરો જોઇ મહેશ સાથે સવિતાના લગ્ન કરાવી આપ્યા. સવિતાના દિવસો મોજમજા અને આનંદથી પસાર થવા માંડ્યા. કુટુંબનો વિસ્તાર વધ્યો અને સરસ મજાના બે બાળકો અમી અને રોનક થી ઘર ભર્યું ભર્યું થઈ ગયું.
સવિતાની લાખ ઈચ્છા છતાં ઘણી બાબતોમા એ પતિની ઉપરવટ જઈ પોતનો સ્વતંત્ર નિર્ણય લઈ શકતી નહિ. પોતે ભણેલી હોવા છતાં બધો નાણાકિય વહેવાર પતિને હસ્તક અને સવિતાએ પણ એમા કદી માથુ માર્યું નહિ.સામાજિક વહેવાર એ સાચવી લેતી પણ કદી એણે જો કાંઈ સ્વતંત્ર નિર્ણય લીધો તો અચૂક બોલચાલ થતી અને ઝગડો આગળ ન વધે એટલે સવિતા ચૂપ થઈ જતી.
બાળકો મોટા થયા અને જમાનો પણ બદલાયો. માબાપની પસંદગી ને બદલે બાળકો પોતાના જીવનસાથી જાતે શોધતા થઈ ગયા. દરેક ઘરની એ કહાણી થઈ ગઈ તો પછી રોનક પણ શા માટે બાકાત રહે. નોકરી ધંધાની સીમા ફક્ત પોતાના શહેર પુરતી મર્યાદિત ન રહેતા આંતરરાષ્ટ્રિય થઈ ગઈ. લગભગ બધાના જ ઘરમાથી બાળકો દેશ-પરદેશ કમાવા માટે જવા માંડ્યા. પતિ પત્નિ બન્ને નોકરી કરે એવો વખત આવી ગયો. એમને પોતા માટે પૂરતો વખત ન રહે ત્યાં વહેવાર સાચવવાનો વખત ક્યાં મળે. સવિતા ઇચ્છે કે રોનક જ્યાં સુધી આપણા માટે પ્રેમ અને લાગણી રાખે છે ત્યાં સુધી બસ છે પણ મહેશ ઇચ્છે કે રોનક બધું એના કહ્યા પ્રમાણે કરે અને ઘરમા મહાભારત મંડાય. સવિતાને કાયમ મનમા ભીતિ રહે કે બાપ દિકરા વચ્ચેના વિચારભેદમા દિકરો આપણાથી દૂર થતો જશે પણ એ મહેશને સમજાવી ના શકે.મહેશને મન રોનક હજી પણ નાનો જ અને એને દરેક વાતમા સલાહની જરૂર, પણ આજની પેઢી કદાચ વધુ વાસ્તવિક રીતે વિચારતી હોઈ શકે.વિદેશ કે દેશ એકલા રહી ભણ્યા ઘણા નિર્ણયો જાતે લીધા અને આપણે જેમ આપણા અનુભવે શીખ્યા તેમ એમને પણ અનુભવે શીખવા દેવા અને એમને જરૂર હોય તો ચોક્કસ સલાહ આપવી, નહિ તો દૂરી વધતી જશે પણ ત્યાં જ સવિતા પાછળ પડતી એ કોઈને કહી શકતી નહિ અને મનમા ને મનમા હિજરાતી કે ખરે જ શું મારે કોઇ ઘર નથી?
સવિતા કદાચ મુગ્ધાવસ્થા એ અણજાણ પણે હૈયા મા જે બીજ વિકસાવી રહી હતી તે આજે વટવૃક્ષ બની ને એને સંતાપી રહ્યું ને એને લાગી રહ્યું કે “મારે કોઈ ઘર નથી” ઍકલી સવિતા જ શા માટે? કદાચ આ ઘણી સ્ત્રીઓ ની મનોવેદના હશે બધું હોવા છતાં આ ભાવના એમના હૈયાને સંતાપી રહી હશે.”મારે કોઈ ઘર નથી”

શૈલા મુન્શા. તા ૦૭/૦૭/૨૦૧૦

July 1st 2010

વરસાદી મોસમ!

વરસાદી આ મોસમમાં, ચાલ વરસતા જઈએ,
ને ભીની એ મોસમ સંગ, ચાલ ને ભીંજાતા જઈએ.

ટહુક્યો એ મોરલો ને વરસી રે હેલી,
 મોરલા ના ટહુકારે, ચાલ ને ટહુકતા જઈએ.

નીતરતું એ નીર,નેવા ની ધારે ધારે,
ટપકંતા એ ટીપે ટીપે,ચાલ ને ટપકતાં જઈએ.

કાનો રમતો ગેડીદડે,ચમકંતી વીજ સંગ,
વીજળી ના ચમકારે,ચાલ ને ચમકતા જઈએ.

ધરતી  નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
 સખા થઈ એકાકાર બસ તુ ને હું આ વરસાદી મોસમે,

ચાલ ને મનભર વરસતા જઈએ.

શૈલા મુન્શા. તા૦૭/૦૪/૨૦૧૦

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.