September 17th 2021

સંભારણુ -૩

“સદા માટે ચાલી બચપણ ગયું તો પણ કદી,
રહું છું માણી હું શિશુ સહજ ભાવો અવનવા” સુરેશ દલાલ
માનવીની ઉંમર ગમે તે હોય એક બાળક એના દિલના એક ખૂણામાં હમેશા અડિંગો જમાવીને રહેતું હોય છે અને અચાનક ક્યારેક સ્પ્રીંગની જેમ ઊછળીને બહાર આવી જતું હોય છે. સુરેશભાઈની આ પંક્તિઓ સહુના બાળપણને સંવારી સ્મરણોના ખજાના ખોલી દે છે, એ સપના જે પૂરા થયા કે ના થયા, હૈયામાં જાગતાં સ્પંદનોને વાચા મળી કે નહિ, એ ઝુરાપો એ મુસ્કાન એ દર્દ અતૃપ્ત ઈચ્છાઓ, કેટલું સંઘરાયેલું હોય છે દિલના એ ખૂણામાં જેને કોઈ જાણી નથી શકતું. દરિયો અને દરિયાના ઊછળતાં મોજા મારા મનને આનંદવિભોર કરી દે છે. મુંબઈ મરીનલાઈન્સની પાળે ભરતી ટાણે પાળની મર્યાદા તોડી ઊછળી આવતાં મોજાં મેં ઘણીવાર ઝીલ્યાં છે અને એક બાળપણ ફરી ફરી અનુભવ્યું છે. વરસાદમાં નહાવા કોલેજ બન્ક કરી વિલેપાર્લે એરપોર્ટના પરિસર સુધી અમે સહુ મિત્રો પહોંચી જતાં એ અનુભૂતિ ક્યાંથી ભૂલાય!! આજે પણ જીવન સંધ્યાએ પહોંચવા છતાં હ્યુસ્ટનના ધોધમાર વરસતાં વરસાદમાં ઘણીવાર મનભર ભીંજાવાનો આનંદ ફરી મારામાં રહેલી બાળકીને તૃપ્ત કરી દે છે. આજે આ વાતો યાદ આવી જવાનુ કારણ અમારે ત્યાં આવેલ એક મિત્ર દંપતિની વાતો અને એમનો નિખાલસ સ્વભાવ. ઉંમરના આ પડાવ પર જ્યારે બાળકો પોતપોતાના સંસારમાં રમમાણ હોય અને માતા પિતા પોતાની દુનિયામાં, ત્યારે મિત્રો એકબીજાના સહારારુપ હોય છે. જ્યારે પણ મળીએ હસી મજાક, વાતોના તડાકા અને બાળપણના સંસ્મરણો જાગૃત થઈ જાય. સૌરભભાઈને મીનાબહેન મળવા આવ્યાં હતાં, નાસ્તામાં મેં ઈડલી સંભાર બનાવ્યા હતાં. Dining table પર બેઠા બેઠા ગામગપાટાં ચાલી રહ્યાં હતાં. અમારા ઘરમાં નાસ્તાની દુકાન ખોલી શકાય એટલા નાસ્તા હમેશ જોવા મળે અને પતિદેવ એક પછી એક નાસ્તા લાવી મહેમાનને આગ્રહ કરી રહ્યાં હતાં “અરે! આ તો ચાખો પૂનાની ફેમસ ભાખરવડી છે” મિત્રપત્ની બોલી ઊઠ્યા મારા પતિને પણ આટલો જ નાસ્તા ખરીદવાનો શોખ છે, જ્યાં જાય ત્યાંથી કાંઈક નાસ્તો, મિઠાઈનુ બોક્ષ ઉપાડતાં જ આવે અને નાસ્તા જૂના થાય એટલે આપણે ગાર્બેજમાં પધરાવવા પડે. સૌરભભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળી અમે સહુ હસી હસીને બેવડ વળી ગયા. એમના જ શબ્દોમાં “હું બ્રાહ્મણનો દિકરો અને પિતા ગોર, જે દક્ષિણા મળે એમાં ઘર ચલાવવાનુ. પિતા શિસ્તના આગ્રહી, ખોટી કમાણી ના કરે. બાળપણમાં જ્યારે પિતા સાથે બજારમાં જાઉં અને કંદોઈની દુકાને ગરમ ગરમ ભજિયાં તળાતાં હોય, મિઠાઈની દુકાનમાં રંગબેરંગી મિઠાઈ સજાવીને કાચના કબાટમાં મૂકી હોય પણ પિતા પાસે એટલા પૈસા નહિ એ બધું ખરીદવાના અને સાત્વિક ભોજનના આગ્રહી એટલે અમને એ બધું ખાવા ના દે. હવે મોટા થયાં પછી બાળપણની એ અતૃપ્ત ઈચ્છા જ્યારે પણ કોઈ નાસ્તો લેવા કે સ્વામિનારાયણ મંદિરના સાયોનામાં જાઉં તો એક મોનસ્ટર (રાક્ષસ) બની મારા પર હાવી થઈ જાય. અંદરનુ અતૃપ્ત બાળક જાગૃત થઈ જાય, આ લઉં કે પેલું કરતાં કરતાં ઘણુબધું લેવાઈ જાય. અહીંયા તો ઠીક પણ જ્યારે ભારતની મુલાકાતે જાઉં અને મારે વતન એજ કંદોઈની દુકાન અને મિઠાઈની દુકાને જાઉં તો એક પછી એક મિઠાઈ ચાખતાં ચાખતાં દુકાનદારને કહેતો જાઉં ભાઈ અર્ધો કિલો આપી દો અને મારા હાથમાં દસ ડબ્બા મિઠાઈના જોતજોતામાં થઈ જાય. ઘરે આવીને મીનાની વઢ તો સાંભળવાની જ, આટલી મિઠાઈ કોણ ખાવાનુ છે? આપણને બન્નેને ડાયાબિટિશ છે; પણ શું થાય અંદરનુ બાળક જે પરમ આનંદ પામ્યું એની મીનાને શું ખબર પડે!!” જે રીતે એમને વર્ણન કર્યું અને મનમાં એક રાક્ષસ જાગૃત થાય એ વાત કરી અને સાથે સાથે એટલો નિર્દોષ ચહેરો રાખી હસી પડ્યાં કે અમે બધાં પણ હસી હસીને બેવડ વળી ગયાં. આવી કોઈને કોઈ અતૃપ્ત ઈચ્છા પૂરી કરવાની, બાળપણ ફરી જીવવાની હોંશ તો સહુના મનમાં જાગતી હશેને!!!!
આ સાથે જ ફિલ્મ અનમોલ ઘડીનુ ગીત યાદ આવી ગયું,
“ओ बचपनके दिन भुला न देना,
आज हसें कल रुला न देना”
બાળપણ અને આવી ખાટીમીઠી વાતોથી જ તો ડાયરીના પાના ભરાતા જાય છે, અને કાયમના સંભારણા બની જાય છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧
www.smunshaw.wordpress.com

