December 31st 2022

ગુજરાત દર્શન- પ્રવાસ વર્ણન તા.૨૨/૧૨/૧૯૯૩ ભાગ પહેલો.

ગડઢા સ્વામિનારાયણ મંદિર

ડિસેમ્બર મહિનો આવે અને લગભગ ૨૯ વર્ષ પહેલાં કરેલો ગુજરાત પ્રવાસ યાદ આવે. હમણા કબાટના ખાના સાફ કરતાં એક જુની નોટબુક હાથમાં આવી જેમાં આ પ્રવાસની વિગતો લખાઈ હતી અને એ સ્મરણોને લખાણમાં મુકવાનુ મન થયું.
તા. ૨૨/૧૨/૯૩ બુધવાર.
પહેલીવાર ફક્ત અમે બે ભાઈઓનુ કુટુંબ આ પ્રવાસના સહભાગી બન્યા. હું પ્રશાંત, અમારા બે બાળકો શ્વેતા અને સમીત, મારા દિયર દેરાણી કિરણ અને ગીરા અને એમનો દીકરો કુણાલ એમ સાત જણની સવારી ગુજરાતના પ્રવાસે ઉપડી. સત્તર વર્ષની શ્વેતા અને પંદર વર્ષના સમીત, કુણાલનો ઉત્સાહ અમારા કરતાં પણ વધુ હતો.
અઠવાડિઆથી પ્રવાસની તૈયારી અને સાથે લઈ જવાના નાસ્તા બનાવી ડબ્બા તૈયાર કરી પ્રવાસના આગલા દિવસે અમે મુંબઈથી અમદાવાદ પહોંચી ગયા. દિયરનુ ઘર અમદાવાદ અને ત્યાંથી અમારો પ્રવાસ શરુ થયો.
અમારા જેઠ શ્રી શશિકાંત મુન્શા જે ત્યારે IAS Officer હતાં, એમણે પુરા પ્રવાસની રુપરેખા, દરેક જગ્યાએ રાતવાસો કરવાની સગવડ, ડ્રાઈવર સાથે આઠ વ્યક્તિ બેસી શકે એવી મેટાડોર જેવી સઘળી વ્યવસ્થા કરી આપી હતી.
ગણપતિદાદા અને જય સ્વામિનારાયણ જયજયકાર સાથે ૨૩મી સવારે ૬.૩૦ વાગે કિરણના ઘરેથી મેટાડોરમાં પ્રસ્થાન કર્યું. લગભગ દસ વાગ્યે સાળંગપુર પહોંચ્યા. સરસ દર્શનનો લાભ મળ્યો અને સાથે ગરમ સુખડીનો પ્રસાદ અરોગ્યો. ચા નસ્તો કરી આગળ પ્રયાણ કર્યું અને લગભગ બાર વાગ્યે ગઢડા પહોંચ્યા.
ગઢડામાં ઘેલા નદી પર અક્ષર પુરુષોત્તમનુ આરસનુ મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરી સ્વામીજીની સમાધિ પર ગયાં. મંદિર અને એનુ પરિસર કોઈપણ હીલ સ્ટેશન કરતાં વધુ રળિયામણુ છે. શ્રધાળુઓને રહેવા માટેના નિવાસ સ્થાન આધુનિક સગવડ ભરેલા અને શાંત મનોહર સ્થાન સહુને પરમ શાંતિનો અનુભવ કરાવે એવું છે. બધા જ સ્વામિનારાયણ મંદિરમાં સહુ માટે ભોજનની વ્યવસ્થા હમેશ હોય જ છે. સાત્વિક ભોજનનો આનંદ લઈ ગોંડલ તરફ પ્રયાણ કર્યું
ગોંડલ એટલે રાજા મહારાજાઓનુ નગર. ગોંડલમાં જોવાલાયક ઘણા સ્થળો છે. વિશેષ ધ્યાન ખંચે છે સ્વામિનારાયણનુ મંદિર અને યોગીબાપાની યાદમાં બનાવેલો પ્રદશન હોલ. મંદિરની અંદરની કોતરણી ને શિલ્પ અદ્ભૂત અને જોવાલાયક. ત્યાં યોગીબાપાની સમાધિ અને ધ્યાન મંદિર છે. ધ્યાન મંદિરમાં બેસીએ ત્યારે એવી પરમ શાંતિનો અનુભવ થાય અને મંદિર પાછળ બનાવેલા આરસના ઓટલા પર બેઠા પછી એ કુદરતના સાનિધ્યમાંથી ખસવાનુ મન ના થાય.
ચાર સાડાચારે ત્યાંથી ચા નાસ્તો કરી વીરપુર જલારામ બાપા ના દર્શન કર્યા અને ત્યાંના બજારમાં ફરવા નીકળ્યા. સમીત કુણાલને તો દિવાલ પર લટકાવવાના ખંજર ભાલા ખૂબ ગમી ગયા અને એક યાદગીરી માટે એ ખરીદી લીધાં.
વીરપુરથી નીકળી રાતે સાડા આઠ વાગે જુનાગઢ પહોંચ્યા. ગુજરાત ટુરીઝમની તોરણ હોટલમાં શશિકાંતભાઈએ અગાઉથી જ અમારા રહેવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં રાત્રિભોજન કરી વહેલા સુવાની તૈયારી કરવા માંડી. સહુ થાક્યાં પણ હતા અને સવારે વહેલા ઉઠી ગીરનાર જવાનુ હોવાથી ધબોનારાયણ થયાં
જુનાગઢની ભુમિ પર પગ મુકતાં જ મારી નજર સામે શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા ગુજરાતનો નાથ અને રાણકદેવી, સિધ્ધરાજ જયસિંહ, કાક મંજરી ના પાત્રો તરવરવા માંડ્યા. એ ઐતિહાસિક વર્ણન સપનામાં તાદૃશ્ય થઈ ઉઠ્યું….

શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.