January 28th 2011
સાડા ત્રણ વર્ષનો ટ્રીસ્ટન અઠવાડિયા પહેલા સ્કુલમા દાખલ થયો અને જાણે એક ઝંઝાવાત સર્જાયો. ન એને કશાનો ડર ન એ કોઈની વાત સાંભળે. પોતાની મરજીનો માલિક. ધારી ચીજ ન મળે તો ચીસાચીસ અને લાતા લાત કરી મુકે. એક જગ્યા એ બે મીનિટ પણ બેસી ના શકે. કોણ જાણે ક્યાંથી આટલી બધી તાકાત છે એનામા. એની મરજી ના હોય તો એની મમ્મી નુ પણ ના સાંભળે.
આમ પાછો હોશિયાર પણ ઘણો. અમારા ક્લાસમા ચાર વર્ષના ને પાંચ વર્ષના બાળકો પણ છે અને એ બાળકો એક કે બે વર્ષથી સ્કુલમા આવે છે,પણ હજી કેટલાક બધા રંગ ઓળખી શકતા નથી તો એ, બી સી, ડી ના બધા અક્ષરો ઓળખી શકતા નથી જે અમે રોજ કરાવતા હોઈએ, પણ ટ્રીસ્ટન તો બારાખડી બોલે એટલું જ નહી પણ શબ્દ પણ બોલે. સંગીતનો એને ઘણો શોખ અને કોમ્પ્યુટર પર જો એબીસીડી ચાલુ કરી આપીએ તો ખુશ ખુશ.જો રમતા કે ચાલતા પડી જાય તો સામેથી આપણને પુછે ( You o.k.) કદાચ ઘરમા એની મમ્મી એ પડતો હશે ત્યારે એને પુછતી હશે કે (you o.k.?) એને વાતનુ પુનરાવર્તન કરવાની બહુ ટેવ. જે કાંઈ અમે બીજા બાળકોને કહીએ તે ટ્રીસ્ટન ભાઈ પાછા બોલે.
એક માણસના ઘણા ચહેરા આપણે જોતા હોઈએ, પણ આટલા નાના બાળકના જુદા જુદા રૂપ ભાગ્યે જ જોવા મળે. ટ્રીસ્ટન આવીને લાડથી વળગી પણ પડે અને ત્યારે એનુ હાસ્ય એટલુ સોહામણુ લાગે જાણે પરાણે વહાલ કરવાનુ મન થઈ જાય. પણ જ્યારે વિફરે ત્યારે હુ ને મેરી અમે બે જણ પણ એને સંભાળી ના શકીએ, અને ખરેખર ત્યારે એમ જ લાગે કે ક્લાસમા ઝંઝાવાત સર્જાઈ ગયો.
શૈલા મુન્શા. તા. ૧/૨૮/૨૦૧૧
November 30th 2010
નાનકડી અને નટખટ એમીને તો તમે બધા ઓળખો જ છો. પોતાનુ ધાર્યું કરાવવામાં એ ખુબ ઉસ્તાદ છે.એશલી ના ગયા બાદ અમારા ક્લાસમા સાત છોકરાઓ વચ્ચે એમી એક જ છોકરી હતી, પણ આ વર્ષે એક નવી છોકરી લેસ્લી આવી.
લેસ્લી થોડી શાંત અને ધીમી ગતિએ બધું કરવા વાળી. એમી ને તો જાણે કોઇ એના સામ્રાજ્ય મા ભાગ પડાવવા આવ્યું હોય એવું લાગ્યું. લેસ્લી જાણે ગયા ભવની દુશ્મન હોય એમ કશું લેસ્લીને કરવા ના દે. રમતના મેદાનમાં લેસ્લીએ લસરપટ્ટી પર નહિ રમવાનુ. ક્લાસમાં એમીને જે ખુરશી પર લેસ્લી બેસતી હોય તે જ જોઈએ. લેસ્લી જે વાર્તાની ચોપડી હાથમાં લે એ જ એમીને જોઈએ. ક્લાસના કોમ્પ્યુટર પર લેસ્લીએ નહિ બેસવાનુ વગેરે વગેરે. લેસ્લી શાંત એટલે એમીની દાદાગીરી ચાલે, પણ આજે તો એમી એ હદ કરી.
