September 9th 2022

સંભારણું -૧૧- શ્રધ્ધાંજલિ

શ્રાવણ મહિનો આવે અને ભારતમાં તહેવારોની મોસમ શરુ થઈ જાય. ભારતમાં આમ તો બારેમાસ કોઈને કોઈ તહેવાર ઉજવાતા હોય છે. અનેકતામાં એકતા અને સર્વધર્મ સમભાવનાના આપણા દેશમાં તહેવારોની ક્યાં ઓછપ હોય છે!
હમણા ગણેશોત્સવના તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પરંપરાગત ઘરમાં અને સાર્વજનિક રુપે આ તહેવાર ઉજવાય છે. શ્રી લોકમાન્ય ટિળકે પરતંત્ર ભારતની જનતામાં જોશ અને દેશભાવના જાગૃત કરવા આ તહેવારની શુભ શરૂઆત કરી હતી અને આજે ફક્ત ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ખૂબ ઉત્સાહપૂર્વક બાપ્પાની પધરામણી અને વિસર્જન થાય છે.
તહેવારો સાથે મારા અંગત સંબંધો અને લાગણી જોડાયેલા છે.સામાન્યતઃ કદાચ બધાને અમુક તહેવાર પ્રતિ વિશેષ લાગણી કે લગાવ હોઈ શકે!!
જ્યારે પણ ગણેશોત્સવનો તહેવાર આવે છે, મારું મન અચૂક સ્મરણોના એ મુકામ પર પહોંચી જાય છે જે મારા જીવનની વસમી વાસ્તવિકતા, દર્દને ઝંઝોડી દે છે!!
૧૯૭૨ ભાદરવા સુદ બીજ! એ કાળ ચોઘડિયે અમે ભાઈ બહેનોએ અમારી માતાને અકસ્માતમાં ગુમાવી. એ કારમી પળ એ યાતના મારા જીવન સાથે સતત વણાયેલી છે જેને હું એક પળ પણ વીસરી શકતી નથી. પિતા તો અમે પહેલા જ ગુમાવ્યા હતા અને આ બીજો કારમો વજ્રાઘાત!! મારી સાથે નાની બહેન અને સાવ નાનકડો ભાઈ જેને સમજ પણ નહોતી કે શું થઈ રહ્યું છે?
મારું આ સંભારણું ફક્ત દુઃખદ યાદોનુ જ નથી, પણ એ દુઃખમાં જે સહારો મળ્યો એ સ્મરણનોને મોગરાના ફુલની જેમ મઘમઘતા રાખવાનો છે. નાના, નાનીએ તો અમને સંભાળી જ લીધાં, પણ મારી બાળપણની સખી નયના અને એનો પરિવાર જે મને એમની ત્રીજી દીકરી જ ગણતા એની બહુ મોટી ઓથ મળી.
બે દિવસ પછી ભાદરવા સુદ ચોથ. ગણપતિ બાપ્પાની પધરામણીનો દિવસ. નયનાને ત્યાં વર્ષોથી બાપ્પાની પધરામણી થાય અને હું અને મારો પરિવાર એ ઉત્સવનો અવિભાજ્ય અંગ હોઈએ.
મને બરાબર યાદ છે ૧૯૭૨નો એ દિવસ!! મમ્મીના અવસાનને બે દિવસ થયા હતા, મારી એ નાસમજ ઉમરમાં મને કોઈ ધાર્મિક રિવાજોનો ખ્યાલ નહોતો, કે કોઈ સૂતક લાગે એવો ખ્યાલ નહોતો. નાના ઘણા સુધારાવાદી હતા અને મારા મમ્મીની ખાસ બહેનપણીનો દીકરો રાજુ અમને નયનાને ત્યાં લઈ ગયો. ત્યાં પણ બધાએ સહજતાથી અમને આવકાર્યા, આરતીમાં ભાગ લેવા દીધો અને ખાસ તો મારા નાનકડા ભાઈ પાસે પ્રેમથી આરતી કરાવી, મોદક ખવડાવી ખુશ કરી દીધો.

મમ્મીના અવસાન પછી અને મારા લગ્ન પછી મારા માટે પિયર જવાના એક નહિ પણ ત્રણ ત્રણ ઘર હતાં. નાના નાની તો કલકત્તા હતા અને મારા ભાઈ બહેન પણ એમની સાથે કલકત્તા હતાં, પણ મુંબઈમાં નયનાનુ ઘર, જ્યોત્સનાબહેન અને નીલા જે મારી નાની બહેનની ખાસ સખી હતી એનુ ઘર.
આજે એ દિવસો યાદ કરું છું ત્યારે મન અહોભાવથી તૃપ્ત થઈ જાય છે. નયનાને ત્યાં મારા બાળકોના જન્મ પછી જ્યારે પણ જઉં, ઘર આખું મારા બાળકો પાછળ ઘેલું થઈ જાય, કારણ ઘરમાં હજી બીજા કોઈ નાના બાળકનુ આગમન નહોતું થયું. એ લાડ અને પ્રેમ નાના, નાનીનો મારા બાળકોને અનરાધાર મળ્યો અને આજે પણ મારી દીકરી અને દીકરો એમને મામા, કે માસી કહીને જ બોલાવે છે.

મને બરાબર યાદ છે નયનાનો નાનો ભાઈ રાજેશ ત્યારે મુછ રાખતો અને મારી નાનકડી દીકરી શ્વેતા જ્યારે પણ રાજેશના હાથમાં હોય, શ્વેતાના ગાલને મુછથી હેરાન કરતો, પણ શ્વેતાને મજા આવતી અને એ મુછ ખેંચવાનો પ્રયાસ કરતી. આજે પણ જ્યારે વાત થાય રાજેશ શ્વેતાના નટખટ તોફાનોને યાદ કરતો રહે છે.
નીલાના મમ્મી પદ્માબહેન જેને અમે સહુ બા કહેતા, એમણે ઘરમાં પારણાઘર શરું કર્યું હતું અને હું લગભગ બે ચાર મહિને એમને ત્યાં રહેવા જતી. મારા બાળકોને ત્યાં ખૂબ મજા આવતી અને પારણાંઘરના શિક્ષકો પણ એમને વિશેષ લાડ કરતાં. નીલાના લગ્ન પછી દિપક એના પતિનો પણ એટલો જ સાથ સહકાર મળતો રહ્યો.
જ્યોત્સનાબહેન મારા મમ્મીના અવસાન પછી તરત મારે ત્યાં આવ્યા, પપ્પાના અવસાન પછી મમ્મી હમેશા આછા કલરની સાડી પહેરતી, ભુરી, કે બદામી કે રાખોડી. જ્યોત્સનાબહેન જેને રાજુ, વિહારની જેમ અમે પણ મા કહીને જ બોલાવતા એમણે મારા કબાટમાંથી એ બધી સાડીનુ પોટલું વાળી અનાથાશ્રમમાં મોકલાવી દીધું અને સરસ રંગીન સાડીઓનો જથ્થો મારા કબાટમાં ગોઠવી દીધો. મમ્મી જે સ્કૂલમાં શિક્ષિકા હતી ત્યાં મને મમ્મીની જગ્યાએ નોકરી આપી મમ્મી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો અને મા નહોતા ઈચ્છતા કે હું એવી આછા કલરની સાડી પહેરી નોકરીએ જઉં. જ્યોત્સનાબહેનનો દીકરો રાજુ જ્યારે અમે બે બહેનોને ભાઈ નહોતો ત્યારે એક રક્ષાબંધને દરવાજે આવી ઊભો, રાખડી બંધાવી અને આજ પર્યંત સગા ભાઈથી વિશેષ સંબંધ જાળવ્યો છે.
સ્મરણોની આ કેડી પર જ્યારે પાછળ ફરીને નજર કરું છું ત્યારે હૈયું ખુશીથી છલકાઈ ઉઠે છે. કેટલો પ્રેમ, આદર, લાગણી હું પામી છું. બા નથી રહ્યાં, મા નથી રહ્યાં, નયનાના મમ્મી, પપ્પા નથી રહ્યાં પણ સંબંધોના તાર એટલા જ મજબૂત રહ્યાં છે.
આ બધામાં અત્યારે મારી મમ્મીની જગ્યાએ સુશીમામી મમ્મી બની રહ્યાં એ તો કેમ જ વિસરાય! મારા નાના ભાઈ બહેનને પોતાની સોડમાં લીધાં અને અમને ક્યારેય મમ્મીની ખોટ ના વરતાવા દીધી, એ મોસાળ એ મામા માસી સહુના અતૂટ પ્રેમે હમેશ અમારા જીવનને સહ્ય બનાવ્યું છે.
ભાદરવા સુદ બીજ ફક્ત મારા મમ્મી જ નહિ પણ મારા સાસુની પણ પુણ્ય તિથિ. લગ્ન પછી જયાબહેન, મારા સાસુએ કદી મને મમ્મીની ખોટ વરતાવા દીધી નહોતી અને મારા બાળકો પણ પુરા નસીબદાર કે દાદા દાદીની છત્રછાયા અને હેતમાં મોટા થયાં.
આટલો પ્રેમ મેળવવા હું ભાગ્યશાળી બની એનુ સઘળું શ્રેય મારી મમ્મીએ જે આંબો વાવ્યો હતો એના મીઠા ફળ મને માણવા મળ્યાં
આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ મમ્મીના અવસાનને બરાબર પચાસ વર્ષ થયાં.
એ મમ્મીના ગુણ અને સંબંધ સાચવવાની સુઝ અને પ્રેમાળ સ્વભાવ વ્યાજ સહિત હું અને મારા ભાઈ બહેન માણી રહ્યાં છીએ. માતા પિતાની યાદ તો સદા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, એ સુવાસ ક્યારેય કરમાતી નથી, એક મીઠું સંભારણું બની સદા મહેકતી રહે છે!
નત મસ્તકે આ શ્રધ્ધાંજલિ મારી મમ્મી અને સાથે મા સ્વરુપે પ્રેમ વરસાવનાર સર્વ માતાઓને!!

