January 21st 2014

આવી પાનખર!

કદી ધાર્યું નહોતુ આવશે પાનખર,
પણ ભર વસંતે આવી પાનખર!

વૃક્ષે વિંટળાતી એ વેલ ને ફુટી એક કુંપળ,
લહેરાય એ કુંપળ, તે પહેલા આવી પાનખર!

છબી મનોહર કલ્પી મનગમતા સાથ ની
ચિતરાય અવનવા રંગે, તે પહેલા આવી પાનખર!

હૈયા મહી સળવળે સપના માઝમરાત ના,
આવે અસવાર આંગણ, તે પહેલા આવી પાનખર!

કદી એમ ધાર્યું નહોતું, આવશે પાનખર,
ઘવાઈ જીંદગી ને, ભર વસંતે આવી પાનખર!

શૈલા મુન્શા. તા ૦૧/૨૧/૨૦૧૪

January 13th 2013

વિદાય

જે વિદાય થઈ ગયું,
એને આપણે ઈતિહાસ કહીએ છીએ.

સર્જન થઈ ને જે ગયું,
એને આપણે વિસર્જન કહીએ છીએ.

અરે! આ જગમા રહીને,
ગર્વ થાય એને મિથ્યાભિમાન કહીએ છીએ.

જે મળ્યું એને મહાલ કર,
જે નથી તારૂં, ન રહ્યું કદી તારૂં, તે દિલથી વિદાય કર.

જો વિદાય થી આંખ ભરી આવે,
તો સમજ, જે જાય તેને દિલનુ દર્દ કહીએ છીએ.

કાવ્ય ના રચનાકાર-પ્રશાન્ત મુન્શા. તા. ૦૧/૧૩/૨૦૧૩

December 28th 2012

કદી ના બદલાય

સરી જતી રેતી ને સરી જતી ક્ષણ,
લાખ કરો જતન, ના ઝીલાય કદી.

જન્મ્યુ તે જાય ને ખીલ્યું તે કરમાય,
લાખ કરો જતન, ના બદલાય કદી.

કાળ ન આંબે કદી, ઉમ્મીદ પર જીવાય,
લાખ કરો જતન, મોતની ક્ષણ ના ઠેલાય કદી.

એક જાય ને બીજું આવે, ના થંભે વહેવાર જગનો,
રહો તૈયાર મનથી સદા, તો શું કપરી છે વિદાય કદી?

ક્યાંક વિસર્જન ને ક્યાંક સર્જન અવિરત રહે સદા,
મનાવો વિદાયનો ઉત્સવ મનભર, તો શું રહે ગમ કદી?

શૈલા મુન્શા તા. ૧૨/૨૮/૨૦૧૨

December 16th 2012

તહેવાર

લાવે ખુશાલી હર ચહેરા પર
તહેવારો ની દુનિયા નિરાળી.

ઊડે પતંગ,ને ઊંધિયા મઠાનુ જમણ
તહેવારો ની દુનિયા નિરાળી.

નવેલી દુલ્હન રમે રંગ ગુલાલ
તહેવારો ની દુનિયા નિરાળી.

ભાઈને કલાઈ રક્ષા, થાય જતન બેનીના
તહેવારો ની દુનિયા નિરાળી.

ઘર ઘર પ્રગટે દિવડા, નવ વર્ષનું સ્વાગત
તહેવારો ની દુનિયા નિરાળી.

જીવન ઝગમગે સહુનુ, થાય જન કલ્યાણ,
તહેવારો ની દુનિયા નિરાળી.

શૈલા મુન્શા. તા. ૧૧/૧૮/૨૦૧૨

September 24th 2012

સમી સાંજે

વડલાની ડાળે બેઠા પોપટ ને પોપટી સમી સાંજે
દિનભરની ઉડાણનો ઉતારતા એ થાક સમી સાંજે

વાગોળતા એ વીત્યો દિન કેવો આજ
ને વળી વિતશે દિન કેવો કાલ,
કાલની તો કોને ખબર ભાઈ?
વીતી ઘડી આજની રળિયામણી ભાઈ.

મહેર મોટી કુદરતની એ પંખીડા પર ભાઈ,
કેવી વહેતી સરલ ને સહજ જીંદગાની
ન ઝાઝી તૃષા ન ભુખ, કલ્લોલતા ભરીને,
ઊંચી ઉડાણ ગગન ભણી વહેતા સમીર સંગ.

ઝુલતા હિંચકાની કોર બેઠા એ દંપતિ સમી સાંજે
જીંદગાની ની સફરનો ઉતારતા થાક સમી સાંજે.

વાયા વર્ષોના વહાણા, વાગોળતા એ યાદ ખટમધુરી
હતા એ દિવસો યૌવનના તરવરાટથી ભરેલા
હતી હામ હૈયે, ઝીલી લેવા પડકાર સહુ આફતોનો
મિલાવી હાથમાં હાથ,બસ વધ્યા આગળ સફરમાં.

જીવન વહીખાતાનો માંડ્યો હિસાબ આજ અચાનક
સુખ દુઃખમાં પણ ન ચૂક્યા ફરજ કદી માત-પિતાની
ને દીધા સંસ્કાર, કેળવણી બાળકોને જીવવા સંસાર સાગરે
થયો આત્મ સંતોષ, ખરા ઉતર્યાં એ બાળુડાં દિપાવી નામ.

બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ,
રહે સાથ અમારો સદા આમ પુરક બની જીવનની સમી સાંજે.

( બસ આમ જ જીવન ની સફર મા હમેશ એકબીજાનો સાથ રહે એજ શુભેચ્છા સહિત)

સપ્રેમ,

શૈલા પ્રશાન્ત મુન્શા. તા. ૦૪/૦૨/૨૦૧૨

Posted in: કાવ્યો Edit This

September 24th 2012

સુગુણમાસી

મા મર જો પણ માસી નહિ,
કહેવત બની એ સાચી.
ગુમાવી મા અમે ભાઈ બહેનોએ,
પણ માસી બની અમારી મા.

મા-સી એટલે મા જેવી પણ,
સુગુણમાસી બની મા જ અમારી.
સાચવ્યાં અમને બસ પ્રેમ જતન થી,
ન સાલવા દીધી ખોટ મા તણી કદી.

પ્રભુ ને કરૂં પ્રાર્થના આજ જન્મદિને,
માસી અમારી રહે સદા સ્વસ્થ નિરોગી,
વહે આશીર્વાદ અને પ્રેમભર્યો હસ્ત
સદા અમ સહુ ભાઈ બહેનો પર.

શૈલા-પારૂલ-સ્નેહલ તા. ૨૨ જુલાઈ ૨૦૧૨.

503 Service Unavailable

Service Unavailable

The server is temporarily unable to service your request due to maintenance downtime or capacity problems. Please try again later.

Additionally, a 503 Service Unavailable error was encountered while trying to use an ErrorDocument to handle the request.