April 7th 2024

સંભારણું -૧૪ – ધાબું

ધાબું શબ્દ આજની પેઢી માટે કદાચ અજાણ્યો હોઈ શકે, પણ ગુજરાતમાં વસતાં લોકો એનો અર્થ બરાબર જાણતા હશે એની મને ખાત્રી છે.
હમણાં જ શિવરાત્રી ગઈ અને સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ કે શિવ શિવ કરતી ઠંડી ગઈ. ફાગણ આવી ગયો અને ઋતુ બદલાવા માંડી. ગરમીનો અણસારો થવા માંડ્યો. આજકાલ તો ગ્લોબલ વોર્મીંગને કારણે આખી દુનિયામાં મોસમના વરતારા ખોટા પડતાં જાય છે. ગરમી ત્યાં ઠંડી અને ઠંડી ત્યાં ગરમી, કમોસમનો વરસાદ અને કરાં! અરે હમણાં થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં વરસાદ અને બરફના કરાં પડ્યાં અને ફટાફટ social media પર upload પણ થઈ ગયાં. આ social media ને કારણે દુનિયા એકદમ નાની થઈ ગઈ છે. એના ફાયદા અને ગેરફાયદા તો છે જ પણ આજે એની ચર્ચા નથી કરવી.
આજે એવા જ એક Whatsapp ફોટાએ મને બાળપણને દરવાજે પહોંચાડી દીધી. ફોટો હતો એક ધાબાનો, ધાબાના આમ તો બે અર્થ થાય, એક તો હાઈવે પર ખાવાની નાની દુકાન જે ખાસ તો ટ્રક ડ્રાઈવરોને જમવા આરામ કરવાની જગ્યા કહેવાય, પણ એનું ખાવાનું ઘણીવાર એટલું મજેદાર હોય કે કારમાં ફરવા નીકળેલા મુસાફરો, એક શહેરથી બીજા શહેર જતાં લોકો પણ ત્યાં જમવા રોકાય. બીજો અર્થ ધાબું એટલે કે અગાશી. આજના બાળકોને તો આ ધાબું અને એની મોજ કશાની ખબર નહિ હોય.
મુંબઈ જેવા શહેરમાં તો કોઈએ ધાબે સુવાની લિજ્જત નહિ માણી હોય પણ ગુજરાતમાં બંગલામાં રહેતાં લોકો આજે પણ એ મોજ માણતા હશે.
મને યાદ આવી ગયાં મારા એ બાળપણના દિવસો જ્યારે ઉનાળાની રજાઓમાં અમદાવાદ કાકાને ત્યાં જવાનું થતું હતું. અમે તો બે બહેનો પણ કાકાને ત્યાં ત્રણ દીકરા અને ત્રણ દીકરી. આમ અમે આઠ ભાઈબહેનો ભેગા થતાં અને ઘરમાં મસ્તીનો માહોલ છવાઈ જતો. દિવસની ગરમી તો ત્રાહિમામ એટલે ઘરમાંજ જાતજાતની રમતોમાં સમય પસાર કરતાં પણ જેવા સૂરજદાદા આથમતા કે વાતાવરણમાં શીતળતા પ્રસરવા માંડતી. સાંજનુ વાળું પતાવી ક્યારેક કાંકરિયા તળાવની સહેલ કરવા નીકળતા તો ક્યારેક એલિસબ્રીજની પાળે બેસતાં. પાછા ફરતાં એક ક્રમ ચોક્કસ હોય. જનતાનો આઈસક્રીમ ખાવાનો અથવા બરફના ગોળાની લારી પર ગોળો ખાવાનો. કોઈ કાલાખટ્ટા નંખાવે, કોઈ ખસનું શરબત, કોઈ લાલ પીળા રંગનું મિશ્રણ કરાવે. પેટમાં ઠંડક કરી ઘરે આવી સીધાં ધાબે સુવા જવાનું. કપડાં બદલવાનાને નાઈટ ડ્રેસ પહેરવાનો એ બધું કોને ખબર હતું! હાથ પગ ધોઈ ને ફ્રોક કાઢી પેટીકોટ પહેરી સુવાનું અને છોકરાંઓ શર્ટ કાઢી ગંજી પહેરી સુઈ જાય. મનજીભાઈએ ગાદલાં પાથરી બધી તૈયારી કરી જ રાખી હોય. પાણીનું માટલું ગ્લાસ બધું ગોઠવી રાખ્યું હોય.
એક વાત તો કરવાની રહી જ ગઈ. ઘરમાં તો કાકા ઓફિસથી આવે એટલે અમે બધાં ભાઈ બહેનો ડાહ્યાંડમરાં થઈ ગોઠવાઈ જઈએ. કાકાનો કડપ જ એવો. વઢે નહિ પણ એ જમાનામાં કદાચ બધા બાળકો એક પ્રકારની આમાન્યા રાખતાં હશે, પણ જેવા ધાબે પહોંચીએ એટલે અમે રાજા. એરકંડિશનની પણ જરૂર ના પડે એવી મજાની ઠંડક થઈ ગઈ હોય. સુવાની કોને ઉતાવળ હોય, બસ અંતાક્ષરી ને ગામગપાટાં ચાલુ. આકાશમાં કોણ વધારે તારા ગણે એની હરિફાઈ કરીએ. પુનમની રાત હોય તો ચાંદનીનો પ્રકાશ આખા આભને રુપેરી અજવાશથી ભરી દે, અને અમાસની રાત હોય તો અગણિત તારા જે ચંદ્રપ્રકાશમાં ઓઝપાઈ ગયા હોય તે નભને પોતાના ઝીણા ઝીણા ઝગમગાટથી ભરી દે.
ધીરે ધીરે નિદ્રાદેવી અમને એની આગોશમાં સમાવી દે અને સવાર પડે સૂરજદાદા એના કોમળ કિરણોથી અમને ચેતનાવસ્થામાં લઈ આવે. વહેલી પરોઢે તો રજાઈ ઓઢવી પડે એટલી ઠંડક થઈ ગઈ હોય.
નાનપણના એ મીઠા સ્મરણો અને ધાબે સુવાની લિજ્જત જેણે માણી હોય એ જરૂર મારી વાત સાથે સંમત થશે. આજે એરકંડિશન બેડરુમમાં પણ એવી મીઠી નિંદર નથી આવતી, અને આજે અગાશી હોય તોપણ લોકો ધાબે સુવા જવાનું ટાળે છે. કુદરત સાથે ચેડાં કરી માનવીએ વાતાવરણને પ્રદુષિત કરી દીધું છે. સીમેન્ટ કોંક્રીટના જંગલ ઊભા કરી વૃક્ષોનો, જંગલોનો નાશ કરવા માંડ્યો છે એટલે જ તો દિવસે અને રાત્રે ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે ત્યાં ધાબે સુવા જવાનું તો જાણે અશક્ય બનતું જાય છે!
એક Whatsapp ફોટાએ મનની મંજુષામાં લપાયેલી બાળપણની સુનહરી યાદોને તાજી કરી દીધી. કાશ એ દિવસો ફરી માણવા મળે!!

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૭/૦૪/૨૦૨૪
www.smunshaw.wordpress.com

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.