અસ્તુ,

શૈલા મુન્શા સપ્ટેમ્બર ૯/૨૦૨૨
www.smunshaw.wordpress.com

August 31st 2022

ડો. ઉષાબહેન ઉપાધ્યાય

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધ્યાપીઠ અમદાવાદના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તથા આપણાં સહુના આદરણીય ડો. ઉષાબહેન ઉપાધ્યાય નિવૃતિ લઈ રહ્યા છે ત્યારે એમના પ્રત્યેની લાગણી, એમની સાથે ગાળેલ મધુર સમયને શબ્દોમાં વ્યક્ત કરવાનો મને મોકો મળ્યો એને હું મારું સદ્ભાગ્ય ગણુ છું.
ગયા વર્ષની વાત છે. ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ૨૦૧૯માં હું ઉપપ્રમુખ હતી.
ડો.ઉષાબહેન ઉપાધ્યાયનુ નામ સાંભળ્યું હતું, એમની જૂઈ મેળાની પ્રવૃતિ વિશે થોડીઘણી માહિતી હતી. ૨૦૧૯માં ઉષાબહેન
નોર્થ અમેરિકાની લીટરરી એકેડેમીના માનવંતા મહેમાન બની આવ્યા હતાં. અમે એમને ગુજરાતી સાહિત્ય સરિતા હ્ય્સ્ટન તરફથી મુખ્ય અતિથિ રુપે અત્રે પધારવાનુ આમંત્રણ આપ્યું, જે એમને સહર્ષ સ્વીકારી એમના સ્વભાવની નમ્રતાનો પરિચય આપી દીધો. તેઓ અઠવાડિયું વહેલા આવ્યા અને અમને એમના સહવાસનો લાભ મળ્યો.
એક દિવસ અમારા સલાહકાર દેવિકાબહેનને ત્યાં રહી, હ્યુસ્ટનનુ જાણીતા BAPS મંદિરની મુલાકાતે અમે સહુ ગયાં.

ત્યાંથી હું એમને મારા ઘરે લઈ આવી, અને ત્રણ દિવસ એમની સાથે રહેવાનો મોકો મળ્યો. આટલા મોટા પદ પર ગુજરાતી ભાષાના સંવર્ધનનુ કાર્ય કરનાર, ભારતમાં ખાસ સ્ત્રીલેખિકાને મંચ મળે, એમની પ્રતિભા ખીલે એ માટે જૂઈ મેળાની સ્થાપના કરી એની સુગંધ ચારેકોર ફેલાવનાર બહુમુખી પ્રતિભાની સાદગી અને સરળ સ્વભાવે મારો સંકોચ દુર કરી એક સખીપણાનો અહેસાસ કરાવી દીધો. હ્યુસ્ટન સાહિત્ય સરિતાના સભ્યોને વિશેષ લાભ મળે એ માટે મારા ઘરે ખાસ સર્જકો સાથે એક સાંજમાં ડો. ઉષાબહેનને અંગત રીતે સાંભળવાનો અને મળવાનો સહુ સર્જકોને લાભ મળ્યો. બીજા દિવસે અમારા પ્રમુખ શ્રી અલીભાઈ સાથે અમે આખો દિવસ નાસામાં ગાળ્યો. નાસાના ચીફ સાયંટીસ્ટ અને અમારી સાહિત્ય સરિતાના સભ્ય શ્રી કમલેશભાઈ લુલ્લા ખાસ ઉષાબહેનને મળવા આવ્યા અને નાસામાં એમના યોગદાનની માહિતી આપી.

બહોળા શ્રોતાગણની હાજરીમાં ડો.ઉષાબહેને ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો અને અનેક મહેમાનોને પોતાની જૂઈ જેમ મઘમઘતી વાણીના અસ્ખલિત પ્રવાહથી રસ તરબોળ કરી દીધા.
જૂઈમેળાની પૂર્વભૂમિકા, નામકરણ અને પ્રસારની રસપ્રદ માહિતી આપી. પુરોગામી સ્ત્રી લેખિકાઓના ઊંડા સંશોધન પછી તૈયાર કરેલા પુસ્તકો ‘શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’, ‘રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા’અને તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ ‘અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષા’ની સવિશેષ માહિતી આપી. સાથે સાથે તેમણે પુરોગામી કવિઓની ઉત્તમ પંક્તિઓ ટાંકી કવિતા એટલે શું?, કાવ્યત્ત્વ કેવું અને ક્યાં ઝબકતું હોય છે તે તથા કાવ્યસર્જનની પ્રક્રિયા વગેરે સ્વાનુભવો સાથે સુપેરે સમજણ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
સાહિત્ય સરિતાની કમિટીએ સાથે મળી ઉષાબહેનને સન્માન પત્ર, સંસ્થાના ઈતિહાસની ઝાંખી કરાવતું પુસ્તક અને ખાસ તો ડો. કમલેશ લુલ્લાના સૌજન્યથી, હ્યુસ્ટનની Fortbend County Judge Proclamation Award અર્પણ કર્યો.


બીજું મારું પરમ સૌભાગ્ય કે આ વર્ષે યોજાયેલ આંતર રાષ્ટ્રિય જૂઈ મેળામાં એક કવયિત્રિ તરીકે મારી ત્રણ રચના રજૂ કરવાનુ મને સૌભાગ્ય મળ્યું.
કોરોનાની મહામારીને કારણે જૂઈ મેળાનુ આયોજન ના થઈ શક્યું, પણ ઉષાબહેન એમ હિંમત હારે એમ નહોતા. ૨૮ જુન ૨૦૨૦ ના દિવસે ભવ્ય આંતરરાષ્ટ્રિય જૂઈમેળાનુ આયોજન કર્યું જેમાં ૬૫ જેટલી દેશ વિદેશથી કવયિત્રિઓ જોડાઈ. આટલા ભવ્ય આયોજન પાછળની અથાક મહેનત, સાત કલાક ચાલેલા આ ફેસબુક લાઈવ કાર્યક્રમનુ સંચાલન, આગોતરા વ્યવસ્થિત વોટ્સેપ ગ્રુપથી સહુનુ માઈક ટેસ્ટીંગ, કલાક કલાકના જુદા સૂત્રધાર. અમેરિકાથી કે લંડન વગેરેથી જોડાનાર કવયિત્રિના સમયનુ ધ્યાન ઓહોહો….
સમયસર કાર્યક્રમ શરૂ થયો અને સમયસર પત્યો.
મારું અહોભાગ્ય કે મારો પરિચય સ્વયં ડો. ઉષાબહેને આપ્યો. દિવ્ય્ભાસ્કર, મુંબઈ સમાચાર વગેરે છાપાંમાં આ કાર્યક્રમનો વિસ્તાર પૂર્વક અહેવાલ આવ્યો હતો. એમાં દેશ વિદેશમાંથી રજૂ થયેલી કેટલીક રચનાઓમાં ત્રણેક કવયિત્રિની પંક્તિઓ નામ સાથે છપાઈ હતી, એમાં એક નામ મારું હતું.


ઉષાબહેન એમની લેખન પ્રવૃતિ, જૂઈમેળાનો વિકાસ, વિવિધ સંસ્થામાં ભાષાના વિકાસને લઈ આગવું પ્રદાન આપે એજ અભ્યર્થના…
આપણે સહુ અને અંગત રીતે હું અભિન્ન લાગણીથી એમની સાથે જોડાયેલી છુ. એમની સાથે રહેવાનો જે લાભ મળ્યો છે એ મારા જીવનનો અવિસ્મરણિય સમય છે. મારા જીવનમાં એમણે કરેલ અમૂલ્ય યોગદાનને હું મારી અંગત મૂડી ગણુ છું
આદર અને ભાવ સાથે પ્રભુને એટલી જ પ્રાર્થના કે ઉષાબહેનનુ સ્વાસ્થ્ય હમેશા નિરોગી રહે અને હમેશ સહુના માર્ગદર્શક બની રહે.

