November 24th 2019

મારિયા

મારિયા આજે પણ કોઈનો ઊંચો અવાજ ખમી શકતી નથી. આજથી પચાસ વરસ પહેલાની વાત છે, અમેરિકા જેવા દેશમાં પણ સ્ત્રીનુ સ્વાતંત્ર્ય એટલું મહત્વનુ નહોતું. પુરૂષ કમાય અને સ્ત્રી ઘર સાચવે એજ જીવન હતું. મારિયાનુ બાળપણ એવા જ ઘરમાં પસાર થયું. ચાર બહેનો અને બે ભાઈ એવા ઘરમાં ઉછર્યા જ્યાં માબાપ વચ્ચે કોઈ મનમેળ નહોતો. બાપનો કડપ ઘરમાં એવો કે બધા હમેશા ફફડતા રહે.એટલાંટા પાસેના નાનકડા ગામમાં હજી આધુનિક જમાનાની અસર પહોંચી નહોતી. ઘરમાં કમાનાર વ્યક્તિ એક જ અને તે પણ પોતાની મરજીનો માલિક, કામ કરે ના કરે પણ ગુસ્સો નાકની ટોચ પર રહે.
નાનપણથી મારિયાએ પોતાની માને બાપના ગુસ્સાનો ભોગ બનતી જોઈ હતી. સહુની હાજરીમાં માર ખાતા જોઈ હતી. મારિયાથી મોટા બે ભાઈઓ અને એક બહેન, નાની બે બહેનો તો ખાસ સમજતી નહિ પણ દસ વરસની મારિયાના મનમાં આક્રોશ વધતો જતો. રવિવારની ચર્ચની સર્વિસ હોય કે ક્રીસમસની મીડનાઈટ પ્રેયર, મારિયાના બાપની સખત મનાઈ! કોઈ તહેવારોમાં બાળકોએ ભાગ નહિ લેવાનો.
સાઠ વર્ષની મારિયા આજે સ્કૂલમાં ડ્રામા થિયેટરની શિક્ષીકા છે. ચુલબુલી હસતી રમતી, બાળકોને વહાલથી સમજાવતી એક જિંદાદીલ વ્યક્તિ! ઈતિહાસ એનો પ્રિય વિષય અને બધા ધર્મો વિશે જાણવાની, વાંચવાની જિજ્ઞાસા અને ઘણુ બધું જાણે પણ ખરી! ગીતા એણે વાંચી નહોતી, પણ કર્માની થીયરી વિશે જાણે અને માને પણ ખરી કે તમારૂં કરેલું તમારે અહિંયા જ ભોગવવાનુ છે.
થોડા દિવસ પહેલા અમે બે ત્રણ શિક્ષકો સામાન્ય વાતચીત કરતા હતા. બાળકો એમના કલર કરવાના કામમાં મશગુલ હતા. પુનઃજન્મની વાત ચાલતી હતી. મારિયા પોતાની માની વાત કરતી હતી, મરતા પહેલા એની માના આખરી શબ્દો હતા, “મારો હાથ છોડતી નહિ, ઘબરાતી નહિ, મારા ગયા પછી પણ મારો આત્મા ત્યાં હોસ્પિટલ રૂમના છત પરથી તને જોતો રહેશે”
અચાનક મારિયાના મોઢેથી શબ્દો સરી પડ્યા, “my brother killed my father” મારા ભાઈએ મારા પિતાનુ ખૂન કર્યું. અમે બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા.
મારિયાના માતા પિતાની ૨૫મી લગ્ન જયંતિનો દિવસ હતો, એ દિવસે પણ પિતાનો ગુસ્સો બેકાબુ બન્યો અને પોતાની પત્નિ પર હાથ ઉપાડ્યો.આટલા વર્ષોનો ગુસ્સો, નફરત, ક્રોધને આંખમાં આંસુ સાથે માના મોં મા થી શબ્દો નીકળ્યા, “કોઈ આને મારી નાખે તો સારું” પંદર વર્ષનો માઈકલ દોડ્યો, પિતાની ગન લઈ આવ્યો, ધાંય ધાંય ત્રણ ગોળી પિતાની છાતીમાં ધરબી દીધી. બોલતા બોલતા મારિયા ચોધાર આંસુએ રડી પડી.
પચાસ વર્ષથી છાતીમાં ધરબાયેલો લાવા વિસ્ફોટ બનીને ઉભરાઈ ગયો. હળવાશ અનુભવતી મારિયા બોલી, આ વાત આજ સુધી મેં કોઈને કહી નહોતી. મારું કુટુંબ આખું તિતરબિતર થઈ ગયું, ગામ છોડી અમે દાદીને ત્યાં ગયા, મારા ભાઈ બહેનો ફોસ્ટર પેરેંટ્સ પાસે ઉછર્યા.એક ભાઈ જેલમાં ગયો, બીજો ડ્રગ્સના રવાડે ચઢી ગયો. નસીબે મને સારા કુટુંબમાં મોકલી અને મેં ભણવામાં મન પરોવ્યું.
કોલેજમાં રોજર સાથે મૈત્રી થઈ અને ચાર વર્ષના સંવનન પછી અમે પરણ્યા. થોડા જ વખતમાં મને ખ્યાલ આવી ગયો કે લગ્ન પહેલાના રોજરમાં અને લગ્ન પછીના રોજરમાં આસમાન જમીનનો તફાવત છે. થોડા વર્ષો તો નિભાવ્યું પણ જે દિવસે રોજરે મને ઊંચા અવાજે ગાળો ભાંડીને મારા પર હાથ ઉપાડ્યો, મેં એને છોડી દીધો.
મારી માની જિંદગીનુ પુનરાવર્તન મારી જિંદગીમા હું નહોતી કરવા માંગતી.
મારિયા આજે પણ કોઈનો ઊંચો અવાજ ખમી શકતી નથી.

શૈલા મુન્શા તા.૧૧/૨૩/૨૦૧૯

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.