September 4th 2021

સંભારણુ -૨

એસ.એસ.સીનુ પરિણામ આવ્યું અને શાળાજીવનના દિવસો પુરાં થયા. વાત છે ૧૯૬૭ની, ત્યારે અગિયારમું ધોરણ પાસ કરી કોલેજમાં જવાતું. મેં આર્ટસ કોલેજમાં જવાનુ નક્કી કર્યું કારણ નાનપણથી મને સાહિત્યમાં વધારે રસ હતો, અને એ કારણે શાળાની મારી ખાસ બહેનપણીઓથી છૂટી પડી ગઈ. એ બધાએ વિજ્ઞાન શાખામાં જવાનો નિર્ણય કર્યો હતો. કોલેજમાં નવા મિત્રોનો સાથ મળ્યો. રોજ મલાડથી પાર્લાની ટ્રૈનમાં મુસાફરી. વાંચનનો શોખ તો સાતમા ધોરણથી જ કેળવાયો હતો અને નિબંધ, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામો પણ મેળવ્યા હતાં; પણ ટ્રૈનની આ સફરે રોજ કાંઈક નોંધપોથીમાં ટપકાવવાની આદત પડી. થોડા વખતમાં જ જીવન એવા આઘાતમાં અટવાયું અને જાણે જીવવાની દિશા બદલાઈ ગઈ. પણ મનના તળિયે છુપાયેલી લખવાની ઈચ્છા ક્યારેક જાગી ઊઠતી. વર્ષો બાદ અમેરિકા આવી થોડી મોકળાશ મળી અને મન લખવા તરફ વળ્યું અને સાહિત્યના અવનવા પ્રકારો પર હાથ અજમાવાતો ગયો. અવનવા અનુભવો કાગળ પર ચિતરાતાં ગયાં. આજે કાંઇ નવું લખવા મારો બ્લોગ ખોલ્યો અને અચાનક તાજેતરના અનુભવનુ પાનુ મારી નજરે પડ્યું. હ્યુસ્ટનમાં આ વરસે શિયાળો અતિ આકરો હતો. વર્ષો પછી અહીં હિમવર્ષા થઈ અને લોકો બેહાલ થઈ ગયા. લાઈટ નહિ, પાણી નહિ; એવી અવસ્થામાં ત્રણથી ચાર દિવસ જનજીવન જાણે સ્થગિત થઈ ગયું. પાવર વગર બધા ઈલેક્ટ્રોનિક ઉપકરણૉ કામ કરતાં અટકી ગયાં. લોકો ફોનની બેટરી ચાર્જ કરવા પોતાની ગાડીમાં બેસી, ગાડી ચાલુ કરી ફોન ચાર્જ કરતાં. બહાર કાતિલ ઠંડી, ગરાજ ખોલાય નહિ અને કાર્બન મોનોક્સાઈડના કારણે થતાં મોતના સમાચાર પણ સાંભળવા મળ્યા હતાં. આ વિચારોમાં મન અટવાયેલું હતું, અને જોગાનુજોગ ઘણા વખતે મારી બહેનપણી અનુરાધાનો ફોન આવ્યો. વાત વાતમાં ચમત્કારોની વાત નીકળી અને મેં અમારા મિત્ર નવીનભાઈની છેલ્લી ઈમૈલ વિશે એને વાત કરી કે એમણે છેલ્લી ઈમૈલ છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૦ ના દિવસે મિત્રોને લખી પણ સંબોધનમાં ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ લખ્યું હતું જે ખરેખર એમના અવસાનનો દિવસ હતો. શું વિધાતાએ એમની પાસે આ લખાવ્યું, કોઈ ચમત્કાર થયો, કોઈ આગાહી થઈ??? અને ત્યારે એ ભૂલ કોઈના ધ્યાનમાં પણ આવી નહિ!!! આ બનાવ સાંભળતાં અનુરાધાને એના કુટુંબમાં થયેલા આવા જ એક ચમત્કારિક બનાવની યાદ આવી ગઈ. ક્યાંના તાંતણા ક્યાં જોડાઈ જાય છે!!
અનુરાધાના પપ્પા મોટી કંપનીમાં ટૅકનીકલ વિભાગમાં કામ કરતાં. ઊચ્ચ હોદ્દા પર એટલે વરસમાં છ અઠવાડિઆનુ વેકેશન મળે. મોટાભાગે દિવાળીના સમયે એ વેકેશન લે એટલે બાળકો સાથે ભારતનાં જુદાજુદા સ્થળે ફરવા જઈ શકાય. ક્યારેક પાસેના કોઈ હીલસ્ટેશન પર બંગલો ભાડે રાખી આરામથી સમય વિતાવે. એવું જ એક વેકેશન ૧૯૬૫માં એમણે લીધું જ્યારે અનુરાધા લગભગ ચૌદ વરસની અને એની મોટીબહેન સોળ વરસની, એ વરસે સહુ મુંબઈથી પાસે જ પંચગીની મહિનો રહેવા ગયાં હતા. બંગલો ભાડે રાખ્યો હતો એટલે અનુરાધાના નાના મામા જે વીસેક વર્ષના હતાં એ પણ સાથે આવ્યાં હતાં અને ઘરના કામકાજ માટે એમના ઘરનો ઘરઘાટી પાંડુ પણ સાથે આવ્યો હતો. બધા બાળકોને તો પંચગીનીમાં થતાં ફિલ્મના શૂટિંગ જોવા જવાની મઝા આવતી. ટેબલ લેન્ડ પર ફરવું અને ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ ફજને ચીકી ખાવા અને ધમાલ મસ્તી કરવી. મામા પણ એમનાથી બહુ મોટા નહિ એટલે સહુને મજા પડતી. મામા પાછા સુકલકડાં એટલે વીસને બદલે માંડ પંદર સોળના લાગે.
