March 29th 2010

ઊજાણી

ઊજાણી ભાઈ ઊજાણી
મોજમજા ને મસ્તીની ઊજાણી

હરિયાળા ઉપવનમા ફરવાની ઊજાણી
ને લહેજતદાર ખાનપાનની ઊજાણી

અંતકડી ને ખોખોની ઊજાણી
ને મધુર ગીતોના ગુંજારવની ઊજાણી

ગરમાગરમ ચા ને ફાફડાની ઊજાણી
ભાઇ ટોળટીખળ ને ગપ્પાની ઊજાણી

લહેરાતી વસંતના વધામણાની ઊજાણી
ને જતી પાનખરના વિદાયની ઊજાણી

દીપભાઈ ના છોલેપૂરીની ઊજાણી
ને બહેનોને આરામની ઊજાણી

મિત્રો ની સંગત વિણ ફિક્કી ઊજાણી
હોય જો સાથ મિત્રોનો બસ રંગત ઊજાણી

ઊજાણી ભાઈ ઊજાણી
મોજમજા ને મસ્તીની ઊજાણી.

શૈલા મુન્શા તા.૦૩/૨૮/૨૦૧૦

February 15th 2010

પરદેશી કાવ્ય

પરદેશી તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી.
વરસતી આ વરસાદી સાંજે,
વાટ જોઉં હું તારી.
ઊગતા સૂરજની સાખે,
વાટ જોઉં હું તારી.

નિસર્યો મથુરાને પંથ,
ન જોયું પાછું ફરીને એકવાર.
કાના તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી.

કર્યો ઉધ્ધાર મથુરાજનનો,
કરીને વધ કંસ કેરો
છાયો ઉલ્લાસ સર્વ જનમાં,

ધાયો તું પૂરવા ચીર,
બસ એક પુકારે દ્રૌપદીના.
બન્યો સારથિ અર્જુન કેરો,
કર્યો જયજયકાર ધર્મ કેરો.

સહુની ભાંગતા ભીડ,
ભુલી ગયો તું જુએ કોઈ તારી વાટ;
ગોકુળને ગામ.
સુણ્યા સહુ સાદ,
ના સુણાયો એક આર્તનાદ.

કાના તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી
પરદેશી તું આવે કે ના આવે.
વાટ જોઉં હું સદા તારી!
(એક ગોપી નો સાદ)

શબ્દ સ્પર્ધામાં પરદેશી શબ્દ પર ત્વરિત રચાયેલી બે પંક્તિનું મુખડું કાવ્ય રૂપે સર્જાયું.
શૈલા મુન્શા.
www.smunsghaw.wordpress.com

November 9th 2009

આભાર

હૈયાની ઉદાસી મહીં પણ,
હોય જો સાથ સ્વજન કેરો,
જગતનિયંતા એથી વધુ ન હોય,
આભાર તુજ કૃપા તણો.

મિંચાતી આંખલડી રાત્રિના અંધકાર મહીં,
ને રવિ કિરણો સંગ ખુલતી સ્વસ્થ તનમને,
એથી વધુ ન હોય જગતનિયંતા,
આભાર તુજ કૃપા તણો.

વૃક્ષ ઝુકાવી ડાળ આપે ફળ સહુને મધુરા,
વહેતો સમીર ભરતો તાજગી રોમેરોમ;
વહેતી નદી ન બાંધે કોઈ પાળ
સહુને પ્યાસ બુઝાવવાનો સમાન અધિકાર.

કુદરત કેરા શબ્દકોશમાં
બસ આપ આપ ને આપ;
ન કોઈ આશ ન કોઈ અપેક્ષા.

ન જાણે એક માનવી અટવાય
વ્યર્થ શબ્દ કેરી માયાજાળમાં,
ફક્ત બોલવાથી આભાર, નવ કોઈ અર્થ સરે.
નીકળે હૈયાના ઉંડાણથીને વર્તને,
એજ સાચો આભાર.

