આજ સવારથી વરસાદ અનરાધાર વરસતો હતો. મુંબઈનો વરસાદ આવે. ત્યારે મુંબઈનુ જન જીવન ઠપ્પ થઈ જાય એવો વરસે. અષાઢે બારે મેઘ ખાંગા થાય એમ કહેવાય એમા આજે અષાઢી બીજ અને રથજાત્રાનો દિવસ. વરસતા વરસાદમાં ભક્તજનો ભગવાનના રથના દોરડાને ખેંચવા પડાપડી કરતાં હતા.
આ બધાથી અલિપ્ત રીના દુકાને પહોંચી. સાંજે થોડી વહેલી નીકળી ગઈ, આવા વરસાદમાં બસ કે ટેક્ષી મળવામાં ઘણીવાર વિલંબ થાય એમ ધારી જલ્દી ઘરભેગી થઈ ગઈ.
સવારે અગિયારના ટકોરે રીના દુકાનમાં હાજર હોય અને સાંજે સાતની આસપાસ ઘરે આવે. રીનાનો એ નિત્ય ક્રમ હતો. દુકાનેથી આવે, સવારે રસોઈની તૈયારી કરી રાખી હોય એટલે ખાવાનુ ગરમ કરી નિરાંતે પોતાની મનગમતી ટીવી સિરિયલ જોતાં જોતાં જમે. સુતા પહેલા અચૂક કોફીના કપ સાથે પોતાનુ મનગમતું પુસ્તક વાંચે.
દિકરી પ્રિયા પરણીને નાગપુર પતિ સાથે રહેતી હતી અને દિકરો નમન વધુ અભ્યાસ અર્થે અમેરિકા હતો. રીના એક સંતોષના અહોભાવ સાથે પોતાની જિંદગી જીવી રહી હતી.
કોફીનો કપ પુરો કરી રીના સુવાની તૈયારી કરી રહી હતી ત્યાં ફોનની ઘંટડી રણકી, સમાચાર સાંભળતા રીનાએ પલભર ઊંડો શ્વાસ લીધો, રીસિવર નીચે મુક્યુંને આંખ બંધ કરી. મનમાં ફીલમની રીલ રિવાન્ડ થતી હોય તેમ પોતાના બાળપણના દિવસોથી આજની ઘડી સુધીની સફર મનને કુરેદવા માંડી.
નાનપણથી રીનાને ઘર ઘર રમવાનો ખુબ શોખ. માતા પિતાનુ એક માત્ર સંતાન એટલે લાડકી તો ખુબ જ પણ મમ્મીએ એના ઉછેરમાં અને સંસ્કાર સિંચવામાં કોઈ કમી નહોતી રાખી. લાડ તો એ પુષ્કળ પામતી પણ સાથે સાથે મમ્મી હમેશા કહેતી “રીના બેટા સોનાની છરી હોય તોય શાક જ સમારાય, પેટમાં ના ખોસાય” નાનકડી રીના કાંઈ સમજતી નહિ, એ તો પોતાની ઢીંગલી લઈ બહેનપણીઓ સાથે ઘર ઘર રમવામાં અને ઢીંગલા ઢીંગલીને પરણાવવામાં મગન રહેતી.
પપ્પા હમેશા રીના માટે બધા બાળ માસિકો લાવતા અને રીનાને પણ ઝગમગ, ચાંદામામા, અને બકોર પટેલને શકરી પટલાણીની વાર્તા વાંચવામાં અનેરો આનંદ મળતો. સ્કૂલમાં દાખલ થયા પછી રીનાના વાંચન શોખે એને સ્કુલમાં યોજાતી દર શનિવારની વકૃત્વ સ્પર્ધા કે નિબંધ સ્પર્ધામાં ભાગ લેતી કરી અને ઘણીવાર ઈનામ પણ જીતી લાવતી.
કેટ કેટલા લાડકોડ અને હોંશમાં બાળપણ ક્યાં વીતી ગયું અને રીના યૌવનને દરવાજે આવી ઊભી. ભણવામાં પહેલેથી હોશિયાર રીનાએ આર્ટ્સ કોલેજમાં એડમિશન લીધું અને ઈંગ્લીશ લીટરેચર સાથે બી.એ. ની ડીગ્રી મેળવી. ભણતર સાથે નૃત્યના ક્લાસ, ડિબેટીંગના ક્લાસ, રીનાનો દિવસ તો ક્યાં ઉગતો અને ક્યાં આથમતો એ જ જાણે સમજાતું નહિ.
