June 17th 2020

કોરોના લગ્ન

કંઈ કેટલાય કોડ મા મનમાં સંવારતી,
અંતરના આશિષ મુજ પર ઓવારતી;
જન્મી જ્યાં હું, માંડવાનો કરતી વિચાર,
ડગલે ડગલે એ ગુંથતી લાગણીના તાર!

સરખી સહેલીઓની જ્યાં જામતી રમત,
કોણ વરને કોણ કન્યાની મંડાતી મમત;
હસતાં ખેલતાં વિતી રે! ગયું એ બાળપણ,
આવી વસંત ઝુમે મન, ભુલાવી ભોળપણ!

સપનાં સંજોરતી મુગ્ધા, જોતી પ્રિતમની વાટ,
નિત નવા મનોરથ, ઘડતી એ અવનવા ઘાટ;
આવશે પિયુ વાજતેને ગાજતે લઈ રસાલો ખાસ,
ઢોલ નગારે, શરણાઈ સુરે, જાનડીઓ લેશે રાસ!

લીલુડાં તોરણ બંધાયને, આંગણે રંગોળી પૂરાય,
હોંશ માવતરની,લાડકડીના અભરખા પૂરા થાય;
સેવ્યું હતું જે સપન, મંગળ ઘડી આવી ઊભી માન,
નોતરાં દેશું, ને દેશું કરિયાવર,પૂરાં કરશું સહુ અરમાન!

ન જાણે ક્યાંથી ત્રાટક્યો કોરોનાનો ચક્રાવાત,
નરી આંખે ના દિશે, આપતો જીવલેણ આઘાત;
ના ઢોલ ના ત્રાંસા, ના જ્યાફત, ના જમણ,
બાંધી બુકાની મોઢે, માંડવે હાજર ચાર જણ!

રહ્યાં અભરખાં મન મહીં, ફર્યાં ફેરા ચાર,
હે પ્રભુ! ઉગાર પૃથ્વીલોકને કરી ચમત્કાર!!