અસ્તુ,
શૈલા પ્રશાંત મુન્શા તા ઓક્ટોબર ૦૬.૨૦૨૦

June 20th 2022

સંભારણું – ૧૦-૧૯૭૨ થી ૨૦૨૨

src=”http://shailamunshaw.gujaratisahityasarita.org/files/2022/06/teacher-300×300.jpg” alt=”” width=”300″ height=”300″ class=”alignnone size-medium wp-image-1328″ />

આજે ઘણા સમયે ડાયરી હાથમાં લીધી, કારણ એક તો નીંદર આંખથી વેરણ થઈ ગઈ હતી. નિંદ્રાદેવીને શરણે જવાના પ્રયાસ નાકામ થતાં લાગ્યા ત્યારે થયું મનમાં ઊભરાતા વિચારોના વંટોળ જંપવા નહિ દે, અને ક્યાંથી જંપવા દે!!! આવતી કાલની સવાર બસ મારા જીવનના એક અધ્યાયની છેલ્લી સવાર! વર્ષો વિતાવેલી શિક્ષિકાની કારકિર્દીને આખરી સલામ!!!
યૌવનના પગથારે કોઈ ખાસ ઘટના કે બનાવ એક ડાયરીમાં ટપકાવવાની આદત હતી, થોડા વર્ષો એ ક્રમ ચાલ્યો અને વિસરાયો, પણ અમેરિકા આવી સામાનમાં સાથે રાખેલી ડાયરીએ ફરી રોજિંદા પ્રસંગો રુપે અવનવા પ્રસંગો ટપકાવવાની એ ટેવ સજીવન થઈ.

૧૯૭૨ થી ૨૦૨૨
પચાસ વર્ષનો સમયગાળો!! મારા જીવનનુ અવિસ્મરણીય સંભારણું,
૧૯૭૨નો એ ગોઝારો દિવસ જ્યારે અમે અમારી મમ્મીને એક જીવલેણ અકસ્માતમાં ગુમાવી. પપ્પાનુ અવસાન પહેલાં જ થઈ ગયું હતું અને મમ્મી નૂતનવિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરી અમારો ઉછેર કરી રહી હતી. મારું કોલેજનુ ભણતર હજી પુરું જ થયું હતું અને આ કારમો આઘાત સહેવાનો વારો આવ્યો. મારાથી નાની બહેન અને સાવ નાનકડો ભાઈ.
કહેવાય છે કે રાતે અસ્ત થતો સૂર્ય સવારે ઉદય પામે જ છે એમ મારા જીવનમાં બે સૂર્યનો ઉદય થયો. અમારા નાના, નાનીએ અમારો હાથ ઝાલી અમને પાંખમાં લીધાં અને સ્કૂલના સંચાલકોએ મને મમ્મીની જગ્યાએ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી આપી મારા મમ્મી પ્રત્યેનો આદર અને અહોભાવ એ રીતે વ્યક્ત કર્યો.
જે સ્કૂલમાં હું મમ્મીની દીકરી બની પ્રસંગોપાત જતી ત્યાં એક સહ શિક્ષિકા તરીકે સહુએ મને વહાલ અને પ્રેમથી અપનાવી લીધી. મારા વડીલ શિક્ષકગણની હું લાડકી દીકરી જ રહી, સહુની દોરવણી અને માર્ગદર્શને સરળતાથી હું જીવનનો એ અધ્યાય શરુ કરી શકી. એકવીસ વર્ષના એ સમયગાળામાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું!!
દર વર્ષે આવતાં નવા વિદ્યાર્થીઓ જેમને મેં દસમા, અગિયારમાં ધોરણમાં ભણાવ્યા એ આજ સુધી મને એટલો પ્રેમ અને આદર આપી રહ્યાં છે, સતત સંપર્કમાં છે. ૧૯૭૨થી ૧૯૯૩, હજારો વિદ્યાર્થીઓ આજે એમના જીવનમાં પ્રગતિ કરી રહ્યાં છે અને એમની પ્રગતિનુ શ્રેય જ્યારે અમ શિક્ષકોને આપે છે ત્યારે જીવતર ધન્ય થયું લાગે છે. ૨૦૦૦ની સાલમાં અમેરિકા આવવાનુ થયું પણ નૂતનવિદ્યામંદિર, એ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની યાદનો ખજાનો મારા હૈયામાં સંઘરાયેલો રહ્યો. મારી ૨૦૧૮ની ભારત મુલાકાત એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યાદગાર બનાવી દીધી. મારા માટે ખાસ મોટા મેળાવડાનુ આયોજન કર્યું. મમ્મી સાથે કામ કરી ચુકેલા અને મારી સાથે પણ કામ કરી ચુકેલા કેટલાક વડીલ શિક્ષકોને મળવાનો, એમનો વાત્સલ્યભર્યો હાથ આશીર્વાદરુપે મસ્તકે અનુભવવાનો અનેરો લહાવો મળ્યો સાથે કેટલાકના અવસાનના સમાચાર દિલને રડાવી ગયા.
એ બાળકો જે આજે તો પચાસની ઉમરે પહોંચવા આવ્યા છે, એમની સાથે વિતાવેલી એ સાંજ અને સ્કૂલના જુના અનુભવો, અમારી ખાસિયતો, અનુભવોના પ્રસંગો ફરી એમના મુખે સાંભળી હાસ્યના ફુવારાથી હોલ ઝાકમઝાળ થઈ ગયો. કેટલાય સ્મરણોનુ નવું ભાથું યાદોના ખજાનામાં ઉમેરાયું!!!
૨૦૦૧ થી અમેરિકામાં પણ મારો મનગમતો વ્યવસાય શિક્ષિકાનો જ અપનાવ્યો, ફક્ત ફરક એટલો હતો કે અહીં અમેરિકામાં દિવ્યાંગ બાળકો, માનસિક રીતે થોડા અસ્વસ્થ બાળકો સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અહીં આવી નવી શિક્ષણ પધ્ધતિ અને બાળકોને મળતા વિવિધ લાભ વિશે ઘણુ શીખવા મળ્યું.
અમેરિકામાં બાળકોને બધા જ પ્રકારની સગવડ અને ખાસ કરી ભણતર માટે જે સુવિધા છે એને ણ્ચ્ળ (ણૉ ચઃઈળ્ડ ળૅટ ઍઃઈણ્ડ) કહેવાય છે. જ્યાં બાળકોને અને એમના ભણતરને સર્વ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. બધી જ પબ્લિક સ્કૂલમાં બારમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે. વિદેશી બાળકોને અંગ્રેજી શિખવાડવા દરેક સ્કૂલમાં ખાસ સુવિધા હોય.
ભારતમાં ભલે હું માધ્યમિક વિભાગના બાળકોને ભણાવતી હતી, પણ અમેરિકામાં પ્રાથમિક વિભાગ જેને ઍલેમેંતર્ય સ્ચૂલ કહેવાય છે ત્યાં ૨૧ વર્ષ નાના ત્રણ થી છ વર્ષના દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું અને જીવનમાં ઘણા નવા અનુભવોનુ ભાથું ભેગું કર્યું. દરેક બાળકની પીડા, જુદી જુદી લાગણી, જુદા જુદા લેબલ એમની માનસિક અવસ્થા પ્રમાણે, અને સાથે માતા પિતાનુ વર્તન એમની સાથે!!
દુનિયાની નજરે દિવ્યાંગ બાળકો, મારી નજરે કોઈ સામાન્ય બાળક થી કમ નથી એ મને સમજાયું. આ નિર્દોષ દેવદૂતોનો અઢળક પ્રેમ હું પામી. બે દિવસની ગેરહાજરી પછી જ્યારે સ્કૂલે પહોંચુ અને બધા બાળકો કિલકારી કરતાં વિંટળાઈ વળે એ સુખ જેણે માણ્યું હોય એ જ જાણે!! એમના નટખટ તોફાનો અને મસ્તીએ મને એમના રોજિંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે એ પ્રસંગો પ્રસિધ્ધ થયાં. એ પુસ્તકના પ્રસંગોએ ભારતના ખંભાત શહેરના રાજેશભાઈને દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાના નવા વિચાર મળ્યાં અને એમનો આભાર વ્યક્ત કરતો પત્ર મળ્યો ત્યારે મને મારું કાર્ય અને જીવવું સાર્થક લાગ્યું.
હમણાં ૮ જુન ૨૦૨૨ શિક્ષિકા તરીકેના મારા જીવનના એક અધ્યાયનુ સમાપન થયું. શિક્ષિકા તરીકે નિવૃત થઈ. પચાસ વર્ષ મોટા થી નાના બાળકો વચ્ચે વિતેલી જીંદગી!! ભારત અને અમેરિકા, બધેથી મળેલો અને આજે પણ મળતો રહેલો નિઃસ્વાર્થ પ્રેમ, એ મારો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.
નિવૃત થવાનો વિચાર કર્યો ત્યારથી મન વિતેલા વર્ષોનુ સરવૈયું કાઢી રહ્યું હતું અને પલ્લું બસ પ્રેમ, પ્રેમ, આદર અને મળેલી લાગણીથી ઝુકેલું હતું.
હ્યુસ્ટનની મોટી સ્કૂલ ડિસ્ટ્રીક (ઃઔસ્તોન ઈંદેપેંદેંત શ્ચૂલ ડિસ્ત્રિત) એના શ્પેઇઅલ નીદ ડેપર્ત્મેંત તરફથી લગભગ ૪૦૦ જેટલી સ્કૂલમાંથી મને મળેલો એસ્ત ટેઅચેર આસ્સિસ્તંત નો ખિતાબ મારા માટે સર્વોત્તમ પુરસ્કાર છે.