હરિણી સમી ઊછળતી નાચતી રીના યૌવનના કેટલાય રંગીન સપના જોતી. ભણવા સાથે રીનાએ કથક નૃત્યમાં પણ નિપુણતા મેળવી હતી. મમ્મી કેટલીય વાર ટોકતી, “રીના બેટા નાચવા સાથે થોડું ઘરકામ, રસોઈ પણ શીખ. સાસરે જઈશ તો નાચવાથી કાંઈ પેટ નહિ ભરાય”
શરારતી હાસ્ય સાથે મમ્મીને ચીઢવતી રીના હમેશ જવાબ આપતી, “મમ્મી તું જોજે, મને તો રસોઈયા, નોકર ચાકરવાળું જ સાસરૂં મળવાનુ છે”
મનોમન મમ્મીની પણ એજ મનોકામના હતી કે રીનાના મનની મુરાદ પુરી થાય, અને કોણ માબાપ એવું ના ઈચ્છે કે એમની દિકરી સાસરે હમેશા સુખ શાંતિ અને સમૃધ્ધિ પામે!
રીનાની નૃત્ય એકેડમી તરફથી મુંબઈમાં એક શો યોજાયો હતો અને રીના એમાં મુખ્ય કથક નર્તકી તરીકે નૃત્ય કરવાની હતી. બહોળી સંખ્યામાં શ્રોતાજનો આ કાર્યક્રમ જોવા આવ્યા હતા. શેઠ દામોદરદાસ અને એમના પત્ની શાંતિબહેન પણ એમાના એક હતા. રીનાનુ નૃત્ય જોઈ એટલા પ્રભાવિત થયા કે કાર્યક્રમ પત્યા પછી રીનાને મળવા ગ્રીનરુમમાં ગયા. રીનાની સૌમ્યતા, એનો વિનયી વ્યવહાર જોઈ એમને ખુબ જ આનંદ થયો. વાતવાતમાં રીનાનુ રહેવાનુ, એના માતા પિતાનુ નામ વગેરે જાણી લીધું.
રીનાના પિતા મંગળદાસનુ નામ જાણી દામોદરદાસની નવાઈનો પાર ન રહ્યો. બન્ને એક જ નાતના, નામથી એકબીજાને ઓળખે પણ ઝાઝો પરિચય નહિ. રીનાનુ ઘર કોચીન, અને રીનાના પપ્પા કોચીનમાં ચોખાના વેપારી. એમનો માલ અમદાવાદ, મુંબઈ મદ્રાસ બધે જાય. દામોદરદાસનો કાપડનો બહોળો વેપાર. કાપડ બજારમાં પ્રતિષ્ઠીત વેપારી તરીકે શાખ. એક નાતના અને વેપારી હોવાથી નામથી બન્ને એકબીજાથી પરિચીત.
દામોદરદાસ પર લક્ષ્મીના ચારે હાથ, પુષ્કળ પૈસો, ઘરમાં નોકર ચાકર, રસોઈયો બબ્બે ગાડીઓ ડ્રાઈવર સાથે. સંતાનમાં અતિશય લાડમાં ઉછરેલો એકનો એક દિકરો. દિકરા માટે આવી જ સુશીલ વહુની તલાશમાં દામોદરદાસ હતા.
શાંતિબહેન અને દામોદરદાસને પહેલી નજરે જ રીના પોતાની વહુ તરીકે પસંદ આવી ગઈ. બીજા જ દિવસે કોચીન ફોન કરી મંગળદાસ પાસે પોતાના દિકરા મનોજ માટે રીનાના હાથનું માગું કર્યું. મુંબઈના બજારમાં દામોદરદાસની શાખ અને પ્રતિષ્ઠા વિશે આછીપાતળી માહિતી તો મંગળદાસને હતી, પણ સવાલ રીનાનો હતો. એની શું ઈચ્છ છે? એના ધ્યાનમાં બીજો કોઈ છોકરો છે? કોઈ સાથે પ્રેમ છે? એ બધું જાણવું રીનાના મમ્મી પપ્પા માટે વધુ અગત્યનુ હતું.