એ જમાનામાં નહાવાનુ પાણી ગરમ કરવાં ઈલેક્ટ્રીક ગીઝર જેવું તો કાંઈ નહોતું. બંગલાની પાછળ એક કુવો અને નહાવાની ઓરડીમાં લ્હાય બંબો મુકેલો હોય એમાં પાણી ભરી અને નીચે કોલસાં મુકી પાણી ગરમ કરવાનુ. એક જણ નાહીને નીકળે એટલે પાછું પાણી ઉમેરવાનુ, એમ રોજ નહાવાનો કાર્યક્રમ ચાલે. પાંડુ ઘરનુ કામ કરતાં એ પણ ધ્યાન રાખે કે એક જણ નાહીને નીકળે એટલે કુવામાંથી પાણી સીંચી એક ડોલ બંબામાં ઉમેરી આવે. એક દિવસ અનુરાધાના મોટાબહેન ન્હાવા ગયાં, ઘણો સમય થયો પણ એ બહાર આવ્યાં નહિ, ઘરના બધાં સભ્યો તો પોતાની પ્રવૃતિમાં મશગુલ હતાં પણ પાંડુનુ ધ્યાન તો ન્હાવાની ઓરડી તરફ હતું. ખાસ્સીવાર થઈ પણ આશાબહેન બહાર આવ્યાં નહિ એટલે એ મમ્મી પપ્પાને બોલાવી લાવ્યો. દરવાજો કેટલીય વાર ઠોક્યો પણ આશાબહેને ખોલ્યો નહિ. ફિજિક્સમાં M.Sc. થયેલા પપ્પાને તરત પરિસ્થિતીની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો, પણ ન્હાવાની ઓરડીને ફક્ત ઊંચે એક કાચની બારી અને એ પણ બંધ. શું કરવું એ મુંઝવણમાં પહેલાં તો સમજ જ ના પડી, પણ તરત મામાને બોલાવ્યા, અને કદાવર પાંડુના ખભે એમને ચડાવી પત્થરથી કાચ ફોડાવ્યો. અંદર બારીનાં સળિયાં એને કેમ તોડવાં; છેવટે ઘરમાંથી હથોડી મળી એનાથી ઠોકી ઠોકીને એકાદ બે સળિઆં વાળીને ઢીલાં કર્યાં અને સળિયાં ખેંચી કાઢ્યાં. મામા જેમતેમ બારી વાટે ભૂસકો મારી અંદર ઊતર્યાં. આશાબહેન તો બેભાન જમીન પર પડ્યાં હતાં મામાએ ઓરડીનુ બારણું ખોલ્યું અને ચાદરમાં વીંટી આશાબહેનને સૂવાના ઓરડામાં લઈ ગયાં. આશાબહેનનું શરીર અક્કડ થઈ ગયું હતું. અજાણ્યા ગામમાં કોઈ ડોક્ટરની ઓળખાણ નહિ. ડિરેક્ટરીમાં જોઈ એક ડોક્ટરને ફોન તો કર્યોં પણ ત્યાં સુધીમાં મમ્મીએ પગના તળિયે ગરમ તેલનુ માલિશ કરવા માંડ્યું, પપ્પાએ હથેળી મસળી ગરમાવો આપવાનો પ્રયત્ન કર્યો છાતી પર પ્રેશર આપી મસાજ કરી શ્વસોચ્છશ્વાસ નિયમિત કરવા મહેનત કરી. છેવટે દસ મીનિટે આશાબહેને આંખો ખોલી અને પગ હલાવ્યાં, સહુના જીવમાં જીવ આવ્યો.
એ વાત કરતાં આજે પણ અનુરાધાના કંઠે ડુમો બાઝી જાય છે. સાચે જ પાંડુની સુઝબુઝે આશાબહેનનો જીવ બચાવ્યો. બંધ ઓરડીમાં લ્હાયબંબામાં બળતાં કોલસાને લીધે ધીમે ધીમે કાર્બન મોનોક્સાઈડ જમા થવા માંડ્યો હતો અને ધીરે ધીરે આશાબહેનનો શ્વાસ રુંધાવા માંડ્યો હતો. આ ગેસની ઘાતક વસ્તુ એ છે કે એનો કોઈ રંગ નથી, સુગંધ નથી કોઈ સ્વાદ નથી એટલે વધુ પ્રાણઘાતક બને છે. આ વાત અનુરાધાએ મને કરી ત્યારે અનાયાસે મારા બ્લોગ પર એજ પાનુ નજર સામે આવ્યું હતું જ્યારે હ્યુસ્ટનમાં પણ ગાડીમાં બેસી ફોન ચાર્જ કરતાં આ કાર્બન મોનોક્સાઈડને લીધે જ કેટલાય લોકો અવસાન પામ્યા હતાં.
સાચે જ ક્યાંના તાર ક્યાં જોડાઈ જાય છે!
આશાબહેન નસીબદાર કે બચી ગયા. એ આજે એમના કુટુંબ સાથે છે એ પણ એક ચમત્કારથી ઓછું નથી.
ડાયરીના પાના આવીજ યાદોથી તો ભરાતા જાય છે!!