સ્કૂલના છેલ્લા દિવસે પ્રિંન્સીપાલ, સહુ સાથી શિક્ષકો, સ્ટાફ તરફથી મળેલું માન સન્માન અને વિશેષ તો મારા નાના બાળકો અને એમના માતા પિતા તરફથી મળેલા લાગણીસભર પત્રો એ મારા જીવનનુ અતિ મુલ્યવાન સંભારણું છે.
કાલ હું નહિ રહું, પણ મારા વિદ્યાર્થીઓના મનમાં શૈલાબહેનની એક મીઠી યાદ જરુર રહેશે અને એ જ તો મારી મુડી છે!!!!

અસ્તુ,
શૈલા મુન્શા તા.જુન ૦૮/૨૦૨૨
વ્વ્વ.સ્મુંશવ.વોર્દ્પ્રેસ્સ.ઓમ

May 21st 2022

સંભારણું -૯

હમણા થોડા વખત પહેલા મારા મિત્રે એક વોટ્સેપ મોક્લ્યો હતો જેમાં જર્મનીના રેસ્ટોરન્ટમાં પતરાવળીમાં ભોજન પીરસવાનુ શરુ કર્યું એનો ચિત્ર સાથે ઉલ્લેખ હતો. પર્યાવરણ બચાવવા આ નવી ઝુંબેશ આદરી હતી.
જોગાનુજોગ એ જ સાંજે અમારા જુના સ્નેહી મળવા આવ્યા અને એમને પણ એવો જ વોટ્સેપ મળ્યો હતો.
જે ચીજ ભારતની પરંપરા હતી, એ માદરે વતનથી લુપ્ત થતી ગઈ અને વિદેશોમાં એની વાહ વાહ થવા માંડી. મનના પટારાના દરવાજા ખુલી ગયા અને મન પચાસ સાંઠ વર્ષ પાછળ દોડી ગયું.
સ્કૂલમાં પડતી ઉનાળાની લાંબી રજાનો સમય અને ગામમાં લગનની મોસમનો સમય!!
વતન તો અમારું ઠાસરા, ડાકોર પાસે આવેલું ગામ, પણ ધીરેધીરે કામધંધા, ભણતર નિમિત્તે લોકો ગામ બહાર નીકળવા માંડ્યા અને અમદાવાદ, વડોદરા, મુંબઈ, અને છેક કલકત્તા, મદ્રાસ, હાલનુ ચેન્નાઈ સુધી વસવાટ કરવા માંડ્યા. એક પરંપરા ચાલુ રાખી કે મોટાભાગે દીકરા કે દીકરીના લગ્ન ગામમાં એટલે કે ઠાસરા જઈ કરવા. એ જમાનામાં બહુ પ્રેમલગ્નનનુ ચલણ નહોતું. પોતાની ન્યાતમાંથી જ છોકરા છોકરી માતા પિતા શોધી લેતા અને દરેક જણનુ ગામમાં પોતીકું ઘર હોવાથી જગ્યાની છૂટ રહેતી.
ઠાસરા અને એની ખડકી આજે પણ આબેહુબ નજર સામે તરવરે છે. દેસાઈની ખડકી, મહેતાની ખડકી, મુન્શાની ખડકી, ગાંધીવાડો, આમ દરેકની અટક પ્રમાણે બધાના ઘર એ આખી ગલીમાં રહેતા.
દેસાઈ ખડકીમાં મારા નાના કનૈયાલાલ દેસાઈનુ જબરદસ્ત બે માળનુ મકાન. નાના તો વર્ષોથી ધંધા રોજગારને લીધે કલકત્તા જઈ વસ્યા હતા, પણ એમના નવ સંતાનોમાં મોટાભાગના દીકરા, દીકરી ઠાસરામાં જ પરણ્યા.
આહા!! કેવા મજાના એ દિવસો હતાં. ઘરના કે ન્યાતના બીજા કોઈના લગ્ન પ્રસંગે ઊનાળો આવ્યો નથી કે અમારી સવારી ઠાસરા જવા તૈયાર થઈ જતી.
મુંબઈથી ટ્રેનમાં આણંદ જવાનુ, અડધી રાતે આણંદ પહોંચી ઠાસરા જવા નાની ગાડીની રાહ જોવાની અને વહેલી સવારે આણંદના સ્ટેશને આણંદના પ્રખ્યાત ગોટા લીલા મરચાં સાથે ખાવાના!!! અત્યારે પણ મોઢામાં પાણી આવી ગયું.
ગામમાં થતાં લગનની મજા જ કાંઈ જુદી હતી.
ઉનાળામાં ગામમાં અમે બધા મામા માસીના ભાઈ બહેનો ભેગા થતાં. અમારા એ ઘરની પાછળ વાડામાં સ્નાન કરવાની ઓરડી અને એની પાસે કુવો અને અને પાસે જ પાણી ગરમ કરવાનો બંબો મુકેલો હોય. આમ તો કાશીબા જ બધા માટે કુવામાંથી પાણી સીંચી આપે, પણ અમને પણ શોખ થતો અને ડોલ કુવામાં નાખી ગરગડી પરથી રસ્સી ખેંચવાનો પ્રયત્ન કરતાં. ઘણીવાર ડોલ થોડી ઉપર આવે અને હાથમાંથી દોરડું સરકી જાય. ધબ્બ કરીને ડોલ પાછી કુવાને તળિયે. કાશીબા અમારા ઘરનુ બધું કામ કરે પણ જ્યારે અમે બાળકો કુવાની આસપાસ પાણી કાઢવાની રમત કરતાં હોઈએ ત્યારે તો એ ખડેપગે ત્યાંજ ઉભા હોય, અમારું ધ્યાન રાખવા. કાશીબા કામવાળા નહિ પણ ઘરના જ સદસ્ય, બધાની ખબર લઈ નાખે અને પાછાં નાની કે ઘરના બીજાં વડીલ પણ એમને એટલુંજ માન આપે.
બપોર પડે અમને છોકરાંવને હુકમ કરે “જાવ છજામાં ડોલ ભરીને કેરી પલાળી રાખી છે, ખાવ તમતમારે મજેથી” અને અમે બધા બાળકો હુંસાતુસી કરતાં કેરી ખાવા પહોંચી જઈએ.
નાનાએ ઉપરનો એક ઓરડો ખાસ કેરી માટે રાખ્યો હોય. કાચી પાકી કેરીની સોડમથી આખો ઓરડો મઘમઘી રહ્યો હોય.

ગામના લગન પણ અનોખા. રાતે જ લગન થાય. ચમકતાં પિત્તળના બટનવાળા લાલ કોટ પહેરીને બેન્ડવાળા આગળ ચાલતાં હોય, સાથે મોટા ફાનસ પકડી લાઈટવાળા હોય. આખા ગામમાં વરઘોડો ફરે અને પછી કન્યાને માડવે પહોંચે. ગાદી તકિયા બિછવેલા હોય, અને વડીલો માટે થોડા સોફા મુકેલા હોય. રાતભર લગનની વિધિ ચાલે. અમે બાળકો તો ક્યારના પોઢી ગયા હોઇએ. મોટેરાઓ પણ ઝોકાં ખાતા હોય. વહેલી સવારે કન્યા વિદાયનો સમય આવે ત્યારે ઉંઘરેટી આંખે બધા વરકન્યાને લઈ નીકળે.