મમ્મીએ વાતવાતમાં રીનાના મનને ટટોળ્યું, આમ તો એમને ગળા સુધી ખાત્રી હતી કે રીનાને કોઈ સાથે પ્રેમ હોય તો એ મમ્મીને વાત કર્યા વગર ના રહે. રીનાએ કોઈ વાંધો ન દર્શાવ્યો એટલે મંગળદાસે મુંબઈ વસતા પોતાના મામેરા ભાઈ દ્વારા મનોજ વિશે માહિતી મેળવી. એટલું જાણવા મળ્યું કે છોકરો અતિશય લાડના કારણે થોડો બગડેલો છે પણ માતા પિતા બહુ સાલસ સ્વભાવના છે. પૈસો હોય અને એકનો એક દિકરો હોય એટલે થોડી કુટેવ હોય પણ રીનાના મમ્મી પપ્પાને પોતાના સંસ્કાર અને ઉછેર પર પુરો વિશ્વાસ હતો. રીનાને પણ કાંઈ વાંધો નહોતો એટલે બન્ને પરિવારની સહમતિથી રીના અને મનોજના લગ્ન ધામધૂમથી થઈ ગયા.
લગ્ન પછી બે વર્ષ તો ગાડું સીધું ચાલ્યું. મનોજને ક્લબમાં જવાની ટેવ અને ત્યાં દારૂ સાથે જુગાર રમવાની આદત, પણ ઘરે આઠ વાગ્યા સુધી આવી જાય, પિતાના ધંધામા પણ ધ્યાન આપવાનુ શરૂ કર્યું. રીનાએ પોતાના તરફથી પ્રેમથી ધીરજથી મનોજને સુધારવાના પ્રયત્ન શરૂ કર્યા અને થોડી અસર દેખાવા માંડી. રીનાને સારા દિવસો રહ્યા અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થયું. રીનાને દિકરી જન્મી. દાદા દાદીની ખુશીનો તો પાર ન રહ્યો. મનોજ પણ ખુશ રહેવા માંડ્યો, ક્લબમાં જવાનુ ઓછું થઈ ગયું. રીનાને આશા બંધાવા માંડી કે ધીરેધીરે મનોજ પોતાની જવાબદારી સમજશે અને દામોદરદાસને આરામ આપી ધંધાની બાગડોર સંભાળી લેશે.
રીના એ કહેવત ભુલી ગઈ હતી કે “કુતરાની પુંછડી બાર વર્ષ જમીનમા દાટો તોય વાંકીની વાંકી જ રહેવાની” મનોજના પૈસે મોજ મસ્તી માણનારા દોસ્તો એમ કાંઈ મનોજને છોડવાના હતા!! મનોજને લલચાવવા નવો પેંતરો અજમાવ્યો, શહેરમાં આવેલી મશહુર તવાયફ બેગમજાનના કોઠા પર મુજરો જોવાના બહાને મનોજને લઈ ગયા અને બેગમજાનના કાનમાં ફુંક મારી કે મનોજ તગડો આસામી છે, કરોડોની મિલ્કતનો એકલો વારિસ છે. બસ પછી તો પુછવું જ શું?
મનોજના અપલક્ષણો ફરી વકરવા માંડ્યા. પિતાએ પૈસા આપવાની ના પાડી તો બજારમાં વેપારીઓ પાસે ઉધાર લેવાનુ ચાલુ કર્યું. રીના મનમાંને મનમાં સોસવાતી રહી પણ પિયરની આબરૂ ને સાસરીની આબરૂ ખાતર ચુપ રહી. પોતાના માતા પિતાને પણ પોતાના દુઃખથી અલિપ્ત રાખ્યા.
દામોદરદાસ ને શાંતિબેન રીનાને સગી દિકરીની જેમ સાચવતા ને છેવટે દિકરાને સુધારવા દામોદરદાસે અંતિમ પગલું ભરવાની મનોજને ધમકી આપી કે મનોજ તવાયફની સંગતમાં થી બહાર નહિ આવે તો મિલ્કતમાં થી ફુટી કોડી પણ નહિ મળે.
