November 2007

Monthly Archive

કુદરત

Posted by shailamunshaw on 24 Nov 2007 | Tagged as: કાવ્યો

એક તરફ ચાંદની બીજે ચમકારા,
એક તરફ તારલા ટમટમે બીજે વીજ લીસોટા.

કુદરત કેરા ખેલ અવનવા,
હર પળ દર્શાવે રુપ નવાનવા.

એક તરફ ઢળતો સૂરજ,બીજે ઉગતો ચાંદ
એક તરફ સોનેરી સંધ્યા, બીજે ઉમડતા વાદળ ઘનેરા.

ક્યાંક છલકાતું ઘોડાપુર ને ક્યાંક પાણી કેરા સાંસા,
ક્યાંક ધરા ધખધખે, ને ક્યાંક બરફ કેરી શીતળતા.

ક્યાંક નભને ચૂમતા ડુંગરો, ને ક્યાંક પાતાળે પહોંચતી ખીણો
ખીલે ક્યાંક ફુલો રંગબેરંગી ક્યાંક અડાબીડ જંગલો.

પતંગિયા ની પાંખો રંગીલી,
જાણે મેઘધનુ કેરી છટા અનેરી.

કોણ જાણે કોણ મદારી ને કોના હાથમાં દોર,
બસ એટલું ભાસે, એતો કુદરત કેરા ખેલ.

શૈલા મુન્શા.
૨૩/૧૧/૦૭

ઝરણુ

Posted by shailamunshaw on 17 Nov 2007 | Tagged as: કાવ્યો

ખળખળ વહેતું ઝરણુ નિજાનંદ માં મસ્ત
હસતું રમતું વહે પ્રક્રુતિની ગોદમા વ્યસ્ત.

કલકલ નાદે કરે પંખી સાથે કલરવ
ખીલ્યા ઉપવને જાણે ભ્રમર કરતો ગુંજારવ.

તરસ્યા પ્રાણીઓની ભાંગે તૃષા
નહિ કોઈ આશ નહિ અપેક્ષા

ક્યાં જનમ્યું ક્યાં વિલીન થયું કોણ કરે પરવા?
મળી જે જિંદગાની વિતાવી ધરતીએ વિહરવા.

ના પર્વતનો વિયોગ ના સાગરને મળવાની ઝંખના
નિત કામ આવું સર્વને હૈયે એજ રટણા.

પ્રભુ પ્રાર્થના બસ એટલીજ મુજ હૈયા તણી
વહાવું જિંદગી સાર્થક કરી સ્વચ્છ ઝરણાં સમી.

શૈલા મુન્શા
૧૧/૧૫/૦૭