શૈલા મુન્શા તા/૦૬/૧૭/૨૦૨૦

June 15th 2020

મધ્યાહ્ને સૂર્યાસ્ત

સુશાંત સિંહ રાજપૂત, એક ઝળહળતો સિતારો, રુપેરી પડદાની દુનિયામાં પોતાની કેડી કંડારી રહ્યો હતો. આપબળે ટી.વીના નાનકડા પડદેથી ફિલ્મી જગતની ચકાચૌંધ રોશનીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યો હતો….. અને અચાનક જીવનનો અંત લાવી દીધો????
ફિલ્મી જગતથી માંડી સામાન્ય માણસ સહુને આ બનાવે ઝંઝોડી દીધાં.
માનવી અકસ્માતમાં મૃત્યુ પામે, બિમારી, કોરોના જેવી મહામારી, કુદરતી આફતો, બધા સામે માનવી લાચાર હોય અને આપણે કહીએ કે મોતની એક ક્ષણ પણ આઘીપાછી નથી થતી, એ આપણા હાથમાં નથી, પણ કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરે છે, ત્યારે કઈ નબળી ક્ષણ એને એટલો લાચાર કરી મુકે છે કે એ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લે છે?
સવાર પડે છાપામાં, ટી.વીંમાં આવા આપઘાતના સમાચાર આવતા રહેતા હોય છે. ઘણા કારણો હોઈ શકે, ગરીબી, દેવું, લાંબી બિમારી, યુવતીઓ, બાળકી પર થતા બળાત્કાર, દહેજ ભલભલા કારણો હોય છે જ્યાં માનવી હિંમત હારી જાય છે, પણ જ્યારે એક સફળ શિક્ષિત માણસ આપઘાતનો રસ્તો અપનાવે છે ત્યારે મનમાં ઘણા સવાલો ઊઠે છે.
એક વ્યક્તિ જેણે એંજિયરિંગ પ્રવેશ પરીક્ષામાં સાતમો ક્રમ મેળવ્યો. જેના વિશ લીસ્ટમાં ૫૦ સપના કંડારાયેલા, ભારતનો એકમાત્ર વ્યક્તિ જેણે ચંદ્ર પર પોતાની જમીન ખરીદી, નાસાની મુલાકાત લઈ એસ્ટ્રોનૌટ બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી, સ્પેસ અંગે શીખવામાં બાળકોને મદદ કરવી, કૈલાશ પર્વત પર ધ્યાન લગાવવું, જેવી વિવિધ ક્ષેત્રની વસ્તુ જે આ જીવનમાં કરવા માંગતો હોય એને એવી કઈ મજબૂરી આવી કે આવું અંતિમ પગલું ભરવું પડ્યું?
છ મહિનાથી એ ડિપ્રેશનનો ભોગ હતો એવું કહેવાય છે, તો શું બહેનો, મિત્રો, પિતા કોઈને એની મનઃસ્થિતિની જાણ નહોતી? કોઈ એવો ખભો નહોતો જ્યાં એ માથુ ટેકવી શકે? પોતાનુ મન હલ્કું કરી શકે? એવી કઈ અજ્ઞાત પકડ છે, જે માણસને પોતાના કોચલામાંથી બહાર નીકળવા નથી દેતી?
સુશાંત સિંહના આપઘાતે મારા મનમાં પણ વિચારોનો વંટોળ ઉભો કરી દીધો છે. મેં પણ નાની વયમાં માતા પિતાનો સાથ ગુમાવ્યો છે, એ કારણસર અમારા ભાઈ બહેનોના જીવન પણ જુદી જુદી દિશામાં ફંટાઈ ગયા. આ ફક્ત મારો દાખલો નથી, અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં કાંક ઉથલપાથલ થતી હોય છે, પણ આંતરિક એવી કઈ શક્તિ હોય છે જે જીવવા પ્રેરિત કરે અથવા મોતના મુખમાં ધકેલી દે!!
ઘણીવાર આપણે આશાસ્પદ જ્વલંત કારકિર્દી ધરાવતા યુવાન વ્યક્તિ ને માસીવ હાર્ટએટેકમાં મૃત્યુ પામતા સાંભળીએ છીએ જેમની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી હોતી, પુરા તંદુરસ્ત હોય છે, શું એ પણ એક પ્રકારનો આપઘાત હોઈ શકે? માણસ જ્યારે મનની વાત કોઈને કહેતો નથી ત્યારે છાતી પર એ ભાર એટલો અસહ્ય બની જાય છે કે હ્રદય ધબકતું જ બંધ થઈ જાય છે.
એવું કેમ બને છે કે બધાં હોવાં છતાં એક દૂરી, એક ખાઈ સર્જાઈ જાય છે, જેના પર કોઈ પુલ બાંધવાનો યત્ન નથી કરતું અને પછી જીવનભરનો અફસોસ રહી જાય છે. સંબંધોમાં પડેલી તિરાડ આ ખાઈ બની જાય એ પહેલાં એને પુરવાની કોઈ પહેલ કેમ થતી નથી?
ભલભલા સાધુ સંતો, તત્વજ્ઞાનીઓ, હકારાત્મક વલણ ધરાવતા વિદ્વાનો, થોકબંધ પુસ્તકો માનવ સમાજને જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખવાનુ, બધી મુસીબતો સામે લડી લેવાનુ ઘણુ જ્ઞાન આપતાં રહે છે, પણ માનવ મન અને મગજમાં ચાલતાં તોફાનોને સમજવામાં ગોથા ખાઈ જાય છે.
શું ક્યારેય કોઈની ભુલ માફ ના કરી શકાય? એવું પણ કોઈ હોઈ શકે જેની સાથે સંબંધ ના સુધાર્યાનો અફસોસ એના ગયા પછી પણ ના થાય??
એક આશસ્પદ જિંદગી જ્યારે મધ્યાહ્ને અસ્ત પામે છે ત્યારે મન ગ્લાનિથી, દુઃખથી ભરાઈ જાય છે.
કોઈ જ્યોત અકાળે બુઝાઈ જાય પહેલા પ્રભુ એને કોઈ એવો સાથ, કોઈ એવો ખભો, કોઈ એવો મિત્ર જરૂર આપજે જે એને મૃત્યુ રૂપી ખાઈમાં છલાંગ મારતા પહેલા મજબૂત હાથોનો સહારો આપી શકે!!!
ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ

