February 7th 2021

આત્મ સન્માન!

રક્ષાને વેસ્ટ આફ્રિકાના ઘાનામાં આવેલ નાનકડા શહેર કેપ કોસ્ટમાં આવે હજી અઠવાડિયું જ થયું હતું. પોતાનો રુમ ગોઠવી રહી હતી. સામાન પુરો હજી બેગમાંથી કાઢ્યો નહોતો. જગ્યા સરસ હતી અને રક્ષાને મળેલો અપાર્ટમેન્ટ બીજા માળે હતો. નાનકડા વરંડામાંથી સામે જ ઊછળતો સાગર અને ત્યાંનુ પ્રાકૃતિક સૌંદર્ય જોતાં રક્ષાનુ મન ભરાતું નહી.
ઘણા વખતે જાણે રક્ષાનુ મન પ્રફુલ્લિત થયું હતું.
દરિયા સાથે રક્ષાને કંઈક અજીબ જોડાણ હતું. બાળપણથી યુવા અવસ્થા મુંબઈમાં અને તે પણ પાર્લાના જુહુ વિસ્તારમાં એટલે જુહુ ચોપાટીએ હર રવિવારની સાંજ રેતીમાં રમવું અને ભેળ ખાવી એ ક્રમ બની ગયો હતો. આજ અચાનક સામે ઊછળતાં મોજા જોતા જોતા રક્ષા બાળપણના આરે પહોંચી ગઈ.
પાર્લાની શાળામાં ભણતા ભણતા રક્ષા, અવનિ, દિનકર, મનહરની મૈત્રી ખાસમ ખાસ બની ગઈ. મુગ્ધાવસ્થાના સપના તો ચારેયના કાંક અનેરા જ હતાં પણ વિધીનુ વિધાન કાંઈ જુદું જ હતું. કોલેજમાં રક્ષાએ આર્ટ પસંદ કર્યું અને બાકીના ત્રણે વિજ્ઞાન શાખામાં ગયાં.
અવનિ અને દિનકર વચ્ચે પ્રેમના અંકુર તો કોલેજના પ્રથમ વર્ષથી કોળવા માંડ્યા હતા અને પ્રેમ પરિણયમાં અને લગ્નમાં પરિણમ્યો.
સારી નોકરીની ઓફરે દિનકર અવનિ અમેરિકા આવી ગયા અને જીવનની ઘટમાળમાં પરોવાઈ ગયા. રક્ષા અને મનહર ક્યારેક મળી લેતા અને જુના મિત્રોને યાદ કરી લેતા.
નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલી રક્ષા દેખાવે અતિ સુંદર હતી. કાળી નાગણ સો ચોટલો લહેરાવતી રક્ષા જ્યારે કોલેજમાં આવતી, કંઈ કેટલાય યુવાનોના દિલમાં થી પ્રેમભરી આહ નીકળી જતી. મનહર પણ એમાંથી બાકાત નહોતો. રક્ષાની મૈત્રી તો એના ફાળે હતી પણ પોતાની ઓકાત એ સારી રીતે જાણતો. ક્યાં ઉચ્ચ નાગર કુળમાં જન્મેલી રક્ષા, અને ક્યાં પોતે સુથાર જાતિનો યુવાન!! પોતાના પ્રેમને મનમાં જ ધરબી એ દુરથી રક્ષાની મૈત્રીનો આનંદ માણી લેતો. દિનકર એના આ ગુપ્ત પ્રેમનો સાક્ષી હતો અને ઘણીવાર મનહરને હિંમત કરી રક્ષા પાસે પોતાના પ્રેમને જાહેર કરવા કહેતો પણ ખરો. રક્ષાને પણ આછો પાતળો ખ્યાલ હતો મનહરની લાગણીનો, પણ એ પોતાના પિતાના સ્વભાવને સારી રીતે જાણતી હતી. એના માતા પિતા જ્ઞાતિ બહાર લગ્ન કરાવવા કોઈ કાળે તૈયાર નહિ થાય એટલે એને ક્યારેય મનહર તરફ મૈત્રી સિવાય બીજો ભાવ દર્શાવા દીધો નહિ.
આવી જ અવઢવમાં એની જ જ્ઞાતિના આગળ પડતાં મોભી કુટુંબમાં થી રક્ષાના હાથનુ માંગુ આવ્યું અને રક્ષાના માતા પિતાએ હોંશભેર વધાવી લીધું. ધામધુમથી રક્ષાના લગ્ન મુકેશ સાથે થઈ ગયા.
