વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ
ભૂલી ને ભાનસાન હું તો વહેતી રહી
એ વાયરાની સંગ સંગ.

ફોર્યો ફાગણને ફોર્યો ઓલો કેસૂડો
ને છંટાયો ગુલાલ મારે અંગ
છંટાણી લાલિમા એ રંગોની ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો રમતી રહી
એ રંગોની સંગ સંગ.

રૂખા એ વૃક્ષો બન્યા સજીવન,
ને મહેકી ઉઠ્યા ફૂલડાં વન ઉપવન
ફેલાણી એની મહેક ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો મહેકી રહી
એ ફૂલોની સંગ સંગ

ટહુકો મધુરો ગુંજતો કોયલનો
જાણે રેલાયા બંસીના સૂર
સૂરોને તાલ ખેલંતો કાનૂડો ફાગ
ને ભૂલીને ભાનસાન હું તો રંગાતી રહી
એ કાનૂડાની સંગ સંગ

વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ.

શૈલા મુન્શા. ૩/૧૫/૨૦૦૯.