દરવાજા બંધ!

દરવાજા બંધ તો યે મન ક્યાં રોકાય છે!
હો નજરથી દૂર, પણ લાગણી ક્યાં છુપાયછે!
અઘરી છે છુપાવવી દિલની વાત,
તો યે સહુને ક્યાં કહેવાય છે.
ઘડીભર થોભી જોયું વળી પાછળ,
સ્મૃતિના ઉપવન ઊઘડી જાય છે.
ચહેરે સ્મિતનું આવરણ સજાવ્યું છે,
ભીતર સમુદ્રમંથન વલોવાય છે.
ચોરે ચર્ચાતી વાતમાં ક્યાં કોઈ દમ,
ના હાડકું જીભમાં, કહેવાય છે.
જીવનની સફર હો લાંબી કે ટુંકી,
પડે પડઘો પ્રેમનો, જીતી જવાય છે.
દરવાજા બંધ તો યે મન ક્યાં રોકાય છે!
હો નજરથી દૂર, પણ લાગણી ક્યાં છુપાયછે!
શૈલા મુન્શા તા. ૧/૧૦/૨૦૨૬