May 27th 2023

સંભારણુ -૧૨ – અણધારી વિદાય

૨૧ મે ૨૦૨૩ની સવાર હું ક્યારેય નહિ ભૂલી શકું…
જાગવાનો સમય થઈ ગયો હતો, પણ સવારની એ મીઠી નીંદરમાં આંખ ખોલવાનુ મન થતું નહોતું. અપાર્ટમેન્ટની બહાર જ આવેલા શંકરના મંદિરમાંથી પ્રાતઃ આરતીના સૂર રેલાઈ વાતાવરણ ભક્તિમય બનાવી રહ્યાં હતાં અને અચાનક ફોન રણક્યો…
જોયું તો સમીત, મારા દીકરાનો ફોન હતો. વહેલી સવારે એનો ફોન જોતાં જ મનમાં ફાળ પડી! મમ્મી એક દુઃખદ સમાચાર છે સાંભળીને જ એક ક્ષણમાં કેટલા વિચારો અને ધ્રાસ્કો.. તેં દેસાઈ કઝીનમાં મેસેજ નથી જોયો?? સુશીમામીનુ અવસાન થયું છે!! મારો શ્વાસ, કાન, મન બધું જાણે સ્થગિત થઈ ગયું, સમીત કાંઈ બોલતો રહ્યો ને દુનિયા જાણે થંભી ગઈ! છેવટે કાને એટલું જ સંભળાયું “મમ્મી, મમ્મી શાંત થા, ઊંડા શ્વાસ લે” શરીર થરથર કાંપતું હતું અને બોલવા માટે શબ્દો….
થોડીવારે કળ વળી અને સમીતને પૂછ્યું પણ એને વધારે કાંઈ ખબર નહોતી. ફક્ત રાતે એટલે કે વહેલી સવારે સુશીમામીનુ અવસાન થયું એટલી જ વિગત જાણતો હતો.
સુશીમામી પહેલીવાર જ્યારે કલકત્તાથી ગુજરાતી મંડળ તરફથી નૃત્યનાટિકાનો પ્રોગ્રામ લઈ મુંબઈ આવ્યા ત્યારે મળી હતી. એક જ બિલ્ડીંગમાં રહેતાં ઉમેશ મામાને સુશીમામી પ્રેમમાં હતાં અને ઘરના સહુની સમ્મતિથી વૈવાહિક જીવન શરુ કરવાના હતાં. મમ્મી સાથે હું અને પારુલ ભાવિ મામીને મળવા તેજપાલ ઓડિટોરિયમ પહોંચી ગયા હતાં. મામા બધા ભાઈ બહેનમાં સહુથી નાના એટલે અમને હમેશ મામા કરતાં મિત્ર વધારે લાગતાં મામી સાથે પહેલી મુલાકાતમાં જ એક નાસમજ પણ અનોખી લાગણીનો તાર જોડાઈ ગયો.
ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે કોને ખબર? ૧૯૬૮નુ વર્ષ અમારા સહુ માટે, મારા નાના નાની માટે કારમો આઘાત લઈ આવ્યું. એકવીસ દિવસના ગાળામાં મારા મોટા માસાને મારા પપ્પા હાર્ટફેઈલથી અવસાન પામ્યા. મમ્મીએ સ્વમાનભેર સ્કૂલની નોકરી કરી અમ ભાઈબહેનોને પાંખમાં લીધાં, પણ એ હિમ્મત નાનાની સોચ અને મામા, મામી માસા, માસી બધાની સહિયારી મદદથી કરી શકી..
જીવન થોડું થાળે પડ્યું અને બીજો વજ્રાઘાત.. એક અકસ્માતમાં મારી મમ્મીનુ પણ અવસાન થયું. અમે ભાઈ બહેન સાવ નોધારાં થઈ ગયાં, ફરી નાના નાની એ જ હિમ્મત બની પડખે ઊભા રહ્યાં
મારા લગ્ન કરાવી નાના મારી બહેન અને નાના ભાઈને લઈ કલક્ત્તા ગયાં. સુશીમામી મામી મટી એમનાં પણ મા બની રહ્યાં. એમને એક જ દીકરો પણ પારુલ સ્નેહલના કલકત્તા ગયાં પછી મામા મામી ક્યાંય એકલા ફરવા ગયા હોય એવું મને યાદ નથી. હજુ એટલી કસોટી બાકી હોય તેમ બીજા વર્ષે સુરેશમામાનુ અવસાન થયું અને સુશીમામીએ જેઠાણી અને એમના ત્રણ બાળકો સહુને પાંખમાં લીધાં અને જીવનભર સહુની મા બની રહ્યાં!!
હજી હમણાં જ મધર્સ ડે ગયો અને ૧૭ મે અમારી પચાસમી લગ્નતિથિ. મહિના પહેલાં જ હું ને પ્રશાંત કાયમ માટે ભારત પાછા આવ્યાં. મામી ઘણા ખૂશ હતાં. ચાલો હવે તું પાસે આવી ગઈ એટલે જલ્દી મળવાનુ થશે, લગ્નતિથિએ આશીર્વાદના સંદેશ સાથે કલક્ત્તા આવવાનુ ભાવભીનુ આમંત્રણ હતું.કોને ખબર હતી કે એ પળ ક્યારેય નહિ આવે..
મારી કવિતા, ગઝલ, કે વાર્તા; મામી હમેશ વાંચીને સરસ પ્રતિભાવ આપતાં અને મારા લખાણના મોટા પ્રશંસક હતાં. હજી થોડા મહિના પહેલાં તો મેં મારા સંભારણામાં એક મા ગુમાવ્યા પછી કેટલી માતાનો પ્રેમ મળ્યો એ વાત લખી હતી અને આજે??
ત્રણ દિવસે આજે સુશીમામીની યાદોને વાગોળતાં શ્રધ્ધા સુમન રુપે કશુંક લખવાની હિમ્મત કરી રહી છું. મનમાં વિચારોનો મહાસાગર ઉમટે છે શું લખું અને શું નહિ??
સુશી મામીએ જીવનભર નિઃસ્વાર્થભાવે ફકત લાગણી વહેંચવાનુ જ કામ કર્યું છે. કલક્ત્તામાં બાળમંદિરમાં એક સ્વયંસેવક તરીકે સેવા આપવાનુ શરુ કરી ત્યાંની કમિટિમાં માનદ હોદ્દા પર વર્ષો કામ કર્યું અને સંસ્થાને આંતરરાષ્ટ્રિય સ્તરે આગળ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો…
આવી નિરાભિમાનિ કર્મનિષ્ઠ વ્યક્તિની પ્રભુને પણ જરુર હશે એટલે એમને ત્યાં સેવા આપવા બોલાવી લીધાં અને આ એમના સત્કર્મનો જ પ્રભાવ છે કે રાતે બાર વાગ્યા સુધી પતિ, દીકરા, વહુ સાથે ક્રિકેટ મેચ જોયા પછી સાડાબારે જરા શ્વાસમાં મુંઝવણ થઈ અને ગાડીમાં હોસ્પિટલ પહોંચતા પહેલાં સ્મિતવદને, ચહેરા પર પરમ શાંતિ સાથે એક નવી દુનિયાને પ્રેમ વહેંચવા પહોંચી ગયાં.
શ્રી ભવાનીપુર ગુજરાતી બાળમંદિર કલકત્તાના પરિવારના શોક સંદેશ સાથે વિરમું છું…