શૈલા મુન્શા તા.૧૧/૦૮/૨૦૦૯

November 9th 2009

દિવાળી

દિલમાં હોય ઉમંગ તો હમેશ દિવાળી,
હોય કાજળ કાળી રાત અમાસની
તોય દિવાળી

દીવડે દીવડે ઝગમગ દિવાળી
હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી
આંગણું અજવાળે નવલા રંગે
રંગોળીની ભાત દિવાળી

બાળુડા હરખાય ઝાલી ફુલઝારી
આતશબાજીનો ધમકાર દિવાળી

પકવાનોની સોડમ દિવાળી
ગૃહીણી ના હૈયે આનંદ દિવાળી
મહેમાનોનુ સ્વાગત દિવાળી
નવા વર્ષની શુભકામના દિવાળી

બસ આશ સૌ હૈયે એટલી
નવું વરસ લાવે સુખશાંતિ દિવાળી.

શૈલા મુન્શા તા.૧૧/૦૮/૨૦૦૯

July 20th 2009

મેહુલિયો

ગોરંભાતું ગગન ગાજતું ને,
સનસન વીજ સબાકા.
ઘનઘોર વાદળની ગર્જન
જાણે ધ્રબુકતાં ઢોલ નગારા

ઝીંકાતો મેહુલિયો સાંબેલાધાર
કરતો ધરા ને ગગન એકાકાર
પાણીની રેલમછેર ચારેકોર ને
છબછબિયાં કરતા નંદકિશોર

વિમાસે ગોરી નીરખીને હેલી
થાય અધીરા નયન, મળવાને ઘેલી.
કેમ થાશે પૂરા ઓરતા,
ક્યારે મળશે પ્રીતમ અનેરા?

સાગરની ભરતી ઉભરાય એના હૈયે
ઘેરાયો ઉન્માદ એના અંગેઅંગે.

હૈયાના ઉમટ્યા પુર તોડીને કાંઠા બેફામ
આશ હ્રદયે, ભેટશે સુકાની થામીને તોફાન
લઈ હલેસાં હાથમાં કરશું જીવનનૈયા પાર
થઈ પ્રેમસમાધિમાં મગન છેડશું રાગ મલ્હાર.

શૈલા મુન્શા તા.૭/૧૮/૨૦૦૯

July 10th 2009

દરિયો

દરિયો તો દરિયો જ છે,
હોય ભલેને ગેલવેસ્ટનનો આરો કે,
પછી મરીન ડ્રાઈવનો કિનારો.

ઊભી’તી ઝબોળી પગ પાણીમાં ઉછળતાં મોજામાં

હતી રળિયામણી સંધ્યા ક્ષિતિજે ડુબતાં સૂરજ સંગે
પુરવની કોર ઉગતો ચંદ્ર શોભાવતો ગગન રૂપેરી રંગે

દરિયો એ હુસ્ટન ગેલવેસ્ટનનો
ને દિવસ ઉનાળા ના લાંબા
બચવા અસહ્ય ગરમીથી
કરતાં છબછબિયાં સહુ પાણીમા.

યાદ અપાવે એ દરિયાની પાળી
મુજને મરીનડ્રાઈવની પાળી,
વિતાવી કંઈ કેટલીય સાંજ
જ્યાં સપનો ની મહેલાત રચી.

નહોતી કલ્પના હોઈશ દરિયાની પેલેપાર કદી,
બસ હૈયે ખુશી એટલી જ
સાથ હતો પ્રીતમનો ત્યારે પણ
ને સાથ છે પ્રીતમનો આજે પણ.

તાજેતરમા ગેલવેસ્ટન ના દરિયા કિનારે ગાળેલી
સાંજ સમયે સ્ફુરેલું કાવ્ય.

શૈલા મુન્શા- ૭/૫/૨૦૦૯

July 6th 2009

રેતનુ ઘર

રેતનુ ઘર ટકે તો કેટલું ટકે
ને લાગણી વિનાના સંબંધ
ટકે તો કેટલા ટકે?

સીંચ્યુ પાણી કર્યું મજબુત
બસ એક દરિયાનુ મોજું
ને જમીનદોસ્ત એ ઘર.

કેટલા અરમાન ને કેટલી આશ
બાળુડાની એ દુનિયા
થઈ પળમા નાશ.