અસ્તુ,

શૈલા મુન્શા તા. સપ્ટેમ્બર ૪/૨૦૨૧

July 27th 2021

સંભારણુ – ૧

અમેરિકામાં તો જીવન એટલું વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તે છતાં મનમાં કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, સુતા પીછો નહોતો છોડતો. અચાનક બનેલો કોઈ બનાવ, કોઈ ઘટના માનવીને અંદર બહારથી ઝંઝોડી દે એવું ક્યારેક બની જતું હોય છે.
છાપું ખોલો અને જાતજાતના સમાચાર વાંચવા મળે, ક્યાંક અકસ્માત, ક્યાંક આગ, ક્યાંક કોઈની બહાદુરી, રાજનેતાના દાવપેચ. બધુ વાંચીને મનમાં દયા કે નફરત કે ગુસ્સો થોડીવાર આવે અને પાછા પોતાની ઘટમાળમાં ગોઠવાઈ જઈએ. સૂરજની રોશની પડતાં જ જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થાય તેમ એ વાત સ્મૃતિપટ પરથી લોપાઈ જાય. સુનામી આવે કે ધરતીકંપ થાય, એક સાથે હજારો માણસો મોતને શરણ થાય, ત્યારે મનમા અનુકંપા જાગે, અરેરાટી નીકળે, પણ! નવો દિવસ ઊગે અને એ જ રોજીંદી જીંદગી, પણ વાત જ્યારે પોતાના પર આવે ત્યારે માનવી કેવો હચમચી જતો હોય છે.
૨૦૦૧ ૨૬ જાન્યુઆરીની સવાર કચ્છ, ગુજરાત માટે ધરતીકંપનો વિનાશ લઈ આવી. હજી તો આગલા દિવસે જ કુમાર સાથે વાત થઈ હતી.પંદર દિવસ પહેલા કેલિફોર્નિઆ આવી નવી ઓફિસને સેટ કરવામાં વ્યસ્ત હતો. ફોનમાં વાત થઈ ત્યારે બે મહિના પછી ભારત જઈ પત્ની બાળકોને લઈ આવવાની વાત કરતો હતો અને આજે અમદાવાદનુ એ મકાન ધારાશાયી થતાં કોઈ ના બચ્યું.
મન પણ અજીબ યાદોને સંગ્રહ કરતો પટારો છે, ક્યાંનો સંબંધ ક્યાં જોડી દે છે. ૨૦૧૫નો મધર્સ ડે નો દિવસ. સરસ મજાનુ મુવી જોઈ સારી ભારતિય રેસ્ટોરન્ટમાં જમી ઘરે પાછા ફરતાં ત્યાં પડેલું છાપું લઈ ઘરે આવ્યા. ટી.વી. જોતાં અમસ્તા જ છાપાનાં પાના ફેરવતાં નજર એક ફોટા પર પડી ને આઘાતથી ચમકી જવાયું. છાપાંમાં જેનો ફોટો હતો એની સાથે આમ તો કોઈ સગાઈ નહોતી, પણ બસ મિત્રતા. મિત્રતા પણ એવી કે એ નાના ભાઈ જેવો.
રવિવારની રાત. પત્ની અને બાળકો માટે જમવાનુ લઈ પાછા આવતાં કોઈ અજાણ્યાની ગાડી રસ્તા વચ્ચે ખોટકાયેલી, એને મદદ કરવા પુનિત પોતાની ગાડીમાં થી ઉતર્યો, પાછળ થી ગાડીને ધક્કો મારવા જતાં બીજી એક પુરઝડપે આવતી ગાડીના નશામાં ચૂર ડ્રાઈવરે પોતાની ગાડીથી રસ્તા પર ખોટકાયેલી ગાડીને ટક્કર મારી ને એ ધક્કા થી પુનિત ઉછળી બાજુમાં જ વહેતી બ્રાઝો નદીમાં પડ્યો. ક્ષણભરમાં આ બની ગયું. અંધારામા કોઈને ખ્યાલ પણ ના આવ્યો. પત્ની ફોન કરતી રહી કે પુનિત ખાવાનુ લઈ હજી આવ્યો કેમ નહિ? ફોન પુનિતની ગાડીમાં રણકતો રહ્યો. પોલિસનો ફોન આવ્યો કે ગાડીમાં કોઈ નથી. સાત દિવસે પુનિતનુ શરીર સો માઈલ દુર નદીમાંથી મળ્યુ.
એક મીઠી યાદ પણ સાથે જ ઝબકી ગઈ. દુઃખ કે આઘાતને ભુલવાનો એ જ તો સરળ ઉપાય છે. મન ક્ષુબ્ધ બને તો એને બીજી દિશામાં વાળવું જ પડે છે. ૧૯૮૩માં મેટ્રિકની પરિક્ષામાં પાસ થયેલા વિધ્યાર્થીઓએ ૨૦૧૫માં ગુરુપુર્ણિમા ઉજવવાનુ નક્કી કર્યું. ભારતમાં જ્યાં જ્યાં શિક્ષકો રહેતા એમનો સંપર્ક સાધી પ્રેમપૂર્વક નિમંત્રણ પાઠવ્યું, એટલુંજ નહિ એમને લઈ આવવાની વ્યવ્સ્થા પણ કરી, વિદેશમાં રહેતા શિક્ષકોનો સંપર્ક સાધ્યો, એમના આશીર્વાદ મેળવવા, વિડિઓ ઉતારવા કોઈ ત્યાં રહેતા મિત્રોની સગવડ કરી. એક સવારે મને જ્યારે ફોન આવ્યો કે “હું તમારી વિધ્યાર્થી બોલું છું, તમારા વિધ્યાદાન થકી અમે જીવનમાં પ્રગતિ પામ્યા છીએ, બેન તમારા આશીર્વાદની ઝંખના છે” બત્રીસ વર્ષ પછી એ બાળકો, જે પોતે અત્યારે યુવાન વયે પહોંચ્યા છે એ કોઈ શિક્ષકને યાદ કરે, આવો અહોભાવ દર્શાવે, જાહેરમાં પગ પૂજી સન્માન કરે; એનાથી મોટી જીવતરની શું કમાણી હોઈ શકે!!લોકો આજની ટેક્નોલોજી વખાણે કે વખોડે પણ મારા માટે એ આશીર્વાદરુપ છે, જેના કારણે આજે મારા ફોનના ટેરવે હું મારા વિધ્યાર્થીઓના સંપર્કમાં છું, ભૌગોલિક અંતર ગાયબ થઈ ગયું છે. મન થાય ત્યારે એકબીજા સાથે વાત થાય એકબીજાને રુબરુ જોવાય.
ડાયરી લખવાની ઈચ્છા કાંક જુદા સ્વરૂપે લખાતી ગઈ. રોજિંદા પ્રસંગો પાના પર ઉતરતાં રહ્યાં. સૂરજનુ ઉગવું ને આથમવું જેટલું અફર છે, એટલું જ જીવનમાં સુખ દુઃખની ઘટમાળમાં પરોવાનુ નિશ્ચિત હોય છે. કંઈ કેટલીય વસ્તુ મનમાં ધરબાયેલી હોય છે. કેટલીય લાગણી, કોઈના તરફથી થતી ઉપેક્ષા, કોઈને વહાલના બે શબ્દ કહેવાની ઈચ્છા, જીવનભર સહેલી કોઈની જોહુકમી, પોતાનાનો પ્રેમ, અને પોતાનાનો જ તિરસ્કાર! સગાં, મિત્રો, કેટલાય સંબંધો આસપાસ વિંટળાયેલા હોય છે. ઘણીવાર વાત હોઠ સુધી પહોંચે પણ પ્રગટ ના થાય! કાલે જરૂર કરીશ ની રાહમાં કાલ કદાચ આવે જ નહિ! શું આમ જ જીવન પસાર થઈ જાય અને મનની વાત મનમા જ રહી જાય?
વાત કહેવાય નહિ પણ લખાય તો ખરી. મનમાં ઉપજેલો ગુસ્સો, પ્રેમ, નિરાધારપણુ, સહિષ્ણુતા, હતાશા, લાગણી કદાચ બોલી ના શકાય પણ લખવાથી મન હલકું થી જાય. કેટલીય ઘટનાનુ મહત્વ ત્યારે ના સમજાયું હોય પણ જ્યારે મન મુંઝાતું હોય અને એ ડાયરી ના પાના કોઈ ઉકેલ પણ આપી દે અને કોને ખબર કદાચ આપણા ગયા પછી એ કોઈનુ જીવન સવાંરી પણ દે!
www.smunshaw.wordpress.com