બપોરના અમે બધા બાળકોને એક કલાક માટે સુવાડી દઈએ. બધાની પોતાની નાનકડી મેટ હોય અને ઓઢવાનુ. જ્યારે સુવાનો સમય થયો એટલે એમી પોતાની મેટ લેવાને બદલે લેસ્લીની મેટ લઈને રૂમના એક ખુણા મા મુકી લેસ્લીને કહેવા માંડી ‘તુ અહીંયા સુઈ જા” અને બધા બાળકોને જ્યાં સુવાડીએ ત્યાં વચ્ચે કમર પર હાથ મુકીને કહેવા માંડી “અહીંયા નહિ”. ચાર વર્ષની એમી, પણ એની અદા જોઈને એક બાજુ હસવું આવે અને બીજી બાજુ એની દાદાગીરી જોઈને એને કેમ સમજાવવી એની વિમાસણ.
ખરે જ દુનિયાદારી થી અજ્ઞાત અને બેખબર એવા નાનકડા બાળકોમા પણ માલિકીપણા ની ભાવના કેવી સહજપણે પ્રગટ થતી હોય છે. એમીને થોડા પ્રેમથી અને થોડી સખતાઈથી સમજાવીને લેસ્લીની મિત્ર બનાવી. કાલે પણ આ મિત્રાચારી ચાલુ રહે એ જોવાનુ.
શૈલા મુન્શા તા. ૧૧/૩૦/૧૦
November 12th 2010
બે દિવસ પહેલા દુનિયાના ખુણે ખુણે લોકોએ “કૌન બનેગા કરોડપતિ” શો જે અમિતાભ બચ્ચન રજુ કરે છે તે જોયો હશે. શો મા કોમ્પ્યુટર દ્વારા એક સવાલ ભાગ લેનાર વ્યક્તિને પુછાય અને એના ચાર જવાબમાં થી જે જવાબ ખેલનાર આપે એ જવાબ કોમ્પ્યુટર પર આવે કે એ સાચો છે કે નહિ? ભારત ના દરેક પ્રાંતમા થી લોકો એમા ભાગ લેવા આવે. દરેકને કરોડપતિ બનવાની લાલસા હોય.
મેરઠથી આવેલો પ્રકાશ (નામ બદલ્યું છે) બહુ સારું રમતો હતો. પચીસ લાખ સુધી તો કોઈ સહાયતા લીધા વગર પહોંચી ગયો હતો. કરોડ રુપિયા જીતીને મા બાપને સરસ ગાડી ભેટ આપવા માંગતો હતો અને પોતે એક ફિલ્મ બનાવવા માંગતો હતો, એન્ટાર્ટિકા ફરવા જવા માંગતો હતો. આ બધા સપના સાકાર થઈ શકે એમ હતા કારણ આ વખતની સીરીઝ મા એ પહેલો વ્યક્તિ હતો જે કરોડ રૂપિયા જીતી ગયો.
આ રમતના નિયમ પ્રમાણે અમુક લાખ જીત્યા પછી વધારાનો એક સવાલ ઉમેરાય જે તમને પાંચ કરોડ જીતાડી શકે અને તમે એ સવાલના બે જવાબ આપી શકો, પણ એકવાર તમે જવાબ આપો અને એ ખોટો પડે તો તમે રમત છોડી ના શકો અને બીજો જવાબ પણ ખોટો પડે તો તમે સીધા નીચે ત્રણ લાખ વીસ હજાર પર પહોંચી જાવ.
પ્રકાશ એક કરોડ જીતી ગયો અને ચારે તરફ હરખનુ મોજું ફરી વળ્યું. મા બાપ જે ત્યાં હાજર હતા એમના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા અને હવે આવ્યો છેલ્લો સવાલ.
પાંચ કરોડનો એક સવાલ. અમિતાભ બચ્ચને ચેતવણી આપી કે સવાલનો જવાબ ન આવડતો હોય તો તુ એક કરોડ લઈને રમત છોડી શકે છે, મા બાપે પણ એ જ સલાહ આપી પણ ઘણીવાર લોભને કોઈ થોભ નથી હોતો અને સાહસ ખેડવાનુ મન થઈ જાય છે પણ બહુ જ બારીક ફરક હોય છે સાહસ અને દુઃસાહસ વચ્ચે. માણસ જો એ સીમા ને ઓળખી નાશકે તો મોંભેર પછડાય છે અને કળ વળતાં ક્યારેક જીંદગી પુરી થઈ જાય છે.
