July 6th 2020

સુરેખા

સુરેખા આજે બહુ ખુશ હતી. સવારથી ઘરમાં ચહલપહલ થઈ રહી હતી. લાડકી પૌત્રી સુલક્ષણાનો ઉત્સાહ ચરમ સીમાએ પહોંચ્યો હતો. બધી તૈયારી એની દેખરેખ હેઠળ અને એની મરજી પ્રમાણે જ થઈ રહી હતી. આખરે એ જ તો ઘરની બોસ હતી.
સવારના પહોરમાં સુલુ (લાડકી સુલક્ષણાનુ લાડકું નામ) દાદીના રૂમમાં ધસી આવી, હાથમાં સુંદર મઝાની સાડી હતી.
“દાદી,તારે આ સાડી પહેરવાની છે. તારું કબાટ ખોલ, મને તારો બધો દાગીનો બતાવ. હું કહું એ જ દાગીનો તારે પહેરવાનો છે. દાદાજીનો સૂટ તૈયાર છે, એમણે પણ એ જ પહેરવાનો છે.”
પૌત્રીના એ અઢળક વરસતા પ્રેમને દાદી મીઠી મુસ્કાન સાથે માણી રહી હતી.
“સુલુ તારા હુકમની વિરુધ્ધ જવાની આ ઘરમાં કોઈની હિંમત છે?” કહી દાદી ખડખડાટ હસી પડી, સાથે સાથે આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
આ હસતી ઉછળતી હરિણીસી સુલુ થોડા મહિનામાં પરણીને એના ઘરે જશે અને આ ઘર સૂનુ થઈ જશે, પણ આજના દિવસે સુલુ કોઈને ઉદાસ રહેવા દે એવું ક્યાં બનવાનુ હતું, એની વહાલી દાદીની આજે ૭૫મી વર્ષગાંઠની ભવ્ય પાર્ટીનુ આયોજન સુલુએ કર્યું હતું. એની ઈચ્છા તો દાદીને સુરપ્રાઈસ આપવાની હતી, પણ પપ્પા અને મમ્મી બન્ને એ સુલુને સમજાવી, “બેટા આ ઉંમરે દાદીને સરપ્રાઈસ આપવું સારૂં નહિ. તું પાર્ટી આપ પણ દાદીને કહીને. થોડા દિવસ પહેલા દાદીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી એ તું ભુલી ગઈ?” અને સુલુ સમજી ગઈ.
સાંજની પાર્ટીમાં સહુ સુરેખાને અભિનંદન આપતા હતાં. જુના મુવીના સુરેખાની પસંદગીના ગીતો ડીજે વગાડતો હતો. સ્થૂળ સ્વરૂપે સુરેખા ત્યાં હાજર હતી, પણ મન એનુ બાળપણને ઓવારે પહોંચી ગયું હતું.
ધનાઢ્ય કુટુંબમાં જન્મેલી સુરેખાને નોકર ચાકરની કમી નહોતી. એક મોટોભાઈ અને માતા પિતા નાનકડો સુખી સંસાર. નાનપણથી સુરેખા ભણવા સાથે ઈતર પ્રવૃતિમાં ભાગ લેતી. આસ પડોશમાં સહુની લાડકી, એમાં પણ જમનાકાકીને કરસનદાસના ઘરમાં એની પાકી બહેનપણી. બીજું ઘર જ જાણે સુરેખા માટે. જમનાકાકીને આઠ બાળકો, ચાર દિકરાને ચાર દિકરી, મોટો વસ્તાર.એમાં સુરેખા પણ સહેલાઈથી ભળી જાય.
યૌવનને પહેલે પગથિયે પહોંચતા તો સુરેખાને હૈયે જમનાકાકીનો નાનો દિકરો સુનીલ વસી ગયો. સુનીલની આંખોમાં પણ સુરેખા માટે પ્રેમ દેખાતો. સુનીલની બહેન ભાવના એમના પ્રેમની ગુપ્ત સાથીદાર બની, ચિઠ્ઠિની આપ લે કરનાર ટપાલી બની. ધીરેધીરે વાત બન્ને ઘરના વડિલોના કાન સુધી પહોંચી. જમનાકાકીને તો સુરેખા આમ પણ ગમતી હતી, નાનપણથી નજર સામે મોટી થતી જોઈ હતી એમને તો આ સંબંધ લગ્નમાં પરિણમે એમાં જરાય વાંધો નહોતો, પણ સુરેખાના પપ્પા મમ્મીને એક જ ચિંતા હતી. નાના કુટુંબમાં ઉછરેલી સુરેખા એ બહોળા કુટુંબની જવાબદારી ઉપાડી શકશે?
આમ તો કરસનદાસની વિચારસરણી પણ જમાનાથી ખૂબ આગળ હતી. કુટુંબનો પ્રેમ અને લાગણી હમેશ રહે એટલા માટે દુરંદેશી વાપરી તેઓ દિકરાઓને લગ્ન પછી થોડો વખત સાથે રાખી જુદું ઘર માંડી આપતા આમ દરેક દિકરો સ્વતંત્ર અને આમ કુટુંબથી જોડાયેલો પણ રહેતો.
સુરેખાને પોતાના પર વિશ્વાસ હતો અને બન્ને કુટુંબની સમ્મતિથી સુરેખા, સુનીલના લગ્ન થઈ ગયા.
બે વર્ષમાં સુરેખાએ દિકરાને જન્મ અપ્યોને હસતાં ખુશીના દિવસો પસાર થવા માંડયા.
કુદરતને આ ખુશી મંજૂર નહોતી. કાળની પહેલી થાપટ વાગી અને વીસ દિવસના આંતરે કરસનદાસના બે જમાઈનુ અવસાન થયું, બે દિકરી વિધવા થઈ. મોટી દિકરીનુ ઘર તો ખમતીધર હતું, પણ નાની દિકરીની સ્થિતિ સામાન્ય અને ત્રણ બાળકોની જવાબદારી. કરસનદાસે દિકરાઓની સમ્મતિથી એક ફંડ દિકરી માટે જુદું રાખ્યું, પણ દિકરીએ નોકરી કરી સ્વમાનભેર જીવવાનુ નક્કી કર્યું.
વિધીની વક્રતા કે બે જુવાન દિકરી અને નાનકડા દિકરાને મુકી ચાર વર્ષમાંએ દિકરી પણ અકસ્માતમાં અવસાન પામી. મન પર પથ્થર મુકી કરસનદાસે મોટી દિકરી નિમિષાને પરણાવી નેહા અને નલીન બન્ને દિકરી, દિકરાને પોતાની સાથે રહેવા બોલાવી દીધાં.
સુરેખાને માથે પોતાના દિકરા સાથે આ બન્નેને સાચવવાની જવાબદારી આવી ગઈ. નલીન તો નાનો હતો, પણ નેહા યૌવને પગથાર હતી. સુરેખાએ નેહાને પાંખમાં લીધી, એની લાગણીને ઠેસ ના પહોંચે એની પુરતી કાળજી લીધી. પોતાના એક નહિ પણ ત્રણ સંતાન છે એવી રીતે સહુને સંભાળી લીધા, ત્યાં સુધી કે નેહાના આવ્યા પછી સુરેખા સુનીલ ક્યાંય ફરવા પણ નેહા, નલીન ને મુકીને ન જતાં
કોઈકવાર ઈશ્વર પણ સાચા માણસની જ કસોટી કરતાં થાકતો નથી. હજી તો કરસનદાસ જમનાકાકી, સુરેખા સુનીલ આઘાતમાંથી બહાર આવે ત્યાં બીજો વજ્રાઘાત થયો. સુનીલથી મોટો ભાઈ અચાનક ગંભીર બિમારીમાં સપડાયો અને જોતજોતામાં તો પત્ની બાળકોને રડતાં મુકી અવસાન પામ્યો. આ ઘા થી કરસનદાસ ભાંગી પડ્યાં, પણ સુરેખાએ મન મક્કમ કરી લીધું.