જીંદગી પણ બસ એમજ
રેતના ઘર સમી

સીંચીને હૈયાનુ અમૃત
કર્યું મજબુત ઉપવન
પડ્યો દુકાળ લાગણીનો ને
પળમા થયું નષ્ટ ઉપવન

શીદ બાંધવા ઘર રેતના
ને શીદ રાખવી આશ
નિજની જિંદગી જીવવાનો
સહુને અધિકાર.

શૈલા મુન્શા તા.૭/૬/૨૦૦૯

July 5th 2009

પંકજ મલ્લિક

મહેક રહી ફુલવારી હમરી, મહેક રહી ફુલવારી
ઝુમ રહી હૈ ડારી ડારી{૨}
મહેક રહી……..

કૈસી કૈસી ચલી હવાએ{૨}
ફુલ ઔર ફલ બિખરાએ
મન આશા કા પેડ સુખાયા
દુઃખ પ દુઃખ પહોંચાયે

મેરા બનતા કામ ન બિગડા,{૨}
મૌત ભી થકકે હારી
મહેક રહી……..

સુખ કે બાદલ ફિર ઘીર આયે,
બિગડા કામ બનાયા,
જીવન જલમે બરસ બરસ કે
નયા સમા પલટાયા.

ફિરસે મહેકી ફિરસે લહેકી{૨}
સુખી હુઈ હર ક્યારી
મહેક રહી ફુલવારી હમરી, મહેક રહી ફુલવારી.

સંગીતકાર અને ગાયક શ્રી પંકજ મલ્લિક નુ આ ગીત
મારા પિતા નુ પ્રિય ગીત હતુ જે મને પણ પ્રિય છે અને
નિરાશા માંથી આશા અને પ્રભુ પર શ્રદ્ધા ની વાત છે.

ફાધર ડે ના દિવસે પિતા ની યાદમા જે સદૈવ મારી અનુભુતિ મા છે.
૬/૨૦/૨૦૦૯
શૈલા મુન્શા.

May 6th 2009

પંખીનો માળો

થઈ જીંદગીની શરૂઆત યૌવને
વસાવ્યો સંસાર યૌવને.
બન્યું જીવન મધુરૂં,
બાળકોના આગમને.

ન રહ્યું સાનભાન સમય કેરૂં
પહોંચ્યા બાળુડા યૌવનને પગથારે.

જીવનની એ ઘટમાળ મહી
જોયા રંગ અવનવા
કદી ચડતી કદી પડતી, પણ વહેતી રહી જીંદગી
એકબીજાના સથવારે.

પાંખો આવી ઊડી ગયા પંખી
ગોઠવાયા નિજ માળામાં
વહેતી રહે જીવનનૌયા એમની સદા
સુખ શાંતિના વહેણમાં.

જીવનસાથી, સાથ આપણો એકબીજાને
આધાર આપણો એકબીજાને
બસ જીવી લઈએ આ જીંદગાની
એકબીજાના સથવારે.

શૌલા મુન્શા તા.૫/૯/૨૦૦૯
વૌશાખ સુદ પુનમ. (૩૬મી લગ્ન જયંતી નિમિત્તે પ્રશાંતને અર્પણ)

March 16th 2009

વસંત

વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ
ભૂલી ને ભાનસાન હું તો વહેતી રહી
એ વાયરાની સંગ સંગ.

ફોર્યો ફાગણને ફોર્યો ઓલો કેસૂડો
ને છંટાયો ગુલાલ મારે અંગ
છંટાણી લાલિમા એ રંગોની ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો રમતી રહી
એ રંગોની સંગ સંગ.

રૂખા એ વૃક્ષો બન્યા સજીવન,
ને મહેકી ઉઠ્યા ફૂલડાં વન ઉપવન
ફેલાણી એની મહેક ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો મહેકી રહી
એ ફૂલોની સંગ સંગ

ટહુકો મધુરો ગુંજતો કોયલનો
જાણે રેલાયા બંસીના સૂર
સૂરોને તાલ ખેલંતો કાનૂડો ફાગ
ને ભૂલીને ભાનસાન હું તો રંગાતી રહી
એ કાનૂડાની સંગ સંગ

વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ.

શૈલા મુન્શા. ૩/૧૫/૨૦૦૯.

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.