June 25th 2018

મારિઓ -છુપો રુસ્તમ

મારિઓ અમારા ક્લાસમાં લગભગ જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો. બીજા મેક્સિકન બાળકોની જેમ ગઠિયો અને ગોળ ચહેરો. માતા પિતા પણ સામાન્ય ઊંચાઈ કરતાં ઓછી ઉંચાઈવાળા. નાનકડો પરિવાર, મારિઓ અને એક નાની બેન.
સ્પેસીઅલ નીડ વાળા બાળકો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે શાળામાં દાખલ થઈ શકે. જેવા ત્રણ વર્ષ પુરા થાય અને ડોક્ટરે Autistic, A.D.H.D., અથવા speech therapyનુ નિદાન કર્યું હોય તો એ બાળકને અમારા ક્લાસમાં દાખલ કરી શકાય.
મારિઓ પણ આવ્યો ત્યારે અમને લાગ્યું કે એની વાચા પુરી ખુલી નથી એટલે જ એ અમારા ક્લાસમાં છે, બાકી તો બીજી કોઈ ખામી દેખાતી નહોતી.
મારિઓ આવ્યો ત્યારથી રડવાનુ નામ નહિ,બધું કામકાજ વ્યવસ્થિત,સવારના જેવી નાસ્તાની કાર્ટ લઈ કાફેટેરિઆની કર્મચારી આવે કે તરત નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ જાય. એને દુધની એલર્જી એટલે જાતે જ દુધનુ કાર્ટન બાજુ પર મુકી જ્યુસ લઈ લે. વ્યવ્સ્થિત ખાય, કાંઈ ઢોળવાનુ નહિ, શરૂઆતમાં થોડા દિવસ શરમાયો પણ પછી તો ઊભો થઈ નાસ્તો જો વધ્યો હોય તો બીજો લઈ આવે. જમવાના સમયે અમારા બાળકોને અમે ક્લાસમાં જ જમાડીએ અને અમારા ત્રણ શિક્ષકોમાં થી કોઈ એક કાફેટેરિઆમાં જઈ બધા બાળકોની ટ્રે લઈ આવે. જેવો અગિયાર વાગ્યાનો સમય થાય, મરિઓ અમારી નાનકડી કાર્ટ ખેંચી દરવાજે પહોંચી જાય. અમારી સાથે કાફેટેરિઆમાં આવે અને જે જોઈતું હોય એ ટ્રેમાં મુકાવે.
અમે તો બધા ખુશ ખુશ!! વાહ શું વાત છે!!! ઘણા વખતે એવો બાળક ક્લાસમાં આવ્યો જે હસતો હસતો ક્લાસમાં આવે છે અને ક્લાસના નિયમોમાં તરત ગોઠવાઈ ગયો છે.
મારિઓ સીધો તો ખરો પણ આપણી ભાષામાં કહીએ તો, જલેબી જેવો સીધો. એ ભાઈના અવનવા રૂપનો પરચો તો અમને ધીમે ધીમે થવા માંડ્યો.
સ્પેસીઅલ નીડ ક્લાસમાં જ્યારે પણ કોઈ બાળક દાખલ થાય ત્યારે એની આખી ફાઈલ હોય. એમના મેડિકલ ટેસ્ટ, કોઈ એલર્જીછે કે નહિ, શું ખાઈ શકે વગેરે બધી માહિતી હોય. મારિઓ બોલતો નહોતો એ સિવાય બીજી કોઈ માનસિક વિકલાંગતા એનામાં દેખાતી નહોતી. લગભગ બે એક અઠવાડિઆ પછી બપોરે બાળકોના સુવાના સમયે હું મારિઓની બાજુમાં બેઠી હતી અને મને કોઈ કાંઈ બોલતું હોય એવો અવાજ આવ્યો. જોયું તો મારિઓ દિવાલ પર લગાડેલા આલ્ફાબેટ્સ અક્ષરો અને ચિત્રો વાંચી રહ્યો હતો like A for apple B for baby etc
મેં તરત મીસ ડેલને બોલાવી. મારિઓને બોલતો સાંભળી એ પણ નવાઈ પામી ગઈ. વાત એટલેથી અટકતી નથીં મારિઓ ચાર વર્ષનો પણ અમારા ક્લાસમાં પાંચ અને છ વર્ષના બાળકો પણ હોય. આ વર્ષે છોકરાં વધારે હતા અને એમાં પણ બે ચાર જણ તો તોફાની બારકસ!!! રમતના મેદાનમાં તો દોડાદોડી કરે જ પણ ક્લાસમાં પણ ધમાલ. કોઈને પણ અડફટે લઈ લે. અમારી નજર સતત એમના પર હોય જેથી કોઈને વાગી ન જાય, દોડતાં દોડ્તાં એમની ટપલી જો મારિઓને વાગે તો મારિઓ ભાઈ જઈને પુરી ટપલી તો ના મારે પણ ઘોંચપરોણો કરી આવે અને દોડીને અમારી પાછળ સંતાઈ જાય. કોઈનો માર ખાઈને બેસી રહે એ મારિઓ નહિ. કોઈને ચીઢવવા સળી કરવામાં ઉસ્તાદ અને એવો હસતો ચહેરો કે એના ઉપર તો કોઈને શંકા જ ક્યાંથી આવે !!!!
આજના બાળકોને બીજું કાંઈ આવડે કે નહિ પણ iPhone કે Ipad વાપરતાં બરાબર આવડે. મારિઓ પણ એમાં બાકાત નહિ. અંગ્રેજીમાં થી સ્પેનિશ ભાષા બદલતાં પણ આવડે. ધીરે ધીરે અમારા શબ્દોને ફરી બોલી અમને સંભળાવે. મારિઓને ચીઢવવા એ લેગો કે કોઈ બીજી રમત માંગે અને અમે ના કહીએ એટલે એ પાછો અમને ના કહે અમારી જ સ્ટાઈલમાં, અને અમે હસી પડીએ.
આવાં તો કાંઈ નવા નવા રૂપ એના અમને હેરત પમાડે છે અને અમે આપેલી પદવીને અમારો મારિઓ સાર્થક કરે છે!
સાચે જ મારિઓ અમારો છુપો રૂસ્તમ છે અને ભવિષ્યમાં નીલ ગગનનો ચમકતો સિતારો બનશે એમાં કોઈ શંકા નથી.