શૈલા મુન્શા તા. ૦૬/૧૫/૨૦૨૦

June 12th 2020

જૂન બેઠક વક્તાઓની પંક્તિઓ

તારીખ ૨૦ જૂન ૨૦૨૦ શનિવાર સવારે ૧૦.૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ઝુમ બેઠકમાં યોજાયેલ ક થી હ સુધીની કક્કાવરી પર શેર, શાયરી ગીતના બોલ, જેમાં દસ સભ્યોએ ભાગ લીધો હતો. દરેક વક્તાએ કવિના નામ સાથે પોતાને મળેલા અક્ષર ઉપર રજૂઆત કરી હતી.

શૈલા મુન્શા ક
કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે, સંગીતા
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું અમે. કવિ બરકત વિરાણી “બેફામ”

ખ – ઈન્દુબહેન
ખોબો ભરીને અમે એટલું હસ્યાં શૈલા
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં – કવિ જગદીશ જોશી
ખટમીઠા સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યાં
કે હોડી ખડક થઈ અમને નડ્યાં કવિ જગદીશ જોશી

ગ – ફતેહ અલીભાઈ ચતુર ભારતી
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,
જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો – કવિ નાઝિર દેખૈયા

ચ – ભાવનાબહેન દેસાઈ
ચાંદનીએ વાદળીથી ગોઠડી કરી. કવિ હરિંદ્ર દવે. સંગીતા

છ – પ્રકાશભાઈ મજુમદાર શૈલા
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,
બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે;
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફુલાઈ ગયા, જોયું ના ફરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને
મારા ભોળા દિલનો કવિ રમેશ ગુપ્તા
ના
ઝ – ભારતીબહેન મજુમદાર ભારતી
ઝટ જાવો ચંદનહાર લાવો,
ઘુંઘટ નહિ ખોલું રે! કવિ ચીમનલાલ ભીખાલાલ જોશી

ટ – શૈલાબહેન મુન્શા સંગીતા
ટચલી આંગળીનો નખ,
હું તો લટમાં પરોવી બેઠી સાજન,
મુ’ને એકવાર કાગળ તો લખ! કવિ વિનોદ જોશી

ઠ – દેવિકાબહેન ધ્રુવ શૈલા
ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર,
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર!
ને દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂરના ચશ્મા છે ઈશ્વર!! કવિ સૌમ્ય જોશી

ડ – પ્રશાંતભાઈ મુન્શા ભારતી
ડૂબતા સૂરજથી રૂઠી જાય છે સૂરજમુખી,
રાતરાણી એને આવીને મનાવી જાય છેઃ
ક્યાં રહે બાકી અભિવ્યક્તિની કોઈ શક્યતા,
કક્કા સાથે કાનો-માતર પણ ઉઠાવી જાય છે! કવિ અદમ ટંકારવી

ઢ – જનાર્દનભાઈ શાસ્ત્રી સંગીતા
ઢળેલી આંખ તારા સ્નેહનું પ્રતિબિંબ છે
ખરેખર તો હ્રદયની વાતનું પ્રતિબિંબ છે. કવિ રશ્મિ શાહ

ત – રક્ષાબહેન પટેલ શૈલા
તમારાં આજ અહીં પગલાં થવાના,
ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે;
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે! કવિ ગની દહીંવાળા

થ – દેવિકાબહેન ધ્રુવ ભારતી
થઈ ગયાં છે ગાંધી અહીં ને થઈ ગયાં લોખંડીવીર,
ઈતિહાસને પલટી રહ્યાં, મોદી ખડા ગુજરાત છે.
વાણી મારી ગુજરાતીનને ભૂમિ આ ગુજરાત છે! કવયિત્રિ દેવિકા ધ્રુવ

દ – શૈલાબહેન મુન્શા સંગીતા
દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે!
માછલીની એક આંખે તાકવું જો તીર તો,
સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે? કવયિત્રિ શૈલા મુન્શા

ધ – ઈન્દુબહેન શાહ શૈલા
ધારો કે એક સાંજ આપણે મળ્યાં;
આપણે હળ્યાં, પણ આખા આ આયખાંનુ શું? કવિ જગદીશ જોશી

