April 14th 2011

વિવિયન સ્ટોન

૭૫ વર્ષની વિવિયન સ્ટોન મારી સાથે સ્કુલમા કામ કરે છે. વર્ષો પહેલાં પતિથી છૂટાછેડા લીધા અને એક દિકરો ને બે દિકરીને એકલે હાથે ભણાવી મોટા કર્યા. ત્રણે સંતાનો પોતાનો જીવનસાથી શોધી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા.
વિવિયન સ્વભાવે હસમુખી સેવાભાવી પણ ખરી. કોઈને પણ મદદ કરવા તત્પર. સ્કુલમાં બધાની વર્ષગાંઠ યાદ રાખીને કાર્ડ આપે અને નાની ભેટ પણ આપે. બાળકો ને ખુબ પ્રેમ કરે. સવારે દરવાજે ઊભી રહી Good morning કહી બધાને આવકારે, વહાલથી બાથમાં લે અને સામે એટલા જ પ્રેમની અપેક્ષા પણ રાખે.
શરૂઆતમાં જ્યારે હું નવી હતી ત્યારે મને હમેશ નવાઈ લાગે કે આટલી હેતાળ અને લાગણીશીલ વિવિયન બધાની અળખામણી કેમ? પણ ધીરે ધીરે મને સમજાયું કે વિવિયનને બધાની વાતોમાં માથું મારવાની ખરાબ ટેવ. અંગત સવાલો પુછતાં પણ એને વાર ન લાગે. કોઈનો પહેરવેશ બરાબર ના હોય તો મોઢાપર કહી દે,કોઈ નવું સ્કુલમા આવ્યું હોય તો પહેલે દિવસે જ બધા સવાલ પુછી લે. ઘરમાં કેટલા જણ છે, કોણ શું કરે છે પરણી નથી તો કેમ પરણી નથી વગેરે વગેરે. એને કોમ્પ્યુટરનો જરાય મહાવરો નહિ એટલે ઘણીવાર સ્કુલની અગત્યની ઈમૈલ ની જાણ તરત ના થાય તો ઉપરથી બીજાનો ઉધડો લે કે મને કેમ જણાવ્યું નહિ, એટલે લોકો બને એટલા એનાથી દુર રહેવાનો પ્રયત્ન કરે.
મને ઘણીવાર થાય કે વિવિયન આમ શા માટે કરે છે? મારી સાથે એને સારું ફાવે. મારૂં ઘર એના રસ્તામાં આવે એટલે સ્કુલથી ઘરે જતી વખતે મને એની ગાડીમાં સાથે લઈ જાય અને મારા ઘરના દરવાજે ઉતારે. કોઈવાર મારી પાસે દિલ ખોલીને વાત કરે.
એકલતા માણસને કેવી કોરી ખાય છે એ મને એની પાસે જાણવા મળ્યું. વિવિયન મને કહે “તને મનમાં થાય છે ને કે હું આટલું બધું કેમ બોલું છું, પણ ઘરે જઈશ પછી બસ ચાર દિવાલો અને હું. બાળકો એ ફોન કરવાના વારા બાંધ્યા છે. ત્રણે જણ અઠવાડિયામાં એકવાર ફોન કરે, બાકી હું ભલી ને મારી ચોપડી ભલી”. એકલી છું એટલે રાંધવાની લપ પણ નથી કરતી. ઘરે જતાં કાંઈક લેતી જઉં અથવા ત્યાં જ ખાઈ લઊં. ઘરે જઈને શાવર લઈને મારી સ્ટોરી બુક લઈને બહાર સોફામાં વાંચતાં વાંચતાં જ ઘણીવાર તો ઊંઘી જાઉં. બસ એટલે જ કદાચ સ્કુલમાં બધા સાથે વાતો કરવાનુ મન થઈ જાય છે. જાણુ છું કે હું વધારે પડતી પંચાત કરૂં છું પણ શું કરૂં. એકલતા નો અજંપો કેવો છે એનો મને ત્યારે ખ્યાલ આવ્યો.
એટલા માટે જ બાળપણ અને ઘડપણ ને એક જેવું કહ્યું છે. ફરક એટલો જ છે કે બાળપણ મા તમે જે કરો છો એની અસર તમારા રોજીંદા જીવન પર નથી પડતી, પણ ઘડપણ મા તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો છતાં એમાં થી બહાર નથી નીકળી શકતા ઉલ્ટાના ભુતકાળને વાગોળી વધારે દુઃખી થાવ છો. આ દેશમાં કદાચ એકલતા નો ભાર સહેવો વધુ અઘરો બનતો હશે પણ હવે તો કદાચ બધે જ સરખું છે. બે પેઢી વચ્ચે નુ અંતર પહેલાં નહોતું એટલું અત્યારે વધી ગયું છે, પણ એમાથી રસ્તો કાઢવો પણ આપણા જ હાથમાં છે.
બે પેઢી વચ્ચે સંતુલન રાખવું અઘરૂં જ છે પણ જો એ રાખતા આવડી જાય અને હમેશ અપેક્ષા પણ ઓછી રાખતાં આવડી જાય તો જીવન એટલું અસહ્ય ન બની જાય.
ઘડપણ આવતાં પહેલાં જો એને આવકારવાની તૈયારી કરીએ તો જીવન સરળ અને સુમધુર બની જાય.