શૈલા મુન્શા તા.૦૫/૩૦/૨૦૨૧

February 19th 2021

અનોખો થરથરાતો અનુભવ!!

આજે શુક્રવાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧, એક અઠવાડિયું પસાર થઈ ગયું; પણ મારી જિંદગીનો ડરવનાર, રોમાંચકારી અનુભવ રહ્યો.
સામાન્ય રીતે અમેરિકાનુ ટેક્ષ્સાસ સ્ટેટ હરિકેન અને ટોર્નાડો માટે પ્રખ્યાત છે. જૂન મહિનો આવે ત્યારથી વેધશાળા આવનારા હરિકેનની સૂચના જાણકારી આપવા માંડે, સાવચેતીના પગલાં લેવાનુ લાંબુ લીસ્ટ આવી જાય.
૨૦૧૭માં હ્યુસ્ટને આવું વિનાશકારી હરિકેન હાર્વી અનુભવ્યું જેમાં પાંચ દિવસ સુધી વરસાદની હેલી, ડેમના દરવાજા અણધાર્યાં ખોલવાથી હજારો લોકોના ઘર પાણીમાં ડુબી ગયા. જ્યાં ક્યારેય પાણીના ભરાય એવા શ્રીમંતોના ઘર જળબંબાકાર થઈ ગયા. એમાંથી બહાર આવતા લોકોને વરસ થઈ ગયું.
હમણા જે આફત આવી એ અમારા માટે કદી ન અનુભવેલી આફત હતી.
હજી તો ગયા શુક્રવારની જ વાત છે સ્કૂલમાં બધા Winter storm આવવાની વાતો કરતાં હતા. અગમચેતી વાપરી સ્કૂલમાં સોમ, મંગળ બે દિવસની રજા જાહેર કરી દીધી હતી. સ્કૂલમાંથી નિકળતા સહુ એકબીજાને ધ્યાન રાખવાનુ, જરૂરી ગ્રોસરી વગેરે ભરી લેવાની સલાહ આપતા છૂટા પડ્યાં.
શનિવારથી થોડી થોડીવારે નજર ટીવીના સમાચાર પર જતી. રવિવારે માનસિક તૈયારી સાથે સુતા પહેલાં બાથરુમ, રસોડાના બધા નળમાં ધીમુ પાણી ચાલું રાખ્યું, બહારની પાઈપ લાઈન પર જાડો ટુવાલ લપેટી દીધો. અડધી રાતથી સ્નો ચાલુ થશે એ વેધશાળાની ખબર હતી.
ભગવાનને સહુની રક્ષા કરવાની પ્રાર્થના સાથે પથારીમાં લંબાવ્યું.
મધરાતે લાઈટ ગઈ અને ઉષ્ણતામાનનો પારો ૦ ડીગ્રીથી નીચે સરકવા માંડ્યો. સવારે આંખ ખોલી બારી બહાર નજર કરી, સફેદીની ચાદર સર્વત્ર પથરાઈ ચુકી હતી. મન આનંદવિભોર થઈ ગયું. અમારા માટે તો આ નજારો અપ્રાપ્ય હતો. કુદરતનુ આ અનુપમ રુપ થોડીવાર તો મનભરીને માણ્યું, પણ તરત વાસ્તવિકતાની ધરતી પર આવી ગયા.
ઊઠીને ચા, દેવતાની આરાધના કર્યા વગર પ્રાતઃક્રિયા શરુ ના થાય અને ઘરમાં ઈલેક્ટ્રીક સ્ટવ એટલે કશું જ રાંધી ના શકાય. હમણા લાઈટ આવશે, હમણા લાઈટ આવશે કરતાં બપોર થઈ. ફ્રીઝરમાંથી ગળી ચટણી, તીખી ચટણી બધું કાઢી રાખ્યું હતું એટલે ભેળપુરીનુ જમણ કરી “પરિક્રમા” નરેંદ્રભાઈ ફણસેનુ અદભુત પુસ્તક ફરી વાંચવા હાથમાં લીધું. ફોનની બેટરી ખતમ થવા આવી એટલે માંડ સંદેશાની આપ લે કરવા થોડીવાર ચાલુ કરી પાછા બંધ કરતા દિવસ વિતાવ્યો. ગાડીમાં જઈ ફોન થોડો ચાર્જ કરી લીધો.
મારી બહેન અને મિત્રો જેનો સંપર્ક કર્યો, મોટા ભાગના મિત્રોની હાલત અમારા જેવી હતી. કોઈ ભાગ્યશાળીને ત્યાં લાઈટ હતી તો પાણી બંધ થઈ ગયું હતું.
સોમવાર રાતે લગભગ ૨.૦૦ વાગે લાઈટ આવી. થોડી હાશ થઈ અને લાગ્યું કે હવે વાંધો નહિ આવે. સવારે ઊઠી હજી તો માંડ ચા કોફી કર્યાં, વીજળી પાછી વેરણ થઈ. આજના ભોજનમાં પાણીપુરીની જ્યાફત!!
વાદળછાયા દિવસમાં અંધારું વહેલું થાય અને લાઈટ વગર મીણબત્તીના આશરે કપડાં પર કપડાં પહેરી, માથે ગરમ ટોપી, હાથે પગે મોજા અને ઉપરથી શાલ વીંટી ઠંડીને મ્હાત આપવાની કોશિશ કરતાં રહ્યાં. પેટીપેક ઘરમાં પણ ઠંડીના સૂસવાટા છેક શરીરના હાડમાં પેસી થથરાવી દેતા હતાં
