May 27th 2023

સેકન્ડ ઇનિંગ્સ

સેકન્ડ ઇનિંગ્સ, બીજી પાળી, ડાયરીમાં એક નવું પાનું, એક નવો અધ્યાય શરુ થયો!! પણ ખરેખર આ બીજી પાળી કે ત્રીજી??
આમ તો બધા લોકો નિવૃત જીવનને બીજી પાળી તરીકે ઓળખતા હોય, બાળકો મોટાં થઈ પોતપોતાના જીવનમાં ગોઠવાઈ ગયાં હોય, એમના જીવનનું એક સુંદર ઉપવન રચાઈ ગયું હોય. ક્યારેક બાળકો પાસે હોય તો પૌત્ર, પૌત્રીને રમાડવાનું, એમની જરુરિયાત વખતે સાથ આપવાનો મોકો મળે, અને થોડા વખતમાં એ બાળકો પણ પોતાની દુનિયામાં રમમાણ!!
મારા જીવનનો અધ્યાય કાંઈક જુદી રીતે જ લખાયો! થાય છે આજે તો મન મૂકીને ડાયરીમાં ઠાલવી જ દઉં.
પચાસ વર્ષની વયે સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ, અને પહોંચ્યાં અમે ભારતથી છેક અમેરિકા. નવો દેશ, નવી દુનિયા; અધૂરામાં પૂરું બહેન કે જેણે અમને સ્પોન્સર કર્યાં એમને સાઉદી અરેબિયા જવાનું થયું. સગવડ તો એ બધી જ કરીને ગઈ હતી. પછી પગભર થવાનું, નવા સંબંધ શોધવાના, નોકરી માટે ઈન્ટરવ્યૂ!! ખરી મજા તો ઈન્ટરવ્યૂ આપવામાં થઈ.
અંગ્રેજોની મહેરબાનીથી આપણા અંગ્રેજી ઉચ્ચાર પર બ્રિટિશ લહેકાની અસર અને અમેરિકન અંગ્રેજી સ્વર, સ્વરના ઉચ્ચાર-ધ્વનિ પર વધુ ભાર આપે. ભલે મારું અંગ્રેજી વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર હોય પણ સામાવાળાને સમજવામાં તકલીફ પડે. અચાનક મને કેપ્ટન નરેન્દ્ર ફણસેના પુસ્તક “જિપ્સીની ડાયરી” નું એક વાક્ય યાદ આવી ગયું. “એક સૈનિકને અનેક મોરચે લડાઈ લડવી પડતી હોય છે, પણ જીવનની લડાઈ તો પ્રત્યેક માણસે પોતે એકલાએ જ લડવી પડે છે” આ પરમસત્યનું જ્ઞાન અમેરિકા આવીને મારા હૈયામાં બરાબર કોતરાઈ ગયું.
અમેરિકાની ધરતી પર ગોઠવાતા વાર લાગી નહિ. બહેનના મિત્રોનો ભરપૂર સાથ મળ્યો. ભારતની શૈક્ષણિક કારકિર્દીએ અમેરિકન સ્કૂલમાં શિક્ષિકાની નોકરી મેળવવામાં સહાય કરી. નાના દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં કરતાં જીવનમાં એક નવું પાનુ ઉમેરાયું.
આ નિર્દોષ બાળકોની વ્યથા, તકલીફ, નિર્વ્યાજ પ્રેમ આ રોજનીશીનું અવિભાજ્ય અંગ બની ગયાં. લગભગ રોજ ડાયરીમાં એ પ્રસંગો નોંધાતા ગયા.
એ રોજનીશીએ સાહિત્ય જગતમાં પ્રવેશવાનો માર્ગ ચીંધ્યો અને હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના ઘણા સાહિત્ય સર્જકો અને સરિતાના દરેક સભ્યો સાથે જાણે પારિવારિક સંબંધોનો સેતુ બંધાયો
બાવીસ વર્ષ અમેરિકન સ્કૂલમાં કામ કરતાં કરતાં ત્યાં પણ ઘણા મિત્રો થયા. મારિયા એક ચુલબુલી મેક્સિકન શિક્ષિકાનો ચહેરો અને ડાયરીનું એ પાનું આજે પણ આંખ સામે તરવરે છે.
