જેવી કરણી તેવી ભરણી!
વર્ષો પહેલાની વાત છે. મહારાષ્ટ્ર ગુજરાત હમણાં હમણાં જ તો બે જુદા રાજ્યો બન્યા હતાં. મુંબઈ ભલે મહારાષ્ટ્રની રાજધાની નહોતું, પણ એની ગણના નાણાકીય પાટનગર જેવી જ હતી. એનો દબદબો, શોભા એ જાળવી રહ્યું હતું, અને એનું એક ઉપનગર વિલે પાર્લે એક સાંસ્કૃતિક ધામ જેવું ગણાતું. જુની બાંધણીના બંગલાઓ એની જાહોજલાલી હતી.
એવી જ એક વાડીના બંગલામાં એક ધનાઢ્ય મારવાડી કુટુંબ રહેતું હતું. મબલખ પૈસો અને છોગામાં પિતા વ્યવસાયે ડોક્ટર. બાપ દાદાના જમાનાથી જમીનમાં રોકાણ, અને હજી તો જ્યાં જનજીવન એટલું વિકસ્યું નહોતું ત્યાં પણ કેટલાય એકર જમીન ખરીદી રાખી હતી. બાંકેલાલજીને તો પોતાના ડોક્ટરી વ્યવસાયમાં જરાયે ફુરસદ નહોતી કે જમીનની જાળવણી કે દેખભાળ કરે. બોરીવલીની આગળ તો કોઈ જવાની પણ કલ્પના ના કરે ત્યાં એમણે કેટલીક જમીન ખરીદી રાખી હતી, આ જમીન પર ત્યાંના માફિયાઓની નજર ગીધની જેમ મંડરાતી રહેતી. શરૂઆતમાં તો બાંકેલાલ પાસે જમીન ખરીદવા ફોન આવતાં, પણ સાવ પડતર ભાવે જમીન વેચવા બાંકેલાલ તૈયાર નહોતા.
એમનું કુટુંબ પણ વૃધ્ધિ પામી રહ્યું હતું, બે દીકરા અને બે દીકરીઓથી ઘર ભર્યું ભર્યું હતું. બાળકો મોટા થતાં જતા હતાં અને ભવિષ્યમાં એ જમીન પર ઘર બાંધવાના મનસુબા બાંકેલાલના મનમાં ઘોળાતા.
મોટો દીકરો સ્વભાવે થોડો ધુની, ભણ્યો તો ખરો પણ Autistic. એ જમાનામાં માનસિક વિકલાંગ બાળકોના આ પ્રકાર વિશે લોકોને પુરતી માહિતી નહોતી. Autistic બાળકો ઘણા હોશિયાર હોય, પણ દરેક બાબત એમની મરજી મુજબ થવી જોઈએ. લોકો મોહનને અર્ધા ગાંડામાં જ ગણી લેતા અને શહેરમાં એના લગ્ન માટે યોગ્ય કન્યા મળવાની મુશ્કેલી હોવાથી બાંકેલાલ દૂર ગામડેથી કન્યા શોધી લાવ્યા. મારવાડી રિવાજ મુજબ કન્યાના માતાપિતાએ દીકરીને મોટું દહેજ પણ આપ્યું. મબલખ પૈસો હોવાં છતાં ચમડી તૂટે પણ દમડીના છૂટે એવા સ્વભાવ વાળા બાંકેલાલે બીજા જ વર્ષે વહુના દહેજને પોતાની દીકરીને પરણાવવામાં આપી દીધું.
મોહનની પત્નીથી આ સહન ના થયું, પતિને કહેવાનો તો સવાલ જ નહોતો, કારણ બાંકેલાલ સામે ઘરમાં બોલવાની કોઈની તાકાત નહોતી. સાસુ અને નણંદની જોહુકમી અલગથી!!
વહુએ દીકરાને જન્મ આપ્યો પણ પતિનું ધુનીપણું અને સાસરિયાના ત્રાસથી કંટાળી પંદર દિવસના બાળકને લઈ પાડોશીની મદદથી એણે રાતોરાત પિયરની વાટ પકડી લીધી. થોડા વખતમાં જ મોહનને ભર બપોરે બજાર વચ્ચે માફિયાઓએ ચાકૂના વાર કરી રહેંસી નાખ્યો અને ધમકી આપતાં ગયા કે કોઈ એના શરીરને હાથ પણ લગાડશે તો એની પણ ખેર નહિ રહે.