કાળની ક્રુર થપાટે બે જ વર્ષના ટુંકા લગ્નજીવનમાં મુકેશ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને રક્ષા પર દુખોનો પહાડ તુટી પડ્યો.ઉગતી જુવાનીમાં રક્ષા વિધવા બની. રક્ષાના સાસુ સસરાએ રક્ષાને માથે લાંછન લગાડતાં પોતાના ઘરમાંથી કાઢી મુકી અને એના પિયર મોકલી દીધી.
આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં વિધવાના ફરી લગ્ન કરવાનો કોઈ જલ્દી વિચાર ના કરે, અને એમાં પણ પ્રતિષ્ઠિત નાતના આગેવાન કુટુંબમાં તો એ વાત કરવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી.
મનહરથી રક્ષાનુ દુઃખ જોવાતું નહોતું, દિવસ રાત એને એ જ વિચાર આવતાં કે કેમ કરી રક્ષાના જીવનને ફરી ખુશીઓ થી ભરી દે. પોતાના મનની વાત ઘરમાં તો કોઈને કરાય એમ નહોતી, એને પોતાનો મિત્ર દિનકર યાદ આવ્યો. એક લાંબો પત્ર લખી મનહરે પોતાના મનની લાગણી અને એનો ઉકેલ દિનકર અને અવનિ પાસે માંગ્યો.
મનહરની ઈચ્છા રક્ષા સાથે ફરી પરણવાની હતી, પણ ભારતમાં રહી એ શક્ય નહોતું. મોકો જોઈ મનહર રક્ષાને મળ્યો અને પોતાના મનની ગોપિત ભાવના, પોતાનો પ્રેમ છતો કર્યો અને રક્ષાને પરણવાની વાત કરી.
રક્ષાના દિલમાં ધરબાયેલો પ્રેમ ફરી જાગૃત થયો, પણ સમાજ; માતાપિતા શું કહેશે એ ચિંતામાં એ ડરતી રહી. આવી વિકટ પરિસ્થિતીમાં દિનકર અવનિએ એક યોજના કરી. અવનિએ રક્ષાને ઘણી હિંમત આપી અને મનહર જેમ કહે તેમ કરવાની સલાહ આપી.
એંજિનિયર થયેલા મનહરને દિનકરની મદદથી કેલિફોર્નિઆની કંપનીમાં નોકરી મળી ગઈ. ઘરના સહુને અજાણ રાખી રક્ષા અને મનહરે ચાર મિત્રોની હાજરીમાં મંદિરમાં લગ્ન કરી બધા જરૂરી ડોક્યુમેંટ્સ અમેરિકા મોકલાવ્યા. દિનકરનો મોટોભાઈ જે મુંબઈમાં જ હતો એની ઘણી મદદ મળી. બધા કાગળ પત્રમાં એના ઘરનુ સરનામુ હતું.
ગ્રીનકાર્ડ સાથે મનહરને પત્નિ સાથે અમેરિકા જવાનો કોલ આવી ગયો. આજથી ચાલીસ વર્ષ પહેલાં અમેરિકા આવવું સહેલું હતું. ખરી મુસીબત હવે હતી, રક્ષાને ઘરમાંથી અમેરિકાની ફ્લાઈટ પકડવા રાતે ઘરમાં થી કેવી રીતે નીકળવું? નવરાત્રિનો સમય હતો અને દિંકરના ભાઈ ભાભીએ પોતાના ઘરે માતાનુ જાગરણ છે એમ કહી રક્ષાને એમના ઘરે રાત રોકાવા રક્ષાના માતા પિતાને મનાવી લીધા.
રક્ષા પહેરેલ કપડે મનહર સાથે અમેરિકા જવા રવાના થઈ.