શૈલા મુન્શા. તા. ૦૪/૧૪/૨૦૧૧.

July 9th 2010

આ અમારૂં ઘર છે

પાંસઠ વર્ષની સવિતા. જીવનભર બીજાની માન્યતા અને બીજાના વિચારોના આધારે જીવતી રહી. આપણા સમાજની એ ખાસિયત, અરે! આપણા સમાજની નહિ બધાની જ એ ખાસિયત, સલાહ આપવી બધાને જ બહુ ગમે પણ લેવી બહુ અઘરી પડે. નાનપણ મા માબાપની સલાહને અનુસરી, પરણ્યા પછી પતિની સલાહને અનુસરી અને બાળકો મોટા થયા તો એમની મરજી મુજબ જીવવાનો પ્રયત્ન કર્યો. દુનિયાની નજરે સવિતા બહુ સુખી દેખાતી પણ ખુદને ક્યાંક કશું ખૂટતું લાગતું.
સવિતા જોઇ શકતી કે દુનિયા બહુ ઝડપે બદલાઈ રહી છે. આજના બાળકો કોમ્પુટરની એક ક્લીકે જગતના કોઇ પણ સમાચાર વાંચી શકે છે, ઘરોઘર ટીવીએ દુનિયા એમની મુઠ્ઠીમા લાવી દીધી છે. દેશ-વિદેશની મુસાફરી સામાન્ય વાત થઈ ગઈ છે. બાળકો મા હરિફાઇ અને માનસિક તણાવ વધી ગયો છે અને આજની છોકરીઓ પણ પોતાની પસંદગી મુજબ પરણવાનુ અને જીવવાનુ પસંદ કરે છે.
સવિતા એ કોઇ દિવસ મહેશને પૂછ્યું નહિ કે તુ કેટલું કમાય છે અને મહેશે પણ ક્યારેય જણાવાની તસ્દિ ના લીધી પણ રોનકની પત્નિ બરાબર જાણે કે રોનક શું કમાય છે, પોતાની આવક શું છે અને પોતે કેટલા પૈસા ઘરખર્ચમા આપશે અને કેટલા બચાવશે. સવિતા એ વાતે રાજી હતી કે પોતે જે ન કરી શકી એ રીમા(રોનકની પત્નિ) કરી શકે છે.
રોનક અને રીમા ઘણા સમજુ અને લાગણીશીલ છે, રોનકને માબાપના સંસ્કારો નો વારસો મળ્યો છે અને રીમા પણ ખુબ સંસ્કારી માબાપની દિકરી છે, બન્ને ખુબ ભણેલા અને પોતપોતાના ક્ષેત્રમા ખુબ સારી પદવિ પર છે. એમને જો કશાનો અભાવ હોય તો એ સમયનો છે. મહેશની કાયમ એ ફરિયાદ કે છોકરાઓને માબાપની પડી નથી પણ સવિતા સમજે કે એવું કાંઇ નથી. આવા નાના મોટા રોજના બનાવૉ ઘરમા ઘણી વાર કજીયાનુ કારણ બને.
