June 15th 2020

મધ્યાહ્ને સૂર્યાસ્ત

સુશાંત સિંહ રાજપૂત, એક ઝળહળતો સિતારો, રુપેરી પડદાની દુનિયામાં પોતાની કેડી કંડારી રહ્યો હતો. આપબળે ટી.વીના નાનકડા પડદેથી ફિલ્મી જગતની ચકાચૌંધ રોશનીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યો હતો….. અને અચાનક જીવનનો અંત લાવી દીધો????
ફિલ્મી જગતથી માંડી સામાન્ય માણસ સહુને આ બનાવે ઝંઝોડી દીધાં.
માનવી અકસ્માતમાં મૃત્યુ પામે, બિમારી, કોરોના જેવી મહામારી, કુદરતી આફતો, બધા સામે માનવી લાચાર હોય અને આપણે કહીએ કે મોતની એક ક્ષણ પણ આઘીપાછી નથી થતી, એ આપણા હાથમાં નથી, પણ કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરે છે, ત્યારે કઈ નબળી ક્ષણ એને એટલો લાચાર કરી મુકે છે કે એ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લે છે?
સવાર પડે છાપામાં, ટી.વીંમાં આવા આપઘાતના સમાચાર આવતા રહેતા હોય છે. ઘણા કારણો હોઈ શકે, ગરીબી, દેવું, લાંબી બિમારી, યુવતીઓ, બાળકી પર થતા બળાત્કાર, દહેજ ભલભલા કારણો હોય છે જ્યાં માનવી હિંમત હારી જાય છે, પણ જ્યારે એક સફળ શિક્ષિત માણસ આપઘાતનો રસ્તો અપનાવે છે ત્યારે મનમાં ઘણા સવાલો ઊઠે છે.
એક વ્યક્તિ જેણે એંજિયરિંગ પ્રવેશ પરીક્ષામાં સાતમો ક્રમ મેળવ્યો. જેના વિશ લીસ્ટમાં ૫૦ સપના કંડારાયેલા, ભારતનો એકમાત્ર વ્યક્તિ જેણે ચંદ્ર પર પોતાની જમીન ખરીદી, નાસાની મુલાકાત લઈ એસ્ટ્રોનૌટ બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી, સ્પેસ અંગે શીખવામાં બાળકોને મદદ કરવી, કૈલાશ પર્વત પર ધ્યાન લગાવવું, જેવી વિવિધ ક્ષેત્રની વસ્તુ જે આ જીવનમાં કરવા માંગતો હોય એને એવી કઈ મજબૂરી આવી કે આવું અંતિમ પગલું ભરવું પડ્યું?
છ મહિનાથી એ ડિપ્રેશનનો ભોગ હતો એવું કહેવાય છે, તો શું બહેનો, મિત્રો, પિતા કોઈને એની મનઃસ્થિતિની જાણ નહોતી? કોઈ એવો ખભો નહોતો જ્યાં એ માથુ ટેકવી શકે? પોતાનુ મન હલ્કું કરી શકે? એવી કઈ અજ્ઞાત પકડ છે, જે માણસને પોતાના કોચલામાંથી બહાર નીકળવા નથી દેતી?
સુશાંત સિંહના આપઘાતે મારા મનમાં પણ વિચારોનો વંટોળ ઉભો કરી દીધો છે. મેં પણ નાની વયમાં માતા પિતાનો સાથ ગુમાવ્યો છે, એ કારણસર અમારા ભાઈ બહેનોના જીવન પણ જુદી જુદી દિશામાં ફંટાઈ ગયા. આ ફક્ત મારો દાખલો નથી, અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં કાંક ઉથલપાથલ થતી હોય છે, પણ આંતરિક એવી કઈ શક્તિ હોય છે જે જીવવા પ્રેરિત કરે અથવા મોતના મુખમાં ધકેલી દે!!
ઘણીવાર આપણે આશાસ્પદ જ્વલંત કારકિર્દી ધરાવતા યુવાન વ્યક્તિ ને માસીવ હાર્ટએટેકમાં મૃત્યુ પામતા સાંભળીએ છીએ જેમની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી હોતી, પુરા તંદુરસ્ત હોય છે, શું એ પણ એક પ્રકારનો આપઘાત હોઈ શકે? માણસ જ્યારે મનની વાત કોઈને કહેતો નથી ત્યારે છાતી પર એ ભાર એટલો અસહ્ય બની જાય છે કે હ્રદય ધબકતું જ બંધ થઈ જાય છે.
એવું કેમ બને છે કે બધાં હોવાં છતાં એક દૂરી, એક ખાઈ સર્જાઈ જાય છે, જેના પર કોઈ પુલ બાંધવાનો યત્ન નથી કરતું અને પછી જીવનભરનો અફસોસ રહી જાય છે. સંબંધોમાં પડેલી તિરાડ આ ખાઈ બની જાય એ પહેલાં એને પુરવાની કોઈ પહેલ કેમ થતી નથી?
ભલભલા સાધુ સંતો, તત્વજ્ઞાનીઓ, હકારાત્મક વલણ ધરાવતા વિદ્વાનો, થોકબંધ પુસ્તકો માનવ સમાજને જીવન પ્રત્યે હકારાત્મક વલણ રાખવાનુ, બધી મુસીબતો સામે લડી લેવાનુ ઘણુ જ્ઞાન આપતાં રહે છે, પણ માનવ મન અને મગજમાં ચાલતાં તોફાનોને સમજવામાં ગોથા ખાઈ જાય છે.
શું ક્યારેય કોઈની ભુલ માફ ના કરી શકાય? એવું પણ કોઈ હોઈ શકે જેની સાથે સંબંધ ના સુધાર્યાનો અફસોસ એના ગયા પછી પણ ના થાય??
એક આશસ્પદ જિંદગી જ્યારે મધ્યાહ્ને અસ્ત પામે છે ત્યારે મન ગ્લાનિથી, દુઃખથી ભરાઈ જાય છે.
કોઈ જ્યોત અકાળે બુઝાઈ જાય પહેલા પ્રભુ એને કોઈ એવો સાથ, કોઈ એવો ખભો, કોઈ એવો મિત્ર જરૂર આપજે જે એને મૃત્યુ રૂપી ખાઈમાં છલાંગ મારતા પહેલા મજબૂત હાથોનો સહારો આપી શકે!!!
ૐ શાંતિ શાંતિ શાંતિ ૐ

શૈલા મુન્શા તા. ૦૬/૧૫/૨૦૨૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.