ગામના લગનની બીજી ખાસ મજા તે વાડીએ જમવા જવાનુ. પાણી માટે બધા પોતાના ઘરેથી પિત્તળનો પેચવાળો કળશ્યો ભરતાં આવે. વાડીમાં ભોંય પર બેસવાનુ અને સામે પતરાળાં મુકેલા હોય, પીરસણિયા હાથમાં કમંડળ લઈ પીરસવા નીકળે.કાબેલ માણસોને જ કમંડળ મળે. નવાસવાં પીરસણિયા પુરી કે ફુલવડીના થાળ લઈ નીકળે. મોટાભાગે છાલવાળાં બટાકા અને રીંગણનુ શાક, મોહનથાળ, મેંદાની કડક પુરી અને એકાદ બીજું શાક હોય. પડિયામાંથી દાળના રેલાં જતા હોય અને શાક સાથે થોડી માટીની રજ પણ ભળતી હોય, તો પણ એ દાળનો સ્વાદ હજી દાઢે વળગેલો છે. જમણની તૈયારી આગલી રાતથી થતી હોય. ઘરના અને સહુ સગાં વહાલા રાતે વાડીએ પહોંચી જાય, શાક સમારવાનુ, લોટ બાંધવાનો અને મસ મોટા ચુલા પર દાળ ઉકળતી હોય. મોટી કડછી લઈ રમણિકમામા દાળને ધમરોળતા હોય. એમના જેવી દાળ બનાવવાની હાથોટી કોઈની નહિ. ચુલાની સામે નાનુ ટેબલ લઈ બઠા હોય. હાડપાડ શરીર મોટી મુછો અને કરડાકીભર્યો ચહેરો, અમને છોકરાંવને પણ રાતે વાડીમાં જવાની મજા પડે પણ મામાનો થોડો ડર પણ લાગે. મામા એક હાક મારે “છોકરાવં બટાકા પાણીની ડોલમાં નાખવા માંડો” અને અમે ગુણીમાંથી થાળી ભરી ભરી પાણીમાં નાખતાં જઈએ. એકબાજુ ચા ઉકળતી હોય અને મઠીયાં ચેવડાની જ્યાફત ચાલતી હોય એ દિવસો અને એ મજા જેણે માણી હોય તે જ જાણે!!
વાડીમાં જમણવાર પતે પછી ગામની વિધવા સ્ત્રીઓ, ઘરડાં માણસો જે જમવા ના આવી શક્યા હોય એમને ત્યાં પીરસણ ઢાંકવા જવાનુ. અમે માથે નાની નાની બોઘરણીને ઉપર વાડકામાં પીરસણ લઈને નીકળીએ અને મોડી રાતે ઘરે લગનના ગીત ગાતાં ગાતાં પાછા વળીએ. કેવા મજાના દિવસો, ના કોઈ ડર મોડી રાતે આવવાનો, સવારે મન થાય ત્યારે ઉઠવાનુ, ફળિયામાં રમવાનુ અને રોજ કોઈને કોઈને ત્યાં લગનમાં જવાનુ
એક પતરાવળી એ સંસ્મરણોનો પટારો ખોલી દીધો અને એક પછી એક સંભારણાના મોતી યાદની રેશમ દોરીમાં પરોવાતાં ગયા.
આજે શહેરોમાં ઉજવાતા લગ્ન પ્રસંગો અને જમણવારમાં દુનિયાભરના વિવિધ પકવાનો થાળ પણ એ આનંદ આપી શકતાં નથી જે બાળપણમાં પતરા
ળામાં છાલવાળું બટાકાનુ શાક કે મોહનથાળ ખાઈને મળતો.
આજે ફેશનમાં લોકો પતરાવળી તો રાખે છે પણ પ્લાસ્ટિકમાંથી બનેલી
ખરેખર ” बंदर क्या जाने अदरख का स्वाद” કહેવત યાદ આવી જાય!!!!!!

અસ્તુ,

શૈલા મુન્શા તા.૦૫/૨૧/૨૦૨૨
www.smunshaw.wordpress.com

January 30th 2022

શમણામાં!!

મુરાદોના ચણાશે મ્હેલ શમણામાં,
ને પળમાં ભાંગશે એ ખેલ શમણામાં!

મળી જાશે અચાનક, જો વિના કારણ,
હરખની તો ઉમડતી હેલ શમણામાં!

અધૂરી કામના આપે જખમ ઊંડા,
કરમ ફૂટ્યા નસીબે લેખ શમણામાં!

રમત સાચી કે ખોટી હોય જીવનમાં,
પરાજય આપશે તો ભેખ શમણામાં?

હરીફાઈ નહોતી જીતવાની એ,
ને થૈ જાશે નિયમની કેદ શમણામાં!!

શૈલા મુન્શા તા. ૦૧/૩૦/૨૦૨૧

January 17th 2022

સંભારણું – ૮

૨૦૨૨નુ વર્ષ શરુ થયે પંદર દિવસ પસાર પણ થઈ ગયા. નવું વર્ષ નવી આશા અને ઉમંગ લઈને આવે પણ આ વર્ષ હજી પણ જાણે ભયનો, એક ડરનો આંચળો ઓઢીને આવ્યું છે. વાયરસની ત્રીજી લહેરમાંથી જગત હજી મુક્ત નથી થયું, પણ હવે લોકો એને એક દૈનિક પ્રક્રિયાની જેમ સ્વીકારતાં થઈ ગયા છે.
હમેશ કેમ એવું થાય છે કે જીવન જરા થાળે પડે અને કોઈ અણધારી ઘટના પાછું બધું ડામાડોળ કરી દે. છેલ્લા બેત્રણ દિવસના વાંચને, ટીવી પર જોયેલા કાર્યક્રમે મન વિચલિત કરી દીધું.
એક ડાયરીનુ પાનું ફેસબુક પર વાંચ્યું. ૨૦૨૧ ની વિદાય અને ૨૦૨૨ નુ સ્વાગત કોઈના જીવનમાં દારૂણ વેદના લઈને આવ્યું અને એ વેદના જ્યારે આપણા કોઈ સ્વજનના જીવનમાં બને એનો આઘાત વધુ લાગે. ૩૧મી ની રાત્રે તમે બહારથી ઘરે આવો અને ઘરમાં બધું વેરણછેરણ જુઓ. ખબર પડે કે ફટાકડાના અવાજમાં બારીનો કાચ તોડ્યાનો અવાજ દબાઈ ગયો, અને કોઈ હાથ સાફ કરી ગયું. કબાટ, ડ્રેસરના ખાનાં બધું જ ખાલી; જીવનભર કમાયેલી મુડી ક્ષણમાં ગાયબ. પણ આ ભૌતિક પાયમાલી વચ્ચે પણ જ્યારે મનમાં એક સમતા કે “બન્ને સલામત છીએ” એ જીવનનો બહુ મોટો અહેસાસ છે. એ વાંચી એ સ્વજનો માટે વધુ આદર અને પ્રેમની લાગણીનો અહેસાસ થયો. ભૌતિક સંપત્તિ તો પાછી મેળવાશે પણ બન્ને સલામત છે એ ભાવના એમના સ્વભાવની ધૈર્યતાનો આભાસ આપે છે.
સાંજે ટીવી જોતાં ફરી એક વાતે મને મારા જીવનનો આઘાત તાજો કરી દીધો તો એવા જ બીજા કાર્યક્રમે જીવન જીવવાનો અભિગમ વધુ બળકટ બનાવી દીધો.
ટીવીના સારેગમ કાર્યક્રમમાં આ વખતે શ્રોતાઓ પોતાની પસંદગીના ગીતો પોતાને ગમતા કલાકાર પાસે સાંભળવા આવ્યા હતા. એક દિવ્યાંગ બાળકના માતાપિતા વ્હીલચેરમાં પોતાના પુત્ર સંસ્કારને લઈને આવ્યા હતાં. નોર્મલ જન્મેલા આ બાળકને નવ દિવસની આયુમાં કોઈ ગફલતને કારણે માનસિક સંતુલન ગુમાવવું પડ્યું. આ સંસ્કાર મને અમેરિકામાં છેલ્લા વીસ વર્ષથી દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું એ સ્મરણકેડી પર લઈ ગયો. આ બાળકો પણ તમારા પ્રેમનો, લાગણીનો પ્રતિભાવ આપે છે. કોઈના ગુસ્સા કે કોઈની અવહેલનાનો એમને ખ્યાલ આવી જાય છે. જ્યારથી હું આ બાળકો સાથે કામ કરું છું અને એમની તકલીફો સાથે પણ એમને આનંદમાં રહેતા જોઉં છું તો મને પણ જીવવાની પ્રેરણા મળે છે. કેટલાય બાળકોની દિવ્યાંગતાનુ કારણ કુટુંબ, માતાપિતાકે ઘરના કોઈ વ્યક્તિની ભૂલનુ પરિણામ હોય છે ત્યારે મન આઘાતથી વિચલિત થઈ જાય છે. અમારાથી થાય એટલો પ્રેમ શિક્ષણ અમે આ બાળકોને આપીએ છીએ અને જ્યારે માતાપિતા પોતાના બાળકની પ્રગતિ જુએ ત્યારે એમની આંખોમાંથી છલકતો આભાર અમારી સાચી મુડી છે. મારાં આ બાળકોનો પ્રેમ મને સતત મળતો રહ્યો છે અને સંસ્કારના માતાપિતાની એના માટેની કાળજી પ્રેમ જોઈ મન ખુશ થઈ જાય છે. સંસ્કારને સંગીત સાંભળવું ગમે છે અને એનુ ગમતું ગીત માસુમ ફિલ્મનુ “तुझसे नाराज नहि जिंदगी हैरान हुं मैं” જ્યારે નીલાંજના અને સચિને ગાયું ત્યારે સહુની સાથે સંસ્કારની આંખમાં પણ આંસુ અને ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. કોણ કહે છે કે આ દિવ્યાંગ બાળકોમાં કોઈ લાગણી કે ભાવ નથી હોતો!!
હું નસીબદાર છું આવી નાની નાની ખુશીની પળો જીવવાનો મોકો મારા આ માસુમ બાળકોએ મને ઘણીવાર આપ્યો છે.
એ જ દિવસે ટીવી પર India’s Got Talentsનો કાર્યક્રમ હતો. ઓગણીસ વર્ષની ઈશિતા ગીત પ્રસ્તૂત કરવા આવી હતી, પંજાબી પર એણે જરા મોટું એવું જેકેટ પહેર્યું હતું. પેનલ પરના જજને નવાઈ લાગી અને પૂછ્યું કે ઠંડી લાગે છે? એના જવાબમાં ઈશીતાએ જે કહ્યું એ ફરી મને મારા એ જ ઉંમરના પડાવે લઈ ગયું. સ્મરણોના તાર ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે!!
ઈશિતાના પિતાનુ મૃત્યુ એક મહિના પહેલાં જ થયું હતું અને આજે એ પપ્પાને શ્રધ્ધાંજલિ સમર્પિત કરવા આ મંચ પર ગીત ગાવા આવી હતી અને પપ્પાની હુંફ અને પ્રેમનો અહેસાસ રહે એ માટે એ પપ્પાનુ જેકેટ પહેરીને આવી હતી. નાનપણથી એના હુન્નરને પારખી પપ્પાએ હમેશ એને સંગીત માટે પ્રોત્સાહિત કરી હતી. એમની સાધના, તપસ્યા પ્રોત્સાહનને જીવંત રાખવા, જીવનમાં એમના નામને રોશન કરવા ઈશિતાએ સંગીતને પોતાનુ જીવન બનાવ્યું હતું. એને પસંદ કરેલું ફિલ્મ મેરા સાયાનુ ગીત “तु जहां जहां रहेगा, मेरा साया साथ होगा” એટલા મધુર સ્વરે ગાયું કે સહુની આંખો ભીની થઈ ગઈ. ઈશિતા એની મમ્મી અને નાની બહેન સ્ટેજ પર હતાં અને ઈશિતા જાણે રાતોરાત પરિપક્વ બની ગઈ હોય, એવી લાગતી હતી. ઘરની જવાબદારીએ એને હિંમતવાન બનાવી દીધી. મમ્મીને બહેન સામે મક્કમ રહી એકાંતમાં રડતી રહી.
મારી પણ કથની કાંઈ એવી જ હતી. લગભગ એ જ ઉંમરે મેં મારા પિતાને ગુમાવ્યા, નાની બહેન અને મમ્મી અમે ત્રણે એકબીજાના પૂરક થઈને રહ્યાં. પરિસ્થિતિ વ્યક્તિને જીવતાં અને મુસીબતોનો સામનો કરતાં શીખવાડી દે છે.
મારા મિત્રની ડાયરીનુ પાનું અને મેરી સ્ટીવન્સનની કવિતાનુ વાક્ય યાદ આવી ગયું.” anything can happen to anybody, anytime in life”
પ્રભુએ દિલ અને દિમાગ એવા યંત્રો બનાવ્યા છે જેનો ભેદ કોઈ પામી શકતું નથી. ક્યારેક તો બન્ને સંપીને કામ કરે છે તો ક્યારેક સાવ વિરુધ્ધ!! દિમાગ કહે છે વર્તમાનમાં જીવ અને દિલ એ તો હઠીલું બધી યાદોને એના પટારામાં પુરી રાખે છે. ભલે વર્તમાનમાં જીવીએ પણ આમ જ આજની ક્ષણ જ તો આપણને દિલના દરવાજે દસ્તક દઈ ભૂતકાળમાં લઈ જાય છે અને સંભારણાની સાંકળ જોડાતી જાય છે!! એના થકી જ તો જીવન જીવાતું જાય છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૨