ફરી એકવાર મનોજે સુધરવાનુ નાટક કર્યું, રીનાને પોતાની કરવાનો દેખાવ કર્યો અને રીના બીજા બાળકની મા બની. દિકરા નમનનો જન્મ થયો. મનોજને લાગ્યું બસ હવે તો રીના ક્યાં જવાની છે મને મુકીને અને ફરી મનોજ વધુ વિનાશના માર્ગે આગળ વધ્યો. દારુની લત સાથે હવે ગાંજા ચરસની લત પણ લાગી. મન થાય તો ઘરે આવે અથવા કોઈ ચરસીને ત્યાં પડ્યો હોય. રીનાનુ દુઃખ શાંતિબેનથી જીરવાયું નહિ અને એક રાતે ઊંઘમા જ અવસાન પામ્યા. દામોદરદાસ સાવ ભાંગી પડ્યા
રીનાના માથે ઘર, બાળકો અને સસરાને સંભાળવાની જવાબદારી આવી પડી. રીનાના મમ્મી પપ્પએ દિકરીને છૂટાછેડા લેવા ઘણુ સમજાવી પણ રીના ટસની મસ ના થઈ. મનોજ ક્યારેક જ ઘરે આવતો ને ઘરે આવે ત્યારે પૈસાની માંગ સિવાય બીજી કોઈ વાત નહિ. દેખાવ લઘરવગર, દાઢી મુછ વધેલા પુરો ગંજેરી લાગે. દામોદરદાસની તબિયત પણ કથળી રહી હતી, છેવટે મરતાં પહેલા દામોદરદાસે વકીલને બોલાવી પોતાનુ વીલ તૈયાર કરાવ્યું. દિકરાને બધી મિલ્કત, ધંધા બધામાં થી રદબાતલ કર્યો. બધું રીના અને પોતાના પૌત્ર, પૌત્રીને નામે કર્યું. છાપામાં જાહેરાત આપી કે મનોજને કોઈ ઉધાર આપશે તો એની જવાબદારી અમારી નથી. દુઃખી હૈયે ને રીનાની માફી માંગતા દામોદરદાસે અંતિમ શ્વાસ લીધાં. પિતાના અંતિમ સંસ્કારમાં પણ મનોજ ના આવ્યો. આઠ વર્ષના નમને દાદાની ચિતાને અગ્નિ આપી. રીનાના માથે આભ તુટી પડ્યું.
ધીરેધીરે કળ વળતાં રીનાએ દુકાને જવા માંડ્યું, દુકાનના જુના મુનીમે રીનાને ધંધાની આંટીઘુટી સમજાવવા માંડી. કાપડ બજારમાં જ્યાં પુરુષોનુ વર્ચસ્વ ત્યાં રીના એક સ્ત્રી તરીકે જવા માંડી ત્યારે લોકોએ થોડી વાતો અને કાનાફુસી કરી, પણ કોઈથી ડર્યા વગર રીના હિંમતથી ધંધાની બારીકાઈ સમજતી રહી. બાળકોના ઉછેર પર ધ્યાન આપતી રહી.
અત્યારે રીનાને પંદર વર્ષ પહેલાનો એ દિવસ યાદ આવી ગયો. આજના જેવી જ અષાઢની મેઘલી રાત હતી. મનોજ ઘરે આવ્યો હતો રીનાને સદા માટે ઘર છોડી જવાની ધમકી આપતા કહી રહ્યો હતો કે પિતાનુ વીલ બદલી મિલ્કત પોતાના નામે કરી દે નહિ તો ક્યારેય ઘરે પાછો નહિ આવે. રીનાએ જરાય નમતું ના જોખ્યું અને મનોજ રીના, દસ વર્ષની પ્રિયા ને આઠ વર્ષના નમનને છોડી ગંજેરીની જમાત સાથે જતો રહ્યો. એ રાતે જ રીનાએ મન મક્કમ કરી બાળકોની મા સાથે પિતા બનવાની જવાબદારી પણ ઉપાડી લીધી. ક્યારેક ઉડતી ખબર આવતી કે મનોજને કોઈએ ગોવામાં જોયો છે. છેલ્લા સમાચાર હતા કે મનોજ કોઈ અઘોરી બાવાની જમાતમાં હરિદ્વાર છે.
રીનાના માટે જે દિવસે મનોજ ઘર છોડી ગયો ત્યારથી એનુ અસ્તિત્વ એનુ સ્થાન હમેશને માટે વિલીન થઈ ગયું હતું.
એકલા હાથે રીનાએ બાળકોને ભણાવ્યા, વેપારી જગતમાં સસરાના ધંધાને વિકસાવી સન્માન મેળવ્યું. સમાજમાં પ્રતિષ્ઠીત મહિલા તરીકે માન ને મોભો મેળવ્યા.
આજે રીના એક સંતોષના અહોભાવ સાથે જિંદગી જીવી રહી હતી. ફોનની ઘંટડી વાગી હરિદ્વારથી કોઈ સાધુનો ફોન હતો, મનોજના અવસાનના સમાચાર આપ્યા.
જે પતિ પંદર વર્ષ પહેલા અષાઢની મેઘલી રાતે મનથી અવસાન પામી ચુક્યો હતો એ સમાચાર આજે સાંભળી રીનાએ ઊંડો શ્વાસ લીધો, આંખ બંધ કરી આત્મ સંતોષના અહોભાવ સાથે બે હાથ જોડી પથારીમાં લંબાવ્યું.
સત્ય ઘટના પર આધારિત…..
શૈલા મુન્શા તા.૦૪/૨૧/૨૦૧૮