ધીરે ધીરે સવિતાને લાગવા માંડ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. હું પાંસઠે પહોંચી અને મહેશ પણ સડસઠ પાર કરશે. આ ઘર જેટલું મહેશનુ છે એટલું મારૂં પણ છે અને મહેશ મને ખુબ પ્રેમ કરે છે એની મને ખબર છે. આજે નહિ ને કાલે અમારા બે મા થી એક પહેલા આ દુનિયા છોડી જશે અને બીજા એ એકલા બાકીની સફર પૂરી કરવાની છે. રોનક રીના ધ્યાન નહિ રાખે એવું નથી પણ શા માટે આપણે નજીવા કારણોસર દુરી ઊભી કરીએ. મહેશ બહારથી ભલે ગમે તેટલો સખત દેખાતો હોય અથવા એનુ ધાર્યું ન થાય તો બહુ જલ્દી ગુસ્સે થઈ જતો હોય પણ આટલા વર્ષો ના સહવાસે સવિતા સારી રીતે જાણતી હતી કે મહેશ અતિશય લાગણીશીલ છે જ્યારે સવિતા લાગણીશીલ હોવાં છતાં વાસ્તવિક રીતે વિચારી શકતી.
મારે કોઈ ઘર નથી એમ વિચારવાને બદલે આ મારૂં ઘર છે અને મારે ને મહેશે બાકીના દિવસો વધુ પ્રેમ અને સરસ રીતે જીવવાના છે સમજીને સવિતા મહેશને વાતો વાતોમા જીવન પ્રત્યેનો અભિગમ બદલવાનો, બાળકો પ્રત્યેનો અભિગમ બદલવાનો સુઝાવ કરતી.
એવામા કોઇ કવિની કવિતા “છેલ્લે તો આપણે બે જ હોઇશું” સવિતાના વાંચવામા આવી અને એને જાણે પહેલી વાર એવું લાગ્યું કે કોઇ એના દિલની વાત કરી ગયું.થોડી પંક્તિ અહિં રજુ કરવાનો લોભ સવિતા રોકી ના શકી.
“ભલે ઝ્ગડીએ ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઇશું.
હું રીસાઇશ તો તું મનાવજે, તું રીસાઇશ તો હું મનાવીશ
એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઇશું.
સાથ જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે
ત્યારે એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઇશું.
સવિતા અને મહેશ મનોમન એ કવિનો આભાર માની રહ્યાં જેણે પોતાની કવિતા દ્વારા એક સમજણ આપી કે પતિ-પત્નિ બન્ને સમાન છે ને અંતે તો એજ એકબીજાના પૂરક છે.
” આ ઘર અમારૂં છે.”
(ખરા દિલથી આભાર ઉષાનો જેણે મને વાર્તા આગળ વધારવાનો અને પતિ પત્નિ એક્બબીજાને સમજે એ પરિણામ લાવવાનુ સૂચન કર્યું)