શૈલા મુન્શા તા ૦૬\૨૫\૨૦૧૮

June 18th 2018

મિકાઈ-૨

અમેરિકામાં શાળાકિય વર્ષની શરૂઆત અને અંત ઉત્તરમા અને દક્ષિણમા થોડા જુદા સમયે થાય. અમારે હ્યુસ્ટન જે દક્ષિણમાં આવેલું છે ત્યાં સ્કૂલ ઓગસ્ટમાં શરૂ થાય અને મે ના અંતમા પુરી થાય, જ્યારે ન્યુયોર્ક, બોસ્ટન વગેરે ઉત્તરના શહેરોમાં જુનમાં પુરી થાય અને સપ્ટેમ્બરમા ખુલે.
જુન મહિનો અમારા સ્પેસીઅલ નીડ બાળકો માટે ESY (Extended school year) તરીકે ઓળખાય. અવનવા અનોખા આ બાળકોની પ્રગતિ ધીમી ન પડી જાય એટલે ઘણા બાળકોને એક મહિનો વધુ સ્કૂલમાં આવવાનો લાભ મળે.

આ મહિનામાં અમને શિક્ષકોને પણ નવા બાળકો સાથે સમય વિતાવવાનો લાભ મળે, કારણ બે થી ત્રણ સ્કૂલના બાળકો એક સ્કૂલમાં ભેગા થાય.
અમેરિકામાં હું છેલ્લા સોળ વર્ષથી સ્કુલમાં શિક્ષિકા તરીકે કામ કરું છું અને તે પણ સ્પેસીઅલ નીડ બાળકો સાથે. મારા ક્લાસમાં બાળકો ત્રણ થી પાંચ વર્ષની વયના હોય અને છ વર્ષે એમની કાબેલિયત પ્રમાણે રેગ્યુલર પહેલા ધોરણમાં જાય અથવા સ્પેસીઅલનીડના ક્લાસમાં જાય જ્યાં પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધી હોય.
સોળ વર્ષમાં ઘણા બાળકો સાથે કામ કરવાનો લહાવો મળ્યો. ઘણા બાળકો તો મારી સ્કૂલમાં જ અત્યારે આગલા ધોરણોમાં છે, કોઈક સ્પેસિઅલ નીડના ક્લાસમાં તો કોઈ રેગ્યુલર ક્લાસમાં,પણ અમુક બાળકોને એમની જરૂરિયાત પ્રમાણે બીજી શાળામાં મોકલવા પડે. મારો ડેનિયલ જે બાજુના ક્લાસમાં છે અને ચોથા ધોરણમાં છે પણ રીસેસ સમયે અમારા બન્ને ક્લાસના બાળકો સાથે રમતા હોય અને ડેનિયલ હજી પણ મારી પાસે આવીને કહે “Miss Munshaw your little baby is kicking me” કે અમારી ડુલસે જે રેગ્યુલર ત્રીજા ધોરણમાં છે એ પણ રોજ સવારે બસમાં થી ઉતરતા મીઠુ હસતા મને good morning કહેવાનુ ચુકતી નથી.
આ બધા બાળકો તો મારી સ્કૂલમાં એટલે મને રોજ જોતા હોય પણ આજે મારે વાત કરવી છે મિકાઈની. ચાર વર્ષ પહેલા એ અમારા ક્લાસમાં હતો. પાંચ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કૂલમાં આવ્યો. highly Autistic child, ખુબ અગ્રેસીવ.ત્યારે જ એની ઊંચાઈ સારી હતી અને ઘૂંઘરાળા વાળ. બોલે ખાસ નહિ પણ આંકડા, નંબર બહુ ગમે. દુનિયાનો નક્શો અને ગ્લોબ જો દેખાય તો તરત એના પર જુદા જુદા દેશ જોવા માંડે. એને કોમ્પ્યુટર શિખવાડ્યા પછી જાતે ટાઈપ કરી જુદા જુદા દેશને શોધવાનો પ્રયત્ન કરે અને અમારી મદદથી શોધી અને નક્શો જોયા કરે.