December 31st 2021

મુક્તક

મુક્તક

જીવનની પોથીના પાન જાય ઘટતાં,
મિત્રોની યાદિમાં નામ જાય ખૂટતાં;
નવલું વર્ષ લાવે નવી આશને ઉમંગ,
પ્રાર્થના જગ કલ્યાણની રહીએ રટતાં

શૈલા મુન્શા તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧

December 29th 2021

સંભારણું – ૫

સંભારણું -૫
હમણાં જ નવરાત્રિના તહેવારની સમાપ્તિ થઈ. હવે તો નવરાત્રિ એક સર્વમાન્ય તહેવાર થઈ ગયો છે. દેશ વિદેશના યુવક યુવતીઓ એ ગરબાના તાલે નૃત્ય કરે છે, હા એને નૃત્ય જ કહેવાય કારણ પારંપારિક ગરબાંની રમઝટ ભુલાઈ રહી છે. નવ દિવસના નવલાં વસ્ત્રો, ચણિયા ચોળી, પુરુષો માટે ચોરણુ, કેડિયું એમાં જ નવરાત્રી નો તહેવાર રહી ગયો છે. ભારત કરતાં પણ જાણે વિદેશોમાં આ તહેવાર વધુ ધામધૂમથી ઉજવાતો હોય એવું લાગે છે. મહિનાઓ પહેલાં મોટા મોટા જાણીતા ગાયકોને લાખો ડોલર આપી આવવા માટે આમંત્રણ અપાઈ જાય. મોટા સ્ટેડિયમમાં ઉજવણીની તૈયારી થવા માંડે અને માતાના ગરબાં પણ ફિલ્મી ગીતોના ઢાળમાં ગવાય. હજારો નવજુવાનો ભાતીગળ પોશાકો પહેરી ગરબે ઘૂમે, એમાં દરેક પોતાની ટોળી બનાવી પોતાના નવા નવા સ્ટેપ્સ રચી પોતાની મસ્તીમાં ઘૂમતાં હોય અને સ્ટેજ પરથી આમંત્રિત ગાયક પોતાના સૂર રેલાવતાં હોય.
ગયા વર્ષે તો કોરોનાને કારણે આખું જગત જાણે પોતાના ઘરમાં કેદ થઈ ગયું હતું, પણ આ માહામારીને ડામવા વેક્સીનની શોધના પરિણામે લોકો થોડા ભયમુક્ત થયાં અને કેદમાંથી મુક્ત થયેલા લોકો બમણા ઉત્સાહે ઉત્સવની જાહેર ઉજવણીમાં જાણે દુકાળમાંથી મુક્ત થયાં હોય તેમ રસ્તાં પર ઉતરી પડ્યાં, પછી ગણપતિનો તહેવાર હોય કે નવરાત્રિ કે દુર્ગા પૂજા.
ભારત જેમ ભાતીગળ પ્રજાનો દેશ છે તેમ દરેક કોમના પોતાના તહેવાર પણ હોય છે.
ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ. આ વખતે નવરાત્રિમાં મારી ખાસ બહેનપણીએ અમદાવાદથી એક વિડિઓ મોકલ્યો અને મારું મન મારા બાળપણને ઓવારે પહોંચી ગયું. મારી બહેનપણીના બિલ્ડીંગના આંગણમાં ગરબે ઘૂમતા નરનારીનો એ વીડિઓ હતો, અને વચ્ચે માતાજીની છબી સાથે કાણાવાળી માટલીમાં અખંડ દીવો ઝળહળતો હતો. ફકત હું જ નહિ અમારું આખું સખીવૃંદ તરત પોતાના સ્મરણો તાજા કરી રહ્યાં.
નવરાત્રિ એટલે માતાજીની ભક્તિ આરાધના. ગરબો શબ્દ એ ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો છે. માતાજીની પૂજા વિધિમાં ઘટ એટલે કે કાણાવાળી માટલીને સરસ રંગી એમાં દીપની સ્થાપના કરવામાં આવે. અખંડ જ્યોત ઝળહળતી રહે એનુ ધ્યાન રાખવામાં આવે, સવાર સાંજ માતાજીની આરતી થાય. ગામડામાં રહેતાં લોકો ગામના ચોરે માતાજીની ગરબીની સ્થાપના કરે અને સાંજ પડે સહુ નિત્યક્રમ પરવારી ગામના ચોરે ગરબાં રમવા ભેગા થાય. વારાફરતી સહુના ઘરેથી પ્રસાદ આવે અને પાંચ ગરબાં માતાજીના ગવાય પછી રાસની રમઝટ જામે. નાનકડી કન્યાઓ સરસ ચણિયા ચોળી પહેરી માથે માતાજીની ગરબી મુકી ઘેર ઘેર ફરે અને સહુ રાજીખુશી પાવલી, આઠ આના દક્ષિણા આપે. લોકો નવ દિવસના ઉપવાસ કરે, કોઈ ફક્ત ફળાહાર પર હોય, કોઈ એકવાર ફરાળ કરે, કોઈ નકોરડાં ઉપવાસ કરે. નવમે દિવસે નૈવેધ ધરાવે અને દશેરાએ ફાફડાં જલેબીનુ સેવન કરે.
શહેરોમાં પણ દરેક સોસાયટીના આંગણમાં આવી જ નવરાત્રિ ઉજવાય.
મને યાદ છે અમે સહુ બહેનપણીઓ એકબીજાની સોસાયટીમાં ગરબા રમવા જઈએ અને વળતાં ખોબોભરી પ્રસાદ લેતાં આવીએ. નાના બાળકો તો મધમાખીની જેમ પ્રસાદની થાળીની આસપાસ જ મંડરાતાં હોય. દરરોજ કોઈને ત્યાંથી માતાજીની બાધા લીધી હોય તેની માનતા પુરી કરવાં લ્હાણી થતી હોય અને સ્ટીલની વાડાકી, નાની થાળી, પ્લાસ્ટિકના ડબ્બાં એવી તો કેટલીય વસ્તુ ઘરમાં આવે.
એક વીડિઓએ કેટલીય સ્મૃતિ જાગૃત કરી દીધી…
આજે પણ તહેવારો તો ઉજવાય છે અને તહેવારોના નામે ડોનેશન પણ ઉઘરાવે છે. માતાજીની મુર્તિ કે ગણપતિના તહેવારમાં કોઈ ચોકલેટની મુર્તિ બનાવે, કે કેળાની મુર્તી બનાવે, કે સોનાની ત્યારે વિચાર આવે કે પૈસાની આમ બરબાદી કરતાં કોઈ જરુરતમંદને મદદ કરવામાં એ પૈસો વપરાય તો સહુ દેવી દેવતાં વધુ પ્રસન્ન થાય.
મન પણ ખરેખર અજીબ યાદોનો ભંડાર છે, જગત અત્યારે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, કેટલીય શોધ થઈ રહી છે, માણસ ચંદ્ર પર તો પહોંચી ગયો અને હવે લાખો ડોલર ખર્ચી પ્રવાસીઓને ઓર્બીટની સહેલ કરાવવાનુ પણ બુકીંગ થઈ રહ્યું છે ત્યારે પણ જ્યારે મનના ખજાનામાંથી આવા યાદના સંભારણા જાગે છે અને એક નાનકડી ઘટના ક્યાંય તળિયે છુપાયેલી યાદ પળમાં જાગૃત કરી દે છે એને માપવાનુ કોઈ યંત્ર શોધાયું નથી.
આવા સંભારણાથી જ તો ડાયરીના પાના સમૃધ્ધ છે….