શૈલા મુન્શા. તા. ૦૭/૦૯/૨૦૧૦

July 7th 2010

મારે કોઈ ઘર નથી

સવિતા પાંસઠ વર્ષની વયે પહોંચવા આવી. મધ્યમવર્ગી માબાપને ત્યાં જન્મ અને બાળપણની બસ એટલી યાદ કે પપ્પાની ખુબ લાડકી અને સામાન્ય જરૂરિયાત પુરી કરવામા માબાપે કોઈ કચાશ રાખી નહોતી. દિકરી હોવા છતાં ભણવા માટે પુરતું પ્રોત્સાહન આપી જીવનમા પગભર થતાં શિખવ્યું.
સંસ્કારી માબાપનુ સંતાન અને ખાસ તો દિકરી હોવાના નાતે નાનપણથી માએ દિકરી તો પરકા ઘરની થાપણ સમજી ખુબ જતન અને ચીવટ થી ઘરના સંસ્કારો નુ જ્ઞાન આપ્યું હતું. સવિતા બાળપણ વિતાવી મુગ્ધાવસ્થા ને પગથિયે પહોંચી અને પપ્પાના નિયમો થોડા કડક થવા માંડ્યા. રાતે મોડે સુધી બહાર નહિ ફરવાનુ, યુવાન છોકરાઓ સાથે એકલા કશે નહિ જવાનુ વગેરે વગેરે.
સવિતાથી બે વર્ષ નાનો ભાઈ હતો પણ એને કોઈ રોકટોક નહોતી. સવિતા મનમા મુંઝાતી મનોમન ગુસ્સે પણ થાતી પણ ઘરના સંસ્કારોએ હમેશ એને સામે દલીલ કરતા રોકી, છતાં હૈયા ના ઊંડાણમા અણજાણપણે એક બીજ રોપાયું જેની સવિતાને જાણ પણ ન હતી.( મારે મારી મરજી મુજબ કાંઈ નહિ કરવાનુ)
યુવાન અને સુંદર સવિતા માટે મુરતિયાઓની લાઈન લાગી અને માબાપે સારું ઘર અને ભણેલો છોકરો જોઇ મહેશ સાથે સવિતાના લગ્ન કરાવી આપ્યા. સવિતાના દિવસો મોજમજા અને આનંદથી પસાર થવા માંડ્યા. કુટુંબનો વિસ્તાર વધ્યો અને સરસ મજાના બે બાળકો અમી અને રોનક થી ઘર ભર્યું ભર્યું થઈ ગયું.
સવિતાની લાખ ઈચ્છા છતાં ઘણી બાબતોમા એ પતિની ઉપરવટ જઈ પોતનો સ્વતંત્ર નિર્ણય લઈ શકતી નહિ. પોતે ભણેલી હોવા છતાં બધો નાણાકિય વહેવાર પતિને હસ્તક અને સવિતાએ પણ એમા કદી માથુ માર્યું નહિ.સામાજિક વહેવાર એ સાચવી લેતી પણ કદી એણે જો કાંઈ સ્વતંત્ર નિર્ણય લીધો તો અચૂક બોલચાલ થતી અને ઝગડો આગળ ન વધે એટલે સવિતા ચૂપ થઈ જતી.
