March 2009
Monthly Archive
Monthly Archive
Posted by shailamunshaw on 16 Mar 2009 | Tagged as: કાવ્યો
વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ
ભૂલી ને ભાનસાન હું તો વહેતી રહી
એ વાયરાની સંગ સંગ.
ફોર્યો ફાગણને ફોર્યો ઓલો કેસૂડો
ને છંટાયો ગુલાલ મારે અંગ
છંટાણી લાલિમા એ રંગોની ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો રમતી રહી
એ રંગોની સંગ સંગ.
રૂખા એ વૃક્ષો બન્યા સજીવન,
ને મહેકી ઉઠ્યા ફૂલડાં વન ઉપવન
ફેલાણી એની મહેક ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો મહેકી રહી
એ ફૂલોની સંગ સંગ
ટહુકો મધુરો ગુંજતો કોયલનો
જાણે રેલાયા બંસીના સૂર
સૂરોને તાલ ખેલંતો કાનૂડો ફાગ
ને ભૂલીને ભાનસાન હું તો રંગાતી રહી
એ કાનૂડાની સંગ સંગ
વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ.
શૈલા મુન્શા. ૩/૧૫/૨૦૦૯.
Posted by shailamunshaw on 16 Mar 2009 | Tagged as: કાવ્યો
શબ્દ ને મૌન હોય એમ પણ બને
અને વળી શબ્દથી કોઈ ઘવાય,
એમ પણ બને.
શબ્દની માયાજાળ અનોખી
કોઈને તારે, કોઈને ડુબાડે,
કોઈને હસાવે, કોઈને રડાવે
એ ખુબી શબ્દની.
પહોંચે માનવી ઉન્નતિના શિખરે
બસ એક શબ્દ થકી,
અને વળી એજ શબ્દ બને
સીડી પતન કેરી.
છૂટ્યું તીર કમાનથી વળે ન પાછું,
ન વળે પાછો શબ્દ છૂટ્યો જે જબાનથી
ઘડી સોચે ઘડી થોભે જો માનવી બોલતા પહેલા,
ન રહે કોઈ વેરઝેર, ના કોઈ લડાઈ જગમા.
કદી બને એવું, બને શબ્દ નિઃશબ્દ
સાથ જો હો પ્રિયજન તો
બસ બોલતી રહે આંખો અને
મૌન બને શબ્દ.
શૈલા મુન્શા. ૨/૧૧/૨૦૦૯