પહેલીવાર ખ્યાલ આવ્યો જ્યાં વરસના ચાર પાંચ મહિના આવીજ મોસમ રહે છે ત્યાં લોકો કેમ જીવતાં હશે???
ખૂબીની વાત એ છે કે મારી સખી મીના જે શિકાગો રહે છે એ ત્યારે જ અમને એના ઘર બહારના બરફના ઢગલાના ફોટા મોકલી રહી હતી અને કેટલા આનંદથી આ મોસમ માણી રહ્યાની વાત કરતી હતી.
મંગળવાર દિવસ અને રાત વીજળી વેરણ જ રહી. સ્કૂલમાંથી સમાચાર આવી ગયા કે શુક્રવાર સુધી રજા લંબાવામાં આવી છે. લાઈટ વગર ઈન્ટરનેટ વગર બાળકોને ઘરેથી પણ ક્યાં ભણાવી શકાય એમ હતું.
બુધવાર સવારે થોડો તડકો નીકળ્યો, રસ્તાનો બરફ સાફ થઈ ગયો એટલે વિચાર્યું ચાલો પાસે જ શિપ્લે ડોનટની દુકાન છે તો ત્યાં જઈ ગરમ કોફીને ડોનટ લઈ આવીએ. ત્યાં પહોંચ્યા તો મસમોટી લાઈન!!! દરવાજા બહાર પણ વીસ પચીસ જણ ઠુંઠવાતા ઊભા હતા, શું કરવું!! જો લાઈનમાં ઊભા રહીએ તો અમારી જ ફ્રીઝીંગ રૈનમાં કુલ્ફી થઈ જાય એવું હતું.
સંકટ સમયની સાંકળ જેવા અમારા મિત્ર ચારુબહેન અને નીતીનભાઈ યાદ આવ્યા. એમને ત્યાં લાઈટ હતી અને એમના ફોન બે ત્રણ વાર આવી ગયા હતા કે અમારે ત્યાં આવી જાવ. જ્યાં સુધી રસ્તાનો બરફ પીગળ્યો નહોતો, ગાડી ચલાવવી બહુ જોખમી હતી, પણ આજે વાંધો આવે એમ નહોતું. તેઓ અમારા ઘરથી ચાર પાંચ માઈલ દુર હતા. હિંમત કરી એમના ઘરે પહોંચી ગયા,
ગરમ ગરમ ચા સાથે ગરમ નાસ્તો, જાણે ભગવાન મળ્યા એવો આનંદ થયો. અકરાંતિયાની જેમ ચા નાસ્તા પર તૂટી પડ્યા. એમણે તો રોકાઈ જવાનો, જમીને જવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ આ ભયંકર ઠંડીમાં ઘણા અમારા મિત્રોના ઘરમાં પાણીની પાઈપ તુટવાથી ભારે નુકસાન થયું હતું એટલે ઘર છોડીને ક્યાંય જવાની હિંમત નહોતી. અમારી બાજુમાં જ વૃધ્ધ ભાઈ એકલા રહે છે, એ એમના મિત્રના ઘરે રહેવા ગયા હતાં અને કાલે જ્યારે પાછા અવ્યાં ત્યારે એમના એટિકમાં પાઈપ ફાટી હતી અને બાથરુમની શીલીંગ તુટી ઘરમાં બરફના ચોસલાં પડ્યાં હતા.
બુધવારે મિત્રના ઘરે ચાનાસ્તો કરી અને જમવાનુ ટીફીન લઈ ઘરે આવ્યાં. રાતે બાર વાગે વીજળીદેવી પ્રસન્ન થયાં, જીવમાં જીવ આવ્યો. ગુરુવારે ચાર દિવસે અને લગભગ ૩૬ કલાક લાઈટ વગર રહ્યાં પછી ઘરે ગરમ ગરમ ખિચડી, કઢી, પાપડ, શાક ખાઈ સંતોષનો ઓડકાર લીધો.
હજી એક રાત કાઢવાની બાકી હતી, ગુરુવારની રાતે પાછું તાપમાન ઝીરો ડીગ્રીથી પણ નીચે જવાનુ હતું. અમારા સબડીવીઝનમાં બે ત્રણ ઘરમાં પાઈપ ફાટવાથી થયેલ ભયંકર નુકસાનની વાતો સાંભળી રાતે ઊંઘ ક્યાંથી આવે???
ભારતમાં જ્યારે હતાં ત્યારે વીજળીનો કાપ, પાણીનો કાપ એ બધું સહજ હતું, પણ અમેરિકા જેવા આધુનિક દેશમાં લાખો લોકો વીજળી અને પાણી વગર ત્રણ ત્રણ દિવસ કાઢે એ માનવામાં આવે એવું નહોતું.
આજે શુક્રવાર આવી ગયો. એક અઠવાડિયું એક નવા કદી ના થયેલા રોમાંચકારી, થરથરતાં અનુભવે પસાર થઈ ગયું.
ઈશ્વરને પ્રાર્થના આવી ઘડી ફરીના આવે. સહુની પ્રાર્થના, દુઆએ અમને હેમખેમ રાખ્યાં.
સર્વ આપ્તજનોનો આભાર માનીએ એટલો ઓછો છે.