પ્રકાશનુ પણ એમ જ થયું બન્ને જવાબ ખોટા પડ્યા અને હાથમાં આવેલો કરોડ રૂપિયાનો કોળિયો ક્ષણમાં છીનવાઈ ગયો. સીધો એક કરોડ પરથી ત્રણ લાખ વીસ હજાર પર આવી ગયો. આખા સભાગ્રુહમાં સોપો પડી ગયો, અને અમિતાભ બોલી ઉઠ્યો કે “साहस करना अच्छी बात है मगर दुःसाहस करना गलत परिणाम ला सकता है”
એક પ્રકાશ જ નહિ પણ દુનિયા માં ઘણા લોકો એવા હોય છે જે દુઃસાહસ કરી બેસે છે અને પરિણામ આખું ઘર ભોગવે છે. ખોટો મોભો દેખાડવામા આવક કરતાં જાવક વધુ અને ખીસામાં પાઈ નહિ ને મંદિર મસ્જિદમાં હજારોનુ દાન. પરિણામ કોણ ભોગવશે એની ચિંતા નહિ.
પ્રકાશનો દાખલો લઈ લોકો વિચાર કરીને પગલું ભરે એવી જ પ્રાર્થના.
શૈલા મુન્શા. તા. ૧૧/૧૨/૧૦
November 4th 2010
નટખટ અને નાનકડી એમી ને તો આપ સહુ ઓળખો જ છો, એના વિશેના પ્રસંગો વાંચીને એક ચિત્ર જરૂર તમારા માનસ પટ પર અંકાઈ ગયું હશે.
એમી અમારા ક્લાસની બોસ છે. બધું એની મરજી પ્રમાણે જ થવું જોઈએ. હસમુખી અને રમતિયાળ એટલી કે આપણને પણ એ કહે તેમ કરવાનુ મન થાય. ગુલાબી રંગ એનો ખુબ માનીતો. કશું પણ રંગકામ કરવાનુ હોય એમી ને ગુલાબી કલર જ જોઈએ. અમેરિકામા લગભગ દરેક માસના જુદા તહેવારો હોય અને લોકો ગાંડાની જેમ એ ઉજવે. ઓક્ટોબર એ “હેલોવીન” તરીકે ઉજવાય અને “pumpkin” (કોળું આપણી ભાષામાં) નો ઉપયોગ જાતજાતની રીતે થાય.
કોળું તો કેસરી રંગનુ હોય પણ એમી માટે તો ગુલાબી જ.
આજે એવી જ રીતે બધા બાળકોને એક ચિત્ર રંગ પુરવા માટે આપ્યું.
એમીએ બહુ સરસ રંગ પુર્યાં અને વળી અમારી વાત માનીને કહ્યાં એ પ્રમાણે રંગ પુર્યાં. બાળકો જ્યારે સારૂં કામ કરે ત્યારે અમે એમના પેપર પર એક નાનકડો હસતો ચહેરો દોરી આપીએ. એ એમનો સિરપાવ. એમીના પેપર પર એવો જ હસતો ચહેરો મેં દોરી આપ્યો,પણ આ તો અમારા એમીબેન મને કહે “મીસ મુન્શા હું છોકરી છું માટે માથા પર વાળ પણ જોઈએ.” મેં પ્રયત્ન કર્યૉ પણ એ તો નારાજ થઈ ગઈ અને ભેંકડો તાણ્યો. મે થોડા સુધારા કર્યાં પણ કાંઈ જામ્યું નહી. છેવટે એક બીજા કાગળ પર જાતજાતના ચહેરા દોરીને બતાવ્યા, ત્યારે માંડ એક ચહેરો એને પસંદ આવ્યો અને એ મારે એના પેપર પર દોરી આપવો પડ્યો.