બીજે દિવસે સવાર સુધી રક્ષા પાછી ના આવી અને માતા પિતાને ખબર પડી કે રક્ષા મનહર સાથે ભાગી ગઈ ત્યારે થોડા દિવસ ખૂબ ઉધામા કર્યાં. દિનકરના ભાઈએ પણ સાચી વાત ના જણાવી, ફક્ત એટલું જ કહ્યું કે અડધી રાતે મનહર આવ્યો હતો અને રક્ષાને લઈને જતો રહ્યો. અમે તો પૂજામાં બેઠા હતાં. અમને કાંઈ ખબર નથી.
રક્ષા, મનહરે કેલિફોર્નિઆની ધરતી પર પગ મુક્યો. દિનકર અને અવનિ એમને લેવા આવ્યાં હતા. દિનકરે બધી વ્યવસ્થા કરી રાખી હતી. પહેલું કામ બે દિવસમાં મનહર રક્ષાના વિધિવત લગ્ન કરાવી અમેરિકન કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવવાનુ કર્યું. અવનિએ પોતાના લગ્નનુ પાનેતર અને ચુડી રક્ષાને પહેરાવી અને હમેશ માટે ભેટમાં આપી દીધી.
બાળપણની મૈત્રી વધુ મજબૂત બની. હસતાં રમતાં પાંત્રીસ વર્ષ નીકળી ગયા. અવનિને ત્યાં એક દિકરીને દિકરો અને રક્ષાને ત્યાં બે દિકરી, એમ સહુનો સંસાર ખુશીઓથી મહેકી રહ્યો. સહુના બાળકો ભણી ગણી પોતાના સંસારમાં ગોઠવાઈ ગયા.
કાળનુ કરવું મનહરને કેન્સર થયું. રક્ષા એ ઘણી ચાકરી કરી, પણ બે વર્ષમાં મનહરનુ અવસાન થયું. રક્ષા સાવ ભાંગી પડી. આ આઘાત એનાથી જીરવાયો નહિ, સતત ઉદાસી અને ડિપ્રેશનમાં રહેવા માંડી. દિકરીઓએ ઘણુ સમજાવી મમ્મીને પોતાની સાથે રહેવાનો આગ્રહ કર્યો, પણ રક્ષા કોઈના પર બોજ બનવા નહોતી માંગતી. અવનિ અને દિનકરનો ઘણો સહારો હતો.
અવનિએ એક સુઝાવ આપ્યો “રક્ષા તું કોઈ સમાજ સેવાનુ કામ કર, તારું મન પરોવાશે અને તું કોઈની મદદ કરી શકીશ . તારું ભણતર પણ કામમાં આવશે. આજે આફ્રિકા અને એવા થોડા પછાત દેશોમાં બાળકોને ભણાવવા, એમને રીતભાત શારિરીક સ્વછતા એવું ઘણૂ શીખવાડવા હમેશ સ્વયંસેવકની જરુર હય છે.”
રક્ષાને આ વાત ગળે ઉતરી ગઈ. આટલા વર્ષોથી અમેરિકામાં રહી એ સ્વમાનભેર જીવવા માંગતી હતી. પૈસાની તો કોઈ કમી નહોતૉ. મનહર અને એની પોતાની બન્નેની સારી નોકરી હોવાથી અને મનહરના અવસાન પછી આવેલા વીમાના પૈસાને લીધે એને કોઈ પાસે હાથ લંબાવો પડે એમ નહોતો.
ગુગલ પર સર્ચ કરતાં રક્ષાને વેસ્ટ આફ્રિકામાં આવેલ ઘાનાના નાનકડા શહેર કેપ કોસ્ટામાં સ્વયંસેવક તરીકે જવાની મંજુરી મળી ગઈ.
રક્ષાના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. આત્મ સન્માનપૂર્વક જીવવાની, કોઈને મદદરુપ થવાની નવી કેડી મળી ગઈ.

અસ્તુ,

(સત્ય ઘટના પર આધારિત.)

શૈલા મુન્શા તા. ફેબ્રુઆરી ૦૬/૨૦૨૧

1 Comment »

  1. Strong bond of Childhood friendship.
    Well written

    Comment by Varsha — February 8, 2021 @ 3:53 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.