અસ્તુ,
શૈલા મુન્શા. ફેબ્રુઆરી ૧૯/૨૦૨૧

January 2nd 2021

મૈત્રી

એકાવન વર્ષ પહેલાનો આ ફોટો. મારી સહેલી ક્રિશ્નાના લગ્નનો ફોટો.
એક ફોટાએ કેટલા સંસ્મરણોનો જુવાળ મનમાં જગવી દીધો. ક્રિશ્નાને હું એક સ્કુલમાં ભણતા. એ મારાથી એક વરસ આગળ પણ પાર્લામાં અમે સામસામેના બિલ્ડીંગમાં રહેતા એટલે સહિયરપણુ સહજ હતું. સાથે સ્કૂલે જઈએ, એકબીજાને ત્યાં પરિક્ષા વખતે વાંચવા રાત રોકાઈએ એવી તો કેટલીય યાદોથી મારું બાળપણ અને મુગ્ધાવસ્થા સભર છે.
શાળાના એ દિવસો એ મસ્તી એ સહિયરપણુ આજ સુધી અકબંધ રહ્યું છે. જોવાની ખુબી એ છે કે ક્રિશ્નાના લગ્નમાં અમે ચારે બહેનપણીઓ હાજર હતી જે સ્કૂલમાં એક જ ક્લાસમાં અગિયારમાં ધોરણ સુધી હતી. હું, વર્ષા, મીના અને દિપ્તી.
{ફોટામાં ક્રિશ્નાની બાજુમાં હું અને છેલ્લે દિપ્તી છે. નરેંદ્રભાઈની બાજુમાં વર્ષા અને છેલ્લે મીના છે.}
ક્રિષ્નાના લગ્ન થયા ત્યારે અમે હજી કોલેજમાં હતા અને ક્રિષ્ના લગ્ન કરી અમેરિકા પહોંચી ગઈ. થોડો વખત એના ભાઈ બહેન પાસેથી ક્રિશ્નાના સમાચાર મળતા રહ્યાં, પણ પછી તો અમે ચારે પણ પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા.સહુ લગ્ન કરી જુદા જુદા શહેરમાં ગોઠવાઈ ગયા. વર્ષા, મીના અમેરિકા આવી ગયા, હું મુંબઈ અને દિપ્તીતો છેક નેપાળ પહોંચી ગઈ.
અમારા ચારની મૈત્રી તો પણ જળવાઈ રહી, પણ ક્રિશ્ના સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો. એના સમાચાર મળતા રહેતા કારણ વર્ષા અને મીના જ્યારે ભારત આવે તો મળવાનુ થતું.
૨૦૦૦ની સાલમાં મારે પણ અમેરિકા કાયમ માટે આવવાનુ થયું. વર્ષા પાસેથી ક્રિશ્નાનો ફોન નંબર મળ્યો અને એકાદ બે વખત વાત થઈ. હું હ્યુસ્ટન એ કેલિફોર્નીઆ. સંપર્ક ધીરેધીરે ઓછો થતો ગયો.
અમેરિકી વ્યસ્ત જીવનમાં મિત્રતા પર જાણે એક પડદો પડી ગયો. અચાનક ૨૦૦૯ની એક સવારે ક્રિશ્નાનો ફોન આવ્યો. “શૈલા, ત્રણેક મહિના પછી હું હ્યુસ્ટન અમારા મિત્રના દિકરાના લગ્નમાં આવવાની છું તો આપણે જરૂર મળીશું. હું તને સમય અને તારીખ જણાવીશ.”
ત્રણ મહિના થવા આવ્યા, ક્રિશ્નાનો ફોન નહિ, કોઈ સમાચાર નહિ; મને પણ થયું કદાચ ક્રિષ્નાને સમય નહિ મળ્યો હોય, લગ્નમાં આવીને જતી રહી હશે. અમેરિકામાં વસતા ભારતિય લોકો પોતાના બાળકોના લગ્ન કદાચ ભારત કરતાં પણ વધુ ધામધુમથી ઉજવતા હોય છે અને પાછું બધું સમયસર થતું હોય એટલે કદાચ ક્રિશ્નાને સમય નહિ મળ્યો હોય એમ મન મનાવી હું વાત ભુલી ગઈ પણ ક્રિષ્ના નહોતી ભુલી.
શનિવારની સવાર એટલે આરામથી ઊઠી હજી હું મારી કોફીનો આનંદ માણી રહી હતી અને ફોનની ઘંટડી રણકી. ક્રિષ્નાનો ફોન હતો, “શૈલા હું હ્યુસ્ટનમાં છું, સોરી સોરી આગળથી જાણ ના કરી શકી પણ આજે હું એક વાગ્યા સુધી ફ્રી છું. અમારે જાન લઈ બે વાગ્યે નીકળવાનુ છે અને અમે આ હોટલમાં છીએ. તને મળવા આવવાનુ ફાવશે?”