આટલી અમસ્તી છોકરીને પણ કેવી પોતાની પસંદગી હોય છે અને અમારી જમાદાર એમી પોતાની વાત મંજુર કરાવવામાં ઉસ્તાદ છે, પણ તોય મને એ ખુબ વહાલી છે.
તા.૧૧/૦૪/૨૦૧૦
November 2nd 2010
પાંચ વર્ષનો સેસાર બે વરસથી અમારા ક્લાસમાં છે. મેક્સીકન છોકરો. જેમ બીજા મેક્સીકન છોકરાઓ હોય એવો હસમુખો અને તંદુરસ્ત. ક્લાસના બધાની બહુ ખરખબર રાખે. આવ્યો ત્યારે બહુ બોલતો નહોતો પણ બે વર્ષમા ભાષાનો સારો વિકાસ થયો અને શીખવામાં સારી પ્રગતિ કરી એટલે આ વર્ષે એને નિયમિત બાળકો ના વર્ગમાં સવારે લગભગ ૮.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી મોકલીએ.
સેસાર ને “iron man movie” જોવી બહુ ગમે અને ઘરે લગભગ આખો દિવસ એ જ જોતો હશે એટલે ક્લાસમાં આપણે કોઇ બીજા બાળકને કાંઈ કહીએ કે સહેજ જોરથી બોલીએ તો જાણે આપણી સામે બાંયો ચડાવીને લડવા તૈયાર થઈ જાય, ને થોડીકવારમાં ભુલી ને વહાલ કરતો પાસે આવી ને કહે મીસ મુન્શા ” Happy face” એટલે કે હું ખુશ છું.
એને કોઈ પણ ક્લાસની બહાર જાય તો તરત સવાલ થાય ક્યાં જાય છે? હું કે મીસ મેરી જમવા જઈએ તો તરત પુછે ક્યાં જાવ છો?
આજે સવારે બહુ મજાની વાત થઈ. સેસાર સ્કુલ બસમા આવે છે. બસ સવારના લગભગ ૬.૩૦ ને ૬.૪૫ ની વચ્ચે એને લેવા જાય. આટલા નાના બાળકો માટે એ વહેલું ગણાય અને સેસાર તો બસ માં રોજ પાછો ઊંઘી જાય, એટલે જ્યારે સ્કુલ પાસે ઉતરે તો ઘણીવાર એની સ્કુલબેગ બસમાં રહી ગઈ હોય અને બસ ડ્રાઈવર તરત મને એ આપી દે. આજે પણ જ્યારે એ બસમાથી બહાર આવ્યો તો એની બેગ નહોતી એટલે મે પુછ્યું સેસાર તારી સ્કુલબેગ ક્યાં છે? તો પોતાની પીઠ બતાવી ને કહે અહિંયા તો નથી. એની એ ચતુરાઈ જોઇને મને ખુબ હસવું આવી ગયું, એની હાજર જવાબી પર. આવી નાનકડી વાતો દિવસ આનંદમય બનાવી દે.
શૈલા મુન્શા. તા.૧૧/૦૨/૧૦
October 28th 2010
ઓમોટાયો હજી સપ્ટેમ્બર ની ૨૪મી તારીખે તો ત્રણ વર્ષનો થયો અને એ જ દિવસથી સ્કુલમા આવવાનુ ચાલુ કર્યું. પ્રમાણમા અમેરિકાના બીજા ત્રણ વર્ષના બાળકો કરતાં ચપળ અને હોશિયાર, ફક્ત બોલતા બરાબર શીખ્યો નથી. જ્યારથી ક્લાસમા આવ્યો છે અમને બધાને દોડતા કરી દીધા છે.
આમ તો સ્કુલમા જે એને મળે એ બધાને ઓમોટાયો ખુબ આનંદી બાળક લાગે પણ જ્યારે અમને પુછે ત્યારે ખબર પડે કે આનંદી ની સાથે સાથે એ ભાઈ ખુબ ઉતપાતિયા છે. ખાવાનુ એને બધું ભાવે પણ હજી તો એનો નાસ્તો એને આપીએ ત્યાં સુધી મા તો આજુબાજુ વાળાના ખાવા ના નુ આવી બને. કાંઇક કોમ્પ્યુટરને જઈ ને અડપલાં કરી આવે, પેલો બ્રેન્ડન લાકડા ના બ્લોકમા થી ઘર બનાવતો હોય તો જઈને તોડી આવે.