સુનીલતો ભાઈ હતો, એણે ભાઈના દિકરાને ધંધામાં પલોટવાનુ, તૈયાર કરવાનુ માથે લીધું, પણ સુરેખા જે ઘરની વહુ અને પારકી જણી કહેવાય એને એક મા બની સહુની જવાબદારી હસતાં મુખે ઉપાડી લીધી. નેહા નલીનની તો મા બની ચુકી જ હતી પણ હવે જેઠાણીની પણ બહેન બની ગઈ. કશે પણ ફરવા જવાનુ વિદેશની મુસાફરી ક્યાંય સુરેખા સુનીલ ભાભીને સાથે લીધાં વગર ના જતા.
સુરેખાએ પોતાનુ એક અલગ વ્યક્તિત્વ પણ વિકસાવ્યું. પાડોશની શાળામાં લાઈબ્રેરીમાં મદદ કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે મેનેજ્મેંટ માં અગત્યનો હોદ્દો સ્વીકાર્યો, શાળાને ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડી.
વખત આવ્યે નેહાને ધામધૂમથી પરણાવી. નેહાને નિમિષાની મા બની ક્યારેય માતાની ખોટ સાલવા ના દીધી. નિમિષા, નેહા માટે સુરેખા મામી માં થી ક્યારે ફક્ત મા બની ગઈ એ સમજવાની જરૂર પણ ના રહી.
સુલુ દાદીનો ખભો ઢંઢોળી બોલી રહી હતી, દાદી દાદી ક્યાં ખોવાઈ ગયા, જુઓ સામે પડદા પર લંડનથી તમારા માટે નિમિષા ફોઈ અને નેહાફોઈ તમને ૭૫મી વર્ષગાંઠની શુભેચ્છા આપી રહ્યાં છે અને મારા લગનમાં જરૂરથી આવવાનુ પ્રોમિસ પણ આપી રહ્યાં છે.
સુરેખા આજે ખૂબ ખુશ હતી, ૭૫ વર્ષનુ સરવૈયું જમા ખાતામાં હતું, સ્નેહાળ પરિવાર સાથે બે દિકરીઓનો મા બનવાનુ અનોખું નજરાણુ મળ્યું હતું.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા તા. ૦૭/૦૫/૨૦૨૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.