હું એકદમ ઊભી થઈ ગઈ, નસીબજોગે એની હોટલ મારા ઘરથી લગભગ અર્ધા કલાકના અંતરે હતી. હમણા કલાકમાં આવું છું કહી અમે ફટાફટ તૈયાર થઈ નીકળી પડ્યા.
૧૯૬૯માં ક્રિશ્નાના લગ્ન થયા પછી ૨૦૦૯ લગભગ ચાલીસ વર્ષે હું ક્રિષ્નાને જોતી હતી. જેવી હું એના રુમમાં ગઈ અને અમે એકબીજાને ભેટી પડ્યા. ચાલીસ વર્ષનુ અંતર ખરી પડ્યું. અમારી યાદોને વાતોનો અસ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો અને નરેંદ્રભાઈ ને પ્રશાંત એના મુક સાક્ષી બની રહ્યા. બે કલાક ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી. ક્રિશ્નાને તૈયાર થવાનુ હતું એટલે અમે ઘરે જવા નીકળ્યા પણ ક્રિશ્નાના એ મિત્રોએ અમને જમ્યા વગર જવા ના દીધા. એ મારવાડી કુટુંબનુ આગ્રહભર્યું નિમંત્રણ અને દાલ બાટીનુ ભોજન જમી અમે ઘરે પહોંચ્યા.
ફરી પાછું થોડા વખતમાં અમે અમારી જિંદગીમાં મશગુલ થઈ ગયા. નંબર મારા મોબાઈલમાંથી ખબર નહિ પણ જતો રહ્યો અને પાછો લાંબો સમય વીતી ગયો.
દિપ્તી અને હું નિયમિત વાતો કરતાં અને પાછો વર્ષા મીનાનો સંપર્ક થયો, અને અમે એક વોટ્સેપ વિડિઓ ગ્રુપ બનાવ્યું.વોટ્સેપનુ અમારું વિડિઓ ગ્રુપ જેમાં અમારા ચાર સાથે અરુણા પણ જોડાઈ અને અમે નિયમિત મહિનામાં એકવાર વિડિઓ કોલ પર વાતો કરવા માંડ્યા. સ્કૂલની વાતો, બીજા મિત્રોની વાતો, સ્કૂલના મસ્તી તોફાનોની વાતો કલાક બે કલાક ક્યાં પસાર થાય એની ખબર પણ ના રહે, અને ફરી વર્ષાની મહેરબાનીથી ક્રિશ્નાનો સંપર્ક થયો અને મૈત્રીના તાર પાછા જોડાઈ ગયા.
ક્રિશ્ના સાથે પાછા જાણે કદી છુટા પડ્યા જ નથી એમ યાદોના તાર સંધાઈ ગયા. જ્યારે એને એના લગ્નનો ફોટો મોકલ્યો તો કેટલાય સંસ્મરણો જાગી ઉઠ્યા અને આ લેખ લખાઈ ગયો.
લોકો આજની ટેક્નોલોજી વખાણે કે વખોડે પણ મારા માટે એ આશીર્વાદરુપ છે, જેના કારણે આજે મારા ફોનના ટેરવે હું મારા મિત્રોના સંપર્કમાં છું, ભૌગોલિક અંતર ગાયબ થઈ ગયું છે. મન થાય ત્યારે એકબીજા સાથે વાત થાય એકબીજાને રુબરુ જોવાય.
આ ઉંમરે જ્યારે સંતાનો પોતાના જીવનમાં વ્યસ્ત હોય ત્યારે મિત્રોનો સાથ અને એ યાદો જીવન જીવવા જેવું બનાવે છે એ મારો જ નહિ સહુ મિત્રોનો અભિપ્રાય છે. આ મૈત્રી સદાય આમ જ મઘમઘતી રહે.

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!

સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી!

રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી!

મળ્યા ન મળ્યા રોજ, રહ્યા આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!

પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો એ દિલની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!

(સહુ મિત્રોને સમર્પિત આ કાવ્ય}

શૈલા મુન્શા તા. જાન્યુઆરી ૨/૨૦૨૧

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.