September 9th 2022

સંભારણું -૧૧- શ્રધ્ધાંજલિ

શ્રાવણ મહિનો આવે અને ભારતમાં તહેવારોની મોસમ શરુ થઈ જાય. ભારતમાં આમ તો બારેમાસ કોઈને કોઈ તહેવાર ઉજવાતા હોય છે. અનેકતામાં એકતા અને સર્વધર્મ સમભાવનાના આપણા દેશમાં તહેવારોની ક્યાં ઓછપ હોય છે!
હમણા ગણેશોત્સવના તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પરંપરાગત ઘરમાં અને સાર્વજનિક રુપે આ તહેવાર ઉજવાય છે. શ્રી લોકમાન્ય ટિળકે પરતંત્ર ભારતની જનતામાં જોશ અને દેશભાવના જાગૃત કરવા આ તહેવારની શુભ શરૂઆત કરી હતી અને આજે ફક્ત ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ખૂબ ઉત્સાહપૂર્વક બાપ્પાની પધરામણી અને વિસર્જન થાય છે.
તહેવારો સાથે મારા અંગત સંબંધો અને લાગણી જોડાયેલા છે.સામાન્યતઃ કદાચ બધાને અમુક તહેવાર પ્રતિ વિશેષ લાગણી કે લગાવ હોઈ શકે!!
જ્યારે પણ ગણેશોત્સવનો તહેવાર આવે છે, મારું મન અચૂક સ્મરણોના એ મુકામ પર પહોંચી જાય છે જે મારા જીવનની વસમી વાસ્તવિકતા, દર્દને ઝંઝોડી દે છે!!
૧૯૭૨ ભાદરવા સુદ બીજ! એ કાળ ચોઘડિયે અમે ભાઈ બહેનોએ અમારી માતાને અકસ્માતમાં ગુમાવી. એ કારમી પળ એ યાતના મારા જીવન સાથે સતત વણાયેલી છે જેને હું એક પળ પણ વીસરી શકતી નથી. પિતા તો અમે પહેલા જ ગુમાવ્યા હતા અને આ બીજો કારમો વજ્રાઘાત!! મારી સાથે નાની બહેન અને સાવ નાનકડો ભાઈ જેને સમજ પણ નહોતી કે શું થઈ રહ્યું છે?
મારું આ સંભારણું ફક્ત દુઃખદ યાદોનુ જ નથી, પણ એ દુઃખમાં જે સહારો મળ્યો એ સ્મરણનોને મોગરાના ફુલની જેમ મઘમઘતા રાખવાનો છે. નાના, નાનીએ તો અમને સંભાળી જ લીધાં, પણ મારી બાળપણની સખી નયના અને એનો પરિવાર જે મને એમની ત્રીજી દીકરી જ ગણતા એની બહુ મોટી ઓથ મળી.
બે દિવસ પછી ભાદરવા સુદ ચોથ. ગણપતિ બાપ્પાની પધરામણીનો દિવસ. નયનાને ત્યાં વર્ષોથી બાપ્પાની પધરામણી થાય અને હું અને મારો પરિવાર એ ઉત્સવનો અવિભાજ્ય અંગ હોઈએ.
મને બરાબર યાદ છે ૧૯૭૨નો એ દિવસ!! મમ્મીના અવસાનને બે દિવસ થયા હતા, મારી એ નાસમજ ઉમરમાં મને કોઈ ધાર્મિક રિવાજોનો ખ્યાલ નહોતો, કે કોઈ સૂતક લાગે એવો ખ્યાલ નહોતો. નાના ઘણા સુધારાવાદી હતા અને મારા મમ્મીની ખાસ બહેનપણીનો દીકરો રાજુ અમને નયનાને ત્યાં લઈ ગયો. ત્યાં પણ બધાએ સહજતાથી અમને આવકાર્યા, આરતીમાં ભાગ લેવા દીધો અને ખાસ તો મારા નાનકડા ભાઈ પાસે પ્રેમથી આરતી કરાવી, મોદક ખવડાવી ખુશ કરી દીધો.

મમ્મીના અવસાન પછી અને મારા લગ્ન પછી મારા માટે પિયર જવાના એક નહિ પણ ત્રણ ત્રણ ઘર હતાં. નાના નાની તો કલકત્તા હતા અને મારા ભાઈ બહેન પણ એમની સાથે કલકત્તા હતાં, પણ મુંબઈમાં નયનાનુ ઘર, જ્યોત્સનાબહેન અને નીલા જે મારી નાની બહેનની ખાસ સખી હતી એનુ ઘર.
આજે એ દિવસો યાદ કરું છું ત્યારે મન અહોભાવથી તૃપ્ત થઈ જાય છે. નયનાને ત્યાં મારા બાળકોના જન્મ પછી જ્યારે પણ જઉં, ઘર આખું મારા બાળકો પાછળ ઘેલું થઈ જાય, કારણ ઘરમાં હજી બીજા કોઈ નાના બાળકનુ આગમન નહોતું થયું. એ લાડ અને પ્રેમ નાના, નાનીનો મારા બાળકોને અનરાધાર મળ્યો અને આજે પણ મારી દીકરી અને દીકરો એમને મામા, કે માસી કહીને જ બોલાવે છે.