શ્રી ઉમેશભાઈ, વિરલ, નીપા અને પરિવાર જન…
સરળ સ્વભાવ, હસમુખ ચહેરો, એક વિશેષ વ્યક્તિત્વ.. સૌના પ્રિય સુશીબેન.. એક યથાર્થ જીવન જીવી ગયાં. એમનો પુણ્યશાળી જીવાત્મા કર્મનો ક્ષય અને ઋણ મુક્તિની નવી રાહ નવું પ્રારબ્ધ ભોગવવા સમસ્તિ તેજમાં ભળી ગયો. સુશીબેનની કાર્યશીલતા, કાર્ય પ્રત્યેની સુઝ ચીવટ અને નિયમિતતા બાલમંદિર પરિવાર માટે પ્રેરણારુપ છે. બાલમંદિર પ્રત્યેનો એમનો સ્નેહ અને યોગદાન સદાય અમારી સ્મૃતિમાં જીવંત રહેશે.
“મા” ના વાત્સલ્ય અને હૂંફ જીવનના અમૂલ્ય વરદાન છે. કોઈપણ ઉંમરે “મા” નો વિયોગ અસહ્ય છે આ અવસાદની ક્ષણોમાં આપ સર્વે ધૈર્યથી સાથે રહી એમની ચેતનાના આશિષ પામજો, એમની સાથે વિતાવેલાં સુખદ સ્મરણોથી સાંત્વના પામજો.
પરમ કૃપાળુ પરમાત્મા! એક જીવ સાચા અર્થમાં તમારા દ્વારે સજીવ થવા આવી રહ્યો છે એ રાહમાં ઝળહળ પ્રકાશ પાથરો, પરમ શાંતિ અને મુક્તિ આપો…..
બાલમંદિર પરિવારની અંતઃકરણની પ્રાર્થના
ૐ શાંતિ શાંતિ શાંતિ

આજે ખરા અર્થમાં હું મા વિહોણી થઈ ગઈ.. બસ એક જ પ્રાર્થના પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અમને એમના પગલે ચાલવાની પ્રેરણા….
અસ્તુ,

શૈલા મુન્શા તા મે/ ૨૪/૨૦૨૩
www.smunshaw.wordpress.com

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.