ઓમોટાયો હજી ત્રણ વર્ષનો છે એટલે અડધા દિવસ માટે જ સ્કુલે આવે છે એને કશુ પણ કહેવાનો પ્રયત્ન કરીએ તો એટલો હસે કે શુ કરવું એ જ સમજાય નહી. ઓમોટાયો ના પિતા ઈથોપિયા થી છે અને મા આફ્રિકન અમેરિકન છે એટલે ઓમોટાયો મા સ્વાભાવિક એક લય અને નૃત્ય નો સંગમ છે. સવારે જ્યારે બાળગીતો ગવડાવીએ તો ઓમોટાયો એટલો સરસ તાલ પુરાવે કે તમે જોતા રહી જાવ.
મારી આ દુનિયા મા જાતજાત ના અને ભાતભાતના બાળકો સાથે કામ કરવાનુ મળે છે પણ એક વાત બધાને સરખી લાગુ પડે છે બધા ના મોં પર સવારના પહોરમા મને જોતાં જે આનંદ છલકે છે અને બસમાથી ઉતરતાં દોડીને જે રીત મને વળગે છે એ મારો બધો થાક ઉતારી દે છે અને જીવવાનુ નવુ બળ આપે છે.
શૈલા મુન્શા તા.૧૦/૨૯/૧૦
October 21st 2010
જેણે કોઈ એ પણ આ કહેવત પાડી હશે એણે ખુબ સમજી વિચારીને પાડી હશે. ખાસ કરીને અમેરિકા ને તો એ બહુ સારી રીતે લાગુ પડે છે. અહીં જે રીતે અન્ન, પાણી ખોરાક, અને કાગળો નો વેડફાટ થાય છે એવો બીજે ભાગ્યે જ થતો હશે.
હું અહીંયાની એક બહુ મોટી સ્કુલ ડીસ્ટ્રીક મા કામ કરૂં છું. શહેરની બધી શાળા નો વહીવટ એમને હસ્તક. જેમકે સ્કુલની બધી જરૂરિયાતો ત્યાંથી આવે. દરેક સ્કુલનો બાળકો માટેનો નાસ્તો જમવાનુ પુસ્તકો સ્કુલના ટેબલ ખુરશી વગેરે. આ દેશની પધ્ધતિ પ્રમાણે સ્કુલમા કોઈ બાળક ભુખ્યું ન રહે માટે બધાને સવારનો નાસ્તો મફત આપવાનો.
સવારના નાસ્તામા દુધ હોય, એકાદ ફળ હોય અને ઈંડાની આમલેટ કે સીરીયલ ને નાનુ બીસ્કીટનુ પેકેટ. આજે સવારે બાળકોને નાસ્તો આપ્યો ત્યારે બીસ્કીટ નુ પેકેટ નહોતું. અમે પણ ખાસ ધ્યાન આપ્યું નહિ પણ બાજુના ક્લાસની ટીચર જઈને બન્ને ક્લાસ માટે બીસ્કીટ ના પેકેટ લઈ આવી.
થોડીવારમા તો કાફેટેરીઆ ની નાસ્તો આપવાવાળી સ્ત્રી આવી. એને પુરૂં અંગ્રેજી આવડે નહિ, થોડું અંગ્રેજી થોડું સ્પેનીશ મા બોલવા માંડી (no fruta, no fruta, cookie) મતલબ કે ફળ અને બીસ્કીટ બન્ને આપવાના નથી. આજ સુધી તો બન્ને આપતા હતા અને ક્યારથી આ બદલાવ આવ્યો એની કાંઇ અમને ખબર નહોતી. નાના છોકરાંઓ કાંઇ આખું સફરજન ખાવાના ના હોય .એમને બીસ્કીટ વધારે ભાવે. અમે એને જ પુછ્યું કે “બોલ હવે શું કરીએ?” તો કહે સફરજન પાછા આપી દો. અમારે ડીસ્ટ્રીક મા હિસાબ મોકલવાનો હોય છે.