મને બરાબર યાદ છે નયનાનો નાનો ભાઈ રાજેશ ત્યારે મુછ રાખતો અને મારી નાનકડી દીકરી શ્વેતા જ્યારે પણ રાજેશના હાથમાં હોય, શ્વેતાના ગાલને મુછથી હેરાન કરતો, પણ શ્વેતાને મજા આવતી અને એ મુછ ખેંચવાનો પ્રયાસ કરતી. આજે પણ જ્યારે વાત થાય રાજેશ શ્વેતાના નટખટ તોફાનોને યાદ કરતો રહે છે.
નીલાના મમ્મી પદ્માબહેન જેને અમે સહુ બા કહેતા, એમણે ઘરમાં પારણાઘર શરું કર્યું હતું અને હું લગભગ બે ચાર મહિને એમને ત્યાં રહેવા જતી. મારા બાળકોને ત્યાં ખૂબ મજા આવતી અને પારણાંઘરના શિક્ષકો પણ એમને વિશેષ લાડ કરતાં. નીલાના લગ્ન પછી દિપક એના પતિનો પણ એટલો જ સાથ સહકાર મળતો રહ્યો.
જ્યોત્સનાબહેન મારા મમ્મીના અવસાન પછી તરત મારે ત્યાં આવ્યા, પપ્પાના અવસાન પછી મમ્મી હમેશા આછા કલરની સાડી પહેરતી, ભુરી, કે બદામી કે રાખોડી. જ્યોત્સનાબહેન જેને રાજુ, વિહારની જેમ અમે પણ મા કહીને જ બોલાવતા એમણે મારા કબાટમાંથી એ બધી સાડીનુ પોટલું વાળી અનાથાશ્રમમાં મોકલાવી દીધું અને સરસ રંગીન સાડીઓનો જથ્થો મારા કબાટમાં ગોઠવી દીધો. મમ્મી જે સ્કૂલમાં શિક્ષિકા હતી ત્યાં મને મમ્મીની જગ્યાએ નોકરી આપી મમ્મી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો અને મા નહોતા ઈચ્છતા કે હું એવી આછા કલરની સાડી પહેરી નોકરીએ જઉં. જ્યોત્સનાબહેનનો દીકરો રાજુ જ્યારે અમે બે બહેનોને ભાઈ નહોતો ત્યારે એક રક્ષાબંધને દરવાજે આવી ઊભો, રાખડી બંધાવી અને આજ પર્યંત સગા ભાઈથી વિશેષ સંબંધ જાળવ્યો છે.
સ્મરણોની આ કેડી પર જ્યારે પાછળ ફરીને નજર કરું છું ત્યારે હૈયું ખુશીથી છલકાઈ ઉઠે છે. કેટલો પ્રેમ, આદર, લાગણી હું પામી છું. બા નથી રહ્યાં, મા નથી રહ્યાં, નયનાના મમ્મી, પપ્પા નથી રહ્યાં પણ સંબંધોના તાર એટલા જ મજબૂત રહ્યાં છે.
આ બધામાં અત્યારે મારી મમ્મીની જગ્યાએ સુશીમામી મમ્મી બની રહ્યાં એ તો કેમ જ વિસરાય! મારા નાના ભાઈ બહેનને પોતાની સોડમાં લીધાં અને અમને ક્યારેય મમ્મીની ખોટ ના વરતાવા દીધી, એ મોસાળ એ મામા માસી સહુના અતૂટ પ્રેમે હમેશ અમારા જીવનને સહ્ય બનાવ્યું છે.
ભાદરવા સુદ બીજ ફક્ત મારા મમ્મી જ નહિ પણ મારા સાસુની પણ પુણ્ય તિથિ. લગ્ન પછી જયાબહેન, મારા સાસુએ કદી મને મમ્મીની ખોટ વરતાવા દીધી નહોતી અને મારા બાળકો પણ પુરા નસીબદાર કે દાદા દાદીની છત્રછાયા અને હેતમાં મોટા થયાં.
આટલો પ્રેમ મેળવવા હું ભાગ્યશાળી બની એનુ સઘળું શ્રેય મારી મમ્મીએ જે આંબો વાવ્યો હતો એના મીઠા ફળ મને માણવા મળ્યાં
આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ મમ્મીના અવસાનને બરાબર પચાસ વર્ષ થયાં.
એ મમ્મીના ગુણ અને સંબંધ સાચવવાની સુઝ અને પ્રેમાળ સ્વભાવ વ્યાજ સહિત હું અને મારા ભાઈ બહેન માણી રહ્યાં છીએ. માતા પિતાની યાદ તો સદા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, એ સુવાસ ક્યારેય કરમાતી નથી, એક મીઠું સંભારણું બની સદા મહેકતી રહે છે!
નત મસ્તકે આ શ્રધ્ધાંજલિ મારી મમ્મી અને સાથે મા સ્વરુપે પ્રેમ વરસાવનાર સર્વ માતાઓને!!

અસ્તુ,

શૈલા મુન્શા સપ્ટેમ્બર ૯/૨૦૨૨
www.smunshaw.wordpress.com

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.