બાળકો મોટા થયા અને જમાનો પણ બદલાયો. માબાપની પસંદગી ને બદલે બાળકો પોતાના જીવનસાથી જાતે શોધતા થઈ ગયા. દરેક ઘરની એ કહાણી થઈ ગઈ તો પછી રોનક પણ શા માટે બાકાત રહે. નોકરી ધંધાની સીમા ફક્ત પોતાના શહેર પુરતી મર્યાદિત ન રહેતા આંતરરાષ્ટ્રિય થઈ ગઈ. લગભગ બધાના જ ઘરમાથી બાળકો દેશ-પરદેશ કમાવા માટે જવા માંડ્યા. પતિ પત્નિ બન્ને નોકરી કરે એવો વખત આવી ગયો. એમને પોતા માટે પૂરતો વખત ન રહે ત્યાં વહેવાર સાચવવાનો વખત ક્યાં મળે. સવિતા ઇચ્છે કે રોનક જ્યાં સુધી આપણા માટે પ્રેમ અને લાગણી રાખે છે ત્યાં સુધી બસ છે પણ મહેશ ઇચ્છે કે રોનક બધું એના કહ્યા પ્રમાણે કરે અને ઘરમા મહાભારત મંડાય. સવિતાને કાયમ મનમા ભીતિ રહે કે બાપ દિકરા વચ્ચેના વિચારભેદમા દિકરો આપણાથી દૂર થતો જશે પણ એ મહેશને સમજાવી ના શકે.મહેશને મન રોનક હજી પણ નાનો જ અને એને દરેક વાતમા સલાહની જરૂર, પણ આજની પેઢી કદાચ વધુ વાસ્તવિક રીતે વિચારતી હોઈ શકે.વિદેશ કે દેશ એકલા રહી ભણ્યા ઘણા નિર્ણયો જાતે લીધા અને આપણે જેમ આપણા અનુભવે શીખ્યા તેમ એમને પણ અનુભવે શીખવા દેવા અને એમને જરૂર હોય તો ચોક્કસ સલાહ આપવી, નહિ તો દૂરી વધતી જશે પણ ત્યાં જ સવિતા પાછળ પડતી એ કોઈને કહી શકતી નહિ અને મનમા ને મનમા હિજરાતી કે ખરે જ શું મારે કોઇ ઘર નથી?
સવિતા કદાચ મુગ્ધાવસ્થા એ અણજાણ પણે હૈયા મા જે બીજ વિકસાવી રહી હતી તે આજે વટવૃક્ષ બની ને એને સંતાપી રહ્યું ને એને લાગી રહ્યું કે “મારે કોઈ ઘર નથી” ઍકલી સવિતા જ શા માટે? કદાચ આ ઘણી સ્ત્રીઓ ની મનોવેદના હશે બધું હોવા છતાં આ ભાવના એમના હૈયાને સંતાપી રહી હશે.”મારે કોઈ ઘર નથી”