હું તો અચરજ પામી ગઈ. રોજ આ નાસ્તા ના નામે કેટલોય બગાડ થાય છે. ક્લાસ મા બધા છોકરાં કાંઈ નાસ્તો નથી કરતાં. પ્રાચીન કાળમા એમ કહેવાતું કે દુધની નદીઓ વહે એ દેશની સમૃધ્ધિની નિશાની છે પણ અહીંયા અમારી સ્કુલ મા તો રોજ દુધની નદીઓ વહે છે અને એ કાંઈ સમૃધ્ધિની નિશાની નથી કારણ છોકરાઓ કાંઈ બધુ દુધ પુરૂં પીએ નહિ અને બધું દુધ એમ જ પ્લાસ્ટીકની મોટી થલીમા ઠલવાય અને ક્લાસની બહાર એ થેલી મુકી રાખવા મા આવે જ્યારે કચરો ઉપાડવા માણસ આવે ત્યાં સુધીમા તો થેલી જે ક્યાંકથી ફાટી હોય એટલે દુધની ધારા વહેવા માંડે.એનો કાંઇ વાંધો નહિ પણ છોકરાંઓ ને એક વસ્તુ વધારે અપાઈ ગઈ અને પાછી ઉઘરાણી થઈ એનુ જ નામ ખાળે ડુચા ને દરવાજા ઉઘાડા.
શૈલા મુન્શા. તા.૧૦/૨૧/૨૦૧૦
October 18th 2010
ચાર વર્ષનો બ્રેનડન અમારા ક્લાસમાં નવો દાખલ થયો હતો. ગોરો ગોરો અને માથે બહુ ઓછા વાળ. મમ્મી અમેરિકન અને પપ્પા વિયેતનામી. એ બન્નેની છાપ એના ચહેરા પર દેખાતી. રંગ ગોરો પણ નાક ચીબું. જોતા જ વહાલ ઉભરાય એવો હતો અમારો બ્રેનડન.
મમ્મી પપ્પા બન્ને બહેરા અને મુંગા. બ્રેનડનથી મોટી ત્રણ બહેનો, બધી હોશિયાર અને સારી રીતે બોલી શકે અને સાંભળી શકે. બ્રેનડન પણ સાંભળી બરાબર શકે પણ વાચા પુરી ઊઘડી નહોતી. મુંગો નહોતો પણ બોલતો પણ નહોતો. સ્કુલમાં આવીને સ્પીચ થેરાપીસ્ટની મદદ અને અમારી મહેનતના પરિણામે ધીરે ધીરે થોડા અક્ષરો બોલવા માંડ્યો હતો. અમેરિકામાં દિવ્યાંગ બાળકોને ઘણી સગવડ મળતી હોય છે, સ્પીચ થેરાપીસ્ટ,ફીજીકલ થેરાપીસ્ટ, કાઉંસીલર વગેરે આ બાળકોને વિશેષ કેળવણી આપતા હોય છે.
એક વખત બ્રેનડન સ્કૂલમાં આવ્યો ત્યારે એને ઘણી શરદી હતી અને ત્યારે “લુ” શરદી, તાવના વાયરા ખૂબ હતા. ઋતુ બદલાય ત્યારે એ વધુ જોવા મળે, નાના બાળકો અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો એના જલ્દી શિકાર બને.
મને યાદ છે ત્યારે હું ઘણી ગભરાઈ ગઈ હતી. મને થયું કે જો કદાચ બ્રેનડનને તાવ ચઢે અને ઘરે ફોન કરીને મમ્મી-પપ્પાને જણાવવું પડે તો બહેરા મુંગા તેઓ વાત કેવી રીતે કરી શકે?