શૈલા મુન્શા તા.ઓક્ટોબર ૨૪/૨૦૨૧
www.smunshaw.wordpress.com

December 29th 2021

સંભારણું – ૬

પાયાકેળવણી અને કેળવણીનો પાયો. કેળવણીની વાત કરીએ તો સાથે કર્તા પણ આવે અર્થાત કેળવણી આપનાર, અધ્યાપક, શિક્ષક; સાદી ભાષામાં કહીએ તો ગુરૂ.
જન્મભૂમિ પ્રવાસી મુંબઈના સમાચાર પત્રમાં તા.૧૪/૧૧/૨૦૨૧ એ શ્રી ઈન્દુબહેન પટેલ મારા શાળા જીવનના પ્રિન્સિપાલ માટે છપાયેલ લેખ આ સંભારણું લખવામાં નિમિત્ત છે, જોગાનુજોગ આજનો દિવસ ભારતમાં બાળદિન તરીકે ઉજવાય છે અને અમ બાળકોના જીવનમાં જન્મદાત્રી, તેનો પરિવાર અને ત્યારબાદનું ઘડતર નિશાળમાં થાય, એ શાળાના આજીવન શિક્ષિકા, પ્રિન્સિપાલ ઈન્દુબહેન વિશે વિસ્તારપૂર્વક લેખ છાપાંમાં આવે એનાથી વધુ બાળદિનની ઉજવણી બીજી કઈ હોઈ શકે!!!!
કલ્યાણી અને અલકા અમારી શાળાની સહપાઠી, છેલ્લાં ત્રણ મહિનાથી એક લેખ લખવાનો મનસૂબો કરી રહ્યાં હતાં, અને એ લેખ હતો અમારી શાળાના પ્રિન્સિપાલ, અમારાં સહુના માર્ગદર્શક ઈન્દુબહેન પટેલ. ભારત સ્વતંત્ર થયું એ અરસામાં વિલે પાર્લે પૂર્વમાં નાનકડી ગલીમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળા. નામ એનું શ્રી નવસમાજ મંડળ સેકેંડરી હાઈસ્કૂલ. શરૂઆતમાં આ શાળા ચૈતન્ય બાળમંદિરના નામે ઓળખાતી. અમારા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે આ શાળાનું ઉદઘાટન ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે થયું હતું. ઈન્દુબહેન શરૂઆતનાં વર્ષોથી જ શાળામાં જોડાયેલાં અને આજીવન શાળા સાથે સંકળાયેલા રહ્યાં. કેટકેટલાં ઉમદા શિક્ષકોએ અમારા ઘડતરમાં અગત્યનુ યોગદાન આપ્યું છે, એ સહુ મોતીઓને એક સૂત્રે સાંકળનાર એવું વિલક્ષણ મોતી એ અમારી શાળાનાં પ્રિન્સિપાલ ઈન્દુબહેન પટેલ.
અત્યારે ઈન્દુબહેન ૧૦૦ વર્ષ પૂરા કરી ચૂક્યાં છે, આજની તારીખે પણ એમની સાથેની પ્રત્યેક મુલાકાતમાં તાજગીનો અનુભવ થાય. કોઈ પ્રકારની ફરિયાદ નહિ, કોઈ અપેક્ષા નહિ, પોતે સંપૂર્ણ સ્વસ્થ. જ્યારે મળીએ ત્યારે ઉમળકાભેર આવકારે, અને ભાવભીનાં આદર સત્કારથી નવાજે. એમના નિખાલસ ચહેરા પર મંદ સ્મિત હમેશા હોય જ. જીવન જીવવાનો અભિગમ એમની પાસેથી શીખવા જેવો. આવી વિલક્ષણ વ્યક્તિએ કરેલા અથાક પરિશ્રમ અને નિઃસ્વાર્થ ત્યાગની સાધના દ્વારા અમારી કેળવણીનો પાયો મંડાયો હતો.
ઈન્દુબહેન દરેક વિધ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખે. કોના કુટુંબમાં કેટલાં સભ્યો છે, ઘરની શું પરિસ્થિતિ છે, એ બધાથી વાકેફ રહેતાં.
મારા માટે ૨૦૧૮ની મારી ભારત યાત્રા એક વિશેષ સંભારણા જેવી બની ગઈ હતી. સહુથી વધુ મારો મહાઆનંદ વડીલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સિપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. તેમના પિતાશ્રી સ્વ. જયસુખલાલ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખાદીધારી વ્યક્તિ. એમણે પોતાની લાડકી દીકરીને સંપૂર્ણ પીઠબળ આપેલુંં. આજીવન અવિવાહિત રહીને ઈન્દુબહેને કેળવણીના ક્ષેત્રમાં યોગદાન આપવાનું અને જીવનભર ખાદીના વસ્ત્રો અંગીકાર કરવાનું નક્કી કર્યું ત્યારે પિતાનો સંપૂર્ણ સહકાર મળેલો.
મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમાં એમનો નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા બધું જાતે જ કરે છે.
મેં એસ.એસ.સી ૧૯૬૭માં પાસ કર્યું. મારી શાળા ચૈતન્ય બાળમંદિરમાંથી વિકાસ પામી માધમિક શાળા બની ગઈ. અમારી શાળામાં દર વર્ષે ત્યારે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો એસ.એસ.સી.નો બીજો ક્લાસ હતો. ૧૯૬૭ પછી ઈન્દુબહેનને મળવાના અવસર ઓછાં થતાં ગયાં, પણ એમણે જે સાહિત્યનો રંગ અમને લગાડ્યો એ મારા માટે આશીર્વાદ બની ગયો. મને બરાબર યાદ છે સાતમા ધોરણની શરૂઆતમાં અમને શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા “પાટણની પ્રભુતા” વાંચવાનુ કહ્યું હતું અને બધા વાંચે એટલા માટે વાર્ષિક પરિક્ષામાં એ નવલકથામાંથી વીસ માર્કનો સવાલ પૂછશે એવી જાણ કરી હતી.
એ ઉમદા સાહિત્યના વાંચને મારામાં વધુ સારા પુસ્તકો વાંચવાની તલપ જાગી. આમ પણ નાનપણથી નિંબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામ મળ્યાં હતાં અને અમેરિકા આવ્યા પછી થોડી સમયની મોકળાશે લેખનકાર્ય પણ શરૂ થયું. ભારતમાં શિક્ષિકા હતી અને અહીં આવ્યા પછી પણ શિક્ષિકા જ રહી, ફરક એટલો કે અહીં દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું. એ બાળકોના નિર્દોષ તોફાનો, એમની તકલીફો પર નાના રોજિંદા પ્રસંગો લખવાનુ શરું કર્યું અને પછી એ “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ખાસ ઈન્દુબહેનનો ઉલ્લેખ કર્યો છે કે એમની પ્રેરણાએ જ મને ઉમદા સાહિત્ય વાંચની ટેવ પડી અને આગળ જતાં મારા લખાણમાં પ્રગતિ થતી રહી.
મેં “બાળ ગગન વિહાર” પુસ્તક ઈન્દુબહેનને મોકલાવ્યું હતું, જ્યારે હું ૨૦૧૮માં એમને મળી ત્યારે આટલા વર્ષો પછી પણ ઈન્દુબહેનને હું, મારા ઘરના સહુ, અમારી વિશેષતા યાદ હતી. નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી, મમ્મીની રસોઈના વખાણ અને મારી નાની બહેન પારુલ બધાના સમાચાર વિગતવાર પૂછ્યાં. મારા અમેરિકાના દિવ્યાંગ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક એમણે વાંચ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખુબ જ ખૂશ હતા. ઘણી વાતો કરી અને એ મારા જીવનનું એ અમૂલ્ય સંભારણું છે.
૨૦૧૮માં અમે બધા ૧૯૬૭ના S.S.C batch ના મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.
પ્રભુ કૃપાથી ૨૦૧૮ની સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી, ક્યાંય અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પુરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહીં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ગઈ નથી!!
જન્મભૂમિના લેખે કેટલાં સ્મરણ તાજા કરાવી દીધાં. ઈન્દુબહેનના હાથ નીચે કેટલાય વિધ્ધાર્થીઓ તૈયાર થયા હશે પણ એમણે કોઈ પર હાથ ઉપાડ્યો નથી અને જ્યારે મેં એમને મારા ભારતના મારા હાથ નીચે ભણી ગયેલા ૧૯૮૫, ૧૯૮૭ના વર્ષના વિધ્ધ્યાર્થીઓએ મારા સન્માનમાં મોટા પાયે આયોજન કરેલાં મેળાવડાની વાત કરી અને જે આદરપૂર્વક એ સહુ આજે પણ યાદ કરે છે એ જાણી તો એ એટલાં ખૂશ થઈ ગયાં કે મારો ખભો થાબડી કહે “વાહ તેં એક શિક્ષિકા તરીકે આજે મારું પણ ગૌરવ વધારી દીધું”
મારી ૨૦૧૮ની ભારતયાત્રા મારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જે ઊર્જાથી ઈન્દુબહેને અમને સિંચ્યા હતાં તેનું આજ મૂળસ્ત્રોત, અમારી કેળવણીનો પાયો વર્ષો પહેલાં નંખાયેલો, પરંતુ પાયાની એ કેળવણીનો રંગ અમે વર્ષો પછી પારખ્યો.
ખૂબ આભાર કલ્યાણી અને અલકાનો. એમના લેખમાંથી ઘણી માહિતી મેં મારા લેખમાં લીધી છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૧૪ નવેમ્બર ૨૦૨૧