ન – ફતેહ અલીભાઈ ચતુર ભારતી
નજર મિલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું?
ખીલી ન ખીલી કળિયો ત્યાં તો ચૂંટી કોણ ગયું? – કવિ અમર પાલનપુરી

પ – ભવનાબહેન દેસાઈ સંગીતા
પીઠી ચોળી લાડકડી કવિ બાલમુકુંદ દવે

ફ – પ્રકાશભાઈ મજુમદાર શૈલા
ફૂલોમાં ડંખો કદી ક્યારેક કાંટાંમાં સુવાસ
લાગણીની આ રમત
આદમથી શેખ આદમ સુધી
એ જ દોરંગી લડત
આદમથી શેખાદમ સુધી કવિ શેખાદમ આબુવાલા

બ – ભારતીબહેન મજુમદાર ભારતી
બસ એક વેળા નજરથી કવયિત્રિ ધીરૂબહેન પટેલ

ભ – રક્ષાબહેન પટેલ સંગીતા
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી
જોવી’તી કોતરોને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. કવિ શ્રી ઉમાશંકર જોશી

મ – પ્રશાંતભાઈ મુન્શા શૈલા
મૈત્રીભાવનુ પવિત્ર ઝરણુ
મુજ હૈયામાં વહ્યાં કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનુ
એવી ભાવના નિત્ય રહે. મુનિ ચિત્રભાનુ

ય – જનાર્દનભાઈ જોશી ભારતી
યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું – કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન

ર – દેવિકાબહેન ધ્રુવ સંગીતા
રેત ભીની તમે કરો છો પણ,
રણ સમંદર કદી નહિ લાગે;
શબને ફૂલ ધરો છો પણ,
મોત સુંદર કદી નહિ લાગે… કવિ ‘કામિલ’ વટવા

લ – શૈલા મુન્શા શૈલા
લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો,
શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો.
હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો,
ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો. કવિ ગુલામ અબ્બાસ.

વ – ઈન્દુબહેન શાહ ભારતી
વગડા વચ્ચે તલાવડી રે તલાવડીની સોડ
ઊગ્યો વન ચંપાનો છોડ વસંત આવ્યો
વરણાગી રે ઝૂલે કેસરિયા ઝૂલ -કવિ બાલમુકુંદ દવે

સ – ફતેહ અલી ચતુર સંગીતા
સપના રૂપે ય આપ ના આવો નજર સુધી
ઊડી ગઈ છે નિંદ હવે તો સહર સુધી – કવિ બેફામ

હ – ભાવના બહેન દેસાઈ શૈલા
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
– કવિ અવિનાશ વ્યાસ

June 12th 2020

કવિ, લેખકોના નામની અંતાક્ષરી

શૈલા બહેન દેવિકાબહેન
અવિનાશ વ્યાસ સુંદરમ
મકરંદ દવે વિનોદ જોશી
શૂન્ય પાલનપુરી રઈશ મણિયાર
રાજેંદ્ર શાહ હરિંદ્ર દવે
વિવેક ટેલર રમેશ પારેખ
ખબરદાર રાજેંદ્ર શુક્લ
લતા હિરાણી નર્મદ
દલપતરામ માધવ રામાનુજ
જોસેફ મેકવાન નિરંજન ભગત
તુશાર શુક્લ લાભશંકર ઠાકર
રામનારાયણ પાઠક કલાપી
પ્રિયકાંત મણિયાર રન્નાદે શાહ
હરનીશ જાની નરસિંહ મહેતા
તુલસીદાસ સૈફ પાલનપુરી
રવિંન્દ્રનાથ ટાગોર રાજેશ વ્યાસ
સ્નેહ રશ્મિ મનોજ ખંડેરિયા
અનિલ ચાવડા દુલા ભાયા
યોસેફ મેકવાન નીતિન વડગામા
મરીઝ ઝવેરચંદ મેઘાણી
નાનાલાલ લલિત ત્રિવેદી
દયારામ મેગી અસનાની
નરેંદ્ર મોદી

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.