કેન્સરને માત આપી જિંદાદિલીથી જીવતી મારિયા અચાનક એક દિવસ મારી સાથે જમતાં જમતાં કહેવા માંડી, “મીસ મુન્શા 55 and up, decide to start my second innings” પહેલીવાર મને સેકન્ડ ઇનિંગ્સનો અર્થ સમજાયો, સ્વેચ્છાએ મારિયા નિવૃત થઈ પોતાના સમવયસ્ક લોકો સાથે રહેવા જવાની હતી; જ્યાં એ પોતાના શોખ પોતાના મિત્રો સાથે માણી શકે. અમેરિકામાં આ વાત બહુ સહજ છે જે પચાવતા થોડી વાર લાગી.
जिंदगीका सफर है ये कैसा सफर,
कोई समझा नहीं, कोई जाना नहीं;
है ये कैसी डगर, चलतें हैं सब मगर;
कोई समझा नहीं, कोई जाना नहीं!!
રાજેશ ખન્ના, શર્મિલા ટાગોરनुं પિક્ચર સફર મારા મનગમतां પિક્ચરની યાદિમાં શામેલ છે. કિશોરકુમારના કંઠે ગવાયેલું અને ઈન્દીવરજી લખેલું આ ગીત જીવનનો મર્મ કેવી સુંદરતાથી સમજાવે છે. મારા જીવનની સફર પણ કાંઈક આવી જ છે, चलतें हैं सब मगर, कोई समझा नहीं कोई जाना नहीं।
અત્યારે ડાયરીનો ત્રીજો અધ્યાય લખાઈ રહ્યો છે. અમેરિકામાં સ્થાયી થવાની ઈચ્છાએ બાવીસ વર્ષ પહેલાં ભારત છોડ્યું. છેલ્લાં બે ત્રણ વર્ષથી કોરોનાના સકંજામાં આખું વિશ્વ ઝડપાયું અને ઘણા આપ્તજનોનો વિયોગ થયો ત્યારથી મનમાં એક ઉત્પાત થઈ રહ્યો હતો, એકલતાનો સામનો કરવો તો કઈ રીતે? એક સ્ત્રી તરીકે કદાચ એ સહી લેવાય પણ એક પુરુષ અને તે પણ હંમેશાં બીજા પર અવલંબિત હોય એનું શું?
ભારતથી મિત્રોનો વારંવાર વહાલભર્યો સંદેશો આવતો હતો કે પાછી આવી જા, ઉંમરના આ પડાવે મિત્રો જેવો બીજો કોઈ સાથ નથી, એમાં તબિયત એક મુખ્ય નિમિત્ત બની ગયું..
ડાયરીમાં ત્રીજી પાળી, ત્રીજો અધ્યાય લખાવો શરુ થયો. પોતાને વતન પાછાં ફરતાં જાણે માની ગોદમાં પાછી ફરી હોઉં એવું લાગે છે. વતનની માટી, લોકો અને એની ખુશ્બૂ નિરાળી જ છે!! આ સવાર, બારી બહાર દેખાતો ગુલમહોર અને……
ઊઘડતી આંખ કોયલના ટહુકારે
ઊગતું પ્રભાત સૂર્યકિરણના સથવારે
આજનું આ પાનું માતૃવંદના સાથે સમાપ્ત કરું છું.

“પાલવનો ટુકડો મીઠું વ્હાલ સજાવે,
આમ તો ના કોઈ કમી જીવનમાં જરાયે
તો સપનામાં રોજ મા હાલરડાં કાં વાવે
મોતી ચમકતું આંખ ખૂણે, એ છુપાવે…..

ઠેસ જ્યાં લાગે જરા ને મા યાદ આવે.

ગયા સહુ છોડી એ શું બની જાય તારા?
કૌતુકભરી નજરો શોધે હશે કોઈ મારા?
વરસાવે સહુ અઢળક પ્રેમની અમૃત ધારા!
યાદોના ખૂલે પટારા, અશ્રુનાં તોરણ બંધાવે…

ઠેસ જ્યાં લાગે જરા, ને મા યાદ આવે.
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.