December 29th 2021

સંભારણું -૭

અમેરિકા, યુરોપ અને જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ પળાય છે ત્યાં નાતાલનો વાર્ષિક તહેવાર ધૂમધામથી ઉજવાય છે. સાન્તાક્લોઝ રેન્ડિયરની બગીમાં બેસી આવે. જાજરમાન લાલ પોશાક, સફેદ દાઢી અને ખભે ભેટસોગાદોનો મોટો થેલો. નાના બાળકો માટે સાન્તા કોઈ જાદુઈ પરીથી કમ નથી જે એમની બધી ઇચ્છા અને માંગ પુરી કરે.
નાના બાળકોની ઇચ્છા પરથી મને મળેલો એક બાળકીનો વિડીયો યાદ આવી ગયો. બાળકો જુદીજુદી રીતે સાન્તાને પોતાની માંગણી જણાવતા હોય છે. કોઈ ચિઠ્ઠી લખીને ક્રિસમસ ટ્રી નીચે મુકે, કોઈ મમ્મી પપ્પાને પોતાની ઇચ્છા જણાવે. એમની માંગણીઓ પણ મજેદાર હોય. આ બાળકો નાની અમથી ઈચ્છા પૂર્ણ થાય તો પણ રાજી રાજી થઈ જતાં હોય છે.
મને જે વિડીયો મળ્યો એમાં એક બાળકી ગાઈને સાન્તાને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. એના આગળના બે દાંત પડી ગયા છે અને લોકો એની સામે કુતૂહલથી જુએ છે એટલે એ સાન્તાને કહે છે પ્લીઝ મને મારા બે દાંત આપી દો. એની મોટી બહેન વ્હિસલ મારી મારીને બધાને મેરી ક્રિસમસ વીશ કરે છે, એને પણ વ્હિસલ મારવી છે પણ આગળના બે દાંત નથી એટલે વ્હિસલ મારી શકતી નથી. વિડીયોમાં એ નાનકડી બાળકીની ગાવાની રીત, વ્હિસલ મારવાનો પ્રયાસ બધું જ બહુ રમૂજી રીતે દેખાય છે. એને સાન્તા પર પુરો વિશ્વાસ છે કે સાન્તા એની આ માંગ જરૂર પૂર્ણ કરશે.
બાળકોની માંગણી પરથી ગયા વર્ષે કેપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથા “પરિક્રમા” વાંચી હતી તે યાદ આવી ગઈ. એમાં પણ કિશોર એક બાળક પોતાના માતા પિતા ગુમાવે છે અને બહેન રુપવતી એને પોતાના ઘરે લઈ આવે છે. આકસ્મિક આવી પડેલા આ દારુણ દુઃખથી કિશોરનું હૈયું સાવ મૂરઝાઈ જાય છે, એવામાં નાતાલમાં એનો મિત્ર કહે છે કે તું સાન્તાને પત્ર લખ, એ સહુની ઇચ્છા પૂર્ણ કરે છે. બીજા વર્ષે અમેરિકાથી અનાયાસે શોન અને એની પત્ની સુઝન પોતાના પૂર્વજોની શોધખોળમાં ભારત આવે છે અને શોધતાં શોધતાં રુપવતીના ઘર સુધી પહોંચે છે. કિશોર જ્યારે શોનને જુએ છે તો એના માનવામાં આવતું નથી કે એના પિતા એની સામે છે. શોન આબેહૂબ એના પિતા જેવો દેખાય છે, સાચે જ એના પિતા નથી એવી સમજ એ ભોળા કિશોરને નથી. સાન્તા એની ઇચ્છા આટલી જલ્દી પૂર્ણ કરશે એ એના માનવામાં આવ્યું નહિ.
સ્કૂલમાં પણ જેવું થેંક્સગીવીંગ પતે એટલે જાણે તહેવારનો માહોલ થઈ જાય. ક્લાસમાં ક્રિસમસનાં ગીતો અને મુવી દેખાડાય. ક્લાસને શણગારવામાં બાળકો પણ ભાગ લે. લોકોનાં ઘરની બહાર ઝગમગ લાઈટના તોરણ ને કેન્ડી કેન રેન્ડિયરના પૂતળાં ઊભા થઈ જાય. ગલી રસ્તા વૃક્ષો સહુ ઝગમગી ઉઠે.
મારી મસિયાઈ બહેન પરણીને સ્વીડન ગઈ બરાબર ક્રિસમસના તહેવાર પહેલાં. ત્યાંથી મોકલેલા ફોટા જોઈ મન ખૂશ થઈ ગયું. ચારેબાજુ બરફની સફેદ ચાદર અને ઉપર ઝગમગતી રંગીન રોશની, આહાહા!! અદભૂત મનોરમ્ય નજારો. ગયા વર્ષના કોરોનારુપી કોપમાંથી, ડરમાંથી બહાર નીકળી લોકો બમણા ઉત્સાહે તહેવાર મનાવવા, સાન્તાને આવકારવા સજ્જ થઈ ગયા છે.
રોશની ને લાઈટનાં તોરણોના ઝગમગાટની યાદે મારું મન પણ બાળપણના ઓવારે પહોંચી ગયું. મુંબઈ હમેશા પચરંગી વસ્તી ધરાવતું શહેર છે અને ત્યાંના લોકો બધા તહેવાર ધામધૂમથી ઉજવે છે.
મારા મામાના મોટા ગોડાઉન હતા અને એમાં ભરેલા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા બે ખટારા પણ રાખ્યાં હતાં. મને યાદ છે કે ક્રિસમસની રાતે અમે ઘરના સહુ નાના મોટા એ ખટારામાં બેસી મુંબઈમાં થતી નાતાલની રોશની જોવા નીકળી પડતાં. વડીલો માટે ચાદર, તકિયા ગોઠવી દેતા. રાતભર સહુને ચાલે એવો નાસ્તો કુકી સ્પોંજકેક કાગળની ડીશ, પવાલાં બધું યાદ રાખી ખટારામાં મૂકાઈ જતું. સાંતાક્રુઝથી શરુ થયેલી સફર ચોપાટી, પાલવા બંદર થઈ કોલાબા સુધી પહોંચતી. વાતાવરણમાં ગુલાબી ઠંડી અને ચારેતરફ રોશનીનો ઝગમગાટ. રસ્તા પર લોકો મસ્તીના માહોલમાં ઝૂમતા એકબીજાને મેરી ક્રિસમસ કરતાં આગળ ચાલ્યાં જતાં કોઈ ગીત ગાતાં ઝૂમતા. રાત છે કે દિવસ એ જ જાણે સમજાતું નહિ.
પરોઢ થતાં થતાંમાં ફરી આવતા વર્ષની ક્રિસમસની વાટ જોતી અમારી સવારી ઘર તરફ પાછી વળતી. એ આનંદ એ મસ્તી એ માહોલ આજે પણ આંખ સામે તરવરે છે. એ મીઠા સંભારણાની મીઠી યાદ દિલના ખૂણે લીલીછમ છે!!
કાશ એ બાળપણ પાછું મળે!!!
અસ્તુ,
શૈલા મુન્શા ડિસેમ્બર ૨૩/૨૦૨૧

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.