એની હોશિયારી અને આવડત જોઈ એને અમારી સ્કૂલના સ્પેસિઅલ નીડના પહેલા ધોરણમા મોક્લવાનુ અમને મુનાસિબ ના લાગ્યું.ત્યાં દસથી બાર બાળકો હોય અને મિકાઈનો ધાર્યો વિકાસ ના થઈ શકે. અમેરિકામાં આ બાળકો માટે ઘણી સુવિધા છે જ્યાં માનસિક વિકલાંગ બાળકોને પણ આગળ વધવા માટે જુદી જુદી શાળા હોય છે. મિકાઈ પણ એવી શાળામાં ગયો જ્યાં ક્લાસમાં ચારથી પાંચ બાળકો હોય અને બે શિક્ષક જેથી દરેક બાળકની આવડત ધ્યાનમાં રાખી એમનો અભ્યાસ ક્રમ નક્કી થાય.
આ વર્ષે જુનમાં અમારી સ્કુલમાં ત્રણ ESYના ક્લાસ હતા. બે ક્લાસ તો અમારા બાળકોના જ હતા પણ ત્રીજા ક્લાસના બાળકો બીજી સ્કૂલમાં થી આવ્યા હતા. પહેલે દિવસે જ એક બાળક ખાસો લાંબો પહોળો અને માથે લગભગ ટકલું કહી શકાય એવો, દોડીને અમારા ક્લાસમાં આવી ગયો. મને જોઈ મારી પાસે આવી મારો હાથ પંપાળવા માંડ્યો. એની ટીચર આવીને એને લઈ ગઈ પણ દિવસમાં બેત્રણ વાર એના ક્લાસમાં થી ભાગી અમારા ક્લાસમાં આવી જાય. આવું બે ત્રણ દિવસ ચાલ્યું અને ખાસ તો અમારા ક્લાસમાં અમે ત્રણ શિક્ષકો હોવા છતાં એ આવીને મને જ વહાલ કરે, મારો હાથ પંપાળે. મને પણ એને જોઈ કાંઈક પરિચીતપણાનો આભાસ થતો.
ચાર પાંચ દિવસ પછી ઓચિંતો એનો ખુલાસો થયો. બપોરના ઘરે જવાના સમયે જ્યારે સ્કુલ બસ આવી અને હું મારા બાળકોને બસમાં બેસાડવા ક્લાસની બહાર નીકળી અને મેં બાજુના ક્લાસના ટીચરની બુમ સાંભળી, “મિકાઈ જલ્દી, તારી બસ આવી ગઈ છે” અને વિજળીનો કરંટ લાગ્યો હોય એમ મારા દિમાગના દરવાજા ખુલી ગયા!!!!
ઓહ….. આ તો મારો મિકાઈ!! ચાર વર્ષ પહેલા એ બીજી સ્કૂલમાં ગયો પણ આ સ્કૂલ અને મને ભુલ્યો નથી. મારા ક્લાસમાં બીજા નવા ટીચર આવી ગયા હતા પણ હું તો એ જ જુની અને જાણીતી હતી એને માટે. ચાર વર્ષમાં મિકાઈ ખાસો ઊંચો થઈ ગયો હતો, ચહેરો વધુ ભરાવદાર થઈ ગયો હતો પણ એનુ સ્મિત તો હજી એવું જ હતું.
મેં જ્યારે એને મિકાઈ કહી બોલાવ્યો, એનો હાથ પંપાળ્યો તો એક ચમક એની આંખમાં આવી ગઈ જાણે હાશ મને ઓળખ્યો તો ખરો!!!!
આ બાળકોને કોઈ કેવી રીતે માનસિક પછાત કહી શકે???? આ મારો તારલો ભવિષ્યમાં જરૂર નીલગગનનો ચમકતો સિતારો બની પોતાની પ્રતિભા ફેલાવશે.

શૈલા મુન્શા તા ૦૬/૧૮/૨૦૧૮

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.