મારી આ ચિંતા મેં મીસ મેરીને જણાવી તો એણે તરત જ મને કહ્યું, “અરે! મીસ મુન્શા તું ચિંતા ના કર. એમના ફોનમાં એવી સગવડ હોય કે એમને આપણી વાત સમજાય”
મને તો કાંઈ સમજ નહોતી પડતી એટલે ત્યારે મીસ મેરીએ મને વિગતવાર સમજાવ્યું હતું કે આવી બહેરી મુંગી વ્યક્તિઓ માટે ખાસ જાતના ફોન હોય છે. ફોન સાથે નાનો ટીવી સ્ક્રીન કેમેરાવાળો જોડાયેલો હોય, અને આપણે જે આપણા ફોનમાં બોલીએ તે એ લોકોના સ્ક્રીન પર હાથની સંજ્ઞાના રૂપમાં આવે તેથી એ લોકો સમજી શકે, અને એ લોકો હાથની સંજ્ઞા રૂપે જે બોલે તે રૂપાંતર થઈને અવાજ રૂપે આપણને સંભળાય. હું તો એકદમ નવાઈ જ પામી ગઈ હતી. વૈજ્ઞાનિક રીતે અમેરિકા કેટલો વિકસિત દેશ છે એનો સાચો ખ્યાલ ત્યારે મને આવ્યો. મારા મનને ખુબ શાંતિ થઈ હતી અને ચિંતા પણ દુર થઈ ગઈ હતી કે બ્રેનડનના મમ્મી-પપ્પાને ગમે ત્યારે ફોન કરીને સંકટ સમયે બોલાવી શકાય.
બ્રેનડન આવ્યો ત્યારે જેટલો શાંત હતો, એને પણ સંગતની અસર થવા માંડી હતી. ડેનિયલ અને સેસાર જેવા મસ્તીખોર બાળકો સાથે રહી એ ભાઈ પણ પોતાનો રંગ બતાવવા માંડ્યા હતા. જે બ્રેનડન રમતના મેદાનમાંથી ક્લાસમાં જવા માટે અમારી એક બૂમે આવી જતો એ હવે લસરપટ્ટી પાછળ સંતાઈ જતો અને અમે એને શોધી કાઢીએ એટલે ખડખડાત હસી પડતો.
એક વાર તો ખૂબ મજા આવી. હું જમીને ક્લાસમાં આવી તો મીસ બર્ક મને ફરિયાદ કરવા માંડી કે બ્રેનડનના તોફાન વધતા જાય છે. મને નવાઈ લાગી કે બ્રેનડને એવું તે શું કર્યું? મીસ બર્કે કહ્યું કે “હું સ્માર્ટ બોર્ડ પર બાળકોને ગીત સંભળાવતી હતી અને અચાનક બ્રેનડનની ખુરશી ખાલી જોઈ મને ફાળ પડી કે દરવાજો તો બંધ છે તો એટલીવારમાં બ્રેનડન ક્યાં ગયો? ટેબલ પાસે જઈને જોયું તો ભાઈ ટેબલ નીચે ભરાઈને સંતાઈ જવાની મજા માણતા હતા!” મને હસવું આવી ગયું.
આજે નજર સામે આ બધા બાળકોના ચહેરા તરવરી ઊઠે છે. ત્રેવીસ વર્ષમાં આવા દિવ્યાંગ, નોખા અનોખા કેટકેટલા બાળકોનો પ્રેમ મને મળ્યો. કેવું નિર્દોષ હાસ્ય અને કેવું વહાલ!! આ બાળકો પાસેથી હું જે શીખી એ આજે મને મારા જીવનની કોઈપણ તકલીફને હસતા મોઢે સહન કરવાની, લડી લેવાની હિંમત આપે છે. જીવનમાં અનુભવો તો ઘણા થતાં હોય છે, પણ ખુમારીભર્યું જીવન જીવતાં શીખવું હોય તો દરેક વ્યક્તિએ થોડો સમય તો આ દિવ્યાંગ બાળકો સાથે ગાળવો જોઈએ.
આ દિવ્યાંગ બાળકો નભના ચમકતા તારલા છે જે હમેશ મંદ મંદ પણ હુંફાળો પ્રકાશ આપતા રહેતા હોય છે, ચંદ્રની જેમ કળા નથી કરતા. એમની નિર્દોષતા કાયમ રહે એ જ પ્રાર્થના સહિત વિરમું છું.
મારી આ સફરમાં સહુ વાચકોએ સસ્નેહ જે સાથ આપ્યો એ માટે હું સહુની આભારી છું.