શૈલા મુન્શા. તા ૦૭/૦૭/૨૦૧૦

May 19th 2010

સ્વભાવ

કહેવાય છે ને કે વહેમનુ કોઈ ઓસડ નહિ ને સ્વભાવની કોઈ દવા નહિ. કોઈનો પણ સ્વભાવ બદલવો મુશ્કેલ જ નહિ પણ અસંભવ જ લાગે. માણસ અભણ હોય કે ભણેલો, સ્ત્રી હોય કે પુરૂષ, જવાન હોય કે વૃધ્ધ બધાને આ નિયમ સરખો લાગુ પડે.
એંસી વર્ષના કનક બહેન ખુબ ભલા ને માયાળુ. જાત સારી હતી ત્યાં સુધી તો તો બહોળા કુટુંબની બધી જવાબદારી હસતા હસતા ઉપાડી લીધેલી. ઘરનો બધો વહીવટ એમના હસ્તક. ગામમા મોભાદાર ઘર અને વળી મોટો વેપાર રોજગાર એટલે અતિથીની વણઝાર કાયમ ચાલુ પણ કોઈ પરોણો એમના ઘેરથી ભુખ્યો ન જાય. મહેમાનો ની અવરજવર વચ્ચે ઘરની દરેક વ્યક્તિની જરૂરિયાતો નો પણ એટલોજ ખ્યાલ રાખે. પોતે માંડ બે ચોપડી ભણેલા પણ બાળકોને ભણાવી ગણાવી જીવનમા ઠરીઠામ કર્યા.
ખાનદાન ઘરની દિકરીઓ વહુ તરીકે આવી ને કનક બેનને તો લીલાલહેર થઈ ગયા. ધીરેધીરે ઘડપણની અસર દેખાવા માંડી. જુવાની મા થતા એટલા કામ હવે ન થતા અને જમાનો પણ બદલાયો, જાતમહેનત ને બદલે મશીનોનો જમાનો આવી ગયો. કનક બહેને ઘર અને રસોડા સિવાય બહારની દુનિયા જોઈ ન હતી પણ હવે મોંઘવારી સામે બાથ ભીડવા ઘરની વહુને પણ નોકરી કરવી પડતી. અમેરિકા જેવા દેશમા કોઈ નોકર ચાકર ન મળે બધું કામ જાતેજ કરવું પડે છતાં વહુ સાસુ સસરાનો પુરતો ખ્યાલ રાખતી. આ જમાના મા પણ હમેશ ગરમ રસોઈ જમાડતી.
કનક બહેન પોતે જુવાન હતા ત્યારે બધાની સગવડ સાચવવામા એમના ભાગે ક્યારેય ગરમ રસોઈ જમવાનો વારો નહોતો આવ્યો પણ વહુ હમેશ કહેતી કે “બા તમે આખ્ખી જિંદગી ઘણુ કામ કર્યું હવે શાંતિથી પગ વાળીને બેસો અને ભગવાનનુ નામ લો અને અમને સેવા કરવાનો મોકો આપો.”
માનવીના સ્વભાવની વાત હવે આવેછે. આમતો દિવસો સરસ પસાર થતા હતા પણ એવામા સસરા બિમાર પડ્યા અને માંદગીએ ગંભીર સ્વરૂપ લીધું. ડોક્ટરે બધાને બોલાવી લેવાનુ કહ્યું, બધા ભઈઓ અને એમની પત્નિ હાજર થઈ ગયા. ઘરમા સવાર સાંજ પંદર વીસ જણની રસોઈ થાય. પ્રભુની દયા તે સસરાની તબિયત સુધરવા માંડી અને બધાના જીવ હેઠા બેઠા. સાંજના બધા જમવા બેઠા હતા. ગરમ ઢેબરા ઉતરતા હતા અને બધાજમતા હતા. કનક બહેન પણ જમવાના ટેબલ પર આવ્યા. આટલી ધમાલ મા વહુએ ભુલમા તવા પરથી ઉતરતું ઢેબરૂં આપવાને બદલે ડબ્બામા મુકેલુ ઢેબરૂં કનક બહેનની થાળીમા મુક્યું અને કનક બહેન બોલી ઉઠ્યા “બળ્યું આવું ઠંડુ ઢેબરૂં ખાવાનુ છે, માથે મોભ છે ત્યાં લગી ઠીક છે પછી મારૂં શું થશે?”
થોડા વર્ષોથી ગરમ જમવાની ટેવ પડ્યા પછી પાંચ મિનીટ પહેલાનુ ઢેબરૂં પણ ઠંડુ લાગે અને બધા આટલું ધ્યાન રાખતા હોય તો પણ અસુરક્ષિતા ની ભાવના એંસી વર્ષે પણ સ્ત્રી મા જાગે તે સ્વભાવની વાત છે.

શૈલા મુન્શા. તા ૦૫/૧૯/૨૦૧૦

January 18th 2009

નિવૃતિ નિવાસ

પુરુષોત્તમ ભાઈ -લેખિકા-શૈલા મુન્શા (વાર્તા)

મહાબળેશ્વરનાં કુદરતી સાનિધ્યમાં પહાડો અને ખળખળ વહેતાં ઝરણાની પાડોશમા એક વિશાળ બંગલો. કોઈ અમીરની કૃપાથી એ બંગલાનુ નિવૃતિ નિવાસમાં રુપાંતર થયું જ્યાં પંદર થી વીસ વ્યક્તિઓ આરામથી દરેક પ્રકારની સુખસગવડ સાથે રહી શકે.જ્યાં સ્વજનોથી તરછોડાયેલા વ્યક્તિને પોતાપણાનો અહેસાસ થાય. જ્યાં જાતપાત કે ધર્મના વાડામાં બંધાયા વગર જીવનની પાછલી અવસ્થા શાંતિથી પસાર થાય. (more…)

« Previous Page
Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help