આટલી ધમકી પછી પણ બાંકેલાલ જમીન વેચવા તૈયાર નહોતા. મુંબઈ વિકસી રહ્યું હતું. લોકો વસઈ, વિરાર સુધી રહેવા જવા લાગ્યા હતાં અને જમીનના ભાવ વધવા માંડ્યા હતાં. મોટા દીકરાના કમોતના આઘાતમાં મા પણ દુનિયા છોડી ગઈ પણ બાંકેલાલની વિચારધારા ના બદલાઈ.
બીજા દીકરાને પરણાવવા પાછો એ જ રસ્તો અપનાવ્યો. દૂર ગામડેથી છોકરી શોધી લાવ્યા. મોટા દહેજ સાથે કન્યા ઘરે આવી.
કહેવત છે કે હાથના કર્યાં હૈયે વાગ્યાં એ જ હાલત બાંકેલાલની થઈ. મોટી દીકરીના સાસરિયાં પણ એવા જ માથાભેર મળ્યાં. બાંકેલાલની સંપત્તિની એમને ખબર હતી અને વહુને રોજ વધુ દહેજ માટે સતાવવા માંડ્યા, છેવટે થાકીને દીકરી પાછી ઘરે આવી ગઈ.
નાની દીકરીને પરણાવી તો ખરી પણ છ મહિનામાં જ એનો પતિ રેલ્વે અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને સાસરિયાએ વહુને છપ્પરપગી, વરને ભરખી જનારી કહી ઘરમાંથી કાઢી મુકી.
બાંકેલાલનો નાનો દીકરો એંજિનિયર થઈ નોકરી અર્થે બેંગલોર રહેતો હતો, મહિને બે મહિને અઠવાડિયું રજા પર ઘરે આવે. ઘરમાં બે નણંદોને નાની વહુ પર દાદાગીરી કરવા મોકળું મેદાન મળી ગયું. પોતાના પર થયેલ ત્રાસનો બદલો નાની વહુને સતાવી લેવા માંડ્યા. થોડો વખત તો વહુએ સહન કર્યું, પતિને ફરિયાદ પણ કરી પણ કાંઇ વળ્યું નહિ. સામેના બંગલામાં રહેતા રમેશ જોડે દિલ મળી ગયું અને એક રાતે ઘરની તિજોરી સાફ કરી વહુ રમેશ સાથે ભાગી ગઈ. વહુ પણ ગઈ અને પૈસા પણ ગયા એ આઘાતમાં બાંકેલાલ પણ હ્રદયરોગના હુમલામાં મરણ પામ્યા.
ઘરમાં બે દિકરીઓ અને ભાઈ રહ્યાં પણ કોઈને ખબર નહોતી કે વસઈની જમીનના કાગળીયાં ક્યાં છે અને માફિયાઓએ તો ક્યારની એ જમીન પચાવી પાડી ત્યાં બહુમાળી ઈમારતો ખડી કરી દીધી હતી.
થોડા જ વખતમાં ભાઈનુ કાર એક્સિડન્ટમાં અવસાન થયું અને મોટી બહેન કેન્સરના રોગમાં રિબાઈ રિબાઈને મરી.
વિલે પાર્લેમાં વસતી વધવા માંડી. સાઉથ મુંબઈ પછી પાર્લા ખરીદીના ક્ષેત્રમાં પણ આગળ પડતું ઉપનગર ગણાવા માંડ્યું વાડીઓ તૂટી મકાનો બનવા માંડ્યાં. મોટી મોટી કંપનીઓ કરોડોની કિંમતે જમીન ખરીદવા માંડી. બાંકેલાલના બંગલાનો પણ પચાસ કરોડમાં સોદો થયો અને નાની દીકરીને નવા બંધાયેલા બિલ્ડીંગમાં એક ફ્લેટ પણ મળ્યો, પણ જીવન એકાકી થઈ ગયું. પૈસાનો સદુપયોગ કરી દાન ધરમ કરવાનો વિચારના આવ્યો, ઉલ્ટું સહુને શંકાની નજરે જોતી થઈ ગઈ, જાણે સહુ એનો પૈસો હડપવાની જ તૈયારીમાં હોય!!
મબલખ પૈસો હાથમાં તો આવ્યો, પણ આખું કુટુંબ લોભને કારણ તિતર બિતર થઈ ગયું. કહેવત આવા માણસો પરથી જ પડતી હશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારાં ભુખે ના મરે” અને “જેવી કરણી તેવી જ ભરણી”
સત્ય ઘટના પર આધારિત,
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com