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com
શૈલા મુન્શા તા.૧૦/૧૮/૧૦
October 1st 2010
એમી હવે ચાર વર્ષની થઈ અને લગભગ બારાખડી અને એકથી વીસ નંબર બોલતા શીખી ગઈ એટલે મીસ મેરીએ નક્કી કર્યું કે એમીને સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ બીજા ક્લાસમા મોકલવી જ્યાં pre-k(બાળ મંદિર) ના normal students સાથે રહીને એ વધુ હોશિયાર બને.
આ દેશમા તો બધુ નિયમાનુસાર થાય એટલે માબાપ, સાયકોલોજીસ્ટ, સ્કુલના પ્રિન્સિપાલ બધાની મીટિંગ થઈ અને સર્વાનુમતે એમીને મોકલવાનુ નક્કી થયું. અમારા ક્લાસમા તો માંડ નવ થીદસ બાળકો હોય, જ્યારે બીજા બધા ક્લાસમા તો વીસ થી પચીસ બાળકો હોય. પહેલે દિવસે એમીને કહ્યું ચાલ આપણે નવા ક્લાસમ જવાનુ છે તો બહેને તો પટ્ટ કરીને ના પાડી. મીસ મેરી કહે ઠીક છે કાલે મોકલશું. બીજા દિવસે પણ એ જ હાલ. ત્રીજા દિવસે એ ક્લાસના શિક્ષક ખુદ એમીને લેવા આવ્યા તો એશલી તરફ આંગળી ચીંધીને કહે આને લઈ જાવ. હું ને મેરી તો જોતા જ રહી ગયા એની ચબરાકી.
છેવટે એમી ની મમ્મી ને આવવું પડ્યું એમી સાથે બીજા ક્લાસમા બેસવા માટે. આમ એમી બેન જવા તૈયાર થયા.
શૈલા મુન્શા. તા.૧૦/૧/૧૦
June 25th 2010
વીસ મહિનાની દુર્ગા જન્મી અહીં અમેરિકામા પણ આઠ મહિનાની હતી અને એન્જીનિયર પપ્પાને એવો પ્રોજેક્ટ મળ્યો કે નોકરી અર્થે એક મહિનો આફ્રિકા રહેવાનુ ને એક મહિનો રજા પગાર સાથે.ના પાડવાનો સવાલ નહોતો, કારણ મંદીના સમયમા બીજી નોકરી જલ્દી મળે કે ના મળે. એવો નિર્ણય લેવાયો કે મનીષા બે દિકરીઓ સાથે અહી એકલી રહે એના કરતાં વરસ બે વરસ ભારત સાસુ- સસરા સાથે રહે અને બાળકો ને પણ દાદા,દાદી નો લાભ મળે.
પ્રફ્ફુલ એક મહિનો આફ્રિકા અને એક મહિનો ભારત એમ આવજા કરવા માંડ્યો. અહીં રહેલી મનીષા ઝાઝો સમય ભારત રહી ના શકી અને એમણે પાછા અમેરિકા આવવાનો નિર્ણય લીધો. ગયા અઠવાડિયે બધા પાછા આવ્યા અને ઘર વેચીને ગયા હતા એટલે બીજી સગવડ થાય ત્યાં સુધી, એરપોર્ટથી સીધા મારે ત્યાં જ આવ્યા.
દુર્ગા લગભગ વીસ મહિનાની થઈ ગઈ હતી. એટલી ચબરાક અને બોલકી થઈ ગઈ હતી. કશે અજાણ્યું ના લાગે અને બધા પાસે જાય. જે આપણે એને કહીએ એ પાછું બોલે. બધા એને પોપટ કહીને મસ્તી કરતા અને એને પણ ખુબ મજા આવતી. આપણે એને પુછીએ કે પોપટ કોણ છે તો કહે “દુગ્ગા’ કારણ હજી એને દુર્ગા બોલતા બરાબર ફાવતું નહોતું.
એની સાથે વાત કરતા બહુ ધ્યાન રાખવું પડતું, પણ ખુબ મજા આવતી.યશોદા જે કરે તે એને કરવા જોઈએ. મોટી બહેનનુ અનુકરણ કરતાં વાર ના લાગે.
થોડા દિવસ મારી સાથે રહી પણ પોપટ ની કાલી બોલી હજી પણ યાદ આવે છે.
તા. ૦